પંડિત જસરાજ : 'હું નથી માનતો કે સંગીતમાં મારું કોઈ યોગદાન છે'

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
પદ્મ વિભૂષણ પંડિત જસરાજનું અમેરિકાના ન્યૂ જર્સીમાં 90 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે.
પદ્મવિભૂષણથી સન્માનિત પંડિત જશરાજનો જન્મ સંગીતકારોનાં એક પરિવારમાં થયો હતો. સંગીત સાથેનો એમનો પરિચય એમના પિતા પંડિત મોતીરામે કરાવ્યો હતો.
જશરાજ ચાર વર્ષના હતા ત્યારે એમના પિતાનું અવસાન થયું. એ પછી એમના ભાઈ અને ગુરૂ પંડિત મણિરામે એમને સંગીતનું શિક્ષણ આપ્યું.
પંડિત જશરાજનો નાતો સંગીતના મેવાતી ઘરાના સાથે હતો. આ ઘરાનાની શરૂઆત જોધપુરના પંડિત ધગ્ગે નઝીર ખાને કરી હતી. પંડિત જશરાજના પિતાએ પંડિત ધગ્ગે નઝીર ખાનના શિષ્ય પંડિત નત્થુલાલ પાસે તાલીમ મેળવી હતી.
પંડિત જસરાજના પૌત્રી મીનાક્ષીએ બીબીસી ગુજરાતીનાં સહયોગી મધુ પાલને તેમના નિધનની પુષ્ટિ કરી છે.
તેમના પરિવાર દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે સંગીત માર્તંડ પંડિત જસરાજે અમેરિકાના ન્યૂ જર્સીમાં તેમના ઘરે સ્થાનિક સમય પ્રમાણે સવારે 5.15 વાગ્યે અંતિમ શ્વાસ લીધો.
પરિવાર પ્રમાણે તેમનું નિધન કાર્ડિયાક અરેસ્ટને કારણે થયું.
આ નિવેદનમાં પરિવાર અને શિષ્યો તરફથી લખવામાં આવ્યું છે કે 'અમારી પ્રાર્થના છે કે ભગવાન કૃષ્ણ તેમનું સ્વર્ગના દ્વાર પર સ્વાગત કરે જ્યાં પંડિતજી હવે વિશેષ રૂપે તેમના પ્રિય ભગવાન માટે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' ગાશે. અમે તેમના આત્માને સદા માટે સંગીતમય શાંતિ મળે તેવી પ્રાર્થના કરીએ છીએ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'હું નથી માનતો કે સંગીતમાં મારું કોઈ યોગદાન છે'
આજથી 15 વર્ષ અગાઉ 2005માં બીબીસીની હિંદી સેવાએ પંડિત જશરાજનો ઇન્ટરવ્યૂ કર્યો હતો.
એ ઇન્ટરવ્યૂમાં પંડિત જશરાજે કહ્યું હતું કે "એ કહેવું ખૂબ મુશ્કેલ છે કેટલાં શ્વાસ લેવાના છે, કેટલાં કાર્યક્રમ કરવાના છે. હું નથી માનતો કે સંગીતમાં મારું કોઈ યોગદાન છે. હું ક્યાં ગાઉ છું. મેં કંઈ નથી કર્યું. હું તો ફક્ત માધ્યમ છું. સઘળી ઈશ્વર અને ભાઈજી (એમના ગુરૂ અને મોટાભાઈ)ની કૃપા છે અને લોકોનો સ્નેહ છે. "
"અનેકવાર એવું થાય છે કે ગાતાં ગાતાં સ્વર શોધવા લાગું છું. શોધું છું કે ક્યાંકથી કોઈ સૂર મળી જાય. એ દિવસે લોકો કહે છે કે આજે આપે ઈશ્વરના દર્શન કરાવી દીધાં અને એ દિવસે મને લાગે છે કે મેં સારું ગાયું. કોઈ પૂછી બેસે છે, પંડિતજી આજે શું થઈ ગયું હતું."
"હું માનું છું કે એ દરેક કલાકાર જે આ દેશમાં પેદા થયો અને જેણે સંગીતમાં પોતાનું સ્થાન બનાવ્યું એનું સંગીતમાં એક મોટું યોગદાન હોય છે. એ યોગદાન તો લોકો યોગ્ય રીતે જણાવી શકે છે પરંતુ કલાકાર પોતાનાં યોગદાન વિશે જાણી નથી શકતો."

રાષ્ટ્રપતિ કોવિંદ અને વડા પ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને તેમનાં નિધન પર દુખ વ્યક્ત કર્યું.
તેમણે ટ્વીટ કર્યું, "પંડિત જસરાજનાં નિધનથી ભારતીય સાંસ્કૃતિ વર્તુળમાં મોટું સ્થાન ખાલી થઈ ગયું છે. તેમની પ્રસ્તુતિઓ શ્રેષ્ઠ હતી અને તેમણે કેટલાય ગાયકો માટે ઉત્કૃષ્ટ ગુરુની ભૂમિકા પણ ભજવી. તેમના પરિવાર અને દુનિયાભરમાં તેમના ચાહકો પ્રત્યે સંવેદના પાઠવું છું."
ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના નિધન પર શોક વ્યક્ત કરતા કહ્યું, સંગીતની દુનિયાના મહાન શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજના નિધનથી હું હતાશ છું. આઠ દાયકાની પ્રતિષ્ઠિત કારકિર્દીમાં પદ્મવિભૂષણ પંડિત જસરાજે લોકોને તેમની ભાવપૂર્ણ પ્રસ્તુતિઓથી રોમાંચિત કર્યા. હું તેમના પરિવાર, મિત્રો અને સંગીતના ચાહકો પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરું છું.


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












