જામનગરમાં પરિણીતા પર કથિત ગૅંગરેપ બાદ ભભૂકતો રોષ, બજારો સજ્જડ બંધ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઋષિ બેનરજી
- પદ, બીબીસી ગુજરાતી
જામનગર જિલ્લાનું સમગ્ર ધ્રોલ નગર સોમવારે બંધ રહ્યું, શનિવારે બે શખ્સો દ્વારા પરિણીતા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાને લીને ધ્રોલના લોકોમાં ભારે રોષ છે.
ધ્રોલમાં આ ઘટનાના વિરોધમાં બંધનું આહ્લાન કરવામાં આવ્યું હતું, જેને લોકો તરફથી સજ્જડ પ્રતિસાદ મળ્યો હતો.
"હરીપુરા ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દશર્ન કર્યાં બાદ અમે નક્કી કર્યું કે હનુમાનજીના મંદિરે પણ જઈએ. મેલડી માતાજીના મંદિરથી હનુમાન મંદિર માત્ર 2.5-3 કિલોમિટર છે, પણ એકદમ સૂમસામ રસ્તો છે."
આ શબ્દો કથિત સામૂહિક બળાત્કારનો ભોગ બનેલાં પીડિતાના પતિના છે. (ઓળખ છુપાવવા માટે નામ જાહેર કર્યું નથી.)
તેઓ આગળ વાત કરતાં કહે છે, "મેં બે મિનિટ માટે ગાડી ઊભી રાખી એટલી વારમાં બે વ્યક્તિઓએ અમને આંતરી લીધાં અને પછી જે થયું તે વિચારવાથી પણ કંપારી છૂટી જાય છે."
"પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે અને અમે ઇચ્છીએ છીએ કે બંનેને કડક સજા થવી જોઈએ, જેથી સમાજમાં દાખલો બેસાડી શકાય."
"ઘટનાના કારણે અમારી જિંદગી સાવ બદલાઈ ગઈ છે અને હું નથી જાણતો કે ક્યારેય અમે ફરીથી નૉર્મલ થઈ શકીશું કે નહીં."
જામનગર પોલીસે આ કેસમાં બે શખ્સોની ધરપકડ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જામનગર પોલીસ અધિક્ષક દીપન ભદ્રને બીબીસી ગુજરાતીને જણાવ્યું કે પીડિતાના નિવેદનના આધારે ગૅંગરેપની ફરિયાદ નોંધવામાં આવી હતી, પ્રાથમિક તપાસમાં પોલીસને બળાત્કાર થયાના પુરાવા મળ્યા છે.
મેડિકલ તપાસ વિશે પૂછતાં તેમણે કહ્યું કે હાલ તેઓ આ વિશે માહિતી નહીં આપી શકે.

પીડિતા હજુ આઘાતમાં છે

સામૂહિક બળાત્કાનાં પીડિતા નર્સ તરીકે કામ કરતાં હતાં અને હજુ પણ તેઓ અઘાતમાં છે, તેઓ કોઈની સાથે વાતચીત કરી નથી રહ્યાં.
પરિવારના સભ્યો જણાવે છે કે પીડિતા તેમનાં માતાપિતા પાસે છે અને હાલ ત્યાં તેમની સારવાર ચાલી રહી છે.
પીડિતાના નજીકના મિત્ર કહે છે, "ઘટનાના કારણે તેમને માનિસક આઘાત લાગ્યો છે. તેઓ ઓરડામાં એકલાં બેસી રહે છે અને રડ્યાં કરે છે."
"પરિવારના સભ્યો અને સમાજના આગેવાનો તેમને આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."
પીડિતાના સંબંધીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે પીડિતાનાં લગ્નને હજી વર્ષ પણ પૂર્ણ થયું નથી.
તેઓ જણાવે છે કે પીડિતા ઘટનાના કારણે એટલાં હતપ્રભ છે કે કોઈની સામે આવવા માગતાં નથી.

શનિવારે શું થયું હતું?

પીડિતાના પતિ કહે છે, "મારા પિતા છેલ્લાં ચાર વર્ષથી પથરીની બીમારીથી પીડાય છે અને મારા સસરા કોવિડથી સંક્રમિત થયા છે."
"તેઓ જલદી સાજા થાય એ માટે બાધા માનવા માતાજીના મંદિરે ગયા હતા. બપોરના બે વાગ્યા હતા, હનુમાનજીના મંદિરે જવાનો પ્લાન બનાવ્યો."
તેઓ આગળ જણાવે છે કે મંદિર સુધી જવાનો રસ્તો ઓછી અવરજવરવાળો હોવા છતાં તેમણે ત્યાં જવાનું નક્કી કર્યું.
માંડ એકાદ કિલોમિટર આગળ આવ્યાં હશે, ત્યાં ગાડી ઊભી રાખી અને એટલી વારમાં ત્યાં બે શખ્સો આવી ગયા.
તેમણે પીડિતાના પતિના ગળા પર છરો મૂકી દીધો અને મૂઢ માર માર્યો, પીડિતાનું અપહરણ કરી ઝાડી-ઝાંખંરામાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું. એ પછી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા.
પીડિતાના પતિ કહે છે, "હું મદદ માટે એકથી દોઢ કિલોમિટર દોડ્યો, પરંતુ મને કોઈ દેખાયું નહીં."
"છેવટે એક દુકાન દેખાઈ. એક વ્યક્તિએ પોતાનો ફોન આપ્યો, જે બાદ મેં પોલીસને જાણ કરી અને મારા મિત્રોને ફોન કરીને બોલાવ્યો."
"હું દોડીને પાછો ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે બંને આરોપી પોતાની ગાડીમાં બેસી ગયા હતા. ત્યાંથી જતાં પહેલાં બંનેએ મને ધમકી આપી કે જો હું પોલીસમાં ફરિયાદ કરીશ તો હત્યા કરી નાખશે."
તેઓ જણાવે છે કે બંને આરોપી ધ્રોલ પથંકમાં નામચીન ગુંડાની છાપ ધરાવે છે અને ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે.

ધ્રોલના લોકોમાં ભભૂકતો રોષ

શનિવારે જે ઘટના બની તેનાથી ધ્રોલના લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે.
લોકો માગ કરી રહ્યા છે કે પોલીસ ગુનેગારો વિરુદ્ધ સખત કાર્યવાહી કરાય, જેથી સમાજમાં આવી ઘટના બનતી અટકાવી શકાય.
સોમવારે સમગ્ર ધ્રોલ પંથકમાં ઘટના વિરુદ્ધ લોકોએ બંધ પાડ્યો હતો.
સ્થાનિક પત્રકાર જયેશ ભટ્ટ કહે છે, "રોષ વ્યક્ત કરવામા માટે લોકોએ દુકાનો અને બજારો આજે બંધ રાખ્યાં હતાં. સર્વ સમાજ અને બધા ધર્મના લોકો આ ઘટનાથી વ્યથિત છે અને આરોપીઓ માટે સખત સજાની માગ કરી રહ્યા છે."
"સ્થાનિક આગેવાનોએ આજે ઘટના વિરુદ્ધ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પણ આપ્યું છે."
તેઓ જણાવે છે કે જાનગરમાં જિલ્લામાં એક મહિનામાં પાંચ બળાત્કારની ઘટનાઓ નોંધાઈ છે, જે ખરેખર દુઃદ છે અને કાયદો-વ્યવસ્થાને વધારે મજબૂત કરવાની તાતી જરૂર છે.
સ્થાનિક રહેવાસી જીતુભાઈ શ્રીમાળી જણાવે છે કે ધ્રોલના લોકોને હજી વિશ્વાસ નથી કે આવી ઘટના બની છે. લોકોની માગ છે કે પોલીસ ગુનાહિત છાપ ધરાવનારાઓ સામે કડક હાથે કામ લે, જેથી સ્ત્રીઓ સુરક્ષિત રીતે ઘરથી બહાર જઈ શકે. શનિવારની ઘટનાએ લોકોની ચેતનાને જગાડી દીધી છે.

ઘટનાની તપાસ ચાલી રહી છે
આ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારી સી. એમ. કાંટલિયા જણાવે છે કે પીડિતાનો મેડિકલ રિપોર્ટ કરાવ્યો છે. બંને આરોપીઓએ પોતાનો ગુનો કબૂલી લીધો છે.
તેઓ કહે છે કે આરોપીઓ પર અગાઉ રાયોટિંગ, મારા-મારી અને પ્રૉહિબિશનના ગુના નોંધાયેલા છે.
તપાસ અધિકારીના કહેવા પ્રમાણે લોકલ ક્રાઇમ બ્રાંચે બંને આરોપીની ધરપકડ ઘટનાના દિવસે જ કરી લીધી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, બંનેના ત્રણ દિવસ માટેના રિમાન્ડ મંજૂર થયા છે.
તેઓ વધુમાં જણાવે છે કે જે માર્ગ પર આ ઘટના બની છે, ત્યાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે, જેથી આવી ઘટના ફરી ન બને.

ચાર દિવસમાં ત્રણ કેસ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ઑક્ટોબર મહિનામાં જામનગર જિલ્લામાં ચાર દિવસમાં ચાર દુષ્કર્મના કેસો નોંધાતાં સમગ્ર જિલ્લામાં ખળબળાટ મચી ગયો હતો.
સૌથી પહેલાં જામનગરમાં સગીરા પર સામૂહિક બળાત્કાર થયો હતો, જે બાદ જામજોધપુરમાં એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી હતી.
જામનગરમાં જ બળાત્કારની ત્રીજી ઘટના નોંધાઈ હતી, જેમાં ધો-10માં અભ્યાસ કરતાં 16 વર્ષનાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













