You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મહારાષ્ટ્ર: નારાયણ રાણેને ધરપકડ બાદ જામીન, શું છે વિવાદ?
કેન્દ્રીય મંત્રી અને દિગ્ગજ ભાજપ નેતા નારાયણ રાણેએ મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરે પર કરેલી ટિપ્પણીનો વિવાદ એટલો વકરી ગયો છે કે વાત નારાયણ રાણેની ધરપકડ સુધી પહોંચી ગઈ હતી અને એ પછી કલાકમાં એમને જામીન આપી દેવામાં આવ્યા હતા.
મંગળવારે સમાચાર સંસ્થા પીટીઆઈએ કહ્યું હતું કે નારાયણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી.
મંગળવારે મહારાષ્ટ્રના મહાડ, નાશિક, પુણેમાં નારાયણ રાણે સામે ફરિયાદ થઈ હતી,
ગઈ કાલે નારાયણ રાણેએ ભાજપની એક જનઆશીર્વાદ યાત્રા દરમિયાન કથિત રીતે કહ્યું હતું કે 75મો આઝાદીદિન હોવાની વાતને યાદ ન રાખી શકનાર ઉદ્ધવ ઠાકરેને તેઓ થપ્પડ મારી દેત.
નારાયણ રાણેએ કહ્યું હતું કે, "એ શરમજનક છે કે મુખ્ય મંત્રીને દેશનું આઝાદી વર્ષ ખબર નથી . મુખ્ય મંત્રી સ્વતંત્રતાદિવસના ભાષણમાં વર્ષ પૂછવા માટે પાછળ વળ્યા હતા. જો હું ત્યાં હોત તો એમને થપ્પડ મારી દેત."
શિવસેનાના નાશિક શહેરના પ્રમુખ સુધાકર બડગુજરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મહાડ, નાશિક ઉપરાંત પુણેમાં પણ નારાયણ સામે પોલીસ ફરિયાદ થઈ છે.
આ મામલે નાશિક પોલીસ કમિશનર દીપક પાંડેએ રત્નાગિરિ પોલીસને ધરપકડ કરવા વિનંતી કરી હતી.
દીપક પાંડેએ કહ્યું કે "અમારી પર કોઈ દબાણ નથી. અમે કાયદાનું પાલન કરી રહ્યા છીએ. બંધારણીય પદે બિરાજમાન એક વ્યક્તિએ બંધારણીય પદે બિરાજમાન બીજી વ્યક્તિ સામે ફરિયાદ કરી છે અને આ મામલે પગલાં લઈ રહ્યા છીએ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ નારાયણ રાણેની ધરપકડનો વિરોધ કરે છે અને ભાજપના કાર્યકરોએ મુંબઈ-ગોવા હાઈ-વે બ્લૉક કરી દીધો છે.
નારાયણ રાણેના આ નિવેદનનો મહારાષ્ટ્રમાં શિવસેના વિરોધ કરી રહી છે.
શિવસેનાએ અનેક શહેરોમાં વિરોધપ્રદર્શન કર્યું છે અને અનેક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ અગાઉ પોલીસ કમિશનરે કહ્યું હતું કે નારાયણ રાણે સામે પોલીસ ફરિયાદ થઈ છે અને કાયદા અનુસાર કામ ચાલશે.
નાસિક પોલીસની એક ટુકડી નારાયણ રાણેની ધરપકડ કરવા માટે રત્નાગિરિ પહોંચી હતી, જ્યાં તેઓ યાત્રા પર છે.
ઉલ્લેખનીય છે કે રત્નાગિરિની અદાલતે નારાયણ રાણેની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.
એ પછી નારાયણ રાણેએ અરજન્ટ સુનાવણી માટે મુંબઈ હાઈકોર્ટમાં અરજી કરી જેને તરત સાંભળવાનો ઉચ્ચ અદાલતે ઇનકાર કરી દીધો.
ભાજપે રાણેનું નિવેદન ફગાવ્યું પણ ટેકો ખરો
શિવસેનાના કાર્યકરોએ રાજ્યમાં અનેક સ્થળોએ ભાજપની ઑફિસે વિરોધપ્રદર્શન કર્યું છે, તો પથ્થરમારાની ઘટના પણ બની છે.
નારાયણ રાણેના મુંબઈના જૂહુસ્થિત નિવાસસ્થાન બહાર પણ શિવસેના અને ભાજપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હોવાના અહેવાલ છે.
આ મામલે જો કંઈ થાય તો તેની જવાબદારી સરકારની રહેશે તેમ નીતીશ રાણેએ કહ્યું છે.
ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, "નારાયણ રાણેનું નિવેદન બચાવ કરી શકાય એવું નથી, પરંતુ શિવસેના પોલીસનો દુરુપયોગ કરી રહી છે અને અમે નારાયણ રાણેને ટેકો આપીશું."
ભાજપના મહારાષ્ટ્ર અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ નારાયણ રાણેના નિવેદન સાથે છેડો ફાડ્યો છે.
જોકે, એ સાથે એમણે સરકાર પોલીસનો દુરુપયોગ કરી રહી હોવાનું અને રાજકીય વેરભાવના રાખતી હોવાનું કહ્યું છે.
પાટીલે કહ્યું કે, "પ્રોટોકૉલ અનુસાર મુખ્ય મંત્રીના હોદ્દાની પહેલાં કૅબિનેટ મિનિસ્ટરનો હોદ્દો આવે છે અને આ રીતે ધરપકડ કરી શકાય નહીં. જો ફરિયાદ હોય તો કેન્દ્રીય ગૃહમંત્રી પાસે જવું જોઈએ."
શિવસેના નેતા સંજય રાઉતે નારાયણ રાણેનું મંત્રીપદ બરખાસ્ત કરવું જોઈએ એવી માગ પણ કરી છે.
શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે નારાયણ રાણેને તત્કાળ હઠાવવા માગ કરી છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
ઉલ્લેખનીય છે કે નારાયણ રાણેના આ નિવેદનને લઈને વિવાદ એ સમયે થઈ રહ્યો છે, જ્યારે બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો