ગુજરાતમાં કોરોનાના ઉછાળાને જોતાં ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુ ક્યાં સુધી લંબાવાયો?

ગુજરાતમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાને લેતાં ચાર મહાનગરોમાં (અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત) રાત્રે નવ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધીનો રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો.

આ રાત્રિ કરફ્યુને વધુ પંદર દિવસ માટે 15મી એપ્રિલ સુધી લંબાવી દેવામાં આવ્યો છે. અગાઉ આ નિષેધાત્મક આદેશોની મુદ્દત 31 માર્ચે પૂર્ણ થતી હતી.

મંગળવારે ગૃહવિભાગના અધિક સચિવ (કાયદો અને વ્યવસ્થા) નિખિલ ભટ્ટે આ સંદર્ભનો પત્ર ચારેય શહેરોના પોલીસ કમિશનર તથા જિલ્લા મૅજિસ્ટ્રેટને મોકલી આપ્યો હતો.

ગૃહવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના કહેવા પ્રમાણે, કોરોના સંક્રમણના વ્યાપને ધ્યાનમાં લેતાં રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની કોરોના કોવિડ-19 સંક્રમણ નિયંત્રણ માર્ગદર્શિકા આગામી ૩૦ એપ્રિલ સુધી યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો છે

ઉલ્લેખનીય છે કે ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરને પણ મહાનગરપાલિકાનો દરજ્જો મળેલો છે.

જેમાંથી ગાંધીનગરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી ચાલી રહી છે. પહેલી એપ્રિલે ઉમેદવારીપત્રક ભરવાનો છેલ્લો દિવસ છે અને મતદાનને આડે ત્રણ અઠવાડિયાંનો સમય રહ્યો છે. 18મી એપ્રિલે મતદાન યોજાશે તથા 20મી એપ્રિલે મતગણતરી યોજાશે.

આ દરમિયાન ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના 2220 નવા કેસ નોંધાયા છે, જ્યારે 1988 દરદીઓને રજા આપવામાં આવી છે.

રાજ્યમાં અત્યારસુધી કુલ બે લાખ 88 હજાર 565 લોકોએ કોરોનાને માત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.51 ટકાનો રહેવા પામ્યો છે.

મંગળવારની સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં 12 હજાર 263 દરદીઓ કોરોનાની સારવાર હેઠળ છે, જેમાંથી 147ને વૅન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા છે.

વધુ 10 મૃત્યુ (અમદાવાદ પાંચ, સુરત ચાર અને વડોદરા એક)ને કારણે રાજ્યમાં કોરોનાને કારણે કુલ મૃત્યુ આંક 4510 ઉપર પહોંચી ગયો છે.

રાજ્યમાં 2220 નવા કેસ નોંધાયા છે, જે મોટાભાગે મ્યુનિસિપલ કૉર્પોરેશન હદવિસ્તારના છે.

રાજ્યમાં લગભગ 47 લાખ 45 હજાર 500 દરદીઓને વૅક્સિનનો પહેલો તથા છ લાખ 43 હજાર 855 વ્યક્તિઓને બીજો ડોઝ પણ અપાઈ ચૂક્યો છે.

અમદાવાદમાં છ લાખની કોરોના રેપિડ એન્ટિજન કિટની ચોરી

અમદાવાદના ઘાટલોડિયાસ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાંથી રેપિડ એન્ટિજન કિટસ્ની ચોરી કરવાના આરોપસર પોલીસે 21 વર્ષના યુવકની ધરપકડ કરી છે. આરોપી યુવાન એમબીબીએસમાં અભ્યાસ કરી રહ્યો છે.

અમદાવાદ મિરરના અહેવાલ અનુસાર અહેવાલ અનુસાર અર્બન હેલ્થ સેન્ટરમાં કામ કરતા ડૉ. પવન પટેલે ફરિયાદ કરી હતી કે બુધવારે એક અજાણી વ્યક્તિ અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રવેશ કર્યો હતો અને રૂમ નંબર 9ની અંદર રાખવામાં આવેલ રેપિડ એન્ટિજન કિટના 16 બૉક્સની ચોરી કરી હતી.

જ્યારે વ્યક્તિ પ્લાસ્ટિકની બૅગની અંદર કિટસ્ મૂકી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર સ્ટાફના માણસ તેમને જોઈ ગયા હતા અને બાદમાં વ્યક્તિનો પીછો પણ કર્યો હતો.

ચોરીના કેસમાં પોલીસે અડાલજનાં સ્વાગત સિટીમાં રહેતા અનિલ જેઠવાની ધરપકડ કરી છે. અનિલે પોતાનો ગુનો કબૂલી લીધો છે. તેમણે ચોરી કેમ કરી તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મ્યાનમારમાં તખ્તાપલટા બાદ શનિવારે 'આર્મ્ડ ફોર્સિસ ડે'ની પરેડ યોજાઈ હતી, જેમાં ભારતે પણ ભાગ લીધો હતો.

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર તખ્તાપલટો કરવાના બે મહિનાં બાદ મ્યાનમારની સેનાએ 'આર્મ્ડ ફોર્સિસ ડે'ની ઉજવણી કરી હતી, જેમાં રશિયા, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ, વિયેતનામ, લાઓસ, થાઈલૅન્ડ અને ભારતના પ્રતિનિધીઓ સામેલ થયાં હતા.

સાઉથ બ્લૉકના એક ઉચ્ચ અધિકારીને ટાંકતાં અહેવાલ લખે છે કે, ''બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો ચાલુ હોવાથી, રાજદ્વારી પ્રતિબદ્ધતાઓ પણ ચાલુ છે.''

મ્યાનમારની સેના વિરોધપ્રદર્શન કરી રહેલાં લોકો સામે જે રીતે શસ્ત્રોનો ઉપયોગ કરી રહી છે, તેની અમેરિકા સહિત વિશ્વના ડઝનેક દેશોએ આકરા શબ્દોમાં ટીકા કરી છે.

આ 12 દેશોના રક્ષામંત્રીએ આ ઘટનાને વખોડી છે. અને વિરોધ વ્યક્ત કર્યો છે. જોકે જે દિવસે મોટી સંખ્યામાં મૃત્યુ થયા એ રાત્રે સૈન્ય જનરલ મિંન આંગ હેલીંગે સૈનિકો માટે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું.

આસિસ્ટન્ટ ઍસોસિયેશન ફૉર પોલિટિકલ પ્રિઝનર્સ અનુસાર 100થી વધારે પ્રદર્શનકારીઓનાં મોત થયાં છે. રવિવારે મૃતકોની અંતિમવિધિઓ યોજાઈ હતી. મ્યાનમારની આ ઘટનાના વિશ્વમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

1 ફેબ્રુઆરીએ જ્યારથી સેનાએ તખ્તાપલટો કર્યો છે ત્યારથી વિરોધ પ્રદર્શનમાં 500થી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે બીજી તરફ ભારતે મ્યાનમારથી આવનારા લોકોને મદદ નહીં કરવા સરહદી રાજ્યોને જણાવ્યું છે.

મણિપુર સરકારનોઅધિકારીઓને ઑર્ડરઃ મ્યાનમારથી આવતાં શરણાર્થીઓને મદદ નહીં કરવી

મણિપુર સરકારે સ્થાનિક અધિકારીઓ અને રાજ્યાની સિવિલ સોસાયટીને ઑર્ડર આપ્યો છે કે તેઓ મ્યાનમારથી આવતાં શરણાર્થીઓને ભોજન અને આશ્રય નહીં આપી શકે.

એનડીટીવી અનુસાર ઑર્ડર મુજબ અધિકારીઓ અને સિવિલ સોસાયટીના લોકો શરણાર્થીઓને "ગંભીર ઈજા"ના કિસ્સામાં અથવા "માનવતાવાદી અભિગમ" હેઠળ ફક્ત તબીબી સહાય પૂરી પાડી શકે છે. શરણાર્થીઓને ભોજન આપવા માટે તેઓ કૅમ્પ નહીં ખોલી શકે. ઑર્ડર મુજબ જે લોકો શરણ લેવા માટે આવી રહ્યાં છે તેમને વિન્રમતાથી પાછાં મોકલી દેવાં.

અહેવાલ અનુસાર ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કરતાં મ્યાનમારનાં નાગિરકો સામે યોગ્ય પગલાં લેવા માટે મણિપુર સરકારે ચંદેલ, તેગ્નુંઉપાલ, કમજોંગ, ઉખરૂલ અને ચુરાચંદપુર જિલ્લાના ડૅપ્યુટી કમિશનરોને આદેશ આપ્યાં છે.

અધિકારીઓને આધાર કાર્ડની કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરવા માટે અને આધાર નોંધણી કિટને સુરક્ષિત જગ્યાએ મૂકવામાં માટે કહેવામાં આવ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં મ્યાનમારના રાજદૂતે ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોને અપીલ કરી છે કે તેઓ મ્યાનમારમાં ચાલતી કટોકટીને ધ્યાનમાં રાખીને માનવતાવાદી અભિગામ રાખે અને લોકોને શરણ આપે. તેમણે કહ્યું કે બંને દેશોનો "લાંબો ઇતિહાસ રહ્યો છે અને તેને ભૂલી જવો જોઈએ નહીં."

મહેબૂબા મુફ્તીને પાસપોર્ટ આપવાની ના પાડવામાં આવી

ભારત સરકારે પીડીપી નેતા મહેબૂબા મુફ્તીને પાસપોર્ટ આપવાની ના પાડી દીધી છે.

ટ્વિટર પર મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે, ''સીઆઈડીનો રિપોર્ટનો હવાલો આપીને પાસપોર્ટ ઑફિસે મને પાસપોર્ટ આપવાની ના પાડી દીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હું ભારતની સુરક્ષા માટે જોખમ છું. ઑગસ્ટ 2019 પછી કાશ્મીરમાં આ સામાન્ય સ્થિતિ છે, જ્યાં એક પાસપોર્ટ ધરાવતાં પૂર્વ મુખ્ય મંત્રીને શક્તિશાળી રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે ખતરો માનવામાં આવે છે.''

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસના ઍડિશનલ ડાયરેક્ટર જનરલ ઑફ પોલીસ અને જમ્મુ-કાશમીર સીઆઈડીએ ભલામણ કરી છે કે મહેબૂબા મુફ્તીને પાસપોર્ટ ન આપવામાં આવે. એક તપાસમાં મહેબૂબા મુફ્તી 'દેશ-વિરોધી લોકો' સાથે સંપર્ક ધરાવતાં હોવાનું બહાર આવતાં સીઆઈડી દ્વારા આ ભલામણ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અહેવાલ અનુસાર મુફ્તીએ પાસપોર્ટ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યાં છે.

બંગાળ ચૂંટણીઃ 114 કરોડ રુપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે ત્યારે આ ચૂંટણીઓ મુક્તપણે યોજાય તે માટે ચૂંટણીપંચ દ્વારા વિવિધ જગ્યાએ રેડ પણ કરવામાં આવી રહીં છે.

સમાચાર સંસ્થા એએનઆઈ અનુસાર પશ્ચિમ બંગાળના અધિક મુખ્ય ચૂંટણી કમિશનર સંજોય બાસુએ જણાવ્યું કે 37.72 કરોડ રુપિયા રોકડ સહિત 248.9 કરોડ રુપિયાની વસ્તુઓ કબજે કરવામાં આવી છે.

કબજે કરવામાં આવેલ વસ્તુઓમાં 114.4 કરોડ રુપિયાની કિંમતનું ડ્રગ્સ પણ સામેલ છે. ચૂંટણીપંચે 9.5 કરોડ રુપિયાનો દારુ પણ કબજે કર્યો છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો