ભારત-નેપાળના સરહદવિવાદ વચ્ચે કેવી હશે કૈલાસ-માનસરોવરની યાત્રા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, સુરેન્દ્ર ફુયાલ
- પદ, બીબીસી માટે, કાઠમંડુથી
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે 8મી મેના લિપુલેખ માર્ગનું ઉદ્ઘાટન કરતાં કૈલાસ માનસરોવરના યાત્રીઓ ખુશ થઈ ગયા હશે, પણ કોરોના વાઇરસને લીધે સર્જાયેલી વિષમ પરિસ્થિતિઓ અને નેપાળ-ભારતના સીમાવિવાદે અનિશ્ચિતતા વધારી દીધી છે.
આ પ્રદેશ સપનાંની દુનિયા જેવો છે, જેની મુલાકાત ઘણા લોકો લેવા ઇચ્છતા હોય છે.
ઉચ્ચ સપાટી પર આવેલો નયનરમ્ય પ્રદેશ, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી કુદરતી સૌંદર્ય વચ્ચેથી યાત્રાળુઓ જાણે ભેખડોમાંથી બહાર આવતા હોય તેવું દૃશ્ય નજરે ચડે છે. આ પ્રદેશનો ખડકાળ ચહેરો દેખીતી રીતે કાળો છે પણ તેના શિખરનું આવરણ, સફેદ બરફના જાડા પડથી આચ્છાદિત થઈ ગયું છે.
તેની પીગળતી હિમનદીઓ અગ્ર ભૂમિના વિશાળ તળાવમાં વહી રહી છે. તેના પાણીની શુદ્ધતા, નિર્મળતા અને સૌંદર્ય અવર્ણનીય છે.
સાધુ, સંત, લામા, જાપાનીઝ, બૌદ્ધ, હિંદુ અને જૈન ધર્મના અભ્યાસુઓ, આધ્યાત્મિક જીવોને લીધે સદીઓથી આ ભૂમિનું સાંસ્કૃતિક અને નૈસર્ગિક મહત્ત્વ અકબંધ છે.
ભારત, નેપાળ, ભૂતાન અને ચીનમાં (ચીનના તિબેટનો ઑટોનોમસ પ્રદેશ) રહેતા ઘણા શ્રદ્ધાળુઓ માટે આ પ્રદેશ દેવ-દેવીઓનું ગૃહ છે, જેમાં ભગવાન શંકર અને દેવી પાર્વતીનો પણ સમાવેશ થાય છે.
આને લીધે જીવનમાં એક વખત કૈલાસ-માનસરોવર યાત્રા કરવી મહત્ત્વની મનાય છે. આ યાત્રા બેથી ત્રણ સપ્તાહ સુધી ચાલે છે. (તેનો આધાર તમે કયાંથી યાત્રા શરૂ કરો છો તેના પર છે.)
ઍરક્રાફ્ટ, જીપથી અને ઘણો વિસ્તાર પગપાળા પાર કરવો પડે છે. યાત્રા માટે વિશ્વના સૌથી આકરા ગણાતાં ભૈગોલિક વિસ્તારોમાંનો આ એક આ વિસ્તાર છે. આને 'ટ્રાન્સ હિમાલય રિજન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉત્તરાખંડ-લિપુલેખ રોડલિંક એ પ્રવાસને 'ઘણી હદ સુધી ઓછા સમય'નો કરવો એ મોદી સરકારની પ્રાથમિકતા હતી.
8મી મેના રોજ ભારતના સંરક્ષણમંત્રીએ આ બહુલક્ષી યોજનાનું વીડિયો મારફતે ઉદ્ઘાટન કર્યું, પણ હજુ આ માર્ગમાં અડચણો ઘણી છે.

અડચણ નંબર એક

ઇમેજ સ્રોત, Getty Images
આ ઉનાળામાં યાત્રા શરૂ થશે કે નહી તે અંગે વિશ્વભરમાં કોરોના વાઇરસના સંક્રમણને લીધે અનિશ્ચિતતા છે.
ચીન, જ્યાં આ વાઇરસનો ઉદ્ભવ થયો હોવાનું માનવામાં આવે છે ત્યાની સરકાર પ્રમાણે આંતરાષ્ટ્રીય યાત્રીઓએ ફરજિયાતપણે 14 દિવસના ઑબઝર્વેશન અને ક્વોરૅન્ટીનમાં રહેવું પડે છે.
તિબેટના વિસ્તારમાં પણ સમાન નિયમ પાળવામાં આવે છે. નેપાળ-તિબેટ/ચીનના અધિકારીઓ તેમ જ ટૂર ઑપરેટરોના જણાવ્યા પ્રમાણે, આ નિયમને લીધે કૈલાસ-માનસરોવરની યાત્રા કરવા માગતા દક્ષિણ એશિયાના યાત્રાળુઓ માટે જૂન, જુલાઈ અને ઑગસ્ટ માટેની પણ યોજના બનાવી શકવી મુશ્કેલ છે.
તિબેટ સરકાર દ્વારા ચલાવવામાં આવતી વેબસાઇટ Tibet.cn પ્રમાણે ચીનમાં જનજીવન ધીમેધીમે થાળે પડી રહ્યું છે. મુસાફરોને નૈસર્ગિક અને સાંસ્કૃતિક સ્થળોના પ્રવાસ માટે ફરીથી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
તેમ છતાં વિશ્વભરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ વધુ કથળે એવો ભય તો યથાવત્ છે.
દાખલા તરીકે, ભારતના અરુણાચલ પ્રદેશના ઉત્તર ભાગમાં આવેલા પૂર્વ તિબેટના જાણીતા શહેર ન્યાંગચીએ યાત્રીઓને જાહેર સ્થળે ફરવાની પરવાનગી હજુ નથી આપી. આવા જ સમાન નિયમો લહસા, અને નાગરી પ્રદેશ કે જયાં કૈલાસ પર્વત અને માનસરોવર આવેલા છે ત્યાં પણ લાગુ પડે છે. જુલાઈ-ઑગસ્ટ સુધી શું થશે કોને ખબર?

ઇમેજ સ્રોત, Getty Images
Tibet.cn પર જણાવ્યાનુસાર, સ્થાનિક પ્રદેશમાં કોરોના વાઇરસને લીધે પરિસ્થિતિ કાબૂમાં છે :
"ચીનમાં જ્યારે કોરોના વાઇરસ ફાટી નીકળ્યો અને ચેતવણી આપવામાં આવી હતી ત્યારથી જ તિબેટે કટોકટીની પરિસ્થિતિ જાહેર કરી જરૂરી પગલાં લીધાં હતાં, કેમ કે આ વિસ્તારમાં મર્યાદિત તબીબી સંસાધનો અને ઓછા ઑક્સિજનને લીધે પરિસ્થિતિ વધુ વણસી શકે છે."
સમદુપ, જેઓ એક તિબેટિયન ટ્રાવેલ ઑપરેટર છે અને લહસામાં 'ઍક્સપ્લોર તિબેટ' નામે ટૂર ચલાવે છે.
તેમણે ઇમેલ મારફતે જણાવ્યું છે કે કેરુંગ નજીર નેપાળ-ચીન/તિબેટની સીમા અને લિપુલેખ પાસે આવેલી ટ્રાઇનેશનલ સીમા ઑગસ્ટ સુધીમાં ફરી ખૂલી જશે છતાં તિબેટ પર પણ અનિશ્ચતતાનાં વાદળો તો ઘેરાયેલાં જ છે.
તેમણે ઇમેલમાં લખ્યું છે, "ઝંગમુ (ઉત્તર કાઠમંડુ, કોદરી નજીકનું સ્થળ) 2015ના ભૂકંપ પછી બંધ કરી દેવામાં આવ્યું હતું એટલે જો તમે રોડ મારફતે પ્રવેશતો હોવ તો કૈલાસ જવા માટે કેરુંગથી યાત્રા કરવી પડે. પણ કોરોના વાઇરસને લીધે તિબેટમાં પ્રવેશવાની પરવાનગી કોઈ પણ યાત્રીને જુલાઈના અંત સુધીમાં મળે એવી સંભાવના નથી."
તેઓ આશા રાખે છે કે ઑગસ્ટ સુધીમાં બધી પરિસ્થિતિ થાળે પડી જાય. જો તેમ બને તો દક્ષિણ એશિયાના પ્રવાસીઓ કૈલાસ માનસરોવરની યાત્રા કરી શકશે.
નેપાળના અગ્રણી 'સની ટ્રાવેલ્સ'ના તિબેટિયન ટૂર ઑપરેટર તેન્ઝિંગ નોરબુ લામા કહે છે કે તિબેટનો પ્રવાસ ધીમી ગતિએ ચીનના સ્થાનિક લોકો માટે શરૂ કરાઈ રહ્યો છે એટલે અન્ય દક્ષિણ એશિયાના યાત્રીઓ માટે નેપાળ કે ભારતીય સીમાથી થઈને આવવા માટે થોડા સમય લાગી શકે છે.
તેમણે કહ્યું કે "તિબેટમાં રહેતા અમારા સાથી કર્મચારીઓનું કહેવું છે કે કૈલાસ માનસરોવરની યાત્રા ઑગસ્ટ અથવા તો સપ્ટેમ્બરમાં ફરી શરૂ થશે. તેનો સંપૂર્ણ આધાર કોરોના વાઇરસની પરિસ્થિતિ પર છે."

ઇમેજ સ્રોત, Getty Images
ચીનના પ્રવાસી વિઝા સિવાય યાત્રાળુઓએ આ પ્રદેશમાં પ્રવેશવા માટે તિબેટ સરકાર પાસેથી પણ વિશેષ પરવાનગી લેવાની હોય છે.
દિલ્હીથી પૂર્વોત્તર તરફ 750 કિલોમીટર દૂર આવેલા લિપુલેખ દ્વારા પસાર થતો માર્ગ સૌથી ટૂંકો રસ્તો માનવામાં આવે છે અને તે યાત્રાનો સમય છ દિવસ જેટલો ઘટાડી દે છે.
તેન્ઝિંગ નોરબુ કહે છે કે લિપુલેખને જોડાયેલી કેટલીક બીજી ગૂંચવણો પણ છે, જેમ કે આ માર્ગ માત્ર ભારતીય યાત્રીઓ માટે જ મર્યાદિત છે, જ્યાંથી માત્ર 1000 યાત્રાળુઓને જ પરવાનગી આપવામાં આવે છે.
બીજા પર્યાય તરીકે નેપાળનો સીમીકોટ, કોરાલા, કેરુંગ અને કોદરી બૉર્ડર-પોઇન્ટનો સમાવેશ થાય છે, જ્યાંથી યાત્રાળુઓના પસાર થવા પર સંખ્યાની મર્યાદા નથી. નેપાળના અન્ય ઑપરેટરોના જણાવ્યા પ્રમાણે, પૂર્વ ભારત અથવા પૂર્વોત્તર ભારતમાં રહેતા લોકો પાસે ત્રીજો વિકલ્પ છે, ગંગટૉક. ગંગટૉકથી સિક્કીમ થઈ નથુલા પાસથી પસાર થઈને પહોંચવું.
તેન્ઝિંગ નોબરુંનું કહેવું છે કે ભારતીય યાત્રાળુઓ દ્વારા નેપાળ થઈને કરવામાં આવતી કૈલાસ માનસરોવરની યાત્રાનો ખર્ચ જીપ મારફતે 1,50,000 IRS (ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ) અને હેલિકૉપ્ટર દ્વારા કરવામાં આવે તો 2,00,000 IRS થાય છે.
તિબેટના નાગરી પ્રદેશના બુરુંગ પ્રાંત, ઉત્તર ભારતના ઉત્તરાખંડ અને નેપાળના સુદૂર પશ્ચિમ પ્રાંતમાં આવેલ કૈલાસ માનસરોવરમાં જૂન માસમાં જ્યારે સાગા દાવા (હિમાલયના બૌદ્ધ સમુદાયના નેતૃત્વમાં) ઉત્સવ મનાવવામાં આવે છે. ત્યારથી લઈને જુલાઈના અંત સુધી એટલે કે ગુરુપૂર્ણિમાના સમય સુધી યાત્રાળુઓની ભારે ભીડ અહીં જોવા મળે છે.
જો રાજનાથ સિંહ અને ભારતીય અધિકારીઓની આશા પ્રમાણે બધું સમુંસૂતરું પાર પડ્યું તો લિપુલેખ પાસ મહિનાઓની અંદર બનીને તૈયાર થઈ જશે. જેને લીધે સૅલ્ફ ડ્રાઇવિંગ કરતા યાત્રાળુઓનો માર્ગ મોકળો બનશે.
દિલ્હીથી લિપુલેખ જીપ મારફતે પહોંચવું સરળ બનશે. દિલ્હીથી લિપુલેખ સુધીનું અંદાજે અંતર 800 કિલોમિટરનું માનવામાં આવે છે. જે બાદ યાત્રાળુઓએ તિબેટ પહોંચવા પાંચ કિલોમિટર ટ્રૅકિંગ કરવું પડે છે. પણ તેના માટે યાત્રાળુઓ સ્વસ્થ હોવા જરૂરી છે.
યાત્રાળુઓ સમુદ્રની સપાટીથી માત્ર 200 મિટર ઊંચા એવા દિલ્હીથી આવતા હોય કે સમુદ્રથી 1200 મીટરની ઊંચાઈ ધરાવતા કાઠમંડુથી આવતા હોય, ખાડા ટેકરાવાળા, ચઢાણવાળા અને સમુદ્રની સપાટીથી 5200 મિટરની ઊંચાઈવાળા લિપુલેખના વિસ્તારમાં આવતાં પહેલાં તેમણે સંપૂર્ણ રીતે સજ્જ થવું જરૂરી છે.
ત્યાં હવા પાતળી હોય છે એટલે ઉંમરલાયક, બીમાર અથવા અસ્વસ્થ કે પછી વાતાવરણ બદલાવાને લીધે અસ્વસ્થ થઇ જતાં લોકોને ચોક્કસ ઑક્સિજનની જરૂર પડે છે. તેથી કોરોના વાઇરસના સંક્રમણના સમયે વધુ તકેદારી રાખવી જરૂરી બને છે, કેમ કે તિબેટના નાના વિસ્તારોમાં હૉસ્પિટલની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ નથી.
લિપુલેખ કે નેપાળના સિમિકોટથી તિબેટ પહોંચી ગયા બાદ યાત્રાળુઓએ તિબેટની ઉત્તર બાજુએ 150 કિલોમિટરનો પ્રવાસ કરવાનો હોય છે. ત્યારબાદ યાત્રાળુઓ કૈલાસ પર્વતની (6638 મીટર) 43 કિલોમિટરની પરિક્રમા શરૂ કરી શકે છે.
એ પવિત્ર પર્વત જેના પર હજુ સુધી કોઈ માનવ પહોંચી નથી શક્યો. પર્વતની દક્ષિણ તરફ માનસરોવર અને અન્ય તળાવ આવેલા છે. જે એશિયાની કેટલીક મુખ્ય નદીઓનો સ્રોત છે, જેમ કે સિંધુ, સતલુજ, કર્નાલી(ધાધરા) અને બ્રહ્મપુત્રા નદી.
ટ્રાવેલ ઑપરેટરોના જણાવ્યા અનુસાર, મોદી સરકારની આ મહત્ત્વાકાંક્ષી યોજના હોવા છતાં કૈલાસ માનસરોવર સુધીની માર્ગયાત્રા હજી પણ હકીકતથી દૂર છે. એટલે કે ત્યાં વધુ ખોદકામ, બાંધકામ અને સમારકામ કરવાનું બાકી છે, કેમ કે ધૂળિયો-કાંકરાવાળોવાળો માર્ગ કપરા ચઢાણવાળો છે અને ત્યાં અકસ્માત થવાનો ભય રહેલો છે.
અડચણ નંબર બે. ચોક્કસપણે યાત્રાળુઓ માટે સમસ્યા નથી. પણ લિપુલેખ પર્વત એ ભારત-નેપાળ વચ્ચે સીમાવિવાદના કેન્દ્રસ્થાને છે.
ભારતના સરહદી રોડ પ્રોજેકટ લિપુલેખ આકરા પ્રતિકારનો સામનો કરી રહ્યો છે. નેપાળમાં સ્થાનિક લોકો, સર્વેક્ષણકારો અને રાજકીય નેતાઓ પણ મોદી સરકારના આ 'યુનિલેટરલ' પગલાંથી ખુશ નથી. જેમાં ગુંજી-કાલાપની વિસ્તારથી થઈને જતાં લિપુલેખના સરહદી માર્ગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.
અંદાજે 200 વર્ષોથી નેપાળ આ વિસ્તારથી લિમ્પયુધારા સુધીનો અને આગળ ઉત્તરપૂર્વ તરફના વિસ્તારને પોતાનો ગણાવે છે. આ સપ્તાહે નેપાળની કૅબિનેટે નવો રાજકીય નકશો જાહેર કર્યો, જેમાં લિમ્પયુધારા, કાલાપાની અને લિપુલેખને તેણે પશ્ચિમી સીમામાં આવરી લીધા છે. ઉપરાંત મહાકાલી (શારદા) નદીની પાસે સીમાંકન પણ કરાયું છે.
ભારતીય સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે ભારતીય સીમાથી લિપુલેખ તરફ જતા માર્ગનું ઉદ્ઘાટન કર્યાના દસ દિવસમાં કેપી ઓલી સરકારે આ પગલું ભર્યું છે. જમ્મુ, કાશ્મીર તથા લદ્દાખને લઈને ભારત સરકારે જે નવો નકશો જાહેર કર્યો, તેના છ મહિના બાદ નેપાળ સરકારે સંબંધિત જાહેરાત કરી છે.
જોકે ભારતે પોતાનું વલણ જાળવી રાખ્યું છે અને તે મુજબ તેની નેપાળ સીમા લિપુલેખના દક્ષિણપૂર્વથી શરૂ થાય છે.
જયાં સુધી વાત છે માનસરોવર યાત્રાની તો મહાકાળી અને શારદા નદીની બંને સીમા તરફ પ્રાચીન પગદંડીઓ છે. તે હિમાલયના કઠણ ભૂખંડમાંથી પસાર થાય છે, જેમાં યાત્રાળુની શારીરિક અને માનસિક મક્કમતાની ખરી ચકાસણી થાય છે. ત્યારબાદ તેઓ તિબેટમાં પ્રવેશે છે અને પછી માનસરોવર.
ભારતની ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ, કાલાપાની વિસ્તારમાં તહેનાત છે અને તે ભારત-ચીન વચ્ચે લડાયેલા વર્ષ 1960ના યુદ્ધ પહેલાંથી જ વિસ્તારનું રક્ષણ કરે છે. નેપાળે ભૂતકાળમાં નજીકનાં ગામોમાં નાના પ્રમાણમાં પોલીસની ટુકડીઓ ગોઠવી હતી. મે મહિનાની શરૂઆતમાં તેમણે છાનગ્રુ ગામમાં ત્યાંની સરહદના રક્ષણ માટે પોતાની હથિયારધારી પોલીસને તહેનાત કરી હતી.
સરહદની બંને બાજુના સુરક્ષાકર્મીઓ યાત્રાળુઓને હંમેશાં મદદ કરતા રહ્યા છે.
લિપુલેખ વિસ્તારનું બીજું પણ મહત્ત્વ છે. આ વિવાદિત પર્વત અપી નમ્પા કન્ઝર્વેશન વિસ્તારમાં આવેલો છે. જે પશ્ચિમ નેપાળની ઇકૉસિસ્ટમનું રક્ષણ કરે છે.

- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












