ગુજરાતની એ મહિલાઓ જે સમાજની પરવા કર્યા વિના પિન્ક રિક્ષા ચલાવીને થઈ છે આત્મનિર્ભર

પિંક રિક્ષા ચાલક
    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, દિલ્હીથી

કોઈ મહિલા પોતાનો તથા પરિવારનો ઉદ્ધાર જાતે કરવાનો નિશ્ચય કરે એ પછી તેને કોઈ રોકી શકતું નથી. આ કથા એવી જ બે મહિલાઓની છે.

પૂનમ પટેલે બારમા ધોરણ સુધીના અભ્યાસ બાદ ટેક્સટાઈલ ડિઝાઈનિંગનો કોર્સ કર્યો હતો. પૂનમને નોકરી મળે તેમ હતી પણ તેણે પિન્ક રિક્ષા ચલાવવાનું પસંદ કર્યું.

બબિતા ગુપ્તા સિલાઈ કામ કરતાં હતાં, પણ તેમણે એ કામ છોડીને પિન્ક રિક્ષા ચલાવવાનો નિર્ણય કર્યો.

આપણા મનમાં સવાલ થાય કે બે મહિલાઓએ પિન્ક રિક્ષા ચલાવવાનો નિર્ણય શા માટે કર્યો હશે?

line

મહિલાઓએ રિક્ષા ચલાવવાનો નિર્ણય કેમ કર્યો?

આ સવાલના જવાબમાં પૂનમ કહે છે, "ટેક્સટાઈલ ડિઝાઈનર તરીકે નોકરી મળી, પણ ઓફિસ મારા ઘરથી ઘણી દૂર હતી."

"વળી ત્યાં બીજા કર્મચારીઓ એવા હતા કે મારાથી ત્યાં કામ થઈ શકે તેમ ન હતું. રિક્ષા ચલાવીએ તો ઘર માટે પણ સમય આપી શકીએ અને નોકરીના પગાર કરતાં વધારે કમાણી કરી શકીએ."

બબિતા કહે છે, "સવારે સાત વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી સિલાઈ કામ કરતી ત્યારે પગાર મળતો હતો."

"બહુ કામ કરતી હતી. શેઠ લોકો કહેતા કે લૅડીઝ થઈને આટલી કમાણી કરો છો? તેઓ અર્ધો પગાર જ આપતા હતા."

આવી પરિસ્થિતિ હતી ત્યારે પૂનમ અને બબિતાની મુલાકાત નગરપાલિકાના અધિકારીઓ સાથે થઈ હતી.

તેમણે આ મહિલાઓને કહ્યું હતું કે તમે લોન પર રિક્ષા ખરીદો. અમે તમને મદદ કરીશું. બૅન્ક ઑફ બરોડામાંથી લોન મળી. બન્નેએ રિક્ષા ખરીદી અને આત્મનિર્ભર બન્યાં.

line

રિક્ષા લઈને નીકળશો અને કોઈ દારૂડિયો મળશે તો?

પૂનમ પટેલ

પૂનમ કહે છે, "અમે સવારે અને સાંજે જ રિક્ષા ચલાવીએ છીએ. બપોરના સમયમાં ઘરનું કામ કરી લઈએ અને સાંજે આવીને બાકીનું કામ કરી લઈએ. આટલું કરવા છતાં રોજના 800-900 રૂપિયા સુધીની કમાણી કરી લઈએ છીએ."

લોન દ્વારા પોતાની રિક્ષા ખરીદીને આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો ત્યારે આ બન્ને મહિલાઓએ પરિવારના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

તેની વાત કરતાં બબિતા કહે છે, "મારા પરિવારમાં પતિ અને બે દીકરીઓ છે. મારા પતિએ કહેલું કે રિક્ષા ચલાવવી એ મહિલાનું કામ નથી."

"રસ્તા પર રિક્ષા લઈને નીકળશો અને કોઈ દારૂડિયો અજુગતું કરશે, કોઈ હેરાન કરશે, ટાયર પંક્ચર થશે કે રિક્ષામાં બીજી તકલીફ થશે તો શું કરશો?"

"મારા પતિએ એમ પણ કહેલું કે અત્યારે હું નોકરી પરથી પાછો આવું છું ત્યારે તું ઘરે હોય છે, પણ રિક્ષા ચલાવીશ ત્યારે ક્યાં હશે તેની અમને કેવી રીતે ખબર પડશે?"

બબિતાના પતિ રામપાલ ગુપ્તા આનાકાની કરતા રહ્યા હતા, પણ બબિતાએ ચૂપચાપ રિક્ષા ચલાવવાની ટ્રેનિંગ લીધી, લાઇસન્સ મેળવ્યું અને લોન પર રિક્ષા પણ લઈ લીધી.

રામપાલ ગુપ્તા કહે છે, "મારી પત્નીની કંઈક કામ કરવાની ઈચ્છા હતી. તેણે મને કહેલું કે તે રિક્ષા ચલાવવાનો બિઝનેસ કરવા ઈચ્છે છે, તેમાં સારી આવક થાય છે. હું તૈયાર ન હતો, પણ બબિતાએ કહેલું કે આ કામમાં આપણે જ આપણા માલિક હોઈએ એટલે વાંધો નહીં આવે."

આ રીતે બબિતાની રિક્ષા સડસડાટ ચાલતી થઈ ગઈ.

line

પુરુષો સાથે કેવી રીતે કામ પાર પાડશો?

પૂનમ પટેલ

બીજી તરફ પૂનમે પણ તેના પરિવારના સભ્યોને સમજાવવા પડ્યા હતા.

પૂનમ કહે છે, "મારા ઘરના લોકોએ સવાલ કર્યો હતો કે તારે રિક્ષા ચલાવવી છે, પણ અહીંની પબ્લિક કેવી છે, એરિયા કેટલો ખરાબ છે એ ખબર છે?"

"લબાડ પુરુષો સાથે કેવી રીતે કામ પાર પાડીશ? મેં તેમને કહેલું કે સાહેબ લોકો અમને મદદ કરવાના છે. તેથી અમે બધું મૅનેજ કરી લઈશું."

પૂનમના પિતા નાનુભાઈ કહે છે, "પૂનમ છોકરી થઈને રિક્ષા ચલાવે એટલે અમને ડર લાગતો હતો."

"જાતજાતના પ્રૅસેન્જર હોય. તેમ છતાં મેં હિંમત કરીને કહ્યું કે તારી ઈચ્છા છે તો એ પૂર્ણ કરીએ. અમે તેને સંમતિ આપી અને અત્યારે પૂનમ આનંદથી રિક્ષા ચલાવે છે."

"દીકરા જેવી છે મારી દીકરી. રિક્ષા ચલાવે છે અને પરિવારને મદદ કરે છે."

કથિત રીતે પુરુષોના ગણાતા ક્ષેત્રમાં સ્ત્રી પ્રવેશે ત્યારે તેણે જે સવાલોનો સામનો કરવો પડે એવા સવાલોનો સામનો પૂનમે પણ કરવો પડ્યો હતો.

પૂનમ કહે છે, "કેટલાક પુરુષોએ મને પૂછેલું કે રિક્ષા ચલાવવાનું કામ તો પુરુષોનું છે. સ્ત્રી રિક્ષા ચલાવશે તો અમે શું કરીશું? મેં કહેલુ કે સ્ત્રીઓ પણ રિક્ષા ચલાવી શકે. એ પુરુષોનો ઈજારો નથી."

પૂનમે રિક્ષા ચલાવવાની શરૂઆત કરી ત્યારે પુરુષ રિક્ષાચાલકો તેની રિક્ષાને કટ મારીને ચાલ્યા જતા હતા. તેની સાથે ગેરવર્તન કરતા હતા. પોતાનો ગરાસ લૂંટી લીધો હોય એ રીતે પૂનમ તરફ જોતા હતા.

"જોકે, હવે પરિસ્થિતિ સુધરી છે. અમારી રિક્ષા ક્યાંક અટકી હોય તો પુરુષ રિક્ષાચાલકો મદદ માટે પૂછે છે. મદદ કરે છે. હવે તેઓ સમજી ગયા છે કે મહિલા પણ રિક્ષા ચલાવી શકે છે," પૂનમ કહે છે.

line

'અમે ખરેખર ખૂબ ખુશ છીએ'

પિંક રિક્ષા ચાલક

પૂનમના જણાવ્યા મુજબ, તેની રિક્ષામાં પ્રવાસ કરતાં અગાઉ પુરુષ પૅસેન્જરો ખચકાતા હતા.

તેઓ કહે છે, "સ્ત્રી રિક્ષા બરાબર ચલાવશે કે કેમ તેની મુસાફરોને ખાતરી ન હતી. તેમને પિન્ક રિક્ષામાં પ્રવાસ કરવાનું સલામત લાગતું ન હતું."

"જોકે, જેમણે આવી રિક્ષામાં પ્રવાસ કર્યો છે તેઓ જાણી ગયા છે કે મહિલા રિક્ષાચાલક પણ પૅસેન્જરને તેના સ્થાને સહીસલામત પહોંચાડી શકે છે."

પૂનમ અને બબિતા એકસરખી લાગણી વ્યક્ત કરતાં કહે છે, "અમે પર્સનલી બહુ જ ખુશ છીએ કે અમે રિક્ષા ચલાવી શકીએ છીએ."

"અમે કમાઈ શકીએ છીએ અને ઘરમાં વધારે સમય પણ આપી શકીએ છીએ. અમે પુરુષો સાથે ખભેખભા મિલાવીને પ્રગતિ કરવા ઈચ્છીએ છીએ."

પૂનમ અને બબિતાની પ્રેરણાદાયક કથાની સાથે એ પણ જાણી લો કે પિન્ક રિક્ષાની યોજના શું છે?

line

પિન્ક રિક્ષા યોજના શું છે?

પિંક રિક્ષા

રિક્ષામાં પ્રવાસ કરતી વખતે મહિલાઓની સતામણી અને ગેરવર્તન અટકાવવા માટે ભારત સરકારે મહિલા રિક્ષાચાલકો સાથેની પિન્ક ઓટો યોજના કેટલાંક શહેરોમાં શરૂ કરી છે.

આ યોજનાનો પ્રારંભ 2013માં બિહારના રાંચી શહેરમાં થયો હતો. પિન્ક એટલે કે ગુલાબી રંગની આ રિક્ષાઓમાં મહિલા પેસેન્જર્સની સલામતી માટે પેનિક બટન તથા જીપીએસ ટ્રૅકિંગ સિસ્ટમ લગાવેલી હોય છે.

સુરતમાં પિન્ક ઑટો યોજનાની શરૂઆત 2017ની બીજી જુલાઈએ કરવામાં આવી હતી.

મહિલા રિક્ષાચાલકોને 7 ટકા વ્યાજના દરે અને કેન્દ્ર સરકારની 25 ટકા સબસિડીના લાભ સાથે રિક્ષા ખરીદવાની લોન અપાવવામાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન મદદરૂપ થયું હતું.

સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને કુલ 15 મહિલાઓને રિક્ષા ચલાવવાની તાલીમ પણ આપી હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો