નદીમ-શ્રવણ સંગીતકાર બેલડીના શ્રવણનું કોરોનાથી મોત, ગુજરાત સાથે ગાઢ સંબંધ હતો

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

સંગીતકાર નદીમ-શ્રવણની જોડી ખંડિત થઈ છે. ગુરુવારે રાત્રે કોવિડ-19 તથા સહબીમારી સંબંધિત જટિલતાને કારણે સારવાર દરમિયાન મુંબઈની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું છે.

શ્રવણના પુત્ર સંજીવ તથા પત્નીને પણ કોરોના થયો છે અને તેમની સારવાર ચાલુ છે.

ત્રણ દિવસ અગાઉ શ્રવણનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હતો અને તેમને મુંબઈની હૉસ્પિટલમાં તેમને વૅન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની સ્થિતિ ગંભીર હતી.

સંગીતની દુનિયાના દિગ્ગજના અવસાન બાદ ફિલ્મી ક્ષેત્રની ઘણી હસ્તીઓએ આ પ્રતિભાશાળી સંગીતકારના મૃત્યુ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.

હવે જ્યારે તેમનું દુ:ખદ અવસાન થયું છે ત્યારે તેમની કારકિર્દી અને તેમણે જીવનમાં કરેલી સ્ટ્રગલ વિશે તેમના ચાહકોમાં ચર્ચા શરૂ થઈ છે.

પરંતુ ઘણાને એ વાતનો ખ્યાલ નથી કે શ્રવણનો ગુજરાત સાથે પણ ખૂબ જૂનો અને ઘેરો નાતો હતો.

મોટાભાગના સંગીતરસિકોને લાગે છે કે ફિલ્મ 'આશિકી'થી નદીમ-શ્રવણનું આગમન થયું અને તેમના નામના સિક્કા ચાલવા લાગ્યા, વાસ્તવમાં તેમણે આ સફળતા માટે 17 વર્ષ સુધી રાહ જોઈ હતી.

નદીમ, શ્રવણ તથા રાઠોડ પરિવારના સંગીતના મૂળિયાં ગુજરાતની પશ્ચિમે જામનગરમાં આદિત્યરામ ઘરાના સુધી વિસ્તરે છે. જ્યાં સંગીતની આ તરેહ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષરત્ છે.

નદીમ, શ્રવણ અને સંગીત

સંગીતકાર શ્રવણના પિતા પંડિત ચતુર્ભુજ રાઠોડ આઝાદી પછીના સમયમાં કાઠિયાવાડના જામનગરથી બૉમ્બે (હાલનું મુંબઈ) આવી ગયા હતા અને ઉત્સાહિત વિદ્યાર્થીઓને સંગીત શીખવવાનું શરૂ કર્યું.

શ્રવણે તેમની પાસેથી જ સંગીતની શિક્ષા મેળવી. ડિસેમ્બર-1972માં પંડિતજીના એક શિષ્ય હરીશે તેમના મિત્ર શ્રવણને ઍલ્ફિન્સ્ટન કૉલેજ ખાતે એક સંગીતકાર્યક્રમ માટે બોલાવ્યા. ત્યાં હરીશે તેમની ઓળખાણ નદીમ અખ્તર સૈફી સાથે કરાવી, જે આગળ જતાં સંગીતકાર 'નદીમ-શ્રવણ'ની જોડી તરીકે વિખ્યાત બની.

શ્રવણકુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 'જેમ ઇન્સ્ટન્ટ કૉફી બને તેમ તત્કાળ અમારી જોડી બની ગઈ અને જેમ પતિ-પત્નીનું જોડું ઉપરથી જ બનીને આવે છે, તેમ અમારો જોટો પણ ઉપરવાળાએ જ બનાવ્યો હતો.'

પંડિત રાઠોડે તેમના મિત્ર તથા પરિચિત વર્તુળોમાં શ્રવણકુમાર રાઠોડ વિશે વાત કરી. એ સમયે એક ગુજરાતી નિર્માતા બચુભાઈ શાહે તેમને ભોજપુરી ફિલ્મ 'દંગલ' માટે સાઇન કર્યા. ફિલ્મમાં મોહમ્મદ રફી, આશા ભોંસલે તથા મન્ના ડે સહિતના વિખ્યાત ગાયકોએ પાર્શ્વગાયન કર્યું હતું.

આ ફિલ્મનું સંગીત સફળ રહ્યું, પરંતુ બીજી મોટી સફળતા માટે સંગીતકાર જોડીએ 17 વર્ષ રાહ જોવી પડી.

એ સંઘર્ષકાળ દરમિયાન જો કોઈ સરેરાશ માણસ હોત તો તેણે ફિલ્મની લાઇન છોડી દીધી હોત, પરંતુ નદીમ-શ્રવણે સતત નિષ્ફળતા, કામ વગર અને 'સૅટલ થવા'ના પરિવારના દબાણની વચ્ચે એ કપરો કાળ પસાર કરી નાખ્યો.

નદીમ-શ્રવણે આ અરસા દરમિયાન 20 જેટલી ભોજપુરી-હિંદી સહિત અલગ-અલગ ભાષાની ફિલ્મોમાં સંગીત આપ્યું. એ અરસામાં બંનેની સરેરાશ માસિક આવક હતી રૂ. 1,500-1,500.

કોરોના, કૉ-મૉર્બિટી અને કઠણાઈ

રાઠોડ પરિવારના સ્વજનના કહેવા પ્રમાણે, "સંગીતકારને કોરોના પણ થયો હતો, આ સિવાય તેમને ડાયાબિટીસ હતું, હૃદયની બીમારી જેવી કૉ-મૉર્બિટી પણ ધરાવતા હતા. ઇન્ફૅક્શન ફેફસાં સુધી પહોંચી ગયું."

"તબીબો શક્ય તમામ પ્રયાસ કર્યા. મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓએ પરિવારજનોના ટેસ્ટ કર્યા હતા. શ્રવણકુમાર અંગે તેમનાં પત્નીને જાણ કરવામાં નથી આવી અને સંજીવે સદ્ગતના આત્મા માટે પ્રાર્થના કરવા કહ્યું છે."

મ્યુનિસિપલ અધિકારીઓએ કરેલા ટેસ્ટમાં સંગીતકાર પુત્ર સંજીવ તથા પત્ની વિમલાને પણ કોરોના થયો હોવાનું બહાર આવ્યું હતું.

નદીમે 'બૉમ્બે ટાઇમ્સ'ને આપેલાં ઇન્ટરવ્યૂમાં કહ્યું કે મારો પાર્ટનર જતો રહ્યો, હું ખૂબ જ દુ:ખ અને લાચારી અનુભવું છું.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાહુલ રૉય, સોનુ સૂદ, સમીરા રેડ્ડી, અર્જુન રામપાલ અને નીલ નીતિન મુકેશ સહિત અનેક કલાકારોને કોરોના થયો હોવાનું બહાર આવ્યું છે. આ પહેલાંની લહેરમાં એસ.પી. બાલાસુબ્રમણ્યમ, અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન સહિતના કલાકારોને કોરોનાનો ચેપ લાગ્યો હતો. જેમાં એસ. પી. બાલા સુબ્રમણ્યમનું અવસાન થઈ ગયું હતું.

ઘરાના, ઘડતર અને ઘરેણું

કલ્યાણજીના નાના ભાઈ આનંદજી તથા શ્રવણ 'ઇલસ્ટ્રેડ વિકલી'ના ડિસેમ્બર-1980માં હિંદુસ્તાની સંગીત ઉપરના લેખમાં મોહન નાડકર્ણી લખે છે, "દેશના અન્ય ભાગોની જેમ જ પશ્ચિમમાં પણ રજવાડાંએ સંગીતકારો તથા કલાકારોને રાજ્યાશ્રય આપ્યો હતો અને તેમને મદદ કરી હતી."

"18મી સદી દરમિયાન કાઠું કાઢનારા આદિત્યરામનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. જેઓ જામનગર સ્ટેટ (તત્કાલીન નવાનગર સ્ટેટ)માં થઈ ગયા. તેમણે ધ્રુપદ ગાયકીની એક તરેહ ચતુરંગને પ્રચલિત કરી. આજે ચતુર્ભુજ રાઠોડ તેના પ્રતિનિધિરૂપ છે."

જામનગરમાં જ રહીને વિદ્યામંદિરના માધ્યમથી આદિત્ય ઘરાનાની પદ્ધતિથી તાલીમ આપનારા કેતન પાલા આ વિશે સમજાવતાં કહે છે :

"આદિત્યરામને 'જામસાહેબ' (નવાનગરના તત્કાલીન રાજવી શાસક)નો આશ્રમય મળેલો હતો. એટલે દેશના અન્ય પ્રાંતોમાંથી વિદ્યાર્થીઓ તેમની પાસેથી શીખવા આવતા."

"ચતુરંગમાં બંદીશ, તરાના, સરગમ અને તબલા (કે પખાવજના બોલ) એમ મુખ્ય ચાર ઘટક હોય છે. ભારતમાં જે સમયે ધ્રુપદ ધમારનું ચલણ ઓછું થઈ રહ્યું હતું અને મોઘલોએ જેને રાજ્યાશ્રય આપ્યો હતો એવા તરાનાનું ચલણ વધી રહ્યું હતું, એ સંક્રાંતિકાળ દરમિયાન ચતુરંગ અસ્તિત્વમાં આવ્યું."

પાલા સંક્રાંતિકાળના સમય ઉપર મહાશોધ નિબંધ લખી રહ્યા છે. આ સિવાય પણ આદિત્યરામ શૈલીના અન્ય આયામો પણ સંશોધકો માટે રસનો વિષય બન્યા છે.

આદિત્યરામના બે પુત્રોમાંથી એક કેશવલાલ તત્કાલીન વઢવાણ સ્ટેટના 'રાજવી ગાયક' બન્યા. તેમના શિષ્ય બલદેવજી ભટ્ટે 1930ના દાયકાની શરૂઆતમાં જામનગર ખાતે 'કેશવ સંગીત વિદ્યાલય'ની સ્થાપના કરી, જે શિષ્ય તરફથી તેમના પુત્રને અંજલિરૂપ હતી.

એ અરસામાં જ જામનગરના તત્કાલીન રાજવી દિગ્વિજયસિંહ જાડેજાનાં લગ્ન રાજસ્થાનના તત્કાલીન સિરોહી સ્ટેટનાં કુંવરી ગુલાબકુંવરબા સાથે થયાં. જામનગરમાં જ રહીને અન્ય એક સંગીત વિદ્યાલય દ્વારા આદિત્યરામ ઘરાનાને જીવંત રાખવા પ્રયાસરત્ હિતેષ ભટ્ટના કહેવા પ્રમાણે :

"ગુલાબકુંવરબા સાથે જીવીબા, ચતુર્ભુજજી અને તેમના ભાઈ જામનગર આવ્યાં. અહીં તેમનું રહેવાનું અમારા દાદાના ઘરની પાસે હતું. ચતુર્ભુજજી અને મારા પિતા નવલભાઈ ભટ્ટ લગભગ સરખી ઉંમરના જ હતા એટલે સાથે રમતા."

"મારા પિતા સંગીત શીખવા માટે પંડિત બળદેવ જયશંકર ભટ્ટ પાસે જતા. ત્યારે ચતુર્ભુજજી પણ તેમની સાથે જતા. એ સમયે વિશુદ્ધ રીતે ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા તાલીમ આપવામાં આવતી. શિષ્યોએ રસોઈકામ, કપડાં ધોવાં, ગુરુશાળાની સફાઈ તથા ગુરુમાતાનાં પરચૂરણ કામો કરીને સંગીતની તાલીમ લીધી."

આઝાદી પછી અનેક યુવાનોની જેમ યુવાન ચતુર્ભુજને પણ 'માયાનગરી'નું આકર્ષણ જાગ્યું હતું. એટલે તત્કાલીન રાજવી પરિવારની આકર્ષક ઑફરને વિનમ્રતાપૂર્વક ના કહીને માતા ચંપાબાઈ તથા ભાઈને લઈને બૉમ્બે આવી ગયા.

માયાનગરીમાં 'માસ્તર'

મૂળતઃ રાજસ્થાનના રાજપૂત મુંબઈમાં ચતુર્ભુજ રાઠોડે 'શ્રી આદિત્ય સંગીત વિદ્યાલય'ની શરૂઆત કરી, પરંતુ તેનાથી ગુજરાન ચાલે તેમ ન હોવાથી તેમણે શિક્ષક તરીકે કામ શરૂ કર્યું.

આ અરસામાં તેમણે કલ્યાણજી વીરજી શાહ (કલ્યાણજી-આનંદજીની જોડીના કલ્યાણજી), લક્ષ્મીકાંત-પ્યારેલાલ, મનહર ઉધાસ, પંકજ ઉધાસ, વિજુ શાહ, નદીમ અખ્તર સૈફી, સદાશીવ પવાર; શ્રવણ, લલિતા, રૂપકુમાર, વિનોદ અને સંજીવ જેવા પરિવારજનો સહિત 30 હજારથી વધુ વિદ્યાર્થીઓને તાલીમ આપી.

પાલા માને છે કે આદિત્ય ઘરાનાની તાલીમને જામનગરથી બહાર કાઢીને સમગ્ર દેશ અને વિશ્વ સમક્ષ મૂકવાનો અને તેના પ્રચાર-પ્રસારનો શ્રેય ચતુર્ભુજ રાઠોડને જ આપવો ઘટે.

પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા બાદ લલિતાબહેન અને શ્રવણકુમારનાં પત્ની વિમલાબહેન અન્ય લોકો સાથે મળીને મુંબઈમાં 'આદિત્ય ઘરાના'ની પરંપરાને જીવંત રાખવા પ્રયાસરત્ છે.

ભૂતકાળમાં થયેલા કડવા અનુભવોને કારણે બળદેવજી ભટ્ટ તથા ચતુર્ભુજ રાઠોડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ઊંચો અભિપ્રાય ધરાવતા ન હતા અને તેનાથી દૂર રહેવાની સલાહ તેમના શિષ્યોને આપતા. જોકે, કે કિસ્મતને બીજું જ કંઈક મંજૂર હતું.

શ્રવણે પિતાની પાસે ફિલ્મોમાં કામ કરવાની મંજૂરી માગી, ત્યારે ચતુર્ભુજ પોતાના શિષ્ય કલ્યાણજી પાસે લઈ ગયા. શ્રવણના કહેવા પ્રમાણે, 'જો હું સંગીત મારા પિતા પાસેથી શીખ્યો છું તો રેકર્ડિંગના ગુણ કલ્યાણજીભાઈ અને આનંદજીભાઈ પાસેથી શીખ્યો છું. '

આ અરસામાં નદીમ-શ્રવણે 'સ્ટાર 10' આલ્બમ દ્વારા પોતાના હુન્નરનો પરિચય આપ્યો. જેમાં તેમણે જેકી શ્રોફ, અનિલ કપૂર, વિજેતા પંડિત, ડેની ડેંગ્ઝોપા, પૂનમ ધિલ્લોન અને મિથુન ચક્રવર્તી જેવાં અભિનેતા-અભિનેત્રીઓ પાસે ગીત ગવડાવ્યાં.

આલ્બમ હિટ રહેતાં તેને વીડિયો સ્વરૂપ આપવામાં આવ્યું અને કૅબલ ટીવી મારફત વારંવાર પ્રેક્ષકોના ધ્યાનમાં આવ્યા. જોકે, જે આલ્બમ દ્વારા જનતા તેમના આગમનની નોંધ લેવી હતી, તે આવ્યું 1990માં.

આશિકી દ્વારા આગમન

વિનોદ રાઠોડે સલમાન ખાન, શાહરુખખાન અને આમીરખાન સહિત ટોચના અભિનેતાઓ માટે પ્લૅબૅક આપ્યું.

નદીમ-શ્રવણે કેટલાંક ગીતોને 'આશિકી'ના ટાઇટલથી રજિસ્ટર કરાવ્યાં હતાં. ફિલ્મદિગ્દર્શક મહેશ ભટ્ટે ગુલશન કુમારની સાથે મળીને તેની ઉપર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તેના દરેક ગીત ચાર્ટબસ્ટર સાબિત થયાં.

મારધાડ અને બદલાની થીમવાળી ફિલ્મોના યુગમાં સંગીત ક્યાંક હાંસિયામાં ધકેલાઈ ગયું હતું, જે આ જોડીની ધૂનો થકી ફરીથી કેન્દ્રમાં આવ્યું.

'સાજન', 'સડક', 'હમ હૈ રાહી પ્યાર કે', 'કયામત', 'અગ્નિસાક્ષી', 'દિલ હૈ કી માનતા નહીં', 'ફૂલ ઔર કાંટે', 'દિવાના', 'પરદેશ' અને 'રાજા હિંદુસ્તાની' જેવી ફિલ્મોમાં કર્ણપ્રિય સંગીત આપ્યું, આ સફળતાને કારણે તેઓ 'મૅલડી કિંગ' તરીકે નવાજવામાં આવ્યા.

સંગીતકાર, ગીતકાર તથા ગાયકની ટીમ બનતી હોય છે, ત્યારે નદીમ-શ્રવણને કુમાર સાનુ અને ઉદિત નારાયણ સ્વરૂપે પુરુષ ગાયક, અલકા યાજ્ઞિક તથા અનુરાધા પોંડવાલ સ્વરૂપે ગાયિકા મળ્યાં. ગીતકાર તરીકે નામના જમાવી ચૂકેલા અંજાન (લાલજી પાંડે)ના પુત્ર સમીર (શીતલા પાંડે) સ્વરૂપે તેમને ગીતલેખક મળ્યા.

ભટ્ટના કહેવા પ્રમાણે, "સરળ અને ડાઉન-ટુ-અર્થ એવા શ્રવણભાઈ ગુજરાતી, હિંદી, અંગ્રેજી, મરાઠી, બંગાળી, ભોજપુરી સહિત નવ જેટલી ભાષા જાણે, કદાચ એટલે જ તેઓ અલગ-અલગ ભાષાઓમાં સહજતા સાથે સંગીત આપી શક્યા."

કારકિર્દીના ચરમ ઉપર તેમની ઉપર મધ્ય-પૂર્વ એશિયા, પશ્ચિમ અને પાકિસ્તાની ધૂનોની ઉઠાંતરી કરવાના આરોપ લાગ્યા હતા. તો ઘણી વખત એક જ ધૂનનો વારંવાર અલગ-અલગ ગીત માટે ઉપયોગ કરવા બદલ તેમની ટીકા થઈ.

એક વખત ઍવૉર્ડ સમારંભમાં પુરસ્કાર લેતી વખતે જ એક પાકિસ્તાની અભિનેત્રીના મોઢે તેમણે ટોણો સાંભળવો પડ્યો હતો.

લોહી, આંસુ અને પરસેવો

ફિલ્મ કલાકારોના મૅનેજર તરીકે કામ કરતાં નિરજ મિશ્રાએ વર્ષ 2020ના લૉકડાઉન દરમિયાન બોલીવૂડની હસ્તીઓ સાથે 'ક્વોરૅન્ટીન ટૉક્સ'ના નેજા હેઠળ વાત કરી હતી, જેમાં તેમણે શ્રવણ સાથે પણ વાત કરી હતી. એક સવાલના જવાબમાં 66 વર્ષીય શ્રવણે કહ્યું :

"લૉકડાઉનને કારણે પહેલાં તો સારું લાગ્યું, પરંતુ હવે આળસ આવી જાય છે. બેઠાં-બેઠાં ધૂનો તૈયાર કરું છું અને જો કોઈ બોલ માટેની ધૂન તૈયાર કરી હોય તો તેને સુધારવાનો પ્રયાસ કરું છું."

શ્રવણે ઉમેર્યું, "અમે તો 17 વર્ષનું ક્વોરૅન્ટીન જોયું છે. જ્યારે અમારી કોઈ ઓળખ ન હતી અને શું થશે તેની ખબર ન હતી. આ અરસામાં લોહી, આંસુ અને પાણી રેડ્યાં છે. એ અરસામાં અમે સેંકડોની સંખ્યામાં ધૂનો તૈયાર કરી હતી. પાછળથી જ્યારે સફળતા મળી, ત્યારે એ મહેનત કામ લાગી."

"જિંદગીમાં સમય મળ્યો છે તો તેનો સદુપયોગ કરવો જોઈએ અને પસંદ હોય એવું કંઈ ને કંઈ કામ કરતા રહેવું જોઈએ."

1990માં ફિલ્મ 'આશિકી' રિલીઝ થઈ અને સંગીતકાર બેલડીનું નામ બોલીવૂડના લલાટ પર ચમકવા લાગ્યું. સંગીતકાર બેલડીની ઇન્સેટ તસવીરો કૅસેટના કવર ઉપર છપાતી, જે એ સમયે કોઈપણ કલાકાર માટે ગર્વની વાત માનવામાં આવતી.

હત્યા, આરોપ અને અલગતા

ગુલશન કુમારની હત્યા પછી તેમના પુત્ર ભૂષણે ધંધાની ધૂરા સંભાળી

શ્રવણના મતે આઠ વર્ષ દરમિયાન તેમની જોડીની સફળતા આકાશને આંબી રહી હતી, ત્યારે જ તેમને કોઈની 'નજર' લાગી.

ઑગસ્ટ-1997માં ગુલશન કુમારની હત્યા થઈ. મુંબઈ પોલીસની તપાસમાં શંકાની સોય નદીમ તથા હરીફ કંપની ટિપ્સના માલિક રમેશ તૌરાની તરફ તાકવામાં આવી.

એ સમયે નદીમ લંડનમાં હતા અને હત્યાકેસમાં નામ ખૂલવાને કારણે ત્યાં જ રહી ગયા અને ક્યારેય ભારત પરત ન ફર્યા.

પાકિસ્તાની ચૅનલ 'જિયો ટીવી' પર 'નાદિયા હસન શૉ'માં નદીમ સફીએ પોતાનો પક્ષ રજૂ કરતાં ખુદને પોતાના 'પપ્પાજી'ની હત્યાના કેસમાં નિર્દોષ ગણાવ્યા અને તેમને 'ફિટ' કરી દેવામાં આવ્યા હોવાનો આરોપ મુક્યો.

પુરાવાને સંદિગ્ધ માનીને બ્રિટનની ઉચ્ચ અદાલતે નદીમનો કબજો ભારતને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો.

નદીમ તેને આગળ કરીને ખુદ નિર્દોષ હોવાની વાત કહે છે, પરંતુ કાયદાકીય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, નદીમે વિદેશી કોર્ટ પાસેથી નહીં, પરંતુ ભારતીય અદાલતમાં પોતાની નિર્દોષતા પુરવાર કરવી રહી.

એક થયા અને અલગ થયા

1997માં નદીમ વિદેશમાં હતા અને શ્રવણ મુંબઈમાં હતા, પરંતુ સંગીત આપવા બંને ફરી એક થયા.

સંચારના આધુનિક માધ્યમો તથા અન્ય દેશોમાં રેકર્ડિંગ કરીને તેમણે 'રાઝ', 'અંદાજ', 'દિલ કા રિશ્તા', 'દિલ હૈ તુમ્હારા', 'કસૂર', 'ધડકન', 'યે દિલ આશિકાના' અને 'બેવફા' જેવી ચાર્ટબસ્ટર ફિલ્મોમાં સંગીત આપ્યું.

આ પછી બંનેએ પોતાના રસ્તા અલગ કરી લીધા. નદીમ સૉલો કમ્પૉઝર, પર્ફ્યુમ તથા લક્ઝરી બૅગના વ્યવસાય પર ધ્યાન દેવા લાગ્યા.

બીજી બાજુ, શ્રવણનું સંપૂર્ણ ધ્યાન તેમના પુત્રો સંજીવ તથા દર્શનની બોલીવૂડમાં સંગીત કૅરિયર લૉન્ચ કરવા ઉપર કેન્દ્રિત હતું. જોકે ફૅન્સની અને જોડીની પણ બંને પાસેથી કંઈક મેળવવાની અપેક્ષા રહી.

એક અધૂરી ઇચ્છા...

જ્યારે કોઈ પત્રકાર કે સ્વજન નદીમ સાથે ફરી સંગીત આપવા વિશે વાત કરે એટલે શ્રવણના અવાજમાં ઉત્સાહ આવી જાય. તેઓ માને છે કે ગુલશન કુમાર હત્યાકેસમાં નદીમ નિર્દોષ છે અને તેમને ફસાવી દેવામાં આવ્યા છે.

તેમના કહેવા પ્રમાણે, "ઉપરવાળો ઇચ્છશે, તો હું અને નદીમ ફરીથી સાથે મળીને સંગીત આપીએ તેના માટેનો કોઈ રસ્તો નીકળશે."

"કોઈ યોગ્ય પ્રૉડ્યુસર, ડાયરેકટર સારી સ્ક્રિપ્ટ લઈને આવે તો અમે સાથે મળીને ફરી સંગીત આપવા ઇચ્છીશું. તેમાં પણ જો ટી-સિરીઝના બૅનર હેઠળની ફિલ્મ મળે, તો-તો સોનામાં સુગંધ ભળે."

નદીમે પણ ભારત બહારથી આવી જ ઇચ્છા વ્યક્ત કરી હતી. જો કોઈ ફિલ્મ ન મળે તો શ્રવણ સાથે મળીને ભારત સિવાયના દેશોમાં વિદેશમાં સ્ટેજ-શૉ કરવાની તેમની ઇચ્છા છે.

રાઠોડ પરિવારમાં શ્રવણકુમારની સામે જાણે ષટ્કોણ રચાયો છે. તેમના પુત્ર સંજીવ અને દર્શને ગુજરાતી મૂળના ફિલ્મદિગ્દર્શક ઇન્દ્ર કુમારની ફિલ્મ 'મન' દ્વારા ઔપચારિક રીતે બોલીવૂડમાં પદાર્પણ કર્યું. તેમણે 'દિવાને', 'રિશ્તે' અને 'યે રાશ્તે હૈ પ્યાર કે' સહિત 20 જેટલી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.

તેમના ભાઈ રૂપકુમાર રાઠોડ કારકિર્દીની શરૂઆતમાં ગાયક અનુપ જલોટા સાથે જુગલબંધી કરતા. એ સમયે રૂપકુમાર અને અનુપનાં પત્ની સુનાલીના તાલ મળી ગયાં અને સુનાલી રાઠોડ બની ગયાં.

દંપતીનાં પુત્રી રિવાએ વિદેશમાં પિયાનો ઉપરાંત કર્ણાટકી તથા હિંદુસ્તાની સંગીતની તાલીમ લીધી છે.

ભાઈ વિનોદ પણ 'ચાંદની', 'બાઝીગર', 'ખલનાયક', 'દિવાના', 'જીત', 'દેવદાસ', 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ.' અને 'લગે રહો મુન્નાભાઈ' જેવી ફિલ્મોમાં પાર્શ્વગાયન કરી ચુક્યા છે. આ સિવાય તેઓ નિયમિત રીતે દેશ-વિદેશમાં સ્ટેજ-શો પણ કરે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો