પવારે કૉંગ્રેસની સરખામણી પોતાની હવેલી પણ સંભાળી ન શકનારા જમીનદાર સાથે કેમ કરી?

રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના અધ્યક્ષ શરદ પવારે કૉંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું છે.

શરદ પવારે ગુરુવારે કહ્યું કે કૉંગ્રેસ પાર્ટીએ એ સ્વીકાર કરવો જોઈએ કે 'કાશ્મીરથી કન્યાકુમારી' સુધી તેનો દબદબો હવે એવો નથી રહ્યો, જેવો પહેલાં હતો.

પવારે સંકેત આપ્યા કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનમાં તેમના સહયોગી દળે વાસ્તવિકતાની તપાસ કરવી જોઈએ.

પવારે કહ્યું કે "એક સમય એવો હતો જ્યારે કાશ્મીરથી કન્યાકુમારી સુધી કૉંગ્રેસ હતી, પણ હવે એવું નથી." આ (સત્ય) સ્વીકારવું જોઈએ. આને સ્વીકારવાની માનસિકતા (કૉંગ્રેસમાં) જ્યારે હશે ત્યારે નજીકના સંબંધો (અન્ય વિપક્ષી દળો સાથે) વધી જશે."

શરદ પવારે 'ઇન્ડિયા ટુડે સમૂહ'ના મરાઠી ડિજિટલ મંચ 'મુંબઈ તક'ને જણાવ્યું કે "જ્યારે નેતૃત્વની વાત આવે ત્યારે કૉંગ્રેસના મારા સહયોગી અલગ વલણ રાખવાના પક્ષમાં નથી."

શરદ પવારે કૉંગ્રેસ પર નિશાન સાધતાં કહ્યું કે "બધા પક્ષો, ખાસ કરીને કૉંગ્રેસના સહયોગીઓ પોતાના નેતૃત્વ પર અલગ વલણ અપનાવવા માટે તૈયાર નથી."

અહંકારને કારણે આવું છે? એમ પૂછતાં તેમણે એ જમીનદારોનો કિસ્સો સંભળાવ્યો જેણે પોતાની મોટા ભાગની જમીન ગુમાવી દીધી હતી અને હવેલી સંભાળવા પણ અસમર્થ હતા.

પવારે સંભળાવ્યો જમીનદારનો કિસ્સો

શરદ પવારે કહ્યું, "મેં ઉત્તર પ્રદેશના જમીનદારો અંગે એક કિસ્સો સંભળાવ્યો હતો, જેમની પાસે ઘણી જમીન અને મોટીમોટી હવેલીઓ હતી. જમીનસંપાદનને કારણે તેમની જમની ઓછી થઈ ગઈ. હવેલીઓ હતી પણ તેની સારસંભાળ અને સમારકામની ક્ષમતા (જમીનદારોની) નહોતી."

"તેમની કૃષિમાંથી થતી આવક પણ પહેલાં જેટલી નહોતી. હજારો એકર જમીનમાંથી તેમની પાસે 15-20 એકર જમીન રહી ગઈ. જમીનદાર જ્યારે સવારે ઊઠ્યો ત્યારે તેણે આસપાસનાં હર્યાંભર્યાં ખેતરો જોઈને કહ્યું કે બધી જમીન તેની છે. જે ક્યારેક તેની હતી, પણ હવે નથી."

પવારને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કૉંગ્રેસની તુલના બંજર ગામના પાટીલ (પ્રમુખ) સાથે કરી શકાય, તો તેમણે કહ્યું કે તેઓ આવી તુલના કરવા માગતા નથી.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં શિવસેના, કૉંગ્રેસ અને એનપીસીની સંયુક્ત ગઠબંધનથી સરકાર ચાલી રહી છે.

2024ની લોકસભા ચૂંટણી પહેલાં ભાજપવિરોધી મોરચાને એકજૂથ કરવાને લઈને ચર્ચા થતી રહી છે.

મમતા બેનરજી અગાઉ ત્રણ દિવસ માટે દિલ્હીની મુલાકાતે આવ્યાં હતાં.

તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, નીતિન ગડકરી અને સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી.

તેમણે વિપક્ષના અન્ય નેતાઓ સાથે પણ બેઠક કરી હતી, જોકે મમતા બેનરજી અને શરદ પવારની મુલાકાત થઈ શકી નહોતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો