અમદાવાદ રથયાત્રા : જગન્નાથમંદિરના પરિસરની અંદર જ રથની પરિક્રમા

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર આ વખતે રથયાત્રાને પરવાનગી મળી નથી. જેને પગલે અમદાવાદમાં જગન્નાથમંદિરના પરિસરમાં જ રથયાત્રા નીકળી છે.
આ પ્રસંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે વહેલી સવારે પહિંદવિધિ કરી હતી. અને ખલાસીઓએ પરિસરની અંદર જ રથને ફેરવ્યા હતા.
પરિસરમાં હાજર બીબીસી ગુજરાતીના સંવાદદાતા સાગર પટેલના જણાવ્યા અનુસાર ખલાસીઓ રથને મંદિરની બહાર કાઢવા ઇચ્છતા હતા અને આ માટે તેઓ પરિસરમાં જ બેસી ગયા હતા.
જોકે, ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જગન્નાથમંદિરના મુખ્ય મંહદ દિલીપદાસ વચ્ચે બેઠક યોજાયા બાદ ખલાસીઓ મંદિરપરિસરમાં જ રથ ખેંચવા માટે તૈયાર થઈ ગયા હતા.

હાઈકોર્ટે ચુકાદો યથાવત રાખ્યો હતો

ઇમેજ સ્રોત, KALPIT BHACHECH
અમદાવાદ અને ગુજરાતમાં અન્ય જગ્યાએ રથયાત્રા યોજવાની મંજૂરી ન આપવાનો પોતાનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટે યથાવત્ રાખ્યો હતો. હાઈકોર્ટે આ મામલે સાત અરજદારોને સાંભળીને મંગળવારે રાતે અઢી વાગ્યે ચુકાદો આપ્યો હતો.
હાઈકોર્ટે આ મામલે તમામ અંતરિત અરજીઓ અને હાઈકોર્ટના જૂના આદેશમાં ફેરબદલની માગ કરતી ગુજરાત સરકારની અરજીને ફગાવી દીધી હતી.
હાઈકોર્ટના આ ચુકાદા બાદ અમદાવાદમાં રથયાત્રા નહીં નીકળે અને જગન્નાથમંદિરના પરિસરની અંદર જ રથને ફેરવવામાં આવશે એવું નક્કી થયું હતું.. 142 વર્ષમાં પ્રથમ વખત જગન્નાથનો રથ મંદિરની બહાર નહીં નીકળી શકે.
ગુજરાત હાઈકોર્ટના વડા ન્યાયાધીશ વિક્રમનાથન અને ન્યાયાધીશ જે.બી. પારડીવાલાની બેન્ચે આ નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ગુજરાતમાં જગન્નાથપુરી જેવી પરિસ્થિતિ નથી. કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે શ્રદ્ધા એ અંતરઆત્માનો વિષય છે અને લોકો વગર રથયાત્રા કાઢવાનો કોઈ અર્થ નથી સરતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધે નહીં તે માટે રથયાત્રા પર રોક લગાવવા માટે પત્રકાર હિતેશ ચાવડા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી.
આ મામલે ગુજરાત સરકાર વતી ઍડ્વોકેટ જનરલે રજૂઆત કરી હતી કે એક દિવસનો જનતા કર્ફ્યુ પાળીને જગન્નાથની નગરયાત્રા યોજી શકાય એમ છે. તેમણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સુપ્રીમ કોર્ટની શરતોને આધારે પરવાનગી આપવાની માગ કરી હતી.

આદેશને આવકારાયો

કોરોના વાઇરસને પગલે રથયાત્રા ન યોજવા સબબ જાહેરહિતની અરજી કરનારા હિતેષ ચાવડના વકીલ ઓમ કોટવાલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે કોર્ટે યોગ્ય નિર્ણય લીધો છે.
તેમણે કહ્યું, "રથયાત્રા જે વિસ્તારમાંથી નીકળે છે એ વિસ્તાર કોરોના વાઇરસના સંક્રમણવાળો છે. આવા સંજોગોમાં મહામારીને ફેલાતી અટકાવવાના સંબંધિત નિર્ણયને અમે આવકારીએ છીએ."
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોર્ટના નિર્ણય પર કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.
આ મામલે સાત અરજદાર પૈકીના એક અને ભાજપના નેતા કિશનસિંહ સોલંકીએ ભાર્ગવ પરીખને જણાવ્યું કે તેઓ કોર્ટના આદેશનો આદર કરે છે અને ઘરમાં બેસીને જગન્નાથના દર્શન કરશે.

રથને શણગારી દેવાયા હતા

ગુજરાત હાઈકોર્ટે વહેલી સવારે ચૂકાદો આપ્યો એ પહેલાં અમદાવાદમાં જગન્નાથમંદિરના પરિસરમાં રથને શણકારી દેવાયા હતા.
જોકે, હાઈકોર્ટે આપેલા ચુકાદા બાદ હવે આ રથ મંદિરની બહાર નહીં નીકળી શકે. આવું 142 વર્ષમાં પહેલીવાર બનશે.
આ પહેલાં વર્ષ 1985માં કોમી રમખાણોને પગલે ગુજરાત સરકારે પ્રથમ વખત રથયાત્રા પર રોક લગાવી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












