You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારત-ચીન સીમાવિવાદ : ચીન સાથેના વણસતા જતા સંબંધો ભારતના દવાઉદ્યોગને કેટલા નડશે?
- લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
15-16 જૂનની રાત્રે ભારત અને ચીન વચ્ચે થયેલી હિંસક અથડામણ પછી ભારતમાં ચીનના માલ-સામાનનો બહિષ્કાર કરવાની માગ વઘી છે. પરંતુ ચીન અને ભારત વચ્ચે જેટલા કદનો વેપાર થાય છે ત્યારે પ્રશ્ને છે કે આ કઈ બાબતોમાં કેટલી હદે શક્ય છે? ખાસ કરીને દવાની બાબતોમાં સ્થિતિ શું છે?
ભારત ફાર્માસ્યુટિકલ્સના ઉત્પાદનમાં કદ(volume)ની દૃષ્ટિએ ત્રીજા નંબરે છે પણ કિંમત(value)ની દૃષ્ટિએ 13મા નંબરે છે.
આપણે રિસર્ચ ક્ષેત્રે જોઈએ તેટલી પ્રગતિ કરી નથી.
ઍક્ટિવ મોલેક્યુલ્સના ઉત્પાદનમાં ઘણા કિસ્સાઓમાં પ્રદૂષણના ગંભીર પ્રશ્નો ઉભા થાય છે.
આપણે દર વર્ષે 19 અબજ ડૉલરની કિંમતના ફાર્માસ્યુટિકલ્સની નિકાસ કરીએ છીએ. જે 2020માં 20 અબજ ડૉલર સુધી પહોચશે.
આ બધા માટે સસ્તામાં સસ્તો કાચો માલ ચીન પૂરો પાડે છે. ભારતમાં વિકસેલો ફૉર્મ્યુલેશન ઉદ્યોગ અને ચીનનો API ઉદ્યોગ એકબીજાનો પૂરક છે.
આમ એક તરફ પ્રદૂષણનું જોખમ વેઠીને પણ ચીન API પૂરા પાડે છે જ્યારે ભારત એ કાચા માલનો ઉપયોગ કરી એનું ફૉર્મ્યુલેશનમાં રૂપાંતર કરવામાં માહિર છે.
ફાર્માસ્યુટિકલ ફૉર્મ્યુલેશનનું ભારત વૈશ્વિક કક્ષાની ગુણવત્તા ધરાવતું ઉત્પાદન કરી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અંહી એ વાતનો ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં ગુજરાત દેશમાં અગ્રણી છે. ગુજરાતમાં ઝાયડસ કેડિલા, ઇન્ટાસ, સન ફાર્મા, ટૉરંટ જેવી કંપનીઓ છે તો લુપિન જેવી બહુદેશીય કંપનીઓ પણ છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ 2.64 લાખ કરોડના ભારતીય ઉદ્યોગમાં ત્રીજો હિસ્સો ગુજરાત રોકે છે અને આવનારા સમયમાં આ હિસ્સો 40-42 ટકા સુધી પહોંચવાની આશા રાખવામાં આવતી હતી.
આપણા દેશમાંથી અમેરિકા, ઉત્તર અમેરિકા, આફ્રિકા, યુરોપિયન દેશો, મધ્ય-પૂર્વના દેશો વગેરે દેશોમાં નિકાસ થાય છે.
જેમાં આફ્રિકા તેમજ અમેરિકા જેવા દેશો મુખ્ય છે.
ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસએટલે શું?
ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસએ દવાઓ બનાવવા માટેનો સૌથી અગત્યનો કાચો માલ એવું કેમિકલ કંપાઉન્ડ છે.
દવામાં રહેલ આ ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસ રોગ સામે જરૂરી અસર પેદા કરી રોગને ડામે છે. દાત: ક્રોસિન નામની જે દવા બજારમાં મળે છે તેનું ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસ પેરાસિટામોલ છે જે શરીરના દુખાવા તેમજ તાવમાં રાહત આપે છે.
તમે બજારમાંથી દવા ખરીદો છો એ બે મુખ્ય ઘટકોમાંથી બને છે. આમાં પહેલું તે કાર્યરત(ઍક્ટિવ) કેમિકલ જ્યારે -
બીજું કેમિકલી કાર્યરત નહીં તેવું ઘટક જે ઍક્સપિયન્સના નામે ઓળખાય છે. આ ઘટક વાહક તરીકે કામ કરે છે. જે ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસ (API)ની અસર માનવ શરીરના તંત્રમાં ઊભી કરે છે.
HIV, કૅન્સર, આંચકી(ઍપિલેપ્સિ), મેલેરીયા તેમજ સામાન્ય રીતે વપરાતા એન્ટિબાયોટિક અને વિટામિનની ગોળીઓનાં ઉત્પાદનને ચીનમાંથી જો ઍક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટસની આયાત બંધ થઈ જાય તો મોટો ફટકો પડે તેમ છે. પણ સવાલ એ છે કે એવું કેમ છે?
ભારતમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇંગ્રેડિયન્ટ્સ-(API)ની કુલ આયાત સામે ચીનનો હિસ્સો
વાણિજ્ય મંત્રાલયના આ આંકડાઓથી સમજી શકાય કે એવું કેમ છે?
વાણિજ્ય મંત્રાલય મુજબ 2016-17માં ભારતમાં કુલ 2.7385 અબજ ડૉલરની કિંમતની APIની આયાત થઈ હતી જેમાંથી ચીનથી થયેલી કુલ આયાત 1.8263 અબજ ડૉલરની હતી એટલે કુલ 66.7 ટકા હિસ્સો ચીનનો હતો.
2017-18 માં ભારતમાં કુલ 2.9932 અબજ ડૉલરની કિંમતની એપીઆઈની આયાત થઈ હતી જેમાંથી ચીનમાંથી 2.0559 અબજ ડૉલરની હતી. આ થયો કુલ આયાતનો 68.4 ટકા જેટલો હિસ્સો.
2018-19માં ભારતમાં કુલ 3.5603 અબજ ડૉલરની કિંમતની એપીઆઈની આયાત થઈ. જેમાં 2.4054 અબજ ડૉલર એટેલ 67.6 ટકા માત્ર ચીનમાંથી થઈ હતી. જે થઈ 67.4 ટકા.
આમ, એવું કહી શકાય કે એપીઆઈની કુલ આયાતમાં અડધાંથી વધારે હિસ્સો ચીનનો છે.
દવાની અછત સર્જાશે કે આત્મનિર્ભર બનશે ભારત?
આ કોઠા ઉપરથી જોઈ શકાય છે કે APIની ઉપલબ્ધિ માટે આપણે ઘણાં મોટા પાયે ચીન ઉપર આધારિત છીએ.
આમ હોવાનું મુખ્ય કારણ ચીનનો માલ વૈશ્વિક બજારોની સરખામણીમાં 20થી 25 ટકા સસ્તો પડે છે. આ કારણથી ભારતની કુલ જરૂરિયાતના 70 ટકા જેટલો માલ આપણે ચીન પાસેથી ખરીદીએ છીએ.
એન્ટિઇન્ફેક્ટિવ યાને કે ચેપ સામે રક્ષણ અનેક દવાઓથી માંડીને કૅન્સર માટેની દવાઓ બનાવવાનો કાચો માલ ચીનથી આવે છે.
પેનિસિલીન અને એઝિથ્રોમાયસીન જેવી ઍન્ટિબાયોટિક દવાઓ માટેના કાચા માલમાં તો ચીનની આયાતનો હિસ્સો 80થી 90 ટકા જેટલો છે.
ઍન્ટિ-બાયોટિક્સ, વિટામિન્સ, ઍન્ટિ-મેલેરીયલ અને એન્ટિ-કેન્સર અને એન્ટિ-એચઆઈવી તેમજ દુખાવો અને તાવ મટાડનાર ક્રોસિન જેવી દવાઓનો કાચા માલ એટલે કે API માટે આપણે ચીન ઉપર આધાર રાખીએ છીએ.
સમારોપમાં એમ કહી શકાય કે જો ભારત ચીન પાસેથી આ માલ નથી ખરીદવા માગતું તો એને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવી પડે જે તાત્કાલિક થાય તેવી શક્યતા નથી.
બીજી શક્યતા, ચીનનો આ કાચો માલ ત્રીજા જ કોઈ દેશમાં જાય અને ત્યાંથી એ દેશના બેનર હેઠળ ભારતમાં સપ્લાય થાય.
અંગ્રેજીમાં એક કહેવત છે Necessity is the Mother of Invention મતલબ જરૂરિયાત એ સંશોધનની જનની છે. જોઈએ આગળ જતાં આમાંથી કોઈ રસ્તો નીકળે છે કે પછી આપણે કેટલોક સમય આ એપીઆઈ ઉપર આધારિત દવાઓની તીવ્ર અછતનો સામનો કરવો પડશે. શું થશે એ તો આવનારો સમય જ કહેશે!
(આ લેખકના અંગત વિચાર છે બીબીસીના નહીં)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો