પાકિસ્તાનને ‘બદનામ’ કરનારા રિપોર્ટ મામલે ભારતનો જવાબ

એક ભારતીય નેટવર્ક પર પાકિસ્તાન વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય સ્તરે દુષ્પ્રાચર અભિયાન ચલાવવાના ‘ઈયુ ડિસઇન્પફોલૅબ’ના આરોપોને ભારતે સંપૂર્ણપણે નકારી દીધા છે.

વિદેશમંત્રાલયે કહ્યું છે કે એક જવાબદાર લોકતંત્ર તરીકે ભારતે ખોટી સૂચનાઓ ફેલાવવાનું અભિયાન નથી ચલાવ્યું, આવું કરનાર ભારત નહીં પરંતુ તેમનો પાડોશી છે જે ઉગ્રવાદીઓને છાવરે છે અને આવાં અભિયાન ચલાવે છે.

યુરોપિયન યુનિયનમાં ફૅક ન્યૂઝ પર કામ કરનાર સંગઠન ‘ઈયુ ડિસઇન્ફોલૅબ’એ દાવો કર્યો છે કે પાછલાં 15 વર્ષોથી આંતરરાષ્ટ્રીય સ્તર પર એક નેટવર્ક કામ કરી રહ્યું છે, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને બદનામ કરવાનો અને ભારતના હિતોને ફાયદો પહોંચાડવાનો છે. વિગતવાર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો.

ઈયુ ડિસઇન્ફોલૅબે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આ કામ માટે ઘણાં નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક બનાવટી મીડિયા સંસ્થાનોનો ઉપયોગ કરાયો હતો.

શુક્રવારે એક પ્રેસ કૉંન્ફરન્સને સંબોધિત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે આ મામલે ભારતનો પક્ષ રાખ્યો.

સાથે જ તેમણે ખોટી સૂચનાઓ ફેલાવવાને લઈને પરોક્ષપણે પાકિસ્તાનને જવાબદાર ઠેરવ્યું. જોકે, તેમણે સ્પષ્ટપણે પાકિસ્તાનનું નામ ન લીધું.

અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, “ખોટી સૂચનાઓ એ લોકો ફેલાવે છે જેમનો છુપાવવાનો રેકૉર્ડ રહ્યો છે, જેમ કે ઓસામા બિન લાદેન સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે જેમની શોધ થઈ રહી છે તેવા આતંકવાદીઓને શરણ આપવી અને 26/11ના મુંબઈ હુમલામાં પોતાની ભૂમિકા છુપાવવાનો અસફળ પ્રયાસ કરવો.”

અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું, “એક જવાબદાર લોકતંત્ર હોવાને કારણે ભારત ખોટી સૂચનાઓ ફેલાવવાનું અભિયાન નથી ચલાવતું. બલકે, જો આપ ખોટી સૂચનાઓ જોવા માગતા હો તો તેનું સૌથી સારું ઉદાહરણ પાડોશી છે જે કાલ્પનિક ડોઝિયર આપતો રહ્યો છે અને સતત ફૅક ન્યૂઝ ફેલાવતો રહ્યો છે.”

ઈયુ ડિસઇન્ફોલૅબનો રિપોર્ટ

ઈયુ ડિસઇન્ફોલૅબનું કહેવું છે કે, “પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ” કરવા અને સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર કાઉન્સિલ અને યુરોપિયન સંસદમાં નિર્ણયોને પ્રભાવિત કરવાના ઇરાદાથી આ નેટવર્ક બનાવવામાં આવ્યું હતું. આ દુષ્પ્રચાર અભિયાન માટે જે વ્યક્તિની ઓળખ ચોરવામાં આવી તેમને આંતરરાષ્ઠ્રીય માનવાધિકાર કાયદાના અગ્રણી એક માનવામાં આવે છે. તેમનું મોત વર્ષ 2006માં થઈ ગયું હતું. ત્યારે તેઓ 92 વર્ષના હતા.

‘ઇન્ડિયન ક્રોનિકલ્સ’ના નામથી બનેલ આ તપાસ રિપોર્ટને આ બુધવારે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

ગત વર્ષે ઈયુ ડિસઇન્ફોલૅબે આંશિકપણે આ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો પરંતુ હવે સંસ્થાનું કહેવું છે કે આ અભિયાન પહેલાં શંકા હતી તેના કરતાં પણ વધુ મોટું અને વિસ્તૃત છે.

જોકે, રિપોર્ટમાં આ નેટવર્કનો ભારત સરકાર સાથે કોઈ પ્રત્યક્ષ સંબંધ હોવાની વાત નથી કરવામાં આવી.

ગત વર્ષે સંશોધકોને વિશ્વના 65 દેશોમાં ભારતને સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે ખબર પડી હતી. આ વેબસાઇટ્સને ટ્રેસ કરવાથી ખબર પડે છે કે તેના તાર દિલ્હીસ્થિત એક ભારતીય કંપની શ્રીવાસ્તવ ગ્રૂપ સાથે જોડાયેલા છે.

પરંતુ હાલના રિપોર્ટમાં શ્રીવાસ્તવ ગ્રૂપ તરફથી ચલાવાઈ રહેલું અભિયાન ઓછામાં ઓછા 116 દેશોમાં ફેલાયેલું ઓછે. તેમાં યુરોપિયન સંસદના ઘણા સભ્યો અને સંયુક્ત રાષ્ટ્રના ઘણા કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

ડિસઇન્ફૉર્મેશન નેટવર્કના જાણકાર બેન નિમ્મોએ બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધી તેમણે જે જોયું છે, “તેમાં આ સૌથી વધુ જટિલ અને સતત કામ કરનારું અભિયાન છે.” જોકે એ પણ તેઓ પણ કોઈ ખાસ સંગઠન સાથે જોડીને ન જોવાની વાત પર ભાર મૂકે છે.

ડિજિટલ મૉનિટરિંગ કંપની ગ્રાફિકાના તપાસ નિદેશક નિમ્મો ઇન્ટરનેટ પર આ પ્રકારના સૌથી મોટાં ટ્રોલિંગ અભિયાનોનું ઉદાહરણ આપે છે જે ખાનગીપણે ચલાવવામાં આવ્યાં હતાં. તેઓ કહે છે કે, “માત્ર આ વ્યાપક સ્તરે ચલાવાયેલ અભિયાન હોવાથી તેનો અર્થ એ નથી કે તે સરકાર પ્રાયોજિત છે.”

પ્રોફેસર લુઈ બી શૉનના નામનો ઉપયોગ

તપાસ પરથી ખબર પડી છે કે શ્રીવાસ્તવ ગ્રૂપના આ અભિયાનની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠન UNHCRના વર્તમાન સ્વરૂપમાં અસ્તિત્વમાં આવવાના અમુક મહિના બાદ 2005માં થઈ હતી.

એક NGO જેના પર સંશોધકોનું ધ્યાન ગયું તે હતું કમિશન ટૂ સ્ટડી ધ ઑર્ગેનાઇઝેશન ઑફ પીસ (CSOP). આ સંગઠન વર્ષ 1930માં બન્યું અને 1975માં તેને સંયુક્ત રાષ્ટ્રની માન્યતા મળી પરંતુ 1970ના દાયકાનાં અંતિમ વર્ષોમાં આ સંગઠને પોતાનું કામ બંધ કરી દીધું હતું.

તપાસમાં ખબર પડ્યું કે CSOPના એક પૂર્વ ચૅરમૅન પ્રોફેસર લુઈ બી શૉનનું નામ વર્ષ 2007માં UNHCRના એક કાર્યક્રમના સત્રમાં CSOPમાં ભાગ લેનાર, લુઈ શૉન તરીકે લખાયું હતું. વર્ષ 2011માં વૉશિંગટનમાં થયેલ વધુ એક કાર્યક્રમમાં પણ તેમનું નામ હતું.

તેમનું નામ જોઈને સંશોધકોને આશ્ચર્ય થયું કારણ કે તેમનું મૃત્યુ વર્ષ 2006માં થયું હતું.

લુઈ 20મી સદીના આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદાના જાણકારોમાં અગ્રણી હતા અને 39 વર્ષો સુધી હાવર્ડ લૉ ફૅકલ્ટીના સદસ્યા રહ્યા હતા.

સંશોધકોએ પોતાનો રિપોર્ટ પ્રોફેસર લુઈને સમર્પિત કર્યો છે અને કહ્યું કે “બનાવટી તત્ત્વોએ તેમના નામનો ઉપયોગ કર્યો છે.”

‘ઇન્ડિયન ક્રૉનિકલ’ના લેખકોનું કહેવું છે કે, “આંતરરાષ્ટ્રીય સંસ્થાનોના ખોટા ઉપયોગ કરનાર વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા માટેનું માળખું બનાવવા માટે નીતિનિર્માતા” તેમના સંશોધનના નિષ્કર્ષોનો ઉપયોગ કરી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો