બિહાર વિધાનસભાની ચૂંટણી : શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસને કેટલો ફાયદો કરાવશે?

- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
કૉંગ્રેસ દ્વારા રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની બિહાર પ્રદેશ કૉંગ્રેસના પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્રણ તબક્કામાં યોજાઈ રહેલી બિહારની ચૂંટણીમાં ગોહિલ કૉંગ્રેસની ચૂંટણીરણનીતી ઘડવાની સાથોસાથ પ્રચારઅભિયાન પર પણ ધ્યાન રાખશે.
શક્તિસિંહ ગોહિલ 30 વર્ષોથી કૉંગ્રેસમાં સક્રિય છે અને એવા જૂજ નેતાઓમાં સામેલ છે, જેઓ અહમદ પટેલ અને રાહુલ ગાંધીના નજીક હોય. આ પ્રથમ વખત છે જ્યારે શક્તિંસિંહ ગોહિલને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
બિહારમાં આ વખતે કૉંગ્રેસ લાલુ યાદવના આરજેડી સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી રહી છે, જેમાં કૉંગ્રેસના ફાળે 70 વિધાનસભા બેઠકો આવી છે. કૉંગ્રેસ પટણા સાહિબ, ભાગલપુર, બેગુસરાય, ગયા ટાઉન, મઝફ્ફપુર અને કિશનગંજ જેવી મહત્ત્વની બેઠકો પર ચૂંટણી લડી રહી છે.

ગોહિલનું શું કહેવું છે?

બિહારના મુદ્દાઓ પર કૉંગ્રેસે ચૂંટણી લડવાનું નક્કી કર્યું હોવાનું શક્તિસિંહ ગોહિલનું જણાવવું છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં શક્તિસિંહ ગોહિલે જણાવ્યું, "પક્ષ દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને ગઠબંધનના જે સાથી પક્ષો છે તેમની સાથે કામ કરીશું."
"અમે હકારાત્મક ઍજન્ડા સાથે આ ચૂંટણી લડી રહ્યા છીએ અને બિહારના જે મુખ્ય મુદ્દાઓ છે, તે લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ. "
"અમને વિશ્વાસ છે કે લોકો કૉંગ્રેસ અને આરજેડીના ગઠબંધનને ચૂંટણીમાં વિજય અપાવશે."
"ભાજપ અને જદ(યુ)નું જે ગઠબંધન છે, તેમાં વૈચારિક તાલમેલ નથી અને બિહારના લોકો જાણે છે કે આ ગઠબંધન માત્ર સત્તા ખાતર રચવામાં આવ્યું છે. લોકોની અપેક્ષા પ્રમાણે બિહારની સરકાર કામ કરી શકી નથી અને નીતીશ કુમારના શાસનમાં કોઈ વિકાસ રહ્યો નથી. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વખતે કૉંગ્રેસ કેટલી બેઠકો અંકે કરી લેશે? આ પ્રશ્નના જવાબમાં ગોહિલે જણાવ્યું, "અમને 70 બેઠકો મળી છે, પરતું કૉંગ્રેસ પક્ષે માગણી કરી હતી, તેમાંથી ઘણી બેઠકો અમને મળી નથી. ગઠબંધન ટકાવી રાખવા માટે અમે એ બેઠકો સાથી પક્ષોને આપી છે. અમને આશા છે કે કૉંગ્રેસને ચૂંટણીમાં સારી બેઠકો મળશે."
જોકે, શક્તિસિંહને બિહારની ચૂંટણીમાં પ્રભારી બનાવતા કૉંગ્રેસને ફાયદો શકે કે નુકસાન એ અંગે વિશ્લેષકો અલગઅલગ મત ધરાવે છે.
વલ્લભવિદ્યાનગરસ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના અધ્યાપક બલદેવ આગજાનું માનવું છે કે શક્તિસિંહ સારી છાપ ધરાવતા નેતા છે અને કૉંગ્રેસને ફાયદો કરાવી શકે એમ છે.
આગજા જણાવે છે, "શક્તિસિંહ ગોહિલ એક પ્રામાણિક નેતાની છાપ ધરાવે છે અને તેઓ બિહાર વિધાનસભા ચૂંટણીમાં સારી રીતે કામ પણ કરશે, પરતું રાજ્યના લોકો કૉંગ્રેસથી કેટલા સહમત થાય છે, તે ચૂંટણીપરિણામથી ખબર પડશે."
"જો કૉંગ્રેસના નેતાઓ લોકોના પ્રશ્નોને યોગ્ય રીતે ઉપાડે તો ચૂંટણીમાં પક્ષને લાભ થઈ શકે છે. શક્તિસિંહ જો યોગ્ય રણનીતી બનાવીને પ્રચાર કરે તો કૉંગ્રેસ 35-40 બેઠકો કબજો કરી શકે છે."
રાજકારણના જાણકારોના મતે શક્તિસિંહ ગોહિલ વર્ષ 2002થી ગુજરાતમાં નરેદ્ર મોદી અને અમિત શાહની જોડી સામે બાથ બીડી રહ્યા છે.
તેઓ મોદી અને શાહની કાર્યપદ્ધતિથી પણ વાકેફ છે. તેમના આ રાજકીય અનુભવનો બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસને લાભ થઈ શકે છે.
વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક વિનોદ શર્મા કહે છે, "પ્રભારીનું મુખ્ય કાર્ય હોય છે કે પક્ષ ચૂંટણીમાં સારી લડત આપી શકે, તે માટે બધી તૈયારીઓ કરવી. રાજ્યનું જે સંગઠન છે, તેને મજબૂત કરવાનું કામ પણ પ્રભારીનું હોય છે."
"આરજેડી પાસે તેજસ્વી યાદવ છે પણ બિહારમાં કૉંગ્રેસ પાસે કોઈ એવો ચહેરો નથી, જેને માસ લીડર એટલે કે લોકોના નેતા કહી શકાય. અને એટલા માટે શક્તિસિંહ ગોહિલને બહુ મહેનત કરવી પડશે. જો ચૂંટણીપરિણામમાં કૉંગ્રેસને વધુ બેઠકો મળે તો પક્ષમાં શક્તિસિંહ વધુ મજબૂત બનશે."
તેઓ જણાવે છે કે શક્તિસિંહ ગોહિલ લાંબી રાજકીય કારકિર્દી ધરાવે છે અને એટલા માટે પક્ષે તેમના પર ભરોસો મૂક્યો છે.
તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જોઈએ તેવો પ્રભાવ પાડી શક્યા નથી પણ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં તેમની પાસે તક છે.
મુંબઈસ્થિત રાજકીય વિશ્લેષક જતીન દેસાઈ જણાવે છે, "શક્તિસિંહ ગોહિલના પ્રભારી બનાવવાથી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કંઈ ખાસ પ્રભાવ પડશે એવું હાલ દેખાતું નથી પરતું તેઓ જો સારી રીતે મહેનત કરે તો જદ(યુ) અને ભાજપની જીત મુશ્કેલ જરૂર કરી શકે છે. આ વખતની ચૂંટણી સત્તાધારી ગઠબંધન માટે જોઈએ એટલી સરળ નથી."
શું કૉંગ્રેસ મહારાષ્ટ્ર જેવું બિહારમાં કરી શકશે?
દેસાઈ કહે છે કે, "કૉંગ્રેસ અને આરજેડી જો પોતાના પ્રચારમાં લોકોના મુદ્દાઓ ઉપાડે તો ગઠબંધનને ઘણી બેઠકો મળી શકે છે. આવી સ્થિતિમાં શક્તિસિંહ પરિણામ બાદ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે."

'કૉંગ્રેસના સંનિષ્ઠ કાર્યકર્તા'

ઇમેજ સ્રોત, shaktisinhgohil.inc/Fb
સૌરાષ્ટ્રના લીમડા રાજ્યના રાજવી રણજીતસિંહજી ગોહિલના મોટા પુત્ર શક્તિસિંહએ 1980માં પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. કૉલેજના અભ્યાસ દરમિયાન તેઓ યુથ કૉંગ્રેસમાં જોડાયા હતા.
વર્ષ 1990માં 30 વર્ષની ઉમંરે તેઓ ભાવનગર દક્ષિણ વિધાનસભા બેઠકથી ચૂંટાઈ આવ્યા અને બે વર્ષ પછી ચીમનભાઈ પટેલની સરકારમાં મંત્રી બન્યા. તેમને નાણા, શિક્ષણ, આરોગ્ય અને આયોજનનો હવાલો સોંપવામાં આવ્યો હતો.
વર્ષ 1994માં તેમણે ભાવનગરમાં મેડીકલ કૉલેજ બનાવવાની માગ કરવાની સાથે મંત્રી અને ધારાસભ્ય પદમાંથી રાજીનામું આપી દીધું હતું. 1995ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ફરી ભાવનગર દક્ષિણ બેઠકથી ચૂંટાયા હતા.
જતીન દેસાઈ કહે છે કે, "શક્તિસિંહ ગોહિલ કૉંગ્રેસના એક સંનિષ્ઠ કાર્યકર્તા છે અને પક્ષને જાણ છે કે તેઓ પોતાનું કોઈ હિત જોતા નથી. બિહારમાં પક્ષને એવી વ્યક્તિની જરૂર છે, જે અલગઅલગ જૂથોને અકબંધ રાખી શકે અને શક્તિસિંહ આમા એકદમ બંધ બેસે છે. તેઓ પક્ષના માળખામાં ફેરફાર લાવવામાં પણ સક્ષમ છે."

બિહારમાં કૉંગ્રેસની સ્થિતિ

ઇમેજ સ્રોત, shaktisinhgohil.inc/fb
2015માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, તેમાં કૉંગ્રેસ મહાગઠબંધનનો ભાગ હતી.
કૉંગ્રેસ 41 બેઠકો પર પોતાના ઉમેદવોરો ઊભા રાખ્યા હતા અને પક્ષે 27 બેઠકો પર જીત મળવી હતી.
પક્ષને ચૂંટણીમાં 6.7 ટકા મત મળ્યા હતા અને 23 બેઠકોનો લાભ થયો હતો. 2010ની ચૂંટણીમાં પક્ષને માત્ર 4 બેઠકો મળી હતી અને તેમને 8.8 ટકા મત મળ્યા હતા.
2014માં લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષે 12 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા, જેમાથી માત્ર બે ચૂંટાઈને આવ્યા હતા. આ બેઠકો હતી કિશનગંજ અને સુપૌલ.
2019ની લોકસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ પક્ષને માત્ર કિશનગંજ બેઠક પર જીત મળી હતી.
વિનોદ શર્મા કહે છે, 2020ની વિધાનસભા ચૂંટણીમાં રોજગારી અને કોરોનાની મહામારી એ બે મોટા મુદ્દા છે.
બિહારમાં 15 વર્ષથી નીતીશ કુમારનું શાસન છે અને તેમને ઘણા પ્રશ્નનો ના જવાબ આપવાના છે. કૉંગ્રેસ માટે તો મોકળું મેદાન છે અને જો પક્ષ સારી રીતે ચૂંટણીઅભિયાન ચલાવે તો સારું પરિણામ લાવી શકે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












