ગુજરાતમાં શાળાઓ ખોલવા માટે વાલીઓ, સંચાલકો અને સરકાર કેટલાં તૈયાર?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
- લેેખક, હરિતા કાંડપાલ
- પદ, બીબીસી ગુજરાતી
હાલમાં ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે શાળાઓ હંમેશા માટે તો બંધ નહીં રાખી શકાય, જલદી તેનો નિર્ણય લેવાશે પરંતુ બધા પક્ષો સાથે વાત કર્યા પછી.
માર્ચ મહિનામાં લૉકડાઉન શરૂ થયું ત્યારથી ગુજરાતમાં શાળાઓ બંધ છે.
કેન્દ્ર સરકારે અનલૉક 5 અંગે જાહેરાત કરી ત્યારે કહ્યું હતું કે 15 ઑક્ટોબર પછી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો શાળાઓ ખોલવા અંગે નિર્ણય લઈ શકે છે પરંતુ ગુજરાતમાં હજી શાળાઓ ખોલવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.
અગાઉ ગુજરાત સરકારે કહ્યું હતું કે કોરોના સંક્રમણ વધી રહ્યું છે એટલે દિવાળી વૅકેશન પછી સ્કૂલો ખૂલી શકે છે.
જોકે ઑક્ટોબરના પ્રથમ બે અઠવાડિયાંમાં કોરોનાના દરરોજ આવનારા નવા કેસોની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. 19 ઑક્ટોબરે તો ગુજરાતમાં 900ની આસપાસ નવા કેસ આવ્યા હતા.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું છે કે શાળાઓ ખોલવાનો નિર્ણય લેતાં પહેલાં વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળાના માલિકો, શિક્ષકો, અને પ્રમુખ શિક્ષણવિદોની સલાહ લેવામાં આવશે.
એક તરફ સ્કૂલના સંચાલકો શાળા ખોલવાને લઈને આત્મવિશ્વાસ દાખવી રહ્યા છે તો આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના મહામારી વચ્ચે સ્કૂલો ખોલતા પહેલાં જરૂરી તૈયારીઓ કરવા માટે સ્કૂલોને સમય આપવો જોઈએ અને સરકારે પણ તૈયારી કરવી પડે.
અન્ય રાજ્યો જેમકે પંજાબ, ઉત્તર પ્રદેશ અને સિક્કિમમાં શાળાઓ 19 ઑક્ટોબરે ખોલી દેવામાં આવી છે. જોકે ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને જ શાળાએ બોલાવવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ત્યારે ભારતમાં અનલૉક-4માં સપ્ટેમ્બર મહિનામાં આસામ, બિહાર, તમિલનાડુ જેવા રાજ્યોમાં આંશિક રૂપે શાળા ખોલવામાં આવી હતી.

વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળા ખૂલવા માટે તૈયાર છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ધોરણ 10 અને 12માં ભણતા વિદ્યાર્થીઓ જે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમનાં પર બેવડો માર પડી રહ્યો છે.
બૉર્ડની પરીક્ષાની તૈયારી માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ આ વર્ષે ઑનલાઇન અભ્યાસ પર જ નિર્ભર થયા છે.
અમદાવાદનાં ભ્રાન્તિબેન દેસાઈના બે પુત્રો છે, મોટો પુત્ર દસમાં ધોરણમાં ભણે છે. તેમનું કહેવું છે કે અમે બાળકોને સ્કૂલે મોકલવાનું રિસ્ક લેવા માગતા નથી. બધા બાળકો સ્કૂલે જઈને તમામ નિયમો 100 ટકા પાળે એવું થતું નથી હોતું. અને જો કોઈ બીમાર થાય તો જવાબદારી કોણ લેશે?"
"હવે જો ડિસેમ્બરની નજીક સ્કૂલો ખૂલે તો વર્ષ પૂરું થવામાં કેટલો સમય રહેશે. પ્રીલિમ અને પછી બૉર્ડ પરીક્ષા નજીક આવે ત્યારે તૈયારી માટે વિદ્યાર્થીઓને ઘરે અભ્યાસનો સમય જોશે. એટલે જો સ્કૂલ ફી માટે જ શાળા ખોલવાની વાત થતી હોય તો બૉર્ડ પરીક્ષામાં બેસવા માટે ફી તો વાલીઓ ભરવાના જ છે, ભલે પછી ઑનલાઇન સ્કૂલ ચાલતી રહે."

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
વાલીઓ માટે જ નહીં કેટલાક વિદ્યાર્થીઓમાં પણ મૂંઝવણની સ્થિતિ છે.
ગાંધીનગરમાં સીબીએસઈ બૉર્ડની એક શાળા પોદ્દાર સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતાં હેમા સત્યપ્રકાશે બીબીસી સાથે વાત કરતા કહ્યું કે વિજ્ઞાનના વિષયોમાં પ્રૅક્ટિલ્સની તાલીમ ઑનલાઇન લેવી અસરકારક નથી. જો થોડા દિવસ માટે સ્કૂલ ખોલી દેવામાં આવે તો અમને પરીક્ષામાં લાભ થશે.
તેમનું કહેવું છે કે ગુજરાત બૉર્ડના વિદ્યાર્થીઓ માટે બૉર્ડની પરીક્ષા ખસેડીને માર્ચ 2021ની જગ્યાએ મે 2021માં યોજવામાં આવશે પરંતુ અમને કોઈ સ્પષ્ટતા ન મળતાં અમે મૂંઝવણમાં છીએ કે અમને શાળાઓ ખૂલ્યા પછી કેટલો સમય તૈયારી માટે મળશે. જો પૂરતો સમય ન મળે તો જે સરખી રીતે નહીં સમજાયું હોય એના માટે ભવિષ્યમાં ઉચ્ચ સ્તરના કોર્સમાં અમને મુશ્કેલી વેઠવી પડશે.
હેમા ઇચ્છે છે કે જલદી શાળા ખોલવાનો નિર્ણય લેવામાં આવે.
તેઓ કહે છે કે ઑનલાઇન અભ્યાસમાં પરીક્ષાની તૈયારી કેવી થઈ છે એ તો ખબર નથી પરંતુ એ ખરૂં કે દરરોજના ઑનલાઇન ક્લાસ, ટ્યુશન અને પોતાની પ્રૅક્ટિસ કરતાં કલાકો સુધી કમ્પ્યુટર કે ફોન પર કામ કરવું પડે છે. નોટ્સ પણ ઑનલાઇન હોય છે. આંખ, માથા અને કમરનો દુખાવો થવા જેવી સમસ્યા આવી રહી છે.
તેઓ કહે છે કે ધોરણ 12ની પરીક્ષા ખૂબ અગત્યની છે કારણકે તેના પર આગળનું શિક્ષણ નિર્ભર કરે છે અને એમાં શિક્ષકો પાસે રૂબરૂ ભણવાનો ફેર પડે.
મહેસાણાની એક શાળાના વિદ્યાર્થી 15 વર્ષીય સાંઈકુમાર બાબુ હૉસ્ટલમાં રહેતા હતા.
લૉકડાઉન થયું ત્યારથી તેઓ ગાંધીનગરમાં પોતાનાં માતાપિતા પાસે રહીને ઑનલાઇન ભણી રહ્યા છે. તેમનું કહેવું છે કે હૉસ્ટલના રૂમમાં આઠ વિદ્યાર્થીઓ રહેતા હોય છે, શાળા ખૂલે તો પણ પાછા હૉસ્ટલ જવાનો કોઈ પ્રશ્ન નથી.
પરંતુ ધોરણ 10 ના અભ્યાસક્રમના નોટ્સ વગેરે ન મળતા તેમને ખોટી સાલી રહી છે.
જૂનાગઢની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલનાં વિદ્યાર્થિની હસ્તી ગરાલાનું કહેવું છે કે "ક્લાસમાં શિક્ષકો વિદ્યાર્થીઓના ચેહરાના ભાવથી ઘણી વાતો સમજી જતા હોય છે એ હાલ નથી થતું. પરંતુ ઑનલાઇન ભણતરમાં ફાયદો એ છે કે વાંચવાનો સમય વધારે મળી રહે છે."
તેઓ માને છે કે ગુજરાત સરકારે કોર્સ ઘટાડ્યો છે એટલે એમ પણ વિદ્યાર્થીઓ પરથી ભાર ઓછો થઈ ગયો છે.

ગુજરાતમાં સ્કૂલ સંચાલકોનું શું છે કહેવું?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
લગભગ સાત મહિનાથી ગુજરાતમાં વિદ્યાર્થીઓ ઑનલાઇન ક્લાસમાં ભણી રહ્યા છે.
ગુજરાતમાં શાળાના સંચાલકો રાહ જોઈ રહ્યા છે કે શાળાઓ ખોલવા અંગે ગુજરાત સરકાર ક્યારે તારીખ નક્કી કરશે.
મંગળવારે ગુજરાત સરકારે 21 દિવસનું દિવાળી વૅકેશનની જાહેરાત પણ કરી દીધી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બૉર્ડની શાળાઓમાં 29 ઑક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળીનું વૅકેશન રહેશે.
આ વિશે વાત કરતા ગુજરાત સ્ટેટ સ્કૂલ મૅનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું, "અમે 15 ઑક્ટોબર પહેલાં જ સલાહ આપી હતી કે તબક્કાવાર શાળાઓ ખોલવામાં આવે. અમે સરકારને કહ્યું છે કે પહેલાં ધોરણ 11-12 ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવે, એક અઠવાડિયાં સુધી પરિસ્થિતિ પર નજર રાખવામાં આવે અને પછી ધોરણ 9-10ના વિદ્યાર્થીઓને શાળામાં બોલાવવામાં આવે."

ઇમેજ સ્રોત, NurPhoto/Getty
"અને છેલ્લે ધોરણ 6-7 અને આઠના વિદ્યાર્થીઓ માટે શાળા ખોલવા વિશે વિચાર કરવામાં આવે."
ત્યારે ખાનગી શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ જતીન ભરાડ કહે છે, "કોરોના મહામારીને જોતાં બે શિફ્ટોમાં શાળા ચલાવી શકાય છે. "
મંડળ અનુસાર ગુજરાતમાં 15860 ખાનગી શાળઓ અને 31000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે, જેમાં 1.75 કરોડ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
ત્યારે ભાસ્કર પટેલનું કહેવું છે કે "જો ક્લાસમાં 60 જેટલા વિદ્યાર્થીઓ હોય તો ઑડ-ઇવન પદ્ધતિ લાગુ કરી શકાય. શાળાઓમાં કૉમ્પ્યૂટર, સંગીત, આર્ટક્લાસ કે રમતગમતના વિષયોને હાલ લેવામાં ન આવે અને માત્ર મુખ્ય પાંચ વિષયો જ ભણાવવામાં આવે જેથી શાળાનો સમય ટૂંકાવી શકાય."
ભાસ્કર પટેલ ઉમેરે છે કે "ગણિત, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર અને પ્રથમ તથા દ્વિતીય ભાષાનો અભ્યાસ જ કરાવવામાં આવે. આનાથી સરકારની ગાઇડલાઇન્સ પ્રમાણે 30 મિનિટનો એક વિષયનો ક્લાસ હોય તો શાળામાં 2.5 કલાકનું વર્કિંગ રહે."
જતીન ભરાડનું માનવું છે કે જો આ અંગે સરકાર જો જલદી તારીખો નક્કી કરે તો શાળા સંચાલકોને તૈયારીનો સમય મળી રહે.
તેઓ કહે છે, " ગુજરાતમાં દરેક પ્રકારની સ્કૂલો છે. નાની શાળાઓ છે તો મોટાં કૅમ્પસ પણ છે એટલે દરેક સ્કૂલોના અલગઅલગ પ્રશ્ન રહેશે. 250થી લઈને 1,000 તો કેટલીક સ્કૂલોમાં 5,000 જેટલાં વિદ્યાર્થીઓ પણ છે. ઓરડાઓ નાના-મોટા હોય છે. એટલે બધી શાળાઓ માટે એકસરખા નિયમો નહીં ચાલે, ગ્રામ્ય વિસ્તારમાં મોટી અને ખૂલ્લી સ્કૂલો હોય અને ત્યાં ટ્રાન્સપોર્ટેશનની સમસ્યા નહીં હોય જેવી શહેરી વિસ્તારોમાં હોય છે."

શું કહે છે આરોગ્ય નિષ્ણાતો અને શું છે સરકારની તૈયારી?

ઇમેજ સ્રોત, Getty Images
શાળાઓ ખોલવાને લઈને બાળરોગ ચિકિત્સકોના સંગઠને અમુક ગાઇડલાઇન્સ બહાર પાડી છે.
બીબીસી સાથે વાતચીતમાં ઍકેડમી ઑફ પિડિયાટ્રિક્સ, ગુજરાતના સચિવ ડૉ મનીષ મેહતા કહે છે કે ઇન્ડિયન ઍકેડમી ઑફ પીડિયાટ્રિક્સે જાહેર કરેલી ગાઇડલાઇન્સમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે શાળા ખોલતા પહેલાં બે અઠવાડિયાં સુધી કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોય. કોરોનાના કુલ ટેસ્ટમાંથી માત્ર પાંચ ટકા ટેસ્ટ પૉઝિટિવ આવે તો જ શાળાઓ ખોલવામાં આવે.
તેમનું કહેવું છે કે આ ગાઇડલાઇન્સ પ્રમાણે જ્યારે દર એક લાખની વસતિમાં માત્ર 20 કોરોના સંક્રમિતો હોય ત્યારે સ્કૂલો ખોલવાની સલાહ આપવામાં આવી છે.
શાળાઓમાં માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ, સૅનિટાઇઝર અને સફાઈ જેવા અનેક નિયમોનું પાલન કરવું જરૂરી છે.
ડૉ. મેહતા કહે છે કે સરકાર કડક રીતે શાળાઓની વ્યવસ્થાનું નિરીક્ષણ કરે અને નિયમોનું પાલન કરાવે.
નિષ્ણાતોનો અભિપ્રાય છે કે સ્કૂલોમાં શિક્ષકો અને અન્ય સ્ટાફને નવી પરિસ્થિતિને જોતાં પૂરતું પ્રશિક્ષણ આપવું જોઈએ.
ડૉ મનીષ મેહતાનું માનવું છે કે ગુજરાતમાં બધી શાળાઓમાં આટલી તૈયારીઓ કરવા માટે લાંબો સમય લાગશે. શાળા ખોલવાનો નિર્ણય કરતાં અગાઉ આ બાબતોની ચોક્કસ રીતે ખરાઈ કરી લેવી જોઈએ. માત્ર સ્કૂલ સંચાલકોના કહેવાથી માની લેવું ન જોઈએ.
તેઓ કહે છે કે હાલ આવી કોઈ તૈયારીઓ દેખાતી નથી.
જોકે ગુજરાતમાં કોરોના સંક્રમણના એક લાખ 60 હજારથી વધારે કેસ છે જેમાંથી 14 હજાર કરતાં વધારે ઍક્ટિવ કેસ છે.
બીબીસી ગુજરાતીએ આ અંગે ગુજરાતના શિક્ષણ વિભાગના સચિવ (પ્રાઇમરી અને સેકેન્ડરી એજ્યુકેશન) ડૉ વિનોદ આર રાવે સાથે વાત કરી.
તેમને શાળાઓ ખોલવા માટેની તૈયારીઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું કે હાલ કોઈ રૂપરેખા તૈયાર નથી કરાઈ. દિવાળી વૅકેશન પછી પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવાશે.
શાળાઓ ખોલવા માટેની આરોગ્ય નિષ્ણાતોના સલાહ સૂચનો વિશે સરકારનો શું વિચાર છે , એ અંગે તેમણે કહ્યું કે સરકાર સમય આવે ત્યારે આ અંગે ચર્ચા કરીને નિર્ણય લેશે.

જ્યાં શાળાઓ ખૂલી ત્યાં કેવો અનુભવ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Hindustan Times/Getty
રાજ્ય સરકારોએ સ્કૂલ ખોલવાને લઈને એસઓપી જાહેર કરી છે જેમાં વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક પહેરવા, લન્ચબ્રેક ન આપવા અને ક્લાસ શિફ્ટમાં ચલાવવા જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં શાળાઓ ખોલવામાં આવી પરંતુ ત્યાં શાળાએ આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા ઘણી ઓછી હતી. એક રિપોર્ટ પ્રમાણે ઉત્તર પ્રદેશમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા એક કરોડ જેટલી છે પરંતુ સોમવારે સ્કૂલે આવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 8.5 લાખ હતી.
સાથે જ એ વિદ્યાર્થીઓ જ શાળાએ આવી શકે છે જેમના વાલીઓએ લેખિતમાં તેમણે સ્કૂલમાં અભ્યાસ માટે જવાની પરવાનગી આપી છે.
પંજાબમાં સરકારે શાળાઓમાં અભ્યાસ ચાલુ કરવાની સાથે ઑનલાઇન અભ્યાસ પણ શરૂ રાખ્યો છે જેથી જે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે ન મોકલવા માગતા હોય તેઓ ઘરે રહીને અભ્યાસ કરી શકે છે.
ભારતમાં આંશિક રૂપે કેટલાક રાજ્યોમાં સપ્ટેમ્બર મહિનાથી ખોલવામાં આવી હતી. 9થી 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શિક્ષકો પાસે પ્રશ્નો પૂછવા આવવાની પણ પરવાનગી આપવામાં આવી હતી.
જોકે મહારાષ્ટ્ર જે ભારતમાં કોરોનાનું હૉટસ્પૉટ રહ્યું છે ત્યાં પણ સરકાર દિવાળી પછી શાળા ખોલવા અંગે નિર્ણય કરશે.
અમેરિકા, કૅનેડા અને યુરોપના અનેક દેશોમાં શાળાઓ ખોલવામાં આવી છે.
યુકેમાં હાલમાં જ શિક્ષણ વિભાગે જણાવ્યું કે કોવિડ-19ના કેસને કારણે ગત એક અઠવાડિયામાં 46 ટકા સેકન્ડરી સ્કૂલો અને 16 ટકા પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને આઇસોલેશન માટે કહેવામાં આવ્યું હતું.
ગુજરાત સ્ટેટ સ્કૂલ મૅનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલ કૅનેડાનો દાખલો આપતા કહે છે કે કૅનેડામાં સ્કૂલો ખૂલી તો ત્યાં નિયમિત રીતે શાળામાં અપાતું ભોજન બંધ કરી દેવામાં આવ્યું. વિદ્યાર્થીઓ હવે ભોજન ઘરેથી જ લાવે છે અને ક્લાસમાં 10ની આસપાસ વિદ્યાર્થીઓ હોય છે. એટલે કોરોનાના સમયમાં પણ ત્યાં શાળાનું સંચાલન થઈ રહ્યું છે.
તેમનું કહેવું છે, "જે શાળાઓમાં મિડડે મીલ અપાતી હોય તેને બંધ કરવી પડે અને કોઈ અન્ય વ્યવસ્થા ગોઠવવી પડે. વિદ્યાર્થી જો ગણવેશ વગર સ્કૂલે આવે તો તેને કોઈ સજા કરવામાં ન આવે. હાલની પરિસ્થિતિમાં નિયમોમાં જરૂરી ફેરફાર કરીને દિવાળી પછી શાળા ખોલવી જોઈએ."



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













