You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દિવાળી બાદ હું બૉમ્બ ફોડીશ', નવાબ મલિકના આરોપો પર દેવેન્દ્ર ફડણવીસનો જવાબ
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે ડ્રગ્સ મામલે એનસીબી પ્રમુખ સમીર વાનખેડે બાદ હવે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે.
તેમણે કહ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસને ડ્રગના કારોબારીઓ સાથે ગાઢ સંબંધ છે. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય નેતાઓના પણ ડ્રગ્સના કારોબારીઓ સાથે સંબંધ છે.
જોકે, ફડણવીસે પોતાના પર લગાવાયેલા તમામ આરોપોથી ઇનકાર કર્યો છે.
નવાબ મલિકે એક પત્રકારપરિષદમાં કહ્યું કે, "મહારાષ્ટ્રમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસ મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમનાં પત્નીએ 'ચલ-ચલ મુંબઈ'નામથી એક રિવર સૉન્ગ બનાવ્યું હતું."
"તેમાં સોનુ નિગમ અને દેવેન્દ્ર ફડણવીનાં પત્નીએ ગીત ગાયું હતું. તેમાં દેવેન્દ્ર ફડણવીસ અને નાણામંત્રી સુધીર મુનગંટીવારે પણ અભિનય કર્યો હતો."
"આ ગીતના ફાઇનાન્સ હેડ જયદીપ રાણા હતા. દિલ્હીના 2020ના એક મામલે જયદીપ રાણા જેલમાં બંધ છે. તેમની ધરપકડ ડ્રગ સ્મગલિંગના કેસમાં થઈ છે."
"દેવેન્દ્ર ફડણવીસ અને જયદીપ રાણાના ખૂબ ગાઢ સંબંધ હતા. ગણપતિદર્શન માટે દેવેન્દ્ર ફડણવીસ અને જયદીપ રાણા સાથે હતા, જેની તસવીર પણ છે."
નવાબ મલિકે દેવેન્દ્ર ફડણવીસ અને તેમનાં પત્ની અમૃતા ફડણવીસના અમુક ફોટો ટ્વીટ કર્યા છે. જેમાં બંને એક શખ્સ સાથે દેખાય છે. આ શખ્સને નવાબ મલિકે જયદીપ રાણા ગણાવ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સાથે જ તેમણે દેવેન્દ્ર ફડણવીસ અને તેમનાં પત્નીના જયદીપ રાણા સાથે સંબંધ સ્થાપિત કરવા માટે એક દસ્તાવેજ પણ જાહેર કર્યો છે.
જયદીપ રાણાને લઈને નવાબ મલિકે કહ્યું, “રિવર સૉન્ગની એ ડિટેઇલ જે જયદીપ રાણાને ફાઇનાન્સ હેડ ગણાવે છે. આ ગીત અમૃતા ફડણવીસે ગાયું હતું. વીડિયોમાં દેવેન્દ્ર ફડણવીસ અને સુધીર મુનગંટીવાર ઍક્ટર તરીકે છે.”
તેમણે અમૃતા ફડણવીસની જયદીપ રાણા સાથેની તસવીર પોસ્ટ કરી અને લખ્યું કે, “ચાલો આજે ભાજપ અને ડ્રગ્સ પેડલરના સંબંધો પર ચર્ચા કરીએ.”
નવાબ મલિકે પત્રકારપરિષદમાં વધુ એક શખ્સ નીરજ ગુંડેનું પણ નામ લીધું અને આરોપ લગાવ્યો કે તેઓ દેવેન્દ્ર ફડણવીસ માટે બદલી અને ઉઘરાણીનું કામ કરે છે.
તેમણે કહ્યું, “દેવેન્દ્ર ફડણવીસની નિકટની એક વ્યક્તિ નીરજ ગુંડે આ જ શહેરમાં રહે છે. જેમની પાછલી સરકારમાં મુખ્ય મંત્રી આવાસ અને કાર્યાલય સુધી સંપૂર્ણ પહોંચ હતી."
"પોલીસ અને અધિકારીઓની બદલીના નિર્ણય તેઓ લેતા હતા. તેમના મારફતે જ મહારાષ્ટ્રમાં ઉઘરાણી કરાતી હતી. દેવેન્દ્રજી જ્યારે પણ પુણે જતા ત્યારે સાંજે તેમના ઘરે હાજરી આપતા હતા. તેઓ સતત નીરજ ગુંડેના ઘરે બેસતા હતા.”
નવાબ મલિકે કહ્યું, “સરકાર બદલાયા બાદ નીરજ ગુંડે તમામ કેન્દ્રીય એજન્સીઓમાં ફરતા જોવા મળી રહ્યા છે. સમીર વાનખેડેની બદલી પાછળ પણ દેવેન્દ્ર ફડણવીસ છે. તેમને એટલા માટે લાવવામાં આવ્યા છે જેથી તેઓ પબ્લિસિટી કરીને ગેરકાયદેસર રીતે લોકોને ફસાવી શકે અને ડ્રગની રમત મુંબઈ અને ગોવામાં ચાલ્યા જ કરે.”
તેમણે અમુક લોકોનાં નામ લેતાં એ પણ પૂછ્યું છે કે મોટા-મોટા ડ્રગ પેડલરોને કેમ છોડી મૂકવામાં આવે છે.
દેવેન્દ્ર ફડણવીસે આપ્યો જવાબ
હવે પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકના આરોપોના જવાબ આપ્યા છે. તેમણે નવાબ મલિકના આરોપોથી ઇનકાર કર્યો છે અને મલિકના અંડરવર્લ્ડ સાથે સંબંધ હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે તેઓ દિવાળી બાદ બૉમ્બ ધડાકો કરશે.
દેવેન્દ્ર ફડણવીસે પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું કે, “નવાબ મલિકે જે આરોપ લગાવ્યા છે તે હાસ્યાસ્પદ છે. મુંબઈના રિવર માર્ચ સંગઠને એક રિવર ઍન્થમ તૈયાર કર્યું હતું."
"તે માટે એ ટીમ અમારી પાસે આવી હતી. સમગ્ર ટીમે અમારી સાથે ફોટો પડાવ્યા. તે વ્યક્તિની ચાર વર્ષ પછી એનસીબીએ ધરપકડ કરી છે. તે આધારે તેઓ સંબંધ સ્થાપિત કરવા માગે છે.”
“તે શખ્સના મારી સાથે પણ ફોટો છે, પરંતુ તેમણે તે ટ્વીટ ન કર્યાં. મુખ્ય મંત્રી સાથે તો કોઈ પણ વ્યક્તિ ફોટો પડાવી શકે, તેથી મારાં પત્ની સાથેનો ફોટો તેમણે ટ્વીટ કર્યો છે.”
તેમણે કહ્યું, “હું પૂછવા માગું છું કે જો ત્રીજી વ્યક્તિ સાથે ફોટો આવી જવાથી ભાજપનું ડ્રગ્સ સાથે કનેક્શન બને, તો એનસીપીના મંત્રી નવાબ મલિક સાથે રહેનારા જમાઈ પાસે ગાંજો મળ્યો તેના આધારે સમગ્ર એનસીપી ડ્રગ કારોબારમાં સામેલ હોવી જોઈએ.”
દેવેન્દ્ર ફડણવીસે નવાબ મલિકનાં અંડરવર્લ્ડ કનેક્શન હોવાની વાત પણ કહી અને તેના પુરાવા આપવાનો પણ દાવો કર્યો.
નીરજ ગુંડેને લઈને તેમણે કહ્યું કે નવાબ મલિકને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પૂછવું જોઈએ કે કેટલી વખત નીરજ ગુંડે તેમના ત્યાં અને તેઓ નીરજ ગુંડેના ઘરે ગયા છે.
દેવેન્દ્ર ફડણવીસે આરોપ લગાવ્યો કે નવાબ મલિક પોતના જમાઈ વિરુદ્ધ દાખલ કરાયેલી ચાર્જશીટને લઈને તેઓ એનસીબીના અધિકારીઓ પર દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ સામે પ્રશ્ન
આ પહેલાં નવાબ મલિકે અનુસૂચિત જાતિ પંચના ઉપાધ્યક્ષ અરુણ હલધરના સમીર વાનખેડેના ઘરે જવાને લઈને પ્રશ્ન ઉઠાવ્યા હતા.
તેમણે કહ્યું કે, “તેમના ઘરે જઈ કાગળો ઊલટસીધા કરીને તપાસે છે અને ક્લીનચિટ આપી દે છે કે દસ્તાવેજ યોગ્ય છે. ત્યાર બાદ રાજ્યમંત્રી સ્વયં બેસીને વાનખેડે સાથે પ્રેસને સંબોધિત કરે છે."
"જેમણે ખોટી રીતે સર્ટિફિકેટ લીધું છે, તેમનું સમર્થન કરે છે તે દુર્ભાગ્યપૂર્ણ છે. અરુણ હલધર પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હશે પરંતુ તેમણે એ સમજવું પડશે કે એસસી કમિશનની જવાબદારી શું છે.”
નવાબ મલિકે કહ્યું કે જો કોઈ વ્યક્તિનું સર્ટિફિકેટ નકલી છે તો તેને તપાસીને પ્રમાણિત કરવાની સત્તા અનુસૂચિત જાતિ કમિશનને નથી.
કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે પણ સમીર વાનખેડેનાં પત્ની ક્રાંતિ ખેડકર સાથે મળ્યા હતા અને પરિવારનું સમર્થન કર્યું હતું.
નવાબ મલિકે સમીર વાનખેડે પર અનુસૂચિત જાતિનું નકલી સર્ટિફિકેટ આપાવાનો આરોપ મૂક્યો છે. જોકે, સમીર વાનખેડે અને તેમનાં પત્નીએ તેનાથી ઇનકાર કર્યો છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો