You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દિશા રવિ : વૃક્ષો બચાવવાં અને તળાવ સાફ કરાવવાથી રાષ્ટ્રદ્રોહના આરોપ સુધી
- લેેખક, ઇમરાન કુરૈશી
- પદ, બીબીસી ગુજરાતી માટે બેંગલુરુથી
બેંગલુરુનાં 22 વર્ષીય પર્યાવરણ કાર્યકર દિશા રવિની ધરપકડે પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરનાર યુવા વર્ગમાં ભયનો માહોલ ઊભો કર્યો છે.
દિશા રવિ ફ્રાઇડે ફૉર ફ્યૂચર નામક આંદોલનના સંસ્થાપક છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે શનિવારની સાંજે એમની બેંગલુરુથી ધરપકડ કરી છે અને અનેક લોકો આનો વિરોધ કરી રહ્યા છે. ક્લાઇમેટ ચેન્જ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ખેડૂત આંદોલન બાબતે ટ્વિટ કર્યું એ પછીની આ પહેલી ધરપકડ છે.
પોલીસનું કહેવું છે કે નિકિતા, શાંતનુ અને દિશાએ ટૂલકિટ બનાવી જેનો હેતુ ભારતને બદનામ કરવાનો હતો.
બેંગલુરુના જાણીતાં કાર્યકર તારા કૃષ્ણાસ્વામીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "અમે પર્યાવરણ સંરક્ષણના અનેક અભિયાનો બાબતે એકબીજા સાથે વાતચીત કરી છે પણ હું દિશાને વ્યક્તિગત રીતે ઓળખતી નથી. હા પણ મેં એવું ચોક્કસ નોંધ્યું છે કે તે ક્યારેય કાયદાનું ઉલ્લંઘન નથી કરતી. એક વાર પણ નહીં."
દિલ્હી પોલીસે દિશા રવિને દિલ્હીની એક અદાલતમાં રજૂ કરતાં કહ્યું હતું કે "દિશા રવિ ટૂલકિટ ગૂગલ ડોક્યુમેન્ટનાં એડિટર છે અને આ ડોક્યુમેન્ટ બનાવવામાં અને તેને પ્રસારિત કરવામાં એમની મુખ્ય ભૂમિકા છે."
પોલીસે પોતાના નિવેદનમાં કહ્યું કે "આ સિલસિલામાં એમણે ખાલિસ્તાન સમર્થક પોએટિક જસ્ટિસ ફાઉન્ડેશન સાથે મળીને ભારતીય રાજ્ય સામે નફરત ફેલાવવાનું કામ કર્યું છે અને એમણે જ ગ્રેટા થનબર્ગ સાથે આ ટૂલકિટ શૅર કરી હતી."
દિશા રવિ સાથે કામ કરનાર લોકો એમની ઇમાનદારી અને નિષ્ઠાનો ઉલ્લેખ કરે છે.
તારા કૃષ્ણાસ્વામી કહે છે કે "ફક્ત એટલું જ નહીં. તમામ સંગઠન મર્યાદામાં રહીને જ કામ કરે છે અને એમાં પણ દિશા પૂરી રીતે સહયોગ આપે છે અને તે કાયમ શાંતિપૂર્ણ વર્તન દાખવે
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અન્ય એક કાર્યકરે પોતાનું નામ નહીં આપવાની શરત પર બીબીસીને કહ્યું કે "તે એક મજાક કરનારી અને નાસમજ છોકરી છે. તે ઘણી વાર આયોજનોમાં મોડી આવે છે અને અમે તેની આ આદતથી ચીડાઈ પણ જઈએ છીએ પણ એને કંઈ કહેતા નથી કેમ કે તે જે પણ કરે છે એ ખૂબ જોશથી કરે છે."
"દિશાએ કદી કોઈ કાયદો નથી તોડ્યો. અમારા વૃક્ષ બચાવો અભિયાનમાં એમણે જ પોલીસને આ અંગે માહિતી આપી અને અધિકારીઓની પરવાનગીની સહી મેળવી હતી. દિશાએ કાયમ પૂરી વફાદારીથી કાયદાના માળખાંમાં રહીને કામ કર્યું છે."
બીબીસીએ આ મામલે અનેક યુવા કાર્યકરો સાથે વાત કરવાની કોશિશ કરી પણ મોટા ભાગના લોકોએ કાં તો વાત કરવાનું ટાળ્યું કાં તો કોલનો જવાબ ન આપ્યો.
એક અન્ય પર્યાવરણીય કાર્યકરે નામ નહીં આપવાની શરતે કહ્યું કે "લોકો ભયભીત છે એટલે શાંત થઈ ગયા છે."
"જીવવા લાયક પૃથ્વીની માગ કરવી એ એક આતંકવાદી ગતિવિધિ છે"
એક અન્ય કાર્યકર યાદ કરે છે કે કેવી રીતે આતંકવાદ વિરોધી કાનૂન (યુએપીએ) લાગી જવાના ભયે યુવાઓને ડરાવી દીધા હતા અને જૂન 2020માં ફ્રાઇડે ફૉર ફ્યૂચરને બંધ કરવું પડ્યુ હતું. કેન્દ્ર સરકાર દ્રારા લૉકડાઉન દરમિયાન લગાવવામાં આવેલા એનવાર્યમેન્ટ ઇમ્પેક્ટ અસેસમેન્ટના વિરોધમાં અભિયાન ચલાવવાને કારણે એને બંધ કરવું પડ્યું હતું.
દિશા રવિએ ત્યારે એક વેબસાઇટ www.autoreportafrica.comને કહ્યું હતું કે, "ભારતમાં લોકો જનવિરોધી કાયદાઓનો શિકાર બની રહ્યા છે. અમે એક એવા દેશમાં જીવીએ છીએ જ્યાં અસહમતીના અવાજને દબાવવામાં આવે છે. 'ફ્રાઇડે ફૉર ફ્યૂચર, ઇન્ડિયા' સાથે જોડાયેલા લોકો પર આતંકવાદીનો ઠપ્પો લગાવવામાં આવી રહ્યો છે કે કેમ કે તેઓ એનવાર્યમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ(ઈઆઈએફ)ના ડ્રાફ્ટનો વિરોધ કરે છે. નફાને લોકોની જિંદગીથી પણ વધારે મહત્ત્વ આપનારી સરકાર નક્કી કરી રહી છે કે સાફ હવા, સાફ પાણી અને જીવવા લાયક પૃથ્વીની માગ કરવી એ એક આતંકવાદી ગતિવિધિ છે."
2018માં જ્યારે ગ્રેટા થનબર્ગે પોતાનાં પર્યાવરણ બચાવ અભિયાન સાથે દુનિયામાં હલચલ મચાવી દીધી ત્યારે દિશા રવિએ ફ્રાઇડે ફૉર ફયૂચરની શરૂઆત કરી હતી.
તેઓ વિરોધપ્રદર્શનોથી તળાવ-સરોવરોને સાફ કરવામાં અને વૃક્ષોની કાપણી અટકે તે માટે સક્રિય રહેતાં હતાં.
એક અન્ય પર્યાવરણ કાર્યકર મુકુંદ ગૌડાએ બીબીસીને કહ્યું કે, "તેઓ હજી એક વિદ્યાર્થિની જ છે પણ એમણે એક વર્કશોપમાં એક પ્રેઝન્ટેશન કરીને બધા સિનિયરને ચોંકવી દીધાં હતાં. દરેક એમ જ કહેતું હતું કે આટલી નાની ઉંમરે તેઓ કેવી શાનદાર રીતે એક સુરક્ષિત ગ્રહની વકીલાત કરે છે."
એક અન્ય કાર્યકર પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે કહે છે કે "તેઓ વિદ્યાર્થીઓ અને અન્ય લોકો સાથે દર શુક્રવારે વાત કરે છે અને એમને પર્યાવરણ બાબતે જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. એમનાંમાં જાનવરો પ્રત્યે ખૂબ દયાભાવ છે. એમનાં વિશે અનેક એવી સકારાત્મક બાબતો છે જેનાં વિશે લોકો કહી શકે પણ ધરપકડ બાદ બધા સ્તબ્ધ છે."
યુવાઓના મનમાં ડર પેસી ગયો છે એ બાબતે કૃષ્ણાસ્વામી સહમત છે.
તેઓ કહે છે કે "હા હું પણ ડરેલી છું. અમે બાબતોને શાંતિપૂર્ણ રાખવા માટે તમામ વસ્તુઓ કરીએ છીએ. અમે પોલીસને સૂચિત કર્યા વગર કંઈ કરતાં નથી. આ ખૂબ ત્રાસદાયક છે કે યુવાઓને આ રીતે નિશાન બનાવવામાં આવી રહ્યા છે."
કાર્યવાહી પર સવાલ
સુપ્રીમ કોર્ટના વકીલ રેબેકા જોન આ અંગે ફેસબુક પર લખ્યું છે કે, આજે પટિયાલા કોર્ટના ડેપ્યૂટી મૅજિસ્ટ્રેટના આચરણથી મને ઘણી નિરાશા થઈ છે. યુવાન મહિલાના પ્રતિનિધિત્વ માટે કોર્ટમાં વકીલ છે કે નહીં તે સુનિશ્ચિત કર્યા વગર તેમણે મહિલાને પાંચ દિવસના પોલીસ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ કર્યો છે.
મૅજિસ્ટ્રેટે રિમાન્ડ માટેની પોતાની ફરજને ગંભીરતાથી લેવી જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે બંધારણના અનુચ્છેદ 22નું બધી રીતે પાલન કરવામાં આવે. જો સુનાવણી દરમિયાન મહિલાના પ્રતિનિધત્વ માટે કોઈ વકીલ નહોતો તો મૅજિસ્ટ્રેટને તેમનાં વકીલ માટે રાહ જોવી જોઈતી હતી અથવા તો તેમને કાયદાકીય મદદ પહોંચાડવી જોઈતી હતી. શું કેસ ડાયરી અને એરેસ્ટમ મેમોને જોવામાં આવ્યો છે?
રેબેકા જોને પ્રશ્ન કર્યો કે શું મૅજિસ્ટ્રેટે દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલને પૂછ્યું છે કે શા માટે બેંગ્લુરુ કોર્ટના ટ્રાન્ઝિટ રિમાન્ડ વગર મહિલાને દિલ્હી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં છે.
કૃષ્ણાસ્વામી કહે છે કે'' જો સરકારને એમ માનતી હોય કે કંઈ ખોટું થયું છે તો પહેલાં પોલીસ સ્ટેશનમાં એમની પૂછપરછ કરવી જોઈએ. એમને કોર્ટમાં રજૂ કરવાં માટે સીધા દિલ્હી કેમ લઈ જવામાં આવ્યાં? એવું લાગે છે કે ટેકનૉલૉજીને લઈને જાણકારીના અભાવને કારણે આ મામલામાં ભ્રમ ઊભો થયો છે.''
કૃષ્ણાસ્વામી મુજબ ટૂલકિટ બીજું કંઈ નહીં પણ એક દસ્તાવેજ હોય છે જેનો ઉપયોગ રાજકીય દળો અને અને ઉદ્યોગગૃહો પણ કરે છે. આ પરસ્પર હયોગ અને સંકલન જાળવી રાખવા માટે હોય છે એનો ઉપયોગ કોઈની વિરુદ્ધ નથી થતો.
કૃષ્ણાસ્વામી કહે છે કે "કોઈ પણ ગૂગલ ડોક્યુમેન્ટ સુધી કોઈ પણ પહોંચી શકે છે અને તેને એડિટ કરી શકે છે અને તમને એના વિશે એ આઇડિયા ન હોય કે એને પહેલાં કોણે એડિટ કરી છે. આ એક ડિજિટલ દુનિયા છે. ઇમાનદારીથી કહું તો જૂનવાણી લોકો આ દેશ ચલાવી રહ્યા છે જેમને સોશિયલ મીડિયાના ઉપયોગને કોઈ સમજ નથી. "
દિશા રવિ એક સ્ટાર્ટ અપ માટે કામ કરે છે જે વિગન દૂધનું પ્રમોશન કરે છે.
કંપનીના કન્સલટંટ પોતાનું નામ નહીં જાહેર કરવાની ઇચ્છા સાથે કહે છે કે "દિશા પોતાનાં પરિવારની એક માત્ર કમાણી કરતી વ્યક્તિ છે. માતા-પિતાની એક માત્ર દીકરી છે. તે ખૂબ નાની હતી ત્યારથી એમનાં પરિવારને ઓળખે છે. એમનાં પિતાની તબિયત ઠીક નથી રહેતી અને એમની માતા એક ગૃહિણી છે. એમણે થોડાં દિવસ અગાઉ મને સવારે 7થી 9 અને રાતે 7થી 9માં કોઈ કામ હોય તો કહેજો એમ કહ્યું હતું."
એક અન્ય કાર્યકર પોતાની ઓળખ ગુપ્ત રાખીને કહે છે કે "આ ખૂબ નિરાશાજનક છે. આ બધા એ બાળકો છે જે વૃક્ષો અને પર્યાવરણને બચાવવા માગે છે. એમને રાષ્ટ્રદ્રોહી કહીને ડરાવવામાં આવી રહ્યા છે."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો