કોરોના વાઇરસની દવાનું કાળાબજાર? 5 હજારની દવાની કિંમત 30 હજાર

ઇમેજ સ્રોત, REUTERS
- લેેખક, વિકાસ પાંડે
- પદ, બીબીસી સંવાદદાતા
અભિનવ શર્માના કાકાને બહુ તાવ હતો અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તેમને દિલ્હીની એક હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તેમની તપાસ થઈ તો તેઓ કોરોના પૉઝિટિવ નીકળ્યા. ડૉક્ટરોએ તેમના પરિજનોને રેમડેસિવિર લાવવા કહ્યું.
રેમડેસિવિર એક ઍન્ટિ-વાઇરલ ડ્રગ છે. ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ માટે આ દવાને મંજૂરી મળી છે. સાથે જ ઇમર્જન્સીમાં તેના ઉપયોગની પરવાનગી અપાઈ છે. એટલે કે ડૉક્ટરો તેને ખાસ પરિસ્થિતિમાં આપી શકે છે.
જોકે રેમડેસિવિર ખરીદવું એક અશક્ય કામ સાબિત થયું. રેમડેસિવિર ક્યાંય ઉપલબ્ધ નહોતી.
હતાશ અભિનવ શર્માએ આ દવા માટે ઘણા લોકોને ફોન કર્યા, કેમ કે તેમના કાકાની તબિયત સતત ખરાબ થઈ રહી હતી.
તેઓ કહે છે, "મારી આંખમાં આંસુ હતાં. મારા કાકા જિંદગી માટે જંગ લડતાં હતા અને હું એ દવાની શોધ માટે સંઘર્ષ કરતો હતો, જેનાથી તેમનો જીવ બચી શકતો હતો."
"ઘણા લોકોને ફોન કર્યા બાદ રેમડેસિવિર તો મળી, પરંતુ સાત ગણી કિંમત પર. હું તો દવા માટે કોઈ પણ કિંમત આપવા માટે તૈયાર હતો. પણ એ લોકો વિશે વિચારીને દુખી હતો જેઓ તેને ખરીદી શકતા નહોતા."
અભિનવની જેમ ઘણા પરિવારો છે, તેઓ પોતાના સ્વજનોનો જીવ બચાવવા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઘણા લોકોનું કહેવું છે કે તેમને આ દવા માટે ઘણા વધુ પૈસા આપવા પડ્યા. ઘણા લોકો આ દવા માટે પુરાણી દિલ્હીની એક દવામાર્કેટ સુધી પહોંચ્યા.

કાળાબજારી
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
બીબીસીએ આ બજારમાં કામ કરતા લોકોનો સંપર્ક કર્યો. જેમણે કહ્યું કે તેઓ દવા તો અપાવી દેશે, પરંતુ તેમને પૈસા વધુ આપવા પડશે.
દવાના વ્યવસાયમાં કામ કરવાનો દાવો કરતી એક વ્યક્તિએ કહ્યું - હું દવાની ત્રણ શીશી અપાવી શકું છું, પરંતુ એક શીશી માટે તમારે 30 હજાર રૂપિયા આપવા પડશે અને તમારે તરત આવવું પડશે.
સત્તાવાર રીતે રેમડેસિવિરની એક શીશીની કિંમત 5400 રૂપિયા છે. સામાન્ય રીતે આ દર્દીને તેના પાંચ કે છ ડોઝ આપવાના હોય છે. એક અન્ય વ્યક્તિએ તો એક શીશીના 38 હજાર રૂપિયાની વાત કરી.
દુનિયાના ઘણા દેશોની હૉસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ તથ્ય સામે આવ્યું હતું કે રેમડેસિવિર કોરોનાનાં લક્ષણની અવધિને 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. તેના કારણે રેમડેસિવિરની માગ વધી ગઈ છે.
જોકે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ કોઈ પ્રભાવી ઉપચાર નથી, પરંતુ કોઈ પણ દવા ઉપલબ્ધ ન હોય ત્યારે ભારતમાં ડૉક્ટરો કોરોના દર્દીઓને આ દવા લખી આપે છે. આ કારણે દિલ્હી અને ભારતનાં અન્ય શહેરોમાં તેની માગ વધી છે.
બીબીસીને એ માહિતી મળી છે કે દિલ્હી અને ઘણા પડોશી જિલ્લાઓમાં દર્દીઓના પરિવારોને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો અને રેમડેસિવિર માટે વધુ કિંમત આપવી પડી. ઘણા લોકોનું એ કહેવું છે કે તેઓને આ દવા ખરીદવા માટે પોતાના જીવનભરની બચત આપવી પડી, એ આશાએ કે તેમના સ્વજનો કોરોના સામે જંગ જીતી જાય.
આ રીતની નફાખોરીનું મુખ્ય કારણ સપ્લાય અને માગમાં મોટું અંતર છે.
અમેરિકાસ્થિત ગિલિએડ સાયન્સે મૂળ રૂપે ઈબોલાની સારવાર માટે રેમડેસિવિર બનાવી હતી. હવે તેણે ભારતની ચાર કંપનીઓ- સિપ્લા, જુબિલિઍન્ટ લાઇફ, હિટેરો ડ્રગ્સ અને માઇલૉનને ભારતમાં આ દવા બનાવવા માટે મંજૂરી આપી છે.
જોકે અત્યાર સુધી હિટેરોએ આ દવા બનાવી છે. કંપનીએ અત્યાર સુધીમાં રેમડેસિવિરના 20 હજાર ડોઝ પાંચ રાજ્યોમાં મોકલ્યા છે. જોકે કંપનીએ બીબીસીને જણાવ્યું નથી કે કિંમતોને લઈને આવું કેમ થઈ રહ્યું છે.
કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ સેલ્સ સંદીપ શાસ્ત્રીનું કહેવું છે કે અમે આ દવા અમારા વિતરકોને આપી નથી. દિશાનિર્દેશો અનુસાર અમે સીધા હૉસ્પિટલને આ દવા આપી રહ્યા છીએ.
તેઓએ કહ્યું કે કંપની માગ પૂરી કરવા માટે ઘણી મહેનત કરી રહી છે અને આ રીતની કાળાબજારી હતોત્સાહિત કરનારી છે.
સંદીપ શાસ્ત્રીએ કહ્યું, "અમે પરિવારોની પીડા સમજીએ છીએ. તેમને દવા શોધવાનું ન કહેવું જોઈએ. અમે આગામી દિવસોમાં પોતાનું પ્રોડક્શન વધારવા માટે ઘણા આશાવાદી છીએ અને પરિસ્થિતિઓ સારી થવી જોઈએ."

સપ્લાય

ઇમેજ સ્રોત, GETTY IMAGES
દવાવિક્રેતાઓનું કહેવું છે કે તેમની પાસે પણ દવાનો સપ્લાય નથી.
દિલ્હીની નજીકના ગાઝિયાબાદમાં એક કેમિસ્ટ ઍસોસિયેશનના વાઇસ પ્રૅસિડેન્ટ રાજીવ ત્યાગીએ કહ્યું, "ગત રાતે હૈદરાબાદથી એક મહિલાએ મને ફોન કર્યો હતો. તેમના પિતા દિલ્હીની એક હૉસ્પિટલમાં ભરતી છે. તેઓએ કહ્યું કે તેઓ દવા માટે કોઈ પણ કિંમત આપવા તૈયાર છે. પણ હું તેમના માટે કશું ન કરી શક્યો."
તો પુરાણી દિલ્હીની દવાબજારમાં આ દવા કેવી રીતે પહોંચી રહી છે?
દવા દુકાનકારોના એક સંગઠન ઑલ ઇન્ડિયા કેમિસ્ટ ઍન્ડ ડ્ર્ગિસ્ટ્સ ઍસોસિયેશનના મહાસચિવ રાજીવ સિંઘલ એ વાતથી ઇન્કાર કરે છે કે તેમાં કોઈ દુકાનદાર પણ સામેલ છે.
તેઓએ કહ્યું, "મને પૂરો ભરોસો છે કે અમારો કોઈ પણ સભ્ય આમાં સામેલ નથી. આ સમયે દેશમાં રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આપાતકાળ છે અને હું સ્પષ્ટ સંદેશ આપવા માગું છું કે જો કોઈ પણ વ્યક્તિ જીવનરક્ષક દવાઓનું ગેરકાયદે વેચાણ કરતા પકડાશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે."

કિંમતો

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
જોકે મામલો રેમડેસિવિર સુધી જ નથી. અન્ય એક જીવનરક્ષક દવા તોસિલીજુમાબની કિંમત પણ ઝડપથી વધી છે.
દુનિયાભરમાં કોરોનાના ગંભીર દર્દીઓમાં તેના સકારાત્મક પરિણામ જોવાં મળ્યાં છે. આ દવા ઍક્ટેમરાના નામથી વેચાય છે.
જાણકારોનું કહેવું છે કે આ દવા કેટલી અસરકારક છે, એ જાણવા માટે વધુ રિસર્ચની જરૂર છે. જોકે ઘણી હૉસ્પિટલોએ સકારાત્મક પરિણામોની વાત કહી છે.
આ દવા મૂળ રૂપે રૂમેટાઇડ આર્થરાઇટિસના દર્દીઓ માટે બની હતી અને તેનો સપ્લાય હંમેશાંથી સીમિત રહ્યો છે.
સ્વિટ્ઝર્લૅન્ડસ્થિત કંપની રોશ માટે ભારતમાં સિપ્લા આ દવાનું વેચાણ કરે છે અને આ દવાની આયાત કરાય છે. જોકે હવે તમને તેની જરૂર હોય તો આ દવા તમને કેટલાક કલાકોમાં મળવી મુશ્કેલ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉત્તર ભારતમાં સિપ્લાના એક પ્રતિનિધિએ જણાવ્યું કે ગત કેટલાંક અઠવાડિયાંમાં માગમાં અચાનક વધારો થયો છે.
તેઓએ જણાવ્યું, "અમે સપ્લાયમાં વધારો કર્યો છે, પરંતુ અમને લાગે છે કે આવનારા દિવસોમાં તેની માગમાં વધારો થશે."
બીબીસીને જાણવા મળ્યું છે કે ઘણા કેસમાં હૉસ્પિટલોએ દર્દીઓના સ્વજનોને એ કહ્યું છે કે આ દવાની વ્યવસ્થા તેઓ જાતે કરે.
નામ ન આપવાની શરતે દિલ્હીની એક વ્યક્તિએ જણાવ્યું, "હું દિલ્હીના કમસે કમ 50 સ્ટોરમાં ગયો છું. બધાએ વાયદો તો કર્યો, પણ તેઓએ ડોઝ માટે બમણી કે ત્રણ ગણી કિંમત માગી. મને મારાં કાકી માટે આ દવા બે દિવસ પછી મળી હતી."
જોકે સિપ્લાના પ્રતિનિધિએ એ વાતનો ઇન્કાર કર્યો કે તોસિલીજુમાબ બ્લેકમાર્કેટમાં વેચાઈ રહી છે.
તેઓએ કહ્યું કે અમે દરેક ડોઝને ટ્રેક કરી રહ્યા છીએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે કોઈ નફાખોરી કરી ન શકે. અમે આવું નહીં થવા દઈએ.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












