નિધિ રાઝદાન : ફિશિંગ શું છે અને ઑનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?

એનડીટીવીનાં પૂર્વ પત્રકાર નિધિ રાઝદાન શુક્રવારથી સોશિયલ મીડિયાથી લઈને મેનસ્ટ્રીમ મીડિયામાં સમાચારમાં છવાયાં છે.

નિધિના એક ટ્વીટથી તેઓ ચર્ચામાં આવ્યાં હતાં.

શુક્રવારે ટ્વીટ કરીને નિધિએ જાણકારી આપી કે તેમની સાથે ઑનલાઇન છેતરપિંડી થઈ છે, તેમને હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઍસોસિએટ પ્રોફેસરની નોકરીની ઑફર કરાઈ હતી.

પણ આ છેતરપિંડી હતી. તેઓએ એ નોકરી માટે એનડીટીવીમાંથી રાજીનામું પણ આપ્યું હતું.

તેઓએ તેમના ટ્વીટમાં લખ્યું, "હું એક ગંભીર ફિશિંગ હુમલાનો શિકાર બની છું."

ફિશિંગ શું હોય છે?

ફિશિંગ એક પ્રકારની ઑનલાઇન છેતરપિંડી છે, જેના માધ્યમથી લોકોને પોતાની ખાનગી જાણકારી, જેમકે બૅન્ક ડિટેઇલ કે પાસવર્ડ શૅર કરવાનું કહેવામાં આવે છે.

આ છેતરપિંડીમાં સામેલ લોકો પોતાને યોગ્ય અને પ્રતિષ્ઠિત કંપનીઓના પ્રતિનિધિ ગણાવે છે અને સામેવાળાને પોતાની વાતો પર વિશ્વાસ અપાવીને તેમની અંગત જાણકારીઓ મેળવી લે છે.

આ રીતના ઑનલાઇન હુમલાખોર તમને ટેક્સ્ટ મૅસેજ મોકલે છે, તમારો મેઇલના માધ્યમથી સંપર્ક કરે છે કે પછી તમને સીધો ફોન પણ કરી શકે છે.

ફિસિંગના શિકાર લોકોને લાગે છે કે મૅસેજ, મેઇલ કે ફોન કૉલ તેમની જ બૅન્ક કે સર્વિસ પ્રોવાઇડર તરફથી આવ્યાં છે.

સામાન્ય રીતે આનો ભોગ બનેલા લોકોને કહેવામાં આવે છે કે તેઓએ પોતાના બૅન્ક ખાતાના ઍક્ટિવેશન કે સિક્યૉરિટી ચેક માટે કેટલીક જાણકારીઓ આપવી પડશે.

તેમને કહેવામાં આવે છે કે જો તમે જાણકારી ન આપી તો તમારું ખાતું બંધ પણ કરી શકે છે.

મોટા ભાગે આ છેતરપિંડીથી અજાણ લોકો પોતાની ખાનગી માહિતી શૅર કરી દેતા છે.

આ રીતે ઑનલાઇન છેતરપિંડીમાં લોકોને એક ફેક વેબસાઇટ પર લઈ જવામાં આવે છે, જે બિલકુલ રિયલ લાગતી હોય છે.

તેમને એ વેબસાઇટમાં જઈને પોતાની ખાનગી જાણકારીઓ નાખવાનું કહેવામાં આવે છે.

જેવા લોકો ખાનગી જાણકારી નાખે કે સાયબર ગુનેગાર તેનો ઉપયોગ કરીને તમને સરળતાથી લૂંટી લે છે.

એ ફેક વેબસાઇટમાં મૉલવૅર ઇન્સ્ટૉલ કરેલું હોય છે, જે તમારી ખાનગી જાણકારીઓ પણ ચોરી લે છે.

લોકોને છેતરીને તેમનો પાસવર્ડ અને આ રીતની જાણકારીઓ મેળવવી આજે પણ દુનિયાભરમાં સાયબર ગુનેગારોની આ સૌથી સરળ રીત છે.

ઑનલાઇન છેતરપિંડીથી કેવી રીતે બચવું?

જોકે તમારી પાસે આ રીતની છેતરપિંડીથી બચવાનો પણ હંમેશાં એક રસ્તો હોય છે.

અજાણી જગ્યાએથી આવતા ફોન કૉલ, મેઇલ અને મૅસેજથી હંમેશાં સતર્ક રહો, ખાસ કરીને એ સ્થિતિમાં જ્યારે તમારો સંપર્ક કરનાર તમને તમારા નામથી સંબોધિત ન કરતો હોય.

મોટી કંપનીઓ પણ તમારી પાસે તમારી ખાનગી જાણકારીઓ ફોન કે મેલથી માગતી નથી.

એ મેઇલ કે ટેક્સ્ટ મૅસેજથી પણ સાવધ રહો, જેમાં તમને કોઈ લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે.

જો તમને એ વિશ્વાસ ન હોય કે તમને મેઇલ મોકનાર કે ફોન કરનાર અસલી અને વાસ્તવિક છે કે નહીં, તો ઉત્તમ રસ્તો એ છે કે તમે જાતે સીધા કંપનીને ફોન કરો અને એ જ નંબર પર ફોન કરો જે બૅન્ક સ્ટેટમેન્ટ, ફોન બિલ કે ડૅબિટકાર્ડની પાછળ લખેલો હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો