You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
#KanyaMaan: આલિયા ભટ્ટની જાહેરાત પર કેમ થઈ રહ્યો છે વિવાદ?
તમારા લગ્ન થયાં ત્યારે કે તમે કોઈ લગ્નમાં હાજરી આપી હોય ત્યારે, તમને ક્યારેય ‘કન્યાદાન’ કેમ કરવામાં આવે છે એવો સવાલ થયો છે?
‘કન્યાદાન’ એ સામાજિક-ધાર્મિક પરંપરા છે અને આ જ પરંપરા અંગે એક ઍડવર્ટાઇઝમૅન્ટના કારણે વિવાદ સર્જાયો છે.
તમે માન્યવર મોહેની નવી ઍડવર્ટાઇઝમૅન્ટમાં વિશે, તેને લઈને ચાલી રહેલા વિવાદ વિશે સાંભળ્યું હશે. આ ઍડમાં આલિયા ભટ્ટ જોવા મળી રહ્યાં છે. આ ઍડવર્ટાઈઝમૅન્ટ ‘કન્યાદાન’ જેવા મામલે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે.
આ ઍડવર્ટાઇઝમૅન્ટમાં આલિયા એક દુલ્હન તરીકે જોવા મળે છે. તે લગ્નના મંડપમાં બેસીને સમાજના રીત-રિવાજ અને પરંપરા વિશે સવાલ ઉઠાવે છે, જે મોટાભાગે લગ્ન કરતી ઘણી છોકરીના મનમાં આવતાં હશે.
ઍડમાં ‘કન્યાદાન’ના બદલે ‘કન્યામાન’નો આઇડિયા આપવામાં આવી રહ્યો છે.
આલિયા ભટ્ટ કહે છે, “દાદી નાનપણથી કહે છે, જ્યારે તુ તારા ઘરે જઈશ તને ખૂબ યાદ કરીશ... આ ઘર મારું નથી?... પપ્પાની બગડેલી દીકરી છું, મોઢામાંથી વાત નીકળી અને ડન. બધા કહેતા હતા કે કોઈનું ધન છે આટલી ન બગાડો, તેમણે ન સાંભળ્યું... પણ એ પણ ન કહ્યું કે ન હું બીજા કોઈની છું, ન ધન... મા મને ચકલી બોલાવે છે. કહે છે કે તારા દાણા-પાણી બીજે ક્યાંક છે... પણ ચકલી પાસે તો આખું આકાશ હોય છે ને... અલગ થઈ જવું, બીજા કોઈનું, બીજા કોઈના હાથમાં સોંપવું... હું કોઈ દાન કરવાની વસ્તુ થોડી છું? તો કેમ ખાલી કન્યાદાન?”
ઍડના અંતમાં જોઈ શકાય છે કે વરરાજાના માતાપિતા કન્યાદાનના સમયે દીકરાનો હાથ આગળ કરે છે. અંતમાં આલિયા કહે છે, ‘નવો આઇડિયા, કન્યામાન.’
‘કન્યામાન’ને લઈને વિવાદ
હવે આ ઍડને લઈને લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ જ્યાં આલિયા ભટ્ટની પ્રશંસા થઈ રહી છે, બીજી તરફ ટીકા કરવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમુક લોકો આ ઍડને સકારાત્મક સંદેશ ગણાવે છે તો અમુક તે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાની વિરુદ્ધ લાગે છે.
લોકો માન્યવર મોહે પર હિંદુ સંસ્કૃતિના અપમાનનો આરોપ લગાવી રહ્યા છે. સાથે જ આલિયા ભટ્ટ અને તેમનાં પરિવારને લઈને વિવાદાસ્પદ વાતો લખી રહ્યા છે.
સૌથી પહેલાં તો પોતાને પોતાને મણિકર્ણિકા અને નારી શક્તિનો અવાજ ગણાવતાં કંગના રનૌતે જ ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ લખી છે. તેમણે આલિયાને ટૅગ કરીને ઍડના આઇડિયા પર સવાલ ઉઠાવ્યા છે.
મોહિત વર્મા નામના એક ટ્વિટર યૂઝર લખે છે, “અમારા ઘરે બે લગ્ન સમારોહ છે. હું મારા પરિવાર અને મિત્રોને પણ કહીશ કે તેઓ માન્યવરમાંથી ખરીદી ન કરે. તમારી કન્યામાન ઍડ હિંદુઓની લાગણીની વિરુદ્ધ છે. પહેલાં કન્યાદાનનો મતલબ સમજો. હિંદુઓનો અને તેમની પ્રથાનો વિરોધ કરવાનું બંધ કરો.”
મંજીત શર્મા લખે છે, “હિંદુઓના વિશ્વાસની આ રીતે મજાક ઉડાવવા બદલ તેમને સજા મળવી જોઈએ. મેં ઑનલાઇન ફરિયાદ નોંધાવી છે અને આપણે આ કરવું જોઈએ.”
સુનીલ મેનન લખે છે, “તેમની આખી ઍડવર્ટાઇઝમૅન્ટ ધારણા પર આધારિત છે જેમાં કહેવાઈ રહ્યું છે કે કન્યાદાન દીકરીઓનું અપમાન કરે છે. તેઓ ભૂલી ગયા છે કે કન્યાદાન તે પોતે એક દીકરીઓ માટે સન્માન છે. એટલે કન્યામાન કરવું એ માત્ર માર્કેટિંગ માટે છે જે ખૂબ ખરાબ છે.”
સોશિયલ ઍક્ટિવિસ્ટ નામના એક અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે, “આ તસવીરમાં જોવા મળે છે ભટ્ટ પરિવારની પારિવારિક પરંપરા. આ પ્રકારના સસ્તાં પબ્લિસિટી સ્ટંટ કરવાનું છોડો.”
અંકિત કશ્યપ લખે છે, “જો તમે કોઈ પરંપરાનો વિરોધ કરવા માગો છો તો પૂરી રીતે કરો. કન્યાદાનનો જ વિરોધ કેમ? વિદાયનો કેમ નહીં, કેમ નવી દુલ્હને પતિના જ ઘરે જવું પડે છે. જાન લઈને કન્યા વરના ઘરે કેમ નથી જતી? મારા ધર્મનો ઉપયોગ કરવાનું બંધ કરો.”
વિરોધીઓની આ યાદી તો ખૂબ લાંબી છે. પણ સાથે જ કેટલાક એવા લોકો પણ છે જે આ ઍડને સમર્થન આપી રહ્યા છે.
અનુપમા નામનાં એક ટ્વિટર યૂઝર લખે છે, “આ પ્રગતિશીલ સંદેશ સમાનતાને પ્રોત્સાહન આપે છે. કેમ દીકરીઓને જ આપવામાં આવે છે?”
સ્પૉટબૉય નામના ટ્વિટર અકાઉન્ટથી લખાયું છે, “નવો આઇડિયા, કન્યામાન. અમને ખૂબ પસંદ પડી.”
તુષ્ણા લખે છે, “ખૂબ જ સુંદર રીતે લખાયું છે. ખૂબ જ સારો સવાલ. કન્યામાન કરો. કન્યાદાન નહીં.”
સપિયો સિખની નામના ટ્વિટર અકાઉન્ટથી લખાયું, “આ રીતે સતિપ્રથા પણ ઘણા મૂર્ખ લોકો માટે યોગ્ય હતી. લોકો અભણ લોકોની જેમ ઝઘડો કરી રહ્યા છે. આલિયા ભટ્ટ અને માન્યવર પર ગર્વ છે કે તેમણે આટલી સારી રીતે મજબુત સંદેશ આપ્યો છે.”
સન્ની બિંગા લખે છે, “મને આ ઍડમાં કંઈ ખોટું દેખાયું નથી. કોઈને કન્યામાનના વિચારથી વાંધો કેમ છે જે તમારી દીકરીને બીજા કોઈને દાન કરવાની બદલે માન આપે છે”
ઍડવર્ટાઇઝમૅન્ટની બદલતી દુનિયા
ઍડવર્ટાઇઝમૅન્ટમાં સમયની સાથે કેટલાક પરિવર્તનો જોવા મળી રહ્યા છે, જેમાં કેટલીક ઍડમાં સમાજના મુદ્દાઓ લક્ષી સંદેશ આપવામાં આવતા હોય છે.
હાલ જ કેડબરીની એક ઍડવર્ટાઇઝમૅન્ટ આવી છે, જે જૂની ધારણાઓને તોડે છે.
આ ઍડની પણ ખૂબ પ્રશંસા થઈ રહી છે અને કહેવામાં આવી રહ્યું છે કે લોકો જૂની યાદોને ફરી જીવવા જેવો અનુભવ કરી રહ્યા છે. આ એક સકારાત્મક વિચારને દર્શાવે છે, જ્યાં એક મહિલા ક્રિકેટર મૅચમાં છગ્ગો મારે છે અને તેની ઉજવણી એક ભાવુક પુરુષ કરે છે. આવું સામાન્યપણે જોવા મળતું નથી. આ ઍડ #GoodLuckGirls સાથે સમાપ્ત થાય છે.
આ પહેલાં પણ તનિષ્કની એક ઍડ આવી હતી. આ ઍડમાં અલગ અલગ સમાજમાં થયેલા લગ્ન બતાવવામાં આવ્યા હતા અને તેમાં એક મુસ્લિમ પરિવાર હિંદુ વહુની સીમંતની રીત નિભાવી રહ્યો છે. આ ઍડ પણ ખૂબ વિવાદમાં સપડાઈ હતી અને તનિષ્કે તેને હઠાવવી પડી હતી.
હવે ફરી એક વખત મોહેની ઍડ સાથે આલિયા અને માન્યવરની ચર્ચા થઈ રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો