બાબરી મસ્જિદ વિધ્વંસ કેસ ચુકાદો : ન્યાયનો ભ્રમ અને તપાસ પર સવાલ

    • લેેખક, દિવ્યા આર્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

સીબીઆઈની વિશેષ અદાલતે બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

જજ સુરેન્દ્ર કુમાર યાદવે ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય મંત્રી કલ્યાણસિંહ, ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉમા ભારતી, વિશ્વ હિંદુ પરિષદનાં સાધઅવી ઋતુંભરા સમેત 32 આરોપીઓની ભૂમિકા પર ચુકાદો આપતા કહ્યું કે આ ઘટના પૂર્વાયોજિત નહોતી.

બાબરી મસ્જિદ વિધ્વંસ કેસની 28 વર્ષ ચાલેલી કાર્યવાહી દરમિયાન 17 આરોપીઓ મૃત્યુ પામ્યા હતા.

હૈદરાબાદસ્થિત નૈલસાર લૉ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ફૈઝાન મુસ્તફાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ ચુકાદો નિરાશાજનક છે અને ભારતની ક્રિમિનલ ન્યાયપ્રણાલિ માટે ધક્કા સમાન છે.

એમણે કહ્યું કે "ભાજપ, શિવ સેનાના નેતાઓનાં એ વખતના ભાષણો ઉપલબ્ધ છે. એ વખતે જે ધર્મસંસદ આયોજિત થઈ રહી હતી, એમાં નારાઓ જોવા મળે છે, જે કારસેવકો એ દિવસે આવ્યા હતા તેઓ કુહાડી, પાવડો અને દોરડાંઓથી સજ્જ હતાં. આનાથી સ્પષ્ટ થાય છે કે ષડ્યંત્ર હતું."

રામજન્મભૂમિ આંદોલન ચરમ પર હતું ત્યારે 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં કારસેવકોની એક ભીડે બાબરી મસ્જિદને તોડી પાડી હતી અને એ પછી ગુનાહિત ષડ્યંત્રની તપાસ માટે કેસ દાખલ કરાયો હતો.

આ ઘટના પછી આખા ભારતમાં કોમી હિંસા થઈ જેમાં 2 હજાર જેટલા લોકોનાં મોત થયાં અને હજારો ઘાયલ થયાં.

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ ભૂમિવિવાદના કેસમાં સુન્ની વક્ફ બોર્ડની વકીલાત કરનાર એડવોકેટ ઝફર જિલાનીએ બીબીસી સંવાદદાતા સલમાન રાવી સાથે વાત કરતા આ નિર્ણયને ખોટો અને કાયદાની વિરુદ્ધ ગણાવ્યો. તેમણે કહ્યું કે આની સામે સમયસીમામાં હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે.

જિલાનીએ કહ્યું, "આઈપીએસ ઑફિસર, સરકારી અધિકારી અને વરિષ્ઠ પત્રકારોએ અદાલતમાં જુબાની આપી હતી, શું એમની જુબાની ખોટી છે અને જો એમ છે તો એમની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ."

સીબીઆઈ પર સવાલ

પ્રોફેસર મુસ્તફાએ કહ્યું કે એક લોકશાહી દેશમાં એક ધાર્મિક સ્થળને આ રીતે તોડી પાડવાના કેસમાં કોઈ દોષિત ન મળવો એ દેશની કાનૂન વ્યવસ્થા માટે સારી વાત નથી.

એમણે કહ્યું કે "આનાથી તો એમ જ લાગે છે કે સીબીઆઈએ પોતાનું કામ યોગ્ય રીતે નથી કર્યું કારણે કે આપણે સરેઆમ ટેલિવિઝન પર આ થતું જોયું, આટલાં ઓડિયો-વીડિયો પુરાવા અને 350થી વધારે પ્રત્યક્ષદર્શી સાક્ષીઓના નિવેદનો પછી પણ ઠોસ પુરાવો ન મળવાની વાત સમજમાં નથી આવતી."

દેશની સર્વોચ્ચ તપાસસંસ્થા સીબીઆઈ ગૃહ મંત્રાલય, ભારત સરકારને હસ્તક આવે છે અને સીબીઆઈ તરફથી હજી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

જોકે, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ઝફર ઇસ્લામે સીબીઆઈની સ્વાયત્તા પર ઉઠી રહેલા સવાલોને ખોટા ગણાવ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે "અમે તપાસમાં કોઈ હસ્તક્ષેપ નથી કર્યો. સીબીઆઈ એક સ્વતંત્ર સંસ્થા છે અને તેણે કૉંગ્રેસની સરકાર વખતે એકત્રિત કરવામાં આવેલા પુરાવાને આધારે કામ કર્યું."

પ્રોફેસર મુસ્તફા મુજબ તપાસ સંસ્થા અને પ્રોસિક્યુશન પક્ષનું અલગ અલગ હોવું અને સ્વાયત્ત હોવું જરૂરી છે.

એમણે કહ્યું કે "ષડ્યંત્રનો અપરાધ ભારતીય દંડ સંહિતા 120બી મુજબ બે લોકો વચ્ચે પરસ્પર વાત કરવામાં સિદ્ધ થઈ શકે છે. આવામાં 32માંથી 32 લોકો સામે ષડ્યંત્રના પુરાવા ન મળવા આશ્ચર્યની વાત છે."

ભાજપ પ્રવક્તા ઝફર ઇસ્લામ મુજબ અદાલતમાં પુરાવાને આધારે સત્ય સામે આવ્યું અને આ અગાઉ પૂર્વ વડા પ્રધાન નરસિંહા રાવની સરકાર વખતે ભાજપના નેતાઓને ફસાવવા માટે વિધ્વંસ વિશે ભ્રમ ઊભો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બાબરી વિધ્વંસ પછી ડિસેમ્બર 1992માં જ કેન્દ્ર સરકારે નિવૃત્ત જસ્ટિસ લિબ્રહાનને આની તપાસનું કામ સોંપ્યું હતું.

17 વર્ષ પછી લિબ્રહાન તપાસપંચે પોતાનો રિપોર્ટ આપ્યો જેમાં ઉમા ભારતી, સાધ્વી ઋતુંભરા, વિજયારાજે સિંધિયા સમેત 68 લોકોને સાંપ્રદાયિક ભાવનાઓ ઉશ્કેરવા માટે દોષિત માનવામાં આવ્યાં.

પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ આને ખોટું ગણાવી કહ્યું હતું કે તો મસ્જિદ તોડી પાડવાની ફક્ત "નૈતિક જવાબદારી લેશે" અને એમને "રામજન્મભૂમિ આંદોલનનો હિસ્સો બનવાં પર ગર્વ છે."

ઉમા ભારતી કોરોના પૉઝિટિવ હોવાને કારણે હાલ ઋષિકેશની એઇમ્સ હૉસ્પિટલમાં દાખલ છે.

મુસ્લિમ સમુદાય પર અસર

વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બીબીસીને કહ્યું, "આ નિર્ણયથી એ જ માનવામાં આવશે કે ન્યાયતંત્રમાં ન્યાય નથી થતો બસ એક ભ્રમ રહે છે કે ન્યાય કરાશે."

તેમણે કહ્યુ કે આવું થવાનું સંભવિત હતું કેમ કે વિધ્વંસના કેસમાં ચુકાદો આવે એ પહેલાં જ જમીનના માલિકીહક પર નિર્ણય આપી દેવાયો હતો, એ પણ એ પક્ષની તરફેણમાં જે મસ્જિદ તોડી પાડવાનો આરોપી હતો.

પ્રશાંત ભૂષણના મતે આનાથી મુસલમાન સમુદાયમાં દ્વેષ વધશે કેમ કે કોઈ પણ નિર્ણય તેને પોતાના હકમાં નહીં લાગે. તેમણે એ પણ કહ્યું, "મુસલમાન સમુદાયને બીજા દરજ્જાના નાગરિકો બનાવવામાં આવી રહ્યો છે. તેમની સામે આ સમયે વધુ મોટા પડાકારો ઊભા છે, જેમજેમ હિંદુ રાષ્ટ્રના નિર્મણના પ્રયાસો થઈ રહ્યા છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો