લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં દાખલ - BBC TOP NEWS

લાલુ પ્રસાદ યાદવ

ઇમેજ સ્રોત, ANI

હિંદુસ્તાન ટાઇમ્સના એક અહેવાલ અનુસાર રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના ચીફ અને ઘાસચારા કૌભાંડના આરોપી લાલુ પ્રસાદ યાદવને શનિવારે તેમની તબિયત લથડતા દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે તેમને ઘાસચારા ગોટાળા મામલે જેલની સજા કરવામાં આવી છે અને તેઓ હાલ રાંચીની બિરસા મુંડા જેલમાં 14 વર્ષની સજા કાપી રહ્યા છે.

સજા દરમિયાન તેમની તબિયત લથડતા તેમને રાંચીની રાજેન્દ્ર ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (RIMS)માં દાખલ કરાયા હતા. જ્યાં તેમની તબિયત વધુ ખરાબ થતા RIMSના મેડિકલ બૉર્ડની ભલામણ અનુસાર તેમને દિલ્હી AIIMS ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે.

તેમને ઍરપૉર્ટ સુધી પહોંચાડવા માટે ગ્રીન કૉરિડોર બનાવવામાં આવ્યો હતો જ્યાંથી તેમને હવાઈ ઍમ્બુલન્સ મારફતે દિલ્હી AIIMS મોકલી દેવાયા હતા.

તેમના પુત્ર તેજસ્વી યાદવે આ અંગે કહ્યું, “મારા પિતાને સ્પેશિયલાઇઝ્ડ ટ્રીટમેન્ટની જરૂર હતી, તેથી અમે બધાએ મળીને તેમને નવી દિલ્હીની AIIMS શિફ્ટ કરવાનું નક્કી કર્યું.”

લાલુ પ્રસાદ યાદવ ચોથા તબક્કાના કિડનીના દર્દી છે. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતા RIMSમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમને માઇલ્ડ ન્યુમોનિયા હોવાનું બહાર આવ્યું હતું.

line

ભૂલથી પાકિસ્તાનમાં પ્રવેશી જનાર ગુજરાતી ભારત પરત ફર્યા

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાતના કચ્છ જિલ્લાના રહેવાસી ઇસ્માઇલ સમ્મા, જેઓ વર્ષ 2008માં પશુ ચરાવતાં ચરાવતાં પાકિસ્તાનમાં જતા રહ્યા હતા, તેઓ આખરે ભારત પાછા ફર્યા છે.

નોંધનીય છે કે તેમની પર પાકિસ્તાનમાં જાસૂસીનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને તેઓ પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા હતા.

ઇસ્માઇલ સમ્મા ગુજરાતના કચ્છ જિલ્લાના નાના દિનારા ગામના રહેવાસી છે જે બૉર્ડરથી માત્ર 50 કિલોમિટર જ દૂર છે.

ઑગસ્ટ 2008માં ઢોર ચારતી વખતે તેઓ પાકિસ્તાનના અધિકાર ક્ષેત્રવાળા વિસ્તારમાં પહોંચી ગયા હતા, જ્યાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. તેમને જાસૂસીના આરોપસર પાંચ વર્ષની કેદ થઈ હતી.

શુક્રવારે પાકિસ્તાન રેન્જર્સે ઇસ્માઇલને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સને સોંપ્યા હતા. હાલ અમૃતસર પોલીસ તેમને ઘરે મોકલવાની કાર્યવાહી કરી રહી છે.

ઇસ્માઇલના નાના ભાઈ યુનુસે કહ્યું કે તેમના ભાઈને આ દરમિયાન પાકિસ્તાનની ત્રણથી ચાર જેલમાં રાખવામાં આવ્યા હતા.

line

મુકેશ અંબાણી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓની યાદીમાં 11મા ક્રમે

મુકેશ અંબાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મુકેશ અંબાણી

બિઝનેસ ટુડેના એક અહેવાલ પ્રમાણે BSE સેન્સેક્સ અને નિફ્ટીના તાજેતરના ઉછાળાના કારણે મુકેશ અંબાણી વિશ્વની 11મી સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં થયેલ વધારાના કારણે સૌથી ધનિક લોકોની યાદીમાં તેઓ બે સ્થાન આગળ આવી ગયા છે.

બ્લૂમબર્ગ બિલિયનર્સ ઇન્ડેક્સ પ્રમાણે મુકેશ અંબાણી ઓરેકલ કૉર્પોરેશનના કૉ-ફાઉન્ડર લેરી એલિસન અને વિશ્વનાં સૌથી ધનિક મહિલા ફ્રાન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ કરતાં આગળ વધી આ યાદીમાં 11મા ક્રમે પહોંચી ગયા છે.

અંબાણીની કુલ સંપત્તિ 79.2 બિલિયન ડોલર એટલે કે અંદાજે 5.78 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

માઇક્રોસોફ્ટના પૂર્વ CEO માઇક બોલમર પણ નવી યાદી પ્રમાણે દુનિયાના ટૉપ 10 ધનવાનોમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 81.6 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

line

ભારત-ચીન સીમાવિવાદ અંગે નવમા તબક્કાની સૈન્ય વાર્તા યોજાશે

ભારત-ચીન સીમા વિવાદ

ઇમેજ સ્રોત, AFP CONTRIBUTOR

ઇમેજ કૅપ્શન, ભારત-ચીન સીમા વિવાદ

પૂર્વી લદ્દાખમાં પાછલા કેટલાક સમયથી ચીન સાથે ચાલી રહેલા સીમાવિવાદ અંગે રવિવારે ભારત અને ચીન વચ્ચે નવમા તબક્કાની સૈન્ય વાતચીત યોજાશે.

આ વાતચીતનો હેતુ લદ્દાખ બૉર્ડર પર ચાલી રહેલા સીમાવિવાદનો ઉકેલ લાવવાનો છે.

આ વાતચીત માટે 14 કૉર્પ્સ કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી જી કે મેનન અને વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ રવિવારે 9.30 વાગ્યે ચુસૂલ-મોલદો બૉર્ડર પર ચીનના સૈન્ય અધિકારીઓને મળશે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ સૂત્રોને ટાંકતાં લખ્યું છે કે આ વાર્તાનો ઉદ્દેશ મે, 2020થી પૂર્વી લદ્દાખ ખાતે પેંગોગ ત્સો, ચુસૂલ અને ગોગ્રા-હોટસ્પ્રિગ્સ વિસ્તારોમાં ચાલી રહેલા સૈન્ય ઘર્ષણ ટાળવાનો છે.

નોંધનીય છે કે આ પહેલાં બે માસ અગાઉ બંને દેશોના સૈન્ય અધિકારીઓ વચ્ચે નવેમ્બર માસમાં બેઠક થઈ હતી.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો