સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં ફેરફારની માગ કેમ કરાઈ રહી છે?

ઇમેજ સ્રોત, JEFF GREENBERG VIA GETTY IMAGES
- લેેખક, સુશીલા સિંહ
- પદ, બીબીસી સંવાદદાતા
સલમા (બદલેલું નામ) અને રાજેશ (બદલેલું નામ) એક બીજાને વર્ષ 2011માં મળ્યાં. ધીરેધીરે બંને એકબીજાની નજીક આવ્યાં અને લગ્ન કરવાનો નિર્ણય લીધો. પરંતુ આ લગ્નમાં બંનેનું અલગ અલગ ધર્મનું હોવું અડચણરૂપ હતું.
વર્ષ 2018માં સલમા અને રાજેશે જ્યારે પરિવાર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો, ત્યારે બંનેનાં કુટુંબોએ આ સંબંધને નામંજૂર કર્યો અને બંનેના પરિવારોએ તેમના માટે જીવનસાથીની શોધ શરૂ કરી દીધી.
આ બંને તરફથી હાઈકોર્ટમાં દાખલ કરાયેલ અરજીમાં કહેવાયુ છે કે લૉકડાઉનમાં પરિસ્થિતિ વધુ વણસી. આ દરમિયાન સલમાના પરિવારજનોએ તેમના માટે છોકરો પસંદ કરી લીધો અને સલમાને કહ્યું કે તેઓ તેમનાં લગ્ન રાજેશ સાથે નહીં થવા દે.
આટલું જ નહીં સલમાને આજીવન ઘરે બેસાડી રાખવાની પણ વાત કરી. પરંતુ સલમા તૈયાર નહોતાં.
અરજી અનુસાર, છોકરીની પરિસ્થિત ખરાબ થઈ ચૂકી હતી અને તેમના માટે તેમનાં માતા-પિતા સાથે રહેવું ભાવનાત્મક રીતે મુશ્કેલ બની રહ્યું હતું.
સલમાએ પોતાના વિસ્તારના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ સમક્ષ નિવેદન આપ્યું કે તેઓ પોતાના પરિવાર સાથે નથી રહેવા માગતાં.
પોલીસે તેમને સુરક્ષાનું આશ્વાસન આપ્યું અને એક બિનસરકારી સંસ્થા 'ધનક ઑફ હ્યૂમૅનિટી' તરફથી તેમની રહેવાની સગવડ કરી આપી.

સ્પેશિયલ મૅરેજ ઍક્ટ પણ બન્યો અડચણ

આ પરિસ્થિતિમાં બંનેએ લગ્નનો નિર્ણય તો લીધો પરંતુ બંને ધર્મપરિવર્તન કરવા નહોતાં ઇચ્છતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યાર બાદ સલમાએ સ્પેશિયલ મૅરેજ ઍક્ટ અંતર્ગત લગ્નનું રજિસ્ટ્રેશન કરાવ્યું કારણ કે બંને લગ્ન માટે ધર્મપરિવર્તન કરવા નહોતાં માગતાં.
પરંતુ સ્પેશિયલ મૅરેજ ઍક્ટની પબ્લિક નોટિસવાળી જોગવાઈ તેમના માટે મુશ્કેલી બની.
આ કારણે જ બંનેએ દિલ્હી હાઈકોર્ટમાં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ - 1954ના સેક્શન 6 અને 7ને પડકારતી એક અરજી દાખલ કરી દીધી.
અરજદારોએ કહ્યું કે આ બંને સેક્શન હેઠળ લગ્નનું રજિસ્ટ્રેશન કરાવવાની પ્રક્રિયાથી તેઓ પ્રભાવિત અને દુ:ખી છે.
તેમના જણાવ્યાનુસાર, દિલ્હીમાં સ્પેશિયલ મૅરેજ ઍક્ટ હેઠળ લગ્ન પહેલાં સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટની ઑફિસ બહાર 30 દિવસ સુધી પબ્લિક નોટિસ મૂકવામાં આવે છે.
પોતાની અરજીમાં તેમણે કહ્યું કે રજિસ્ટ્રેશનમાં આ પ્રકારની જાણકારી આપવાની જોગવાઈને રદ કરવામાં આવે કારણ કે તે અવૈધ, એકપક્ષીય અને ભારતીય સંવિધાનથી વિપરીત છે.
અરજદારોના વકીલ ઉત્કર્ષ સિંહનું કહેવું છે કે, "જ્યારે એક ધર્મની વ્યક્તિઓ લગ્ન કરે છે ત્યારે તેમનાં લગ્ન એક જ દિવસમાં થઈ જાય છે, પરંતુ જ્યારે જુદા-જુદા ધર્મની વ્યક્તિઓ લગ્ન કરે છે તો તેમાં ત્રીસ દિવસનો સમય લાગે છે, આવું કેમ?"
તેઓ કહે છે કે, "આ ઍક્ટમાં ઘણી મુશ્કેલીઓ છે. તે અંતર્ગત લગ્ન માટે તમારે SDMને અરજી કરવાની હોય છે. જેમાં તમારી સંપૂર્ણ જાણકારી, નામ, ધર્મ અને ઉંમર વગેરે વિગતો ભરવાની હોય છે."
"ત્યાર પછી બીજો ફૉર્મ ભરવાનો હોય છે, જેમાં તમારા દ્વારા અપાયેલી જાણકારીને SDM ઑફિસની બહાર 30 દિવસ સુધી મૂકવામાં આવે છે જેથી કોઈનેય આપત્તિ છે કે કેમ તે જાણી શકાય."
ઉત્કર્ષ સિંહ અનુસાર, "જો કોઈને આપત્તિ હોય તો તેઓ આપત્તિ રજિસ્ટર કરાવી શકે છે. આવી જોગવાઈ લગ્નવાંચ્છુ યુવક-યુવતીની પ્રાઇવસીનો પણ ભંગ કરે છે અને ભેદભાવપૂર્ણ છે."
તેઓ કહે છે કે, "બીજી તરફ લગ્ન કરવા જઈ રહેલું યુગલ ભાવનાત્મક, ઘણી વાર આર્થિક અને પરિવારિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હોય છે. ઘણી વાર તેઓ અરાજક તત્ત્વોના નિશાન પર પણ આવી જતું હોય છે."
"આવી પરિસ્થિતિમાં તેમની પર પોતાના ધર્મમાં જ લગ્ન કરવાની વાતને લઈને દબાણ કરવામાં આવે છે. પરંતુ એવું પણ જોવા મળ્યું છે કે ભલે છોકરી ગમે તે સમુદાયની હોય સૌથી વધુ પરેશાની તેમણે જ ભોગવવી પડે છે."
"દિલ્હી તો મોટું શહેર છે, પરંતુ એવાં નાનાં રાજ્યો કે વિસ્તારો વિશે વિચારો જ્યાં આવાં યુગલો વિશેના સમાચાર તરત ફેલાઈ જતા હોય અને અરાજક તત્ત્વો દ્વારા આવાં યુગલોને નુકસાન પહોંચાડી શકાય છે."

મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે આ કાયદો?

ઇમેજ સ્રોત, PUNIT PARANJPE/GETTY IMAGES
વકીલ સોનાલી કડવાસરા જૂન જણાવે છે કે, "ભારતીય સમાજમાં આપણે ઑનર-કિલિંગની ઘટનાઓ જોઈ ચૂક્યા છીએ. 'લવ જેહાદ'ની વાત પણ સમયાંતરે ઊઠતી રહી છે."
" આવી પરિસ્થિતિમાં 30 દિવસ સુધી રાહ જોવાનો નિયમ આવાં યુગલો માટે જીવન-મરણનો પ્રશ્ન સાબિત થઈ શકે છે, સાથે જ આ ઍક્ટ સંવિધાનના મૂળભૂત અધિકારોનું હનન પણ કરે છે."
તેમના અનુસાર, "સ્પેશિયલ મૅરેજ ઍક્ટ-1954 ઘણો જૂનો છે. તેમજ તેના 30 દિવસના નોટિસ પિરિયડને બે પ્રકારે જોવો જોઈએ."
"પ્રથમ એ કે આ જોગવાઈ સંવિધાનના અનુચ્છેદ-14 અંતર્ગત સમાનતાના અધિકાર અને અનુચ્છેદ-21 અંતર્ગત જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારનું હનન કરે છે."
"બીજું એ કે વર્ષ 1954ની સરખામણીએ હવે સંચારની ઘણી નવી તકનીકો જેમ કે ફોન, મોબાઇલ અને મેઇલની સુવિધા ઉપલબ્ધ છે. હવે આપ અમુક સેકંડોમાં જ સંદેશ મોકલી શકો છો. આવી પરિસ્થિતિમાં 30 દિવસનો નોટિસ પિરિયડ ઘણો લાંબો થઈ જાય છે."
"જો આજની પરિસ્થિતિને જોવામાં આવે તો આજકાલ માહિતી ઝડપથી વાઇરલ થઈ જાય છે. કોઈ પણ સમૂહ કે અસામાજિક તત્ત્વો આ વાતને મુદ્દો બનાવી શકે છે અને આવી પરિસ્થિતિમાં આવાં યુગલોની મુશ્કેલી વધી શકે છે."
"મારા મુજબ 30 દિવસનો નોટિસ પિરિયડ ગેરવાજબી છે અને તેની વગર પણ કામ ચાલી શકે છે."
ધનક ઑફ હ્યૂમૅનિટી-એક બિનસરકારી સંસ્થા છે.
આ સંસ્થાના આસિફ ઇકબાલ જણાવે છે કે તેમની પાસે એક વર્ષમાં લગભગ 1000 મામલા આવે છે, જે પૈકી 54 ટકા મામલા ઇંટર ફેથ કે અલગ-અલગ ધર્મમાં માનનારાં યુગલોના હોય છે. જ્યારે અન્ય મામલા આંતરજ્ઞાતીય હોય છે.

30 દિવસનો નોટિસ પિરિયડ ડરનું વાસ્તવિક કારણ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
તેઓ કહે છે કે તેમની પાસે આવાં યુગલો લગ્ન કરવાના હેતુસર આવે છે.
તેમનાં મનમાં એ વાતનો ડર હોય છે કે કોઈ તેમને કાયદાકીય લડાઈમાં ન ફસાવી દે કે સમગ્ર મામલાને ધાર્મિક રંગ આપવાની કોશિશ ન કરે.
ઘણાં યુગલોને ડર હોય છે કે તેમના પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડી શકે છે.
સાથે જ વાલીઓને મનાવવા માટે ઘણાં યુગલો મદદ માગવા માટે પણ આવે છે. પરંતુ મોટા ભાગના મામલાઓમાં પરિવારજનો નથી માનતા.
આવી પરિસ્થિતિમાં સંસ્થા તેમને આર્થિક સહાય, રહેવા માટે જગ્યા, પોલીસ અને કોર્ટની મદદથી સુરક્ષા અપાવે છે. પરંતુ આવાં યુગલોને ભાવનાત્મક સપોર્ટની દરકાર વધુ હોય છે.
તેઓ કહે છે કે, "જો આવાં યુગલોમાં કોઈ ઉચ્ચ જ્ઞાતિની કે પ્રભાવશાળી કુટુંબની હિંદુ છોકરી હોય તો એ વાતનો ડર વધુ હોય છે કે પરિવાર પોતાની વગનો ઉપયોગ કરી ફરિયાદ ન દાખલ કરાવી દે. આવી પરિસ્થિતિમાં મદદ કરનારા અમારા જેવા લોકો અને છોકરી બંને માટે ખતરો વધી જાય છે."
આસિફ ઇકબાલ અનુસાર, સલમા અને રાજેશનાં તો લગ્ન થઈ ગયાં છે પરંતુ સ્પેશિયલ મૅરેજ ઍક્ટમાં જે 30 દિવસનો નોટિસ પિરિયડ હોય છે, તેના કારણે ઓછાં યુગલો આવાં લગ્ન માટે સામે આવે છે.
કારણ કે તેમનાં મનમાં ક્યાંક એવો ભય હોય છે કે ક્યાંક આ સમયગાળા દરમિયાન તેમની સાથે કંઈ ખોટું ન બને.
નોંધનીય છે કે આ મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ પાઠવી છે અને 27 નવેમ્બર સુધી તે અંગે જવાબ માગ્યો છે.
પરંતુ આ કોઈ કાનૂની લડતનો મામલો નથી. પરંતુ આ સમસ્યા સામાજિક પણ છે. કારણ કે કાયદામાં ફેરફાર થઈ જાય તો પણ જ્યાં સુધી સમાજ આ વાતને બે વ્યક્તિનાં લગ્નની જેમ નહીં જુએ, ત્યાં સુધી આ પરેશાની રહેશે જ.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














