અગ્નિસંસ્કાર કરી લીધા બાદ અમદાવાદ સિવિલે જમાઈને કહ્યું, 'તમારા સસરા જીવતા છે'

દેવરામ ભીસીકર

ઇમેજ સ્રોત, Nilesh katake

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી

અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ કોરોના વાઇરસ માટે ફાળવાયેલી કૅન્સર હૉસ્પિટલમાં દાખલ કરાયેલા શંકાસ્પદ દરદીને મૃત જાહેર કરી લેવાયા બાદ અને અંતિમસંસ્કાર કરી લેવાયા બાદ દરદી જીવતા હોવાને લઈને પરિવારજનોને હૉસ્પિટલ દ્વારા ફોન કરાયો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

બનાવની વિગત એવી છે કે અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા દેવરામ ભીસીકરને 28મી મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ થતાં સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 71 વર્ષના દેવરામ ડાયબિટીસથી પીડિત હતા.

દેવરામની સ્થિતિ જોતાં હૉસ્પિટલના તંત્રે તેમના જમાઈ પાસે દરદીને કંઈ થાય તો હૉસ્પિટલની કોઈ જવાબદારી નહીં રહે એ અર્થના સંમતિપત્રક પર સહી પણ કરાવી હતી.

આ અંગે વાત કરતાં તેમના જમાઈ નીલેશ કતકેએ જણાવ્યું, "કોરોના વાઇરસના દરદીઓ માટે ફાળવવામાં આવેલી કૅન્સર હૉસ્પિટલમાં મારા સસરાને દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમનો ડાયાબિટીસ 575 હતો."

"તેમને એક વાર જોયા બાદ જ સંમતિપત્રક પર સહી કરવાની મેં જીદ કરી એટલે હૉસ્પિટલના સ્ટાફે વીડિયો કૉલિંગથી અમારી વાત કરાવી અને મેં સહી કરી દીધી"

"અલબત્ત, અમારી વાતચીત ઇશારામાં જ થઈ શકી હતી પણ એમની સારવાર શરૂ થઈ ગઈ હોવાની અમને શાંતિ હતી." દેવરામને સંતાનમાં ત્રણ પુત્રી છે અને એટલે નીલેશ કતકેએ તમામ જવાબદારીઓ નિભાવી હતી.

"જોકે, અમે ઘરે પહોંચ્યા એના થોડા સમયમાં જ તેમનું મૃત્યુ થયું હોવાનો અમને મૅસેજ મળ્યો."

line
દેવરામ ભીસીકર

ઇમેજ સ્રોત, Nilesh katke

"સિવિલ હૉસ્પિટલ પહોંચતાં અમને પીપીઈ (પર્સનલ પ્રૉટેક્ટિવ ઇક્વિપમૅન્ટ) કિટ આપવામાં આવી અને તેમનો મૃતદેહ વાદળી રંગની કિટમાં વીંટાળીને સોંપી દેવાયો. હૉસ્પિટલના સ્ટાફે અમને એમનાં કપડાં બતાવ્યાં એટલે અમે મૃતદેહ સસરાનો જ હોવાનું સ્વીકારી લીધું અને ચહેરો જોવા વગર જ એમના અંતિમસંસ્કાર કરી દીધા. જોકે, એમનો કોરોના રિપોર્ટ હજુ સુધી આવ્યો નહોતો."

"બીજા દિવસે અમને હૉસ્પિટલમાંથી ફોન આવ્યો કે તેમનો કોરોના રિપોર્ટ નૅગેટિવ આવ્યો છે અને તેમને બીજા રૂમમાં ખસેડવામાં આવ્યા છે, એટલે તમે હૉસ્પિટલ આવી જાવ અને તેમને લઈ જાવ."

હૉસ્પિટલમાં સંબંધિત ફોન આવતા દરદીના પરિવારજનો મૂંઝાઈ ગયા હતા. જેને પરિજનનો મૃતદેહ માનીને અંતિમસંસ્કાર કરાયો એ મૃતદેહ કોનો હતો એને વિમાસણમાં પડી ગયા હતા.

એ બાદ પરિવારજનો હૉસ્પિટલે પહોંચ્યા હતા. જોકે, ત્યાં તેમને દેવરામનું મૃત્યુ થઈ ગયું હોવાની જ જાણકારી પ્રાપ્ત થઈ શકી. જેને પગલે તેઓ પરત ફર્યા અને મૃતકનું ટેલિફોનિક બેસણું પણ યોજી લીધું.

જોકે, આ દરમિયાન હૉસ્પિટલમાંથી ફરીથી ફોન આવ્યો અને દેવરામની તબિયત સારી હોવાની જાણકારી આપવામાં આવી.

આ અંગે વાત કરતાં નીલેશ જણાવે છે, "હૉસ્પિટલમાંથી બીજો ફોન આવ્યો અને મને જણાવાયું કે મારા સસરાની તબિયત સારી છે અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એટલે મેં એમના મૃત્યુ અંગે સ્પષ્ટતા માગી તો મને અપાઈ રહેલી જાણકારી બે કલાક પહેલાં જ અપડેટ કરાઈ હોવાનું જણાવાયું. આને પગલે ફરીથી અમારા પરિવારની હાલત કફોડી થઈ ગઈ."

"સિવિલ હૉસ્પિટલના લોકો ઘડીકમાં મારા સસરાને મારી નાખતા હતા અને ઘડીકમાં જીવાડતા હતા. પણ અમને સંતોષકારક કોઈ જવાબ મળતો નહોતો."

line
બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

જોકે, આખરે આ મામલે કાચું કપાયું હોવાનો કૅન્સર હૉસ્પિટલના ડીને સ્વીકાર કર્યો છે.

ડૉક્ટર શશાંક પંડ્યા જણાવ્યું, "આ મામલે અમારા ડૉક્ટરથી ભૂલથી ખોટી માહિતી અપાઈ હતી. હૉસ્પિટલમાં દાખલ કરાયાના 22 કલાકમાં દરદીનું અવસાન થઈ ગયું હતું."

"અમારા ડૉક્ટર દ્વારા થયેલી આ ભૂલ અંગે દરદીના પરિવારજનોને જાણ કરવા પ્રયાસ કર્યો હતો પણ એમનો સંપર્ક થઈ શક્યો નહોતો. આ ગંભીર ભૂલ છે અને એ બદલ અમે દિલગીર છીએ. જેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે એ જ વ્યક્તિ હતી, બીજી કોઈ નહોતી."

ડૉક્ટર શશાંક પંડ્યાની માફી બાદ દેવરામ ભીસીકરના જમાઈએ સંતોષ વ્યક્ત કર્યો છે.

તેમણે જણાવ્યું, "જો મારા સસરાના જ અંતિમસંસ્કાર કરાવ્યા છે અને માફી માગી છે તો અમારે આ મામલે આગળ કોઈ કાર્યવાહી કરવી નથી."

"પણ આવી ખોટી માહિતીને કારણે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે અને ઘણી મુશ્કેલી ભોગવવી પડે છે. અમે ઇચ્છીએ છીએ કે કોઈ પણ દરદી સાથે આવું ન થાય."

કોરોના વાઇરસ
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો