કોરોના વાઇરસ : "અરવલ્લી જેવા નાના વિસ્તારમાં હૉસ્પિટલ અને જાગૃતિના અભાવે કોરોના ફેલાયો"

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતમાં સૌપ્રથમ કોરોના વાઇરસની શરૂઆત રાજકોટ અને અમદાવાદથી થઈ હતી. શરૂઆતમાં શહેરો સુધી સીમિત રહેલો કોરોના એપ્રિલના મધ્યથી ગામડાંમાં ફેલાવાનો શરૂ થયો. એનું મુખ્ય કારણ નાના જિલ્લાઓમાં શહેરોથી ગયેલા લોકો ગણાવાઈ રહ્યું છે.
દેશભરમાં લૉકડાઉન ભલે 22મી માર્ચના જનતા કર્ફ્યૂ પછી થયું, પણ ગુજરાતમાં 20મી માર્ચથી જ કોરોનાને માત આપવા કવાયત શરૂ થઈ ગઈ હતી.
કોરોનાએ શહેરોમાં દેખા દીધી હતી પણ નાના જિલ્લાઓમાં કોઈ અસર ન હતી.
આદિવાસી બહુમતી ધરાવતા અરવલ્લી જિલ્લામાં તો કોરોનાનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું હતું, પણ એપ્રિલના મધ્ય સુધી એક પણ કોરોનાનો કેસ ન હતો.
જોકે 17મી એપ્રિલે અમદાવાદથી અરવલ્લી પહોંચેલા એક કોરોના સંક્રમિતના કારણે અરવલ્લીમાં કોરોનાની શરૂઆત થઈ.

અરવલ્લીમાં કેવી રીતે કોરોના ફેલાયો?

ઇમેજ સ્રોત, Getty Images
17 એપ્રિલે અમદાવાદથી આવેલા એક માણસને કારણે અરવલ્લીમાં કોરોનાનો પહેલો કેસ દેખાયો.
18મીએ અમદાવાદના છ, મહેસાણાના એક અને ઉત્તરપ્રદેશના એક, 19મીએ અમદાવાદથી આવેલા પાંચ, ગાંધીનગરથી આવેલા એક અને 20-21 તારીખે અમદાવાદથી આવેલા બે જણાના રિપોર્ટ પૉઝિટિવ જણાયા હતા.
આદિવાસી અને પછાત વિસ્તારમાં સામાન્ય રીતે લોકો છૂટાછવાયા રહેતા હોય છે એટલે કોરોના વધુ પ્રસર્યો નહીં અને લાંબા સમય સુધી શાંત રહ્યો. પણ છઠ્ઠી મેથી અરવલ્લી જિલ્લામાં કોરોના મોટા પાયે ફેલાવા માંડ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એનું મુખ્ય કારણ અમદાવાદ, નાસિક, રાજસ્થાન, હરિયાણા અને મુંબઈથી કોરોનાના કારણે આવેલા લોકો માનવામાં આવે છે.
મે મહિનાની શરૂઆતમાં અરવલ્લીમાં કોરોનાના કેસ વધ્યા અને 13 જુલાઈ સુધીમાં માત્ર બે જ કોવિડ સેન્ટર ધરાવતા અરવલ્લીમાં 254 પૉઝિટિવ કેસ આવ્યા અને જે લોકોએ બીજા જિલ્લામાં કોરોનાના ટેસ્ટ કરાવ્યા તેવા 17 કેસ પૉઝિટિવ આવ્યા. જેના કારણે અરવલ્લીમાં માત્ર બે મહિનાની અંદર 271 કેસ પૉઝિટિવ આવ્યા.
એટલે કે દર ચાર કલાકે એક કોરોનાનો કેસ નોંધાવા માંડ્યો.

'હૉસ્પિટલ અને જાગૃતિનો અભાવ'

ઇમેજ સ્રોત, Reuters
અરવલ્લીનું મુખ્ય વેપારીમથક મોડાસા છે, જ્યાં અત્યાર સુધી સો કેસ નોંધાયા છે અને બાકીના વિસ્તારોમાં 207 કેસ નોંધાયા છે.
જોકે મૃત્યુની સંખ્યા ઓછી રહી છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે અરવલ્લીમાં માત્ર બે જ હૉસ્પિટલ છે.
અહીંના સ્થાનિક ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે બીબીસી સાથેની વાતચીતમાં જિલ્લાની સ્થિતિ અંગે વાત કરી હતી.
તેઓએ કહ્યું કે, "આખાય અરવલ્લી જિલ્લામાં કોરોના માટે મોડાસામાં એક અને બાયડમાં એક હૉસ્પિટલ છે. કોરોનાના કેસ આવે ત્યારે ગંભીર દર્દીઓને હિંમતનગર અથવા અમદાવાદ ખસેડવા પડે છે. જે અત્યંત દુઃખદ છે અને તેના કારણે મોત વધી રહ્યા છે."
તેઓ કહે છે, "મોડાસા અને બાયડ આ બે જગ્યા એવી છે કે જ્યાં ગીચ વિસ્તાર તો છે જ પણ આદિવાસી લોકો અહીં ખરીદી કરવા આવે છે. મોડાસામાં સૌથી વધુ સંક્રમિત થયેલા લોકો પાસેથી કોરોનાનો ચેપ લઈ આદિવાસીઓ ખરીદી કરીને એમના ગામ પાછા જાય છે અને કોરોના ફેલાય છે."
રાજેન્દ્રસિંહ ઠાકોર કહે છે કે "અરવલ્લી જિલ્લો બન્યાને સાત વર્ષ થયાં. સરકારે જિલ્લાને એક સિવિલ હૉસ્પિટલ આપવા માટે 65 કરોડના બજેટની ફાળવણી કરી છે. ચૂંટણીઓ આવે ત્યારે અલગઅલગ જગ્યાએ હૉસ્પિટલ બનશે એમ કહી ત્રણ જગ્યાએ હૉસ્પિટલ બનાવવાની વાર્તા કરી છે પણ હૉસ્પિટલ બનાવી નથી. જેના કારણે અહીં કેસમાં વધારો થાય છે."

કેસ વધ્યા છે, પણ મૃત્યુ ઓછાં

ઇમેજ સ્રોત, GETTY
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ સેન્ટરના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "એ વાત સાચી છે કે શહેરમાં જે લોકોનું મજૂરીકામ બંધ થઈ ગયું છે એ લોકો ગામડામાં ગયા હોય અને એના કારણે કોરોનાનો ચેપ ફેલાયો હોય, કારણ કે અરવલ્લીની હિસ્ટ્રી જોતા શરૂઆતમાં અહીં કોરોના દેખાયો ન હતો. પણ બહારગામથી અહીં આવતા લોકોના કારણે અહીં કોરોના ફેલાયો છે."
તેઓ વધુમાં કહે છે, "શહેરમાં મજૂરી કરવા આવેલા અથવા નોકરી કરતાં ઍસિમ્પ્ટોટિક લક્ષણો ધરાવતા લોકો ગામડામાં પહોંચી જાય ત્યારે કોરોના વધુ ફેલાય છે. આના માટે આવા પછાત વિસ્તારોમાં બહારથી આવેલા લોકોને ક્વૉરેન્ટીન કરી દેવા જોઈએ, વધુ કોવિડ સેન્ટર ઊભાં કરવાં જોઈએ."
તેઓ કહે છે, "અલબત્ત, આ આદિવાસી વિસ્તાર હોવાથી લોકો છૂટાછવાયા વધુ રહે છે એટલે અહીં કોરોનાના કેસ વધવા છતાં મરણનો આંકડો વધ્યો નથી એ એક સારી નિશાની છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અરવલ્લીના મુખ્ય આરોગ્ય અધિકારી કમલનાથ વર્માએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અરવલ્લીમાં કોરોનાના કેસ વધવાના કારણે અમે તાત્કાલિક અસરથી પગલાં લેવાનાં શરૂ કર્યાં. પડોશી રાજ્યમાંથી આવતા વાહનચાલકોનું હેલ્થ સ્ક્રિનિંગ શરૂ કરી દીધું.
તેઓ કહ્યું, "આરોગ્ય વિભાગની દસ ટીમો બનાવી બહારથી આવતા લોકોનું હેલ્થ ચેકિંગ શરૂ કર્યું. જેમાં ટ્રાન્સપૉર્ટના વાહનોથી માંડીને ખાનગી વાહનોના 17,078 લોકોનું હેલ્થ સ્ક્રિનિંગ કર્યું અને શંકાસ્પદ લોકોને ગુજરાતમાં આવતા રોક્યા છે."
"ઉપરાંત મોડાસામાં સૌથી વધારે કેસો જોવા મળતા અમે આખાય મોડાસા શહેરમાં ચાર નૉડલ ઑફિસરની નિમણૂક કરી, મોડાસાને ચાર ઝોનમાં વહેચી દીધો. ઝોન પ્રમાણે તાલુકા આરોગ્ય અધિકારી, તબીબી અધિકારી મૂક્યા અને સઘન સર્વેલન્સ અને સુપરવિઝન શરૂ કર્યું. જેથી અરવલ્લીમાં આ રોગને ફેલાતો અટકાવી શકાય."

'ગામડાંમાં ઘરેઘરે જઈને ચેકિંગ શરૂ કર્યું'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તેઓ વધુમાં કહે છે કે "અરવલ્લીના મોડાસામાં 90થી વધુ કેસ મળતાં મોડાસા જેલની અંદરના 127 કેદી અને જેલસ્ટાફના તમામ લોકોના કોરોના ટેસ્ટ કર્યા છે. સદનસીબે જેલમાં કોરોના દેખાયો નથી."
"ઉપરાંત અમે અરવલ્લી જિલ્લામાં ચાલતા ટ્રાન્સપૉર્ટ ઉદ્યોગ, હોલસેલના વેપારીઓ અને જીઆઈડીસીમાં બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો અને આવા વિસ્તારોમાં કોઈ પણ વ્યક્તિ કોરોના સંક્રમિતમાં સંપર્કમાં આવે તો એને 14 દિવસ ક્વૉરેન્ટીન રહેવા માટે પણ સમજાવી છે. જેથી છેલ્લા દસ દિવસમાં અરવલ્લીમાં કોરોનાના કેસ પર કાબૂ મેળવી શક્યા છીએ."
જિલ્લામાં કોરોનાને કારણે આરોગ્યની વ્યવસ્થા અંગે અરવલ્લીના મુખ્ય આરોગ્ય અધિકારી કમલનાથ વર્મા જણાવે છે કે "અરવલ્લીના આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં લોકોને ઘરઆંગણે પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રાઉન્ડ ધ ક્લૉક 14 આરોગ્ય ધન્વંતરી રથ શરૂ કર્યા છે, જેમાં બે મેડિકલ ઑફિસર્સ પેરામેડિકલનો સ્ટાફ, એક મહિલા અને એક પુરુષ ડૉક્ટર દ્વારા તાવ, શરદી અને ડાયેરિયા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશર જેવા રોગોનું એમના ઘરે જઈને ચેકિંગ કરવામાં આવે છે."
"આ સ્ટાફ ટેમ્પરેચર ગન, પલ્સ ઓક્સિમીટર સાથે હોય છે. જેથી પ્રાથમિક તબક્કામાં પણ પછાત વિસ્તારમાં સામાન્ય લક્ષણ દેખાય તો તે વ્યક્તિને તુરંત કોવિડ સેન્ટરમાં લઈ જઈ શકાય. ઉપરાંત આદિવાસી અંતરિયાળ વિસ્તારમાં લોકોની ઇમ્યુનિટી વધારવાની દવાઓ આપી રહ્યા છીએ. જેથી કોરોનાને કાબૂમાં લઈ શકાય."
તો રાજેન્દ્રસિંહ ઠાકોર કહે, "અમારો વિસ્તાર ગરીબ અને પછાત હોવાથી અહીં કોઈ ધ્યાન આપતું નથી. પીએચસી સેન્ટર સરખાં ચાલતાં નથી. બહારગામથી આવતા લોકોને ક્વૉરેન્ટીન કરાતા નથી. અરવલ્લી જેવા નાના વિસ્તારમાં હૉસ્પિટલનો અભાવ અને પછાત વિસ્તારમાં જાગૃતિના અભાવે કોરોના વકરી ગયો છે."

કેસ ઘટી રહ્યા હોવાનો દાવો

ઇમેજ સ્રોત, Getty Images
અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, "આ વિસ્તારમાં લોકોને કોરોનાની ગંભીરતા સમજાવવા ઉપરાંત જ્યારે સંક્રમિતોનો આંકડો 200 પર પહોંચી ગયો એટલે અમે નછૂટકે કેટલાક વિસ્તારોમાં માસ્ક માટેની સ્પેશિયલ ડ્રાઇવ કરી."
"સોશિયલ ડિસ્ટન્સિંગ નહીં પાળનાર તથા માસ્ક નહીં પહેરનારને દંડ કરવામાં આવ્યો છે. પોલીસની મદદ લઈને માત્ર જૂન મહિનામાં જ 631 લોકોને માસ્ક નહીં પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ 1,26,200 લાખનો દંડ કરાયો છે."
"જ્યારે છેલ્લા છ દિવસની અંદર 213 લોકોની પાસેથી 42,600નો દંડ વસૂલાતા હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે. માસ્ક અને સેનેટાઇઝર અનો સોશિયલ ડિસ્ટન્સિંગનું કામ થઈ રહ્યું છે. જેના કારણે અરવલ્લીમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે."
તેઓ વધુમાં કહે છે, "અંતરિયાળ વિસ્તારમાં જે પ્રકારે અમે મોટું અભિયાન કર્યું છે તેના કારણે પછાત વિસ્તારમાં જાગૃતિ પણ આવી છે. એટલું જ નહીં આ વિસ્તારમાં બે કોવિડ સેન્ટર હોવાથી ક્રિટિકલ દર્દીઓની તાત્કાલિક સારવાર માટે અમદાવાદ અને હિંમતનગર મોકલવામાં સ્ટેન્ડ બાય વ્યવસ્થા પણ ઊભી કરી રાખી છે. જેથી લોકોને ઝડપથી સારવાર મળી રહે."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














