'તું ડાકણ છે, તારે લીધે મારો દીકરો પડી જાય છે', મહિલાઓને ડાકણ ગણવા પાછળનાં ખરાં કારણો શું છે?

પીડિત મહિલા

ઇમેજ સ્રોત, Binal Kansara

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

અંતરિયાળ વિસ્તારમાં મહિલાને ડાકણ જાહેર કરીને તિરસ્કૃત કરવાનો જે કુરિવાજ છે એ માત્ર અંધશ્રદ્ધા નથી. સામાજિક કાર્યકરો માને છે કે મહિલાને મિલકતમાંથી બેદખલ કરવી હોય કે હક માટે લડતી મહિલાને ચૂપ કરવી હોય એ માટેનો કારસો છે.

મહિલાને ડાકણ જાહેર કરવી એ પરંપરાગત રીતે ચાલ્યું આવતું એક ષડયંત્ર છે.

ઉપરઉપરથી તો સમાજ ખૂબ પ્રગતિ કરી રહ્યો હોય એવું લાગે. એમાંય ડિજિટલ ઉપકરણો ભારતમાં છેવાડાનાં ગામડેય પહોંચી ગયાં છે એ જોતાં એવુંય માનવાનું મન થાય કે સમાજ ખૂબ આધુનિક થઈ રહ્યો છે.

જોકે, આ જે પ્રગતિ કે આધુનિકતા ઉપરછલ્લી છે એ હકીકકતની સાખ પૂરતી ઘટનાઓ રાજ્યમાં વારંવાર બની રહી છે.

હાલમાં જ તાપી જિલ્લામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં વિધવા મહિલાને ડાકણ જાહેર કરીને તેને એટલો માર મારવામાં આવ્યો કે તેઓ બેહોશ થઈને ઢળી પડ્યાં. તેમને વીજળીના થાંભલે બાંધી દેવામાં આવ્યાં.

તાપી જિલ્લાના વાલોડ ગામમાં રહેતાં આ મહિલાના પતિનું અવસાન થઈ ગયું હતું. તેઓ તેમના બે પુત્રો સાથે રહે છે.

પડોશમાં રહેતાં રતનબહેન રાઠોડ, મંજુબહેન રાઠોડ અને ટીનાબહેન રાઠોડે આ મહિલાને ડાકણ ગણીને થાંભલા સાથે બાંધીને એવો માર માર્યો કે તેમનું કાંડું ભાંગી ગયું. તેમને બેભાન અવસ્થામાં દાક્તરી સારવાર આપવી પડી.

line

આખી ઘટના શું હતી?

મહિલા

મહિલાએ પોલીસ રિપોર્ટમાં કહ્યું છે કે, "24 જુલાઈએ જ્યારે ઘરમાં હું અને મારી માતા જ હતાં, ત્યારે સવારના સાડા આઠેક વાગ્યે અમારા જ ફળિયામાં રહેતી ત્રણેય મહિલાઓ આવી હતી. રતનબહેનના હાથમાં લાકડી હતી."

"તેમણે મને કહ્યું કે તું ડાકણ છે અને તારી કરતૂતના લીધે મારો છોકરો અવારનવાર મોટરસાઇકલ પરથી પડી જાય છે. મેં તેમને કહ્યું કે હું કોઈ ડાકણ નથી અને તમારો પુત્ર મોટરસાઇકલ પરથી પડી જાય છે એ વિશે હું કાંઈ નથી જાણતી."

"આવું કહેતાં રતનબહેને લાકડીનો ફટકો પીઠ પર માર્યો હતો. મને વધુ મારશે એ બીકે હું દોડીને બહાર ચાલી ગઈ હતી."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

"ત્રણેય મહિલાઓ મારી પાછળ દોડતાં હતાં. હું રસ્તા પર પડી ગઈ, ત્રણેય મહિલાઓએ મળીને મને ત્યાં માર માર્યો. મારો હાથ ઉપર કરતાં રતનબહેને કાંડાના ભાગે લાકડીના ફટકા મારતાં કાંડા પર ઈજા થઈ હતી."

"મંજુબહેન અને ટીનાબહેને વાળ પકડીને મને લાત અને ઢીંકાપાટુ માર્યાં હતાં અને સતત એવું કહેતા હતા કે તું ડાકણ છે અને અમારા ઘરના લોકોને હેરાન કરે છે."

મૂઢમાર લાગતાં મહિલા અશક્ત થઈ ગયાં હતાં. ત્યાર પછી ત્રણે બહેનો આ મહિલાને રતનબહેનના દીકરા અશોકને ઘરે લઈ ગયાં હતાં.

મહિલાએ પોલીસને કહ્યું હતું કે "ત્યાં લોબાન સળગાવીને મને ધુણી આપવામાં આવી હતી. એ પછી ઘરની બહાર આવેલા વીજળીના થાંભલા સાથે બાંધી દેવામાં આવી હતી."

"આ વાતની જાણ કોઈએ મારા દીકરાઓને કરતાં તેઓ થાંભલા પરથી છોડાવીને વાલોડના સરકારી દવાખાને લઈ ગયા હતા. ડૉક્ટરે જણાવ્યું કે કાંડામાં ફ્રૅક્ચર થયું છે."

આ ઘટના બાદ પોલીસે ત્રણેય આરોપી રતનબહેન રાઠોડ, મંજુબહેન રાઠોડ અને ટીનાબહેન રાઠોડની અટકાયત કરી હતી.

line

મહિલાને ડાકણ જાહેર કરવાના વારંવાર બનતાં કિસ્સા

કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વિધવા કે નિઃસંતાન મહિલાને ડાકણ કહીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે

ઇમેજ સ્રોત, Binal Kansara

ઇમેજ કૅપ્શન, કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ વિધવા કે નિઃસંતાન મહિલાને ડાકણ કહીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે

કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ એ દૂષણ પ્રબળ છે, જેમાં વિધવા કે નિઃસંતાન મહિલાને ડાકણ કહીને તેના પર અત્યાચાર કરવામાં આવે છે.

ડાકણ ગણીને મહિલાઓને ઢોર માર મારવાના બનાવો છાશવારે બનતા રહે છે.

આ વર્ષે જૂન મહિનામાં દેવગઢબારિયા તાલુકાના ડભવા ગામે બાટલીબહેન બારિયા નામનાં વિધવા પર તેમના જ કુટુંબીજનો એવું કહીને તૂટી પડ્યા હતા કે તું ડાકણ છે, તારા લીધે અમારાં પશુ અને માણસો બીમાર પડે છે.

ગયા વર્ષે જુલાઈ મહિનામાં દાહોદના મોઢવા ગામે વીસેક લોકોનું ટોળું 58 વર્ષીય વિધવા ગંગાબહેન પટેલના ઘરે ધસી આવ્યું હતું. તેમના પર ડાકણ હોવાનો વહેમ રાખીને ઘરમાં તોડફોડ કરીને ધીંગાણું મચાવ્યું હતું.

ગયા વર્ષે છોટાઉદેપુરના એક ગામડામાં પતિના મૃત્યુ બાદ વિધવાને ડાકણ છે કે નહીં તે પુરવાર કરવા મહારાષ્ટ્રના ભૂવા પાસે લઈ જવામાં આવ્યાં હતાં અને પછી ઘરની બહાર કાઢી મૂકવામાં આવ્યાં હતાં.

ટૂંકમાં આવા બનાવ બનતાં જ રહે છે.

line

'મિલકતમાંથી બેદખલ કરવાનો કારસો છે ડાકણપ્રથા'

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

બિનસરકારી સંસ્થા 'આનંદી' સાથે સંકળાયેલા અને પંચમહાલ તેમજ દાહોદમાં પ્રોગ્રામ મૅનેજર તકરીકે કામ કરતાં સીમાબહેન શાહ બીબીસીને કહે છે કે વિધવા બહેનોને મિલકતમાંથી બેદખલ કરવી હોય તો પણ તેને ડાકણ ઠેરવી દેવામાં આવે છે.

તેઓ કહે છે, "આદિવાસી પરિવારોમાં જમીન નાની-નાની હોય અને જેઠ-દિયર બધા સાથે ખેતી કરતા હોય. એમાં જો કોઈ પુરુષ ગુજરી જાય તો તેની વિધવા પત્નીને જમીનનો ભાગ આપવો પડે. આવું ન કરવું પડે એ માટે તેને ડાકણ ઠેરવી દેતા હોય છે."

"ડાકણ જાહેર થનારી મહિલા આજીવન તિરસ્કૃત જીવન જીવે છે. એ ઘર છોડી દે. અમે પંચમહાલ અને દાહોદમાં એવી મહિલાઓ જોઈ છે, જેમણે વર્ષોથી ઘર છોડી દીધાં હોય. મહિલાને મિલકતમાંથી બેદખલ કરવાનો કારસો ડાકણપ્રથા છે."

મહિલાઓ તેમના હકની માગણી ન કરે એ માટે ડાકણ જાહેર કરી દેવામાં આવે તેવું જાણવા મળ્યું છે.

શું માત્ર વિધવા કે નિઃસંતાન મહિલાને જ ડાકણ જાહેર કરવામાં આવે છે?

આ સવાલના જવાબમાં સીમાબહેન કહે છે કે "વિધવા, નિઃસંતાન ઉપરાંત એવી બહેનો કે જે પોતાના હક વગેરે માટે બોલે અને લડે તો તેને પણ ડાકણ ઠેરવીને તિરસ્કૃત કરીને ચૂપ કરી દેવામાં આવે છે."

"પંચમહાલ-દાહોદમાં લોકો ભૂવા પાસે દાણા જોવરાવવા જાય એ પહેલાં ભૂવા પૂછી લેતા હોય છે કે તમારા ગામમાં વિધવા કેટલી? કઈ મહિલા વધુ બોલકી છે?"

"એ પછી ભૂવા એને ડાકણ જાહેર કરી દે કે તમારા ગામમાં આ ડાકણ છે, જે તમારા ઢોરને ખાઈ ગઈ કે તમારા છોકરાની પ્રગતિ થવા નથી દેતી."

તેઓ કહે છે, "કોઈ મહિલાને ડાકણ ઠેરવી દે એ તેના આત્મસન્માન પર કુઠારાઘાત થાય છે. સમાજમાં તેમની સાથે લોકો બોલવાનું બંધ કરી દે છે."

"તેમનાં સંતાનોનાં લગ્ન મુશ્કેલીમાં મુકાઈ જાય. કુટુંબના લોકોએ જ ડાકણ કહી હોય એવા કિસ્સા અમે વધારે જોયા છે."

સીમાબહેન કહે છે કે "અમે 2012-13માં એક સર્વે કર્યો ત્યારે દેવગઢમાં સાત-આઠ જેવી એફઆઈઆર (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) જોઈ હતી, જેમાં મહિલાને ડાકણ કહીને પ્રતાડિત કરવામાં આવી હોય."

"અત્યારે પણ સ્થિતિમાં ખાસ બદલાવ આવ્યો નથી."

line

'આ દૂષણ માત્ર અંધશ્રદ્ધા નથી'

મહિલા સુરક્ષાના કાયદા હોવા છતાં અને સરકારી પ્રોજેક્ટ હોવા છતાં કેમ આવાં દૂષણ હજી ઘર કરી ગયાં છે? કાયદા ક્યાં ટૂંકા પડે છે?

સીમાબહેન કહે છે કે "કોઈ મહિલાને ડાકણ કહેવી કે ઠેરવવી એ મહિલાની માનહાનિ છે એ ઢબે કાયદા ઘડાવા જોઈએ. આ માત્ર અંધશ્રદ્ધા નથી."

"મિલકતમાંથી મહિલાને બેદખલ કરવી હોય કે હક માટે લડતી મહિલાને ચૂપ કરવી હોય તો એને જો ડાકણ જાહેર કરી દેવામાં આવે છે. મતલબ કે આ એક ગોઠવણ છે."

"આ દૂષણને માત્ર અંધશ્રદ્ધા તરીકે ન જોઈ શકાય. એકલી રહેતી વિધવાને ગામમાં કોઈ ડાકણ ઠેરવી દે તો એ જે છૂટક મજૂરી કે ઘરકામ કરીને બે પૈસા કમાતી હોય તો એ બંધ થઈ જાય છે. એ ખેતમજૂર તરીકે પણ નથી જઈ શકતી."

"કોઈ મહિલાને ડાકણ કહેવી એ તેની માનહાનિ છે એવો કાયદો ઝારખંડ, રાજસ્થાન સહિતનાં ચારેક રાજ્યોમાં બનેલો છે. ગુજરાતમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી."

"આના માટે કાયદાકીય રીતે કઈ જોગવાઈ થવી જોઈએ. જો કોઈ મહિલાને ડાકણ જાહર કરવામાં આવે તો એવું કરનારા અને બોલનારા લોકો સામે કડક પગલાં લેવાય તો કંઈક સ્થિતિ સુધરે."

line

'રાજકીય વ્યવસ્થા ડાકણની કુપ્રથાને પોષે છે'

મહિલાને માર મારતાં કાંડામાં ફ્રેક્ચર થયું

ઇમેજ સ્રોત, Binal Kansara

ઇમેજ કૅપ્શન, મહિલાને માર મારતાં કાંડામાં ફ્રેક્ચર થયું

અમદાવાદસ્થિત સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે "ડાકણપ્રથા એટલે કે દૂષણ બહુ જૂની પરંપરા છે. ગાંધીયુગના સમાજસુધારકોએ પણ આ દૂષણ સામે કામ કર્યું હતું, પરંતુ એ દૂષણ સમાજમાંથી ગયું નથી."

"વિધવા બહેનો કે નિઃસંતાન બહેનોને ડાકણ ઠેરવીને તેના પર અત્યાચારની ઘટનાઓ થતી રહે છે.

તેઓ કહે છે કે ગાંધીયુગના સુધારકોએ ડાકણપ્રથાના નિવારણ માટે કામ કર્યું હતું. એ પછી એ દૂષણ સામેની કોઈ સુધારણાઝુંબેશ સમાજ દ્વારા જોવા મળી નથી.

તેઓ વધુમાં કહે છે, "સુધારણા તો દૂરની વાત છે, પણ એ પ્રથાઓને પોષણ મળે તેવો માહોલ હવે જોવા મળી રહ્યો છે. ડાકણપ્રથા આદિવાસી વિસ્તારોમાં વિશેષ છે."

"ત્યાં છેલ્લાં દસ-પંદર વર્ષમાં જે ધર્મ-સંપ્રદાયો પહોંચ્યા છે, તેમણે તો આડકતરી રીતે આ પ્રથાને પ્રોત્સાહન આપ્યું છે."

"ડાકણ ઠેરવવાની પરંપરાને પ્રથાનું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે, તેથી એ વિસ્તારોમાં ચૂંટાતા નેતાઓ ક્યારેય એના વિરુદ્ધ બોલતા નથી."

"પરિણામે આવી કુપ્રથાને રાજકીય પોષણ મળી રહ્યું છે. જો સમાજમાંથી આવાં દૂષણ નાબૂદ થાય તો સમાજે પ્રગતિ કરી કહેવાય. જો વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય તો આપણે વિકાસ કર્યો છે એ કેમ કહેવાય?"

line

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો