You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મુઝફ્ફરનગર ખેડૂત મહાપંચાયત : રાકેશ ટિકૈતે કહ્યું - જીવ ભલે જાય પાછી પાની નહીં કરીએ
ખેડૂતનેતા રાકેશ ટિકૈત મુઝફ્ફરનગર ખાતે યોજાયેલી ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાની માગો પૂરી ન થાય ત્યાં સુધી દિલ્હીની બૉર્ડરો પરથી નહીં હઠે.
રાકેશ ટિકૈતે મુઝફ્ફરનગરમાં આયોજિત ખેડૂત મહાપંચાયતમાં કહ્યું કે ખેડૂતો પોતાનો વિજય ન થાય ત્યાં સુધી પાછળ નહીં હઠે.
ખેડૂત મહાપંચાયતનું આયોજન ત્રણ કૃષિકાયદાના વિરોધમાં કરાયું હતું. કાયદા પાછા ખેંચવાની માગને લઈને ખેડૂતો નવ મહિના કરતાં વધુ સમયથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂતો દિલ્હીની બૉર્ડર પર અડગ છે.
સમાચાર એજન્સી ANI પ્રમાણે રાકેશ ટિકૈતે કહ્યું, "અમે પ્રણ લઈએ છીએ કે અમે આંદોલનનું સ્થળ નહીં છોડીએ ભલે ત્યાં અમારી કબરો ખોદી નાખવામાં આવે. જરૂર પડ્યે અમે પ્રાણ ત્યાગી દઈશું, પરંતુ અમારી જીત ન થાય ત્યાં સુધી અમે આંદોલનસ્થળ છોડીશું નહીં."
ટિકૈતે કહ્યું કે, "ખેડૂત આંદોલન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી ભારત સરકાર ઇચ્છે છે. જ્યાં સુધી તેઓ અમારી માગો નહીં માને આંદોલન ચાલુ રહેશે. જ્યારે સરકાર વાતચીત કરશે તો અમે પણ કરીશું. દેશમાં આઝાદીની લડત 90 વર્ષ સુધી ચાલી, આ આંદોલન કેટલું લાંબું ચાલશે તેની અમને ખબર નથી."
ખેડૂત મહાપંચાયતમાંથી આવી રહેલી તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં પહોંચ્યા છે.
આ દરમિયાન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખેડૂત આદોલન સાથે પોતાનું સમર્થન વ્યક્ત કરતાં ટ્વિટર પર લખ્યું કે, "ગૂંજ રહી હૈ સત્ય કી પુકાર તુમ્હે સુનના હોગા, અન્યાયી સરકાર!"
બીજી તરફ ભાજપે ટિકૈત પર રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેન્દ્રીય મંત્રી અને મુઝફ્ફનગરના સાસંદ સંજીવ બાલયાને ANIને કહ્યું કે, "જો તેઓ (સંયુક્ત કિસાન મોરચા) રાજકારણમાં આવવા માગે છે. તો અમે તેમનું સ્વાગત કરીશું."
આ પહેલાં તેમણે 'બહારના લોકો' પર માહોલ ખરાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું, "અમારા જનપદે પાછલાં અમુક વર્ષોમાં ઘણા ખરાબ દિવસો જોયા છે, અમુક લોકો બહારથી આવીને માહોલ ખરાબ કરે છે. હવે મુઝફ્ફરનગર વિકાસના પથ પર અગ્રેસર છે, મને આશા છે કે પંચાયતનું શાંતિપૂર્ણ સમાપન થશે."
વરુણ ગાંધીના નિવેદનથી રાજકારણ ગરમાયું
મંચ પરથી ખેડૂતનેતા કહી રહ્યા છે કે, "સરકાર કહે છે કે અમુક ખેડૂતો કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેમણે અહીં આવીને જોવું જોઈએ. ખેડૂતનેતાઓએ કહ્યું અહીંનો અવાજ સંસદ સુધી પહોંચવો જોઈએ."
મુઝફ્ફનગરમાં હાજર બીબીસીના સહયોગી પત્રકાર સમીરાત્મજ મિશ્રે જણાવ્યું કે શહેરની GIC કૉલેજના વિશાળ મેદાનમાં સંયુક્ત ખેડૂત મોરચા તરફથી આયોજિત ખેડૂત મહાપંચાયત ચાલી રહી છે. પંચાયતમાં દેશનાં તમામ રાજ્યોમાંથી આવીને ખેડૂતો એકઠા થયા છે.
શહેરની તમામ સડકો પર લોકો જ લોકો દેખાઈ રહ્યા છે અને શહેરનાં મેદાન ગાડીઓ, ટ્રેક્ટરો અને બસોથી ભરાયેલાં છે.
મંચ પર ભારતીય ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકૈત અને અધ્યક્ષ નરેશ ટિકૈત સિવાય ખેડૂતમોરચાના લગભગ તમામ મોટા નેતા હાજર છે. કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ભારે સંખ્યામાં પોલીસ પણ તહેનાત કરવામાં આવી છે.
વરુણ ગાંધીની ટિપ્પણી
મુઝફ્ફનગરમાં થઈ રહેલી મહાપંચાયતની એક ક્લિપ શૅર કરવાની સાથે ભાજપના નેતા વરુણ ગાંધીએ ટ્વીટ કર્યું કે, "મુઝફ્ફરનગરમાં આજે લાખો ખેડૂતો પ્રદર્શનમાં જોડાયેલા છે. તેઓ આપણા જ લોકો છે. આપણે ફરી એક વાર તેમની સાથે સન્માનજનક રીતે વાત કરવાની જરૂર છે. તેમના દર્દ અને મુદ્દાઓને સમજવાની જરૂરિયાત છે. આપણે તેમના સુધી પહોંચવાની જરૂર છે."
વરુણ ગાંધીના ટ્વીટનું સ્ક્રીનશૉટ પોસ્ટ કરવાની સાથે રાષ્ટ્રીય લોકદળના નેતા જયંત ચૌધરીએ લખ્યું કે, "વરુણભાઈએ જે કાંઈ કહ્યું તેની પ્રશંસા કરવાની જરૂર છે પરંતુ ઉત્તર પ્રદેશમાં ખુરજાના ભાજપના ધારાસભ્ય વિજેન્દ્રસિંહની ટિપ્પણી જુઓ, વિજેન્દ્રસિંહ પોતાના વિધાનસભાક્ષેત્રમાં જઈને આ ફાલતુ નિવેદન આપે તો જાણીએ."
જયંતે આ સ્ક્રીનશૉટમાં વિજેન્દ્રસિંહનું ટ્વીટ પણ મૂક્યું છે. વિજેન્દ્રસિંહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, "માફ કરશો વરુણજી. તમારે ખેડૂતો અને રાષ્ટ્રવિરોધી તાકાતોમાં ફરક સમજવાની જરૂરિયાત છે."
જોકે, બાદમાં વિજેન્દ્રસિંહે આ ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
'ખેડૂતોના સન્માનથી સરકારને શો ખતરો?'
રાષ્ટ્રીય લોકદળના જયંત ચૌધરી પણ મહાપંચાયતમાં પહોંચ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ઘણી માળાઓ પહેરી છે. મને જનતાએ ઘણો પ્રેમ અને સન્માન આપ્યું. અન્નદાતાઓ પર પુષ્પ વરસાવીને તેમનું નમન અને સ્વાગત કરવા ઇચ્છતો હતો પરંતુ અમને પરવાનગી ન મળી. ખેડૂતોના સન્માનથી સરકારને શો ખતરો છે?"
સ્વરાજ ઇંન્ડિયાએ પોતાના ટ્વિટર હૅંડલથી ટ્વીટ કર્યું છે કે મહાપંચાયત શરૂ થઈ ગઈ છે.
પંચાયત શરૂ થાય એ પહેલાં ભારતીય ખેડૂત યુનિયનના મીડિયા પ્રભારી ધર્મેન્દ્ર મલિકે કહ્યું હતું કે, "દેશના ખૂણે-ખૂણેથી ખેડૂતો આ મહાપંચાયતમાં હાજરી આપશે. મહાપંચાયતમાં હરિયાણા સિવાય પંજાબ અને ઘણા અન્ય રાજ્યોથી મહિલાઓ પણ પહોંચી રહી છે."
તેમણે કહ્યું હતું કે, "અમારું માનવું છે કે મહાપંચાયતમાં લગભગ પાંચ લાખ ખેડૂતો પહોંચશે. પંચાયતસ્થળ પર જવાની સ્થિતિમાં શહેરમાં ઠેર-ઠેર માઇક અને LED લાગેલી છે. જેથી ખેડૂતો ત્યાંથી પણ પંચાયતસ્થળને જોઈ અને ત્યાંની ચર્ચા સાંભળી શકે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો