You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુડ્ડુચેરીનાં ઉપ-રાજ્યપાલ કિરણ બેદી પદ પરથી હઠાવાયાં, કૉંગ્રેસ સરકાર સંકટમાં
- લેેખક, ઈમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
મંગળવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સૂચન બાદ કિરણ બેદીને પુડ્ડુચેરીનાં ઉપ-રાજ્યપાલ પદેથી હઠાવી દેવાયાં છે. તેલંગણાના રાજ્યપાલ ડૉ. તમિલિસાઈ સુંદરરાજનને ઉપ-રાજ્યપાલ તરીકે વધારાનો ચાર્જ સોંપવામા આવ્યો છે.
કિરણ બેદીને ઉપ-રાજ્યપાલના પદ પરથી હઠાવવાનો આદેશ ત્યારે આવ્યો છે જ્યારે સંઘ પ્રદેશની કૉંગ્રેસ સરકારે બહુમતી ગુમાવી દીધી છે. કહેવાય છે કે કુલ અત્યાર સુધી 4 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે.
આ મામલે કિરણ બેદીએ ટ્વીટ પણ કર્યું હતું અને તેમણે કરેલી સેવા અને તેમની ટીમની કામગીરીને બિરદાવી પણ હતી.
સત્તાધારી કૉંગ્રેસ પક્ષના ચાર સભ્યોએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે જ્યારે એક સભ્યને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ બદલ પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે.
મંગળવારે કૉંગ્રેસના એક સભ્યે રાજીનામું આપી દેતા સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યોની સંખ્યા સરખી થઈ ગઈ હતી.
33 સભ્યો ધરાવતી વિધાનસભામાં હાલમાં 28 સભ્યો છે, જેમાં બંને પક્ષો પાસે હવે 14-14 ધારાસભ્યો છે. આમાં 3 નિમણૂંક થયેલા સભ્યો પણ સામેલ છે.
બે દિવસમાં બે સભ્યોએ કૉંગ્રેસથી છેડો ફાડ્યો
છેલ્લા બે દિવસમાં કૉંગ્રેસ પક્ષના બે સભ્યોએ રાજીનામું આપી દીધું છે. સોમવારે પૂર્વ મંત્રી મલ્લાડી કૃષ્ણ રાવે વિધાનસભાના સભ્યપદથી રાજીનામું આપી દીધું હતું અને મંગળવારે જૉન કુમારે રાજીનામું ધરી દીધું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ પહેલાં તીપતન અને પૂર્વ મંત્રી એ. નમાસિવાયમ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં સામેલ થઈ ગયા હતા.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કૉંગ્રેસે ધનાવેલોને પક્ષમાંથી બહાર કરી નાખ્યા છે. અત્યારે વિધાનસભામાં કૉંગ્રેસ પાસે 10 સભ્યો છે જ્યારે 3 સભ્યો ડીએમકેના છે અને એક અપક્ષ ધારાસભ્ય છે.
વિપક્ષમાં સાત સભ્યો ઑલ ઇન્ડિયા એનઆર કૉંગ્રેસના છે જ્યારે ચાર સભ્યો એઆઈએડીએમકે પક્ષના છે. આ સાથે જ ત્રણ પસંદ થયેલા સદસ્યો છે જેમને ભાજપના રૂપમાં જોવામાં આવી રહ્યા છે.
સરકાર ચલાવવા મુદ્દે ઉપ-રાજ્યપાલ કિરણ બેદી અને મુખ્ય મંત્રી નારાયણસામી વચ્ચે કાયમ ખેંચતાણ ચાલતી આવી છે. નારાયણસામીનો આક્ષેપ છે કે કિરણ બેદી ચૂંટાયેલી સરકારને કામ કરવાં દેતાં નથી.
સમાચાર એજન્સી એએનઆઈ સાથે વાત કરતા નારાયણસામીએ જણાવ્યું કે તેમના દબાણના કારણે ભારત સરકારે કિરણ બેદીને હોદ્દા પરથી હઠાવ્યાં છે કારણ કે તેઓ કલ્યાણકારી યોજનાઓમાં ખલેલ પહોંચાડતાં હતાં.
પુડુચેરી સરકાર એવા સમયે સંકટનો સામનો કરી રહી છે જ્યારે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવાના છે.
કૉંગ્રેસના એક નેતાએ નામ જાહેર ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું કે, "અમે રાહુલજીનો પ્રવાસ રદ કરવાની માંગણી કરીશું નહીં. આ સારું રહેશે અને અમે તેને વધુ સારો કાર્યક્રમ બનાવીશું."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો