ભારતનાં ગામડાંઓમાં લોકોની આવક ખરેખર વધી રહી છે? - રિયાલિટી ચેક

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

નવા કૃષિકાયદા સામે ભારતમાં ખેડૂતો દ્વારા વિરોધપ્રદર્શન ચાલુ છે ત્યારે ભારત સરકારે વારંવાર દાવો કર્યો છે કે આ કાયદાથી ખેડૂતોને હકીકતમાં ફાયદો થશે.

2016માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પક્ષ ભાજપે દાવો કર્યો હતો કે તેઓ 2022 સુધીમાં દેશમાં ખેડૂતોની આવક બમણી કરી દેશે.

પરંતુ ગ્રામીણ લોકોની આજીવિકા વધી રહી હોવાના કોઈ પુરાવા છે?

ગ્રામીણ આવકને શું થયું છે?

વિશ્વ બૅન્કના જણાવ્યા પ્રમાણે ભારતમાં કુલ શ્રમબળના 40 ટકાથી વધુ લોકો ખેતી સાથે સંકળાયેલા છે.

તાજેતરનાં વર્ષોમાં ગ્રામીણ પરિવારોની આવક વિશે કોઈ સત્તાવાર આંકડા જાહેર નથી થયા. પરંતુ કૃષિવેતનના આંકડા (જે ગ્રામીણ આવકનો મહત્ત્વનો હિસ્સો છે) ઉપલબ્ધ છે. તે દર્શાવે છે કે 2014થી 2019 દરમિયાન વૃદ્ધિદરમાં ઘટાડો થયો છે.

ભારતમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફુગાવો વધ્યો છે. વિશ્વ બૅન્કના આંકડા પ્રમાણે 2017માં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો માત્ર 2.5 ટકા હતો જે 2019માં વધીને 7.7 ટકા થયો હતો. તેના કારણે વેતનની વૃદ્ધિ ધોવાઈ જાય છે.

ભારતે 2013 અને 2016માં સરવે કર્યા હતા. તે મુજબ આ સમયગાળામાં ખેડૂતોની આવક નિરપેક્ષ રીતે લગભગ 40 ટકા વધી હતી.

જોકે ઑર્ગેનાઇઝેશન ફૉર ઇકૉનૉમિક કો-ઑપરેશન ઍન્ડ ડેવલપમૅન્ટ (OECD)ના 2018ના અહેવાલ અનુસાર વાસ્તવિક રીતે જોતા આ ત્રણ વર્ષમાં ખેડૂતોની આવકમાં વાર્ષિક દરે માત્ર બે ટકાનો વધારો થયો હતો.

રિપોર્ટમાં એવી સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી કે આ ખેડૂતોની આવક બિનખેતી આધારિત પરિવારોની તુલનામાં માત્ર એક તૃતીયાંશ જેટલી હતી.

કૃષિનીતિના નિષ્ણાત દેવિન્દર શર્મા માને છે કે વાસ્તવિક રીતે ખેડૂતોની આવક સ્થિર રહી છે અથવા કેટલાક દાયકાથી ઘટી પણ છે.

તેઓ કહે છે, "માસિક ધોરણે એક-બે હજાર રૂપિયાનો વધારો થાય તો પણ ફુગાવાને ધ્યાનમાં લઈએ તો તે બહુ મોટો ન ગણાય."

તેઓ એમ પણ જણાવે છે કે ખેડૂતો માટે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે તથા તેમને કૃષિપેદાશ માટે જે ભાવ મળે છે તેમાં ભારે ઉતારચઢાવ આવે છે.

અહીં એ નોંધવું જરૂરી છે કે તાજેતરનાં વર્ષોમાં હવામાનમાં ભારે ફેરફાર જોવા મળ્યા છે. જેમાં કેટલાંક દુષ્કાળનાં વર્ષ પણ હતાં, જેનાથી ખેડૂતોની આજીવિકાને ગંભીર અસર પહોંચી છે.

સરકારનાં લક્ષ્ય સિદ્ધ થાય છે?

2017માં એક સરકારી સમિતિએ અહેવાલ આપ્યો હતો કે ખેડૂતોની આવક 2022 સુધીમાં બમણી કરવી હોય તો 2015થી દર વર્ષે તેમાં વાર્ષિક 10.4 ટકાના દરે વધારો થવો જોઈએ. પરંતુ આવું નથી થઈ રહ્યું.

એવું કહેવાય છે કે સરકારે કૃષિક્ષેત્રમાં 64 અબજ પાઉન્ડ અથવા 86 અબજ ડૉલરનું રોકાણ કરવું પડે તેમ છે.

જાહેર અને ખાનગી રોકાણના આંકડા દર્શાવે છે કે આ રોકાણ ઘટી રહ્યું છે.

2011-12માં કુલ રોકાણની સામે કૃષિ સેક્ટરમાં રોકાણ માત્ર 8.5 ટકા હતું.

2013-14માં તે વધીને 8.6 ટકા થયું હતું. ત્યારપછી તેમાં ઘટાડો થયો અને 2015થી તે મોટા ભાગે 6થી 7 ટકાની આસપાસ સ્થિર રહ્યું છે.

દેવાના બોજ હેઠળ દટાઈ રહેલા ખેડૂતો

2016માં નેશનલ બૅન્ક ફૉર એગ્રિકલ્ચર ઍન્ડ રૂરલ ડેવલપમૅન્ટ દ્વારા એક સત્તાવાર સરકારી સરવે કરાયો હતો. તેમાં જાણવા મળ્યું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ખેડૂતો પરના દેવાની સરેરાશ રકમ બમણા કરતાં પણ વધી ગઈ હતી.

અગાઉ રિયાલિટી ચેકમાં ઉચ્ચ દેવા હેઠળ દબાયેલા ખેડૂતોની સમસ્યા તથા તેમને દેવામાં રાહત મળવી જોઈએ કે નહીં તેની રાજકીય ચર્ચાનો સમાવેશ કરાયો હતો.

આટલાં વર્ષો દરમિયાન કેન્દ્રીય અને રાજ્યસ્તરે ખેડૂતોને પ્રત્યક્ષ નાણાકીય અને બીજી મદદ પૂરી પાડવા પ્રયાસ થયો છે. તેમાં ફર્ટિલાઇઝર અને બિયારણ માટે સબસિડી તથા વિશેષ ધિરાણ યોજનાઓ સામેલ છે.

2019માં કેન્દ્ર સરકારે 8 કરોડ ખેડૂતોના બૅન્ક ખાતામાં સીધી રોકડ જમા કરવાની યોજના જાહેર કરી હતી.

આ યોજના હેઠળ સરકાર ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા (લગભગ 61 પાઉન્ડ અથવા 81 ડૉલર)ની સહાયક આવક પૂરી પાડે છે.

ભારતમાં છ રાજ્યો ખેડૂતો માટે રોકડ સહાય ટ્રાન્સફર કરવાની યોજના પહેલેથી ધરાવતા હતા.

દેવિન્દર શર્મા જણાવે છે આવી યોજનાઓથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળી છે.

તેઓ કહે છે, "સરકારે ખેડૂતોને પ્રત્યક્ષ સહાય કરવાની યોજના લાગુ કરી છે અને તે યોગ્ય દિશામાં પગલું છે."

પરંતુ આ યોજનાઓથી ખરેખર ધાર્યો ફાયદો થયો છે કે નહીં તે જાણવા માટે વિગત ઉપલબ્ધ નથી.

ખેડૂતોની આવક વધારવા માટે કામ કરતી સત્તાવાર સમિતિના અધ્યક્ષ અશોક દલવાઈએ જણાવ્યું કે તેમના માનવા પ્રમાણે સરકાર યોગ્ય દિશામાં આગળ વધી રહી છે.

તેઓ કહે છે, "આપણે વિગતો માટે રાહ જોવી જોઈએ. હું કહી શકું કે છેલ્લાં ત્રણ વર્ષમાં વૃદ્ધિ વધી હશે અને ત્યારપછી આપણે વધારે નક્કર વૃદ્ધિ નોંધાવીશું."

દલવાઈએ બીબીસીને જણાવ્યું કે, તેમના પોતાના "આંતરિક મૂલ્યાંકન" મુજબ બધું "યોગ્ય દિશામાં" જઈ રહ્યું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો