You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુણે ગૅંગરેપ કેસ: પોલીસે ફોનથી મેળવી સગીરાની ભાળ, 16 લોકોની ધરપકડ
- લેેખક, રાહુલ ગાયકવાડ
- પદ, બીબીસી મરાઠી
મહારાષ્ટ્રના પુણેમાં 31 ઑગસ્ટથી 1 સપ્ટેમ્બર વચ્ચે 14 વર્ષીય છોકરી પર કથિત રીતે ગૅંગરેપ કરાયો હતો. પોલીસે આ મામલે 16 આરોપીની ધરપકડ કરી છે.
પહેલા પોલીસે આ મામલે આઠ લોકોની ધરપકડ કરી હતી. બાદમાં ગુરુવારે પાંચ વધુ લોકોની ધરપકડ કરી.
આ મામલે પોલીસે એક લૉજમાં કામ કરતા બે લોકો સમેત છોકરીના એક મિત્રની પણ ધરપકડ કરી છે.
પોલીસ અનુસાર, 31 ઑગસ્ટે 14 વર્ષીય આ છોકરી પોતાના મિત્રને મળવા પુણે રેલવે સ્ટેશન પહોંચી હતી, પરંતુ તેનો મિત્ર ત્યાં આવ્યો નહોતો.
આ દરમિયાન એક ઑટોરિક્ષાવાળાએ છોકરીને કહ્યું કે તે તેને ઘરે છોડી દેશે. પણ છોકરીને કોઈ અજાણી જગ્યાએ લઈ ગયો. બાદમાં તેણે તેના મિત્રોને ફોન કર્યો અને પછીના બે દિવસ સુધી અલગઅલગ જગ્યાએ તેઓ છોકરી પર રેપ કરતા રહ્યા.
બાદમાં તેમણે છોકરીને મુંબઈની એક બસમાં ચડાવી દીધી હતી.
મુંબઈ પોલીસના ડેપ્યુટી કમિશનર નર્મદા પાટીલે એક પત્રકારપરિષદમાં કહ્યું, "વનવાડી પોલીસ સ્ટેશનમાં છોકરીના પિતાએ તેની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે છોકરીની શોધ કરી અને તેનું નિવેદન લીધું છે."
"નિવેદનને આધારે આઠ આરોપીની રવિવારે ધરપકડ કરાઈ હતી. કોર્ટે આરોપીઓને 10 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફોનના લોકેશનથી છોકરીની ભાળ મળી
હાલમાં પીડિતાની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર જણાવાઈ રહી છે. પોલીસ કેસની તપાસમાં લાગેલી છે.
આરોપીઓની ઓળખ કરાઈ રહી છે, પીડિતાનું કહેવું છે કે તે એક પણ આરોપીને અગાઉથી જાણતી નહોતી.
નર્મદા પાટીલે જણાવ્યું કે કેટલાક આરોપી ઑટોરિક્ષાચાલક છે, જ્યારે બે રેલવે કર્મચારી જણાવાઈ રહ્યા છે.
પોલીસનું કહેવું છે કે આરોપીઓએ પીડિતાને મુંબઈની એક બસમાં બેસાડી દીધી હતી. બાદમાં તે તેના મિત્રો સાથે ચંદીગઢની ટ્રેનમાં ચડી ગઈ હતી.
પીડિતાનો મોબાઇલ બંધ હતો, પરંતુ જેવો ફોન ચાલુ થયો કે પોલીસ તેના લોકેશનની ખબર પડી કે તે ચંદીગઢની ટ્રેનમાં છે.
પોલીસની એક ટીમ તરત પ્લેનથી ચંદીગઢ જવા નીકળી ગઈ. પોલીસે પીડિતાના મિત્રને અટકાયતમાં લીધો અને બાદમાં એ લૉજના બે લોકોને પણ અટકાયતમાં લીધા, જ્યાં છોકરી પર રેપ કરાયો હતો.
ભાજપે પૂજા ચ્વહાણ મામલે સવાલ ઉઠાવ્યા
મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ ચિત્રા વાઘે પુણે પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા સાથે મુલાકાત કરી અને કેસની તાત્કાલિક તપાસ માટે પુણે પોલીસને બિરદાવી. પણ સાથે જ તેમણે પૂજા ચ્વહાણ મામલે કેટલાક સવાલ પણ ઉઠાવ્યા.
ચિત્રા વાઘે પૂછ્યું કે પૂજા ચ્વહાણ મામલે આટલી ઝડપી તપાસ કેમ ન કરાઈ.
તેમણે કહ્યું, "આ એ જ પુણે પોલીસ છે અને એ જ મુખ્યાલય છે. સંજય રાઠોડને કેસ પણ આ વિસ્તારનો છે, પરંતુ તેની સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી."
કેટલાક મહિના પહેલાં પુણેમાં એક યુવતી પૂજા ચ્વહાણે આત્મહત્યા કરી હતી. આ મામલે શિવસેનાના ધારાસભ્ય અને તત્કાલીન મંત્રી સંજય રાઠોડ પર અનેક આરોપ લાગ્યા હતા.
આખરે સંજય રાઠોડને પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
પુણેમાં ઘટેલી આ સામૂહિક બળાત્કારની ઘટના અંગે વાત કરતાં સામાજિક કાર્યકર કિરણ મોઘેએ કહ્યું, "આ ઘટના અંગે જાણ થતાં હું હલબલી ગઈ હતી. આરોપીઓને એ વિશ્વાસ હશે કે તેઓ એક છોકરી સાથે બળાત્કાર કર્યા બાદ પણ પકડાશે નહીં."
"આપણે એ વિચારવાની જરૂર છે કે ગુનેગાર દેશના કાયદાથી કેમ નથી ડરતા. આપણે આ અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર છે કે આપણા સમાજમાં આ રીતની માનસિકતા કેમ પેદા થઈ રહી છે."
તેમણે કહ્યું, "આવી ઘટનાઓ મહિલાઓ પ્રત્યે નફરત દર્શાવે છે. મહિલાઓ સાથે કોઈ વસ્તુની જેમ વ્યવહાર કરવામાં આવે છે. એક આરોપી હોય કે અનેક- આપણે દરેક ઘટના પર ગંભીરતાથી વિચારવાની જરૂર છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો