ઇમરાન ખેડાવાલાનું રાજીનામું કૉંગ્રેસમાંથી કે ધારાસભ્યપદેથી? અલગઅલગ વાત

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધારાસભ્યપદેથી રાજીનામું ધરી દીધું છે. જોકે, એમણે ફેસબુક પોસ્ટમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાની વાત કરી હતી.

ઇમરાન ખેડાવાલાએ ફેસબુકમાં એક પોસ્ટ પણ મૂકી છે.

આ પોસ્ટમાં ઇમરાન ખેડાવાલાએ લખ્યું કે 'આજ રોજ ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સાહેબને પક્ષમાંથી રાજીનામું આપ્યું.'

મીડિયા અહેવાલો અનુસાર અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં ટિકિટ ફાળવણીથી નારાજ થઈને તેમણે રાજીનામું આપ્યું છે.

ઇમરાન ખેડાવાલા અમદાવાદના ખાડિયા મતવિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્ય છે.

બીબીસીને કહ્યું, હું ધારાસભ્યપદેથી રાજીનામું આપું છું

ઇમરાન ખેડાવાલાએ બીબીસીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે રાજીનામાની પુષ્ટિ કરી છે.

ખેડાવાલાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે "મારા મતવિસ્તારમાં આવેલી બહેરામપુરા સીટ પર ચાર લોકોને અગાઉથી મેન્ડેટ આપી દીધા છે. ચાર લોકો ઉમેદવારી ભરીને આવી ગયા છે. અને પછી બીજા બે લોકોને પણ મેન્ડેટ અપાયા છે. આમ કુલ છ ઉમેદવારો થઈ ગયા."

"મને આ અંગે જાણ થતા મેં હાઈકમાન્ડ સાથે વાત કરી હતી પણ મને યોગ્ય જવાબ મળ્યો નહોતો. પછી મેં અમિતભાઈ ચાવડાને રાજીનામું આપ્યું છે."

"અમિતભાઈએ એમ પણ કહ્યું છે કે તમને અન્યાય થયો હશે તો હું તમારી ચોક્કસ મદદ કરીશ."

ઇમરાન ખેડાવાલાએ એમ પણ કહ્યું કે "હું ધારાસભ્યપદેથી રાજીનામું આપું છું, પણ કૉંગ્રેસનો કાર્યકર તો રહીશ અને પાર્ટી માટે કામ કરતો રહીશ."

જોકે, એમના અધિકૃત એકાઉન્ટની કરેલી ફેસબુક પોસ્ટ મુજબ તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે એમ જાણવા મળે છે.

કોણ છે ઇમરાન ખેડાવાલા?

ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે.

ઇમરાન ખેડાવાલાનું આખું નામ ઇમરાન યુસૂફભાઈ ખેડાવાલા છે.

2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી.

જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસથી છેડો ફાડી લીધો.

સ્થાનિકસ્તરે લોકપ્રિય એવા ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની એ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી અને જીતી લીધી હતી. એ વખતે અપક્ષ ચૂંટણી જીતનારા તેઓ એકમાત્ર મુસ્લિમ નેતા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તાધારી ભાજપે એમને બે સિવિક બૉડીમાં પણ સ્થાન આપ્યું હતું.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એ જીતના કારણમાં ખેડાવાલાએ કહ્યું હતું કે પ્રતિબદ્ધ કાઉન્સિલર હોવાને કારણે અને કોઈ સાથે ભેદભાવ ન કરતા હોવાને તેમની જીત થઈ હતી.

ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. 2017માં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી.

ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ બની ગઈ હતી અને તે ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી.

જોકે, 2012માં જમાલપુર બેઠકને ખાડિયા બેઠક સાથે ભેળવી દેવામાં આવી. 2012માં કૉંગ્રેસ આંતરિક વિખવાદને કારણે બેઠક જીતી ન શકી અને ભૂષણ ભટ્ટનો વિજય થયો.

જોકે 2017માં ઇમરાન ખેડાવાલાએ એ બેઠક જીતી લીધી.

હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે.

છેલ્લે કૉંગ્રેસના અજિત પટેલ 1972માં ખાડિયા બેઠક જીતી હતી. 2012માં ખાડિયા-જમાલપુર બેઠક મર્જ થઈ એ પછી 2017 સુધી કૉંગ્રેસ પાર્ટી કદી આ બેઠક જીતી શકી નહોતી.

ખાડિયા બેઠક પર 1975થી લઈને 2007 સુધી ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટનું શાસન રહ્યું. અશોક ભટ્ટે 8 વાર ખાડિયા વિધાનસભા બેઠક જીતી હતી.

અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહ્યા અને સ્પીકર પણ બન્યા હતા.

2010માં એમનું અવસાન થયું અને એ પછી 2011ની પેટાચૂંટણીમાં અને 2012ની ચૂંટણીમાં અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો વિજય થયો હતો.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ઇમરાન ખેડાવાલા કૉંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને હિમંતસિંહ પટેલ બેઉની નજીક ગણાય છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો