ગુજરાતનો નૉન-વેજ ફૂડનો આખો વિવાદ શું છે?

    • લેેખક, રૉક્સી ગાગડેકર છારા
    • પદ, બીબીસી સંવાદદાતા

રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનથી શરૂ થયેલું ઈંડાં અને ચિકનની લારીઓને જાહેર રસ્તાઓ પરથી હઠાવવાનું અભિયાન વડોદરા અને અમદાવાદ સુધી પણ પહોંચી ચૂક્યું છે.

મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ નૉન-વેજ ફૂડની લારીઓને રસ્તાઓ પરથી હઠાવાની ડ્રાઇવ શરૂ કરી હતી.

લોકો રસ્તા પરથી લારીઓ હઠાવવા મુદ્દે કહી રહ્યાં છે કે નૉનવેજ પણ ગુજરાતમાં તમાકુ અને દારૂ સમાન બની ગયું છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લોકો રસ્તા પરથી લારીઓ હઠાવવા મુદ્દે કહી રહ્યાં છે કે નૉનવેજ પણ ગુજરાતમાં તમાકુ અને દારૂ સમાન બની ગયું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની હદમાં આવેલી અનેક નૉન-વેજ ફૂડની લારીઓ દૂર કરવામાં આવી પણ તેની સાથે-સાથે શહેરમાં અમુક વિરોધપ્રદર્શનો પણ જોવા મળ્યાં હતાં.

હજી સુધી રાજકોટ અને અમદાવાદમાં અમુક સ્થળોએ લોકોએ આ નિર્ણયનો વિરોધ કર્યો છે.

અમદાવાદ અને રાજકોટના મેયરોને લારીગલ્લાના માલિકો એ મળીને આવેદનપત્રો આપ્યાં. જોકે તે પહેલાં ગુજરાત ભાજપના પ્રમુખ સી. આર પાટીલે એક નિવેદન આપીને આખી પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કહ્યું કે, "કોઈ પણ લારી કે ગલ્લા ને માત્ર એટલા માટે નહીં ખસેડવામાં આવે કારણ કે તે ઈંડાં કે નૉન-વેજીટેરીયન ફૂડ વેચે છે."

ઘણા લોકો માને છે કે આ નિવેદન પછી કદાચ આ આખો વિવાદ થાળે પડી શકે છે.

line

શું છે વિવાદ?

લારી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 9 નવેમ્બરના રોજ રાજકોટના ફૂલછાબ ચોક પરથી ઈંડાંની લારીઓ દૂર કરવાનું કામ શરૂ થયું હતું.

રાજકોટના મેયર પ્રદીપ ડવે અગાઉ કહ્યું હતું કે, "તેમને લોકો તરફથી ખૂબ ફરિયાદો મળે છે, જેમાં કહેવામાં આવ્યું છે કે લોકો જ્યારે જાહેરમાર્ગ પર જાય છે, ત્યારે તેમને નૉન-વેજની લારીઓને કારણે આંખમાં બળતરા થાય છે અને તેની સતત વાસ આવતી રહે છે."

જોકે, ત્યારબાદ રાજકોટ મેયરની અધ્યક્ષતામાં એક મીટિંગ મળી હતી અને નિર્ણય લેવાયો હતો કે ફૂલછાબ ચોક પરથી તમામ ઈંડાં-ચિકનની લારીઓ દૂર કરવામાં આવે.

તારીખ 20મી ઑક્ટોબરની રાજકોટ મ્યુનિસિપાલિટીની એક પ્રેસનોટમાં તેમણે જણાવ્યું હતું :

"શહેરની વસતી વધી રહી છે, તેની સાથે-સાથે ઈંડાંની લારીઓ પણ વધી રહી છે અને લોકોની ફરિયાદો હોવાને કારણે આ તમામ લારીઓને મુખ્ય માર્ગથી દૂર કરવાની જરૂર છે."

ત્યાર બાદ નવમી નવેમ્બરના રોજ ફૂલછાબ ચોક પરથી ઈંડાંની લારીઓ દૂર કરવાનું કામ શરૂ થયું હતું.

જોકે, આ નિર્ણયના ત્રણ દિવસ બાદ વડોદરા મ્યુનિસિપાલિટીએ પણ જાહેર મુખ્ય માર્ગો પરથી ઈંડાંની લારીઓ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો અને તેના અમુક દિવસો બાદ મંગળવારના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને પણ આવો જ નિર્ણય કરીને ઈંડાંની લારીઓ મુખ્યમાર્ગો પરથી હઠાવવાની ઝુંબેશ શરૂ કરી હતી.

જોકે માત્ર ઈંડાંની લારીઓ દૂર કરવાની ઝુંબેશથી શરૂ થયેલું આ કાર્ય પછી તમામ પ્રકારના ફૂડ જૉઇન્ટની લારીઓને દૂર કરવાનું કારણ બની રહ્યું છે.

line

વિરોધ કોણ કરી રહ્યા છે?

ગુજરાતમાં અમદાવાદ સહિત ઘણાં સ્થાનિક તંત્રોએ જાહેરમાં ઈંડાં અને માંસનું વેચાણ કરતાં લારી-ગલ્લાં હઠાવવા સહિતના નિર્ણયો કર્યા છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં અમદાવાદ સહિત ઘણાં સ્થાનિક તંત્રોએ જાહેરમાં ઈંડાં અને માંસનું વેચાણ કરતાં લારી-ગલ્લાં હઠાવવા સહિતના નિર્ણયો કર્યા છે

જોકે, આ સમગ્ર વિવાદમાં લારી-ગલ્લાના માલિકો મુખ્યત્વે વિરોધ કરી રહ્યા છે. જેમ સૌથી પહેલાં ઈંડાંની લારીઓ હઠાવવાની ઝુંબેશ રાજકોટથી શરૂ થઈ તેમ વિરોધ પણ રાજકોટથી જ શરૂ થયો હતો.

રાજકોટના કુરેશ સમાજના પ્રમુખ, હબીબ કુરેશે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું :

"કોરોનાના સમય બાદ મુસ્લિમ સમાજના અનેક પરિવારો ધીરે-ધીરે ફરીથી પોતાનું જીવન સારી રીતે વિતાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. એક તરફ વધતી જતી મોંઘવારી અને બીજી બાજુ કોઈ પણ કામધંધો નથી, આવી પરિસ્થિતિમાં કૉર્પોરેશનના આ નિર્ણયે અમારી કમર તોડી નાખી છે. આમેય ઈંડાંની લારીમાં ઓછો વેપાર હતો અને હવે તે સાવ બંધ થઈ ચુક્યો છે, તો આ લોકોએ હવે શું કરવું તે સમજ પડતી નથી."

તેમણે કહ્યું કે, "જો લોકોનાં કામધંધા આવી રીતે છિનવાતાં રહેશે તો ઘણા યુવાનો ખોટા માર્ગે પણ જઈ શકે છે."

આવી જ રીતે અમદાવાદમાં પણ વિવિધ વિરોધપ્રદર્શન થયાં હતાં.

line

ઈંડાંની લારીવાળાની જવાબદારી કૉર્પોરેશન લઈ લે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

રાજકોટ, વડોદરા અને અમદાવાદમાં હાલમાં ભાજપની ચૂંટાયેલી પાંખ સત્તામાં છે.

એક તરફ જ્યારે ઈંડાંની લારીઓને લઈને આ નિર્ણય આવ્યો છે, ત્યાં બીજી બાજુ AIMIM સિવાય આ લખાય છે ત્યાં સુધી બીજી કોઈ રાજકીય પાર્ટીએ આ નિર્ણયનો નોંધપાત્ર વિરોધ કર્યો ન હતો.

લારીગલ્લાના માલિકોનો એક જૂથ AIMIMના નેતાઓ સાથે મંગળવારના રોજ મેયરને મળીને તેમને ઈંડાં ભેંટ તરીકે આપીને વિરોધ કર્યો હતો.

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ AIMIM નેતા શમશાદ પઠાણ સાથે વાત કરી તો તેમણે કહ્યું, "ઈંડાં તો અમને ગેટથી અંદર ન લઈ જવા દીધા, પરંતુ અમે મેયરને વિનંતી કરી છે કે ઈંડાંની લારી-ગલ્લાવાળાઓનો સ્થળ પર સર્વે થવો જોઈએ અને તેમની રેકડીઓ કાયદેસર કરવાની કામગીરી શરૂ થવી જોઈએ."

"તેમનાં બાળકોને ભણાવવવાની જવાબદારી પણ કૉર્પોરેશને લઈ લેવી જોઈએ. આવું કરવાથી ઈંડાંની લારીઓથી થતી ટ્રાફિકની સમસ્યાનું નિવારણ થશે અને આ લોકો પગભર થશે. જોકે તેમની આ રજૂઆતનો તેમને કોઇ જવાબ મળ્યો નથી."

line

ભાજપના નેતાઓનાં અલગ-અલગ નિવેદનો

સી.આર. પાટીલ

ઇમેજ સ્રોત, cr patil twitter

ઇમેજ કૅપ્શન, સી. આર. પાટીલે કહ્યું હતું કે, "કોઈ લારી - ગલ્લાને માત્ર એટલા માટે નહીં હઠાવવામાં આવે કે તે ઈંડાં અને નૉન-વેજ વેચે છે."

જોકે, એક તરફ જ્યારે રાજકોટના મેયર, વડોદરા અને અમદાવાદનાં સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅને મિડિયામાં નિવેદનો આપ્યાં હતાં કે ઈંડાંની લારીઓ ટ્રાફિકની સમસ્યા ઊભી કરે છે માટે તેને હઠાવવી જરૂરી છે.

બીજી બાજુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ ખાતેની એક સભામાં કહ્યું હતું કે લોકો કંઈ પણ ખાઈ શકે છે, તેની સામે કોઈ વિરોધ નથી, પરંતુ ફૂટપાથ પરના લારી-ગલ્લાને કારણે લોકોને કોઈ અડચણ ન થાય અને લોકોનું સ્વાસ્થ્ય ખરાબ ન થાય તે પ્રકારની કાળજી લેવી જરૂરી છે.

જોકે મંગળવારના રોજ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે એક નિવેદન આપીને આ વિવાદ પૂરો કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, "કોઈ લારી-ગલ્લાને માત્ર એટલા માટે નહીં હઠાવવામાં આવે કે તે ઈંડાં અને નૉન-વેજ વેચે છે."

તેમના આ નિવેદનની ગણતરીના કલાકો બાદ રાજકોટ મેયર પ્રદીપ ડવે પત્રકારોને કહ્યું હતું કે, "ઈંડાંની લારીવાળા સાથે કોઈ વાંધો નથી, જાહેરરસ્તા સિવાય તેઓ ગમે ત્યાં ધંધો કરી શકે છે અને હવેથી તેમની રેકડી નહીં ઉપાડવામાં આવે."

વીડિયો કૅપ્શન, નૉન-વેજ સહિતની લારીઓ પર તવાઈ છતાં પાટીલે કહ્યું આવો કોઈ નિર્ણય લેવાયો જ નથી
line

ગુજરાત અને નૉન-વેજ ફૂડ

ગુજરાતી થાળી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં વધુ પડતા શાકાહારી રહેતા હોવાની માન્યતા છે.

રાજ્યમાં રહેતા વિવિધ સમાજોનો ઝીણવટથી અભ્યાસ કરી ચૂકેલા સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની સાથે બીબીસી ગુજરાતી સાથે આ અંગે વાત કરી.

જાનીએ કહ્યું કે, "સેન્ટ્રલ રજિસ્ટ્રેશન સિસ્ટમના 2014ના અભ્યાસ પ્રમાણે ગુજરાતમાં 39.5 ટકા લોકો નૉન-વેજિટેરિયન છે. મુખ્ય મુદ્દો એ નથી કે લોકો શું ખાય છે અને શું નથી ખાતા પરંતુ મુદ્દો એ છે કે, ગુજરાતના સવર્ણ વર્ગે, ખાસ તો જે વેપાર કરે છે તેવા લોકોએ ગુજરાત રાજ્યની એક ખોટી છબિ ઊભી કરી છે, જેમાં તેમનું ભોજન અને તેમની વાનગીઓ જ ગુજરાતી વાનગીઓ બની ગઈ છે અને બાકી તમામ સમાજોની વાનગીઓ ભૂંસાઈ ચૂકી છે."

ગૌરાંગ જાની આ અંગે મહત્ત્વપૂર્ણ મુદ્દો ઉઠાવતાં આગળ જણાવે છે કે, "ગુજરાતમાં ક્ષત્રિય, દલિત, આદિવાસીઓ સહિત અનેક સમાજો હજી સુધી નૉન-વેજ ફૂડ ખાય છે, તેમને એવું લાગાડવામાં આવે છે કે તેઓ સારી વ્યક્તિ નથી, કારણ કે તેઓ માંસાહાર ભોજન લે છે. પરંતુ તે તેમની સંસ્કૃતિ છે. તેમનું કહેવું છે કે બીજાં તમામ રાજ્યોની સરખામણીમાં ગુજરાત રાજ્યનું સંસ્કૃતિકરણ સૌથી વધારે અને વધુ ઝડપે થયું છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો