કોરોના લૉકડાઉન : 'શ્રમિકોની આવી હાલત સમાજ અને નાગરિક તરીકે શરમજનક છે'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ગુજરાત હાઈકોર્ટે બુધવારે રાજ્યમાં શ્રમિકોની સ્થિતિ અંગે સુઓ મોટો પિટિશન દાખલ કરી ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી.
13 મેના રોજ ગુજરાત હાઈકોર્ટની જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આઈ.જે. વોરાની બેંચે પરપ્રાંતીય શ્રમિકોની તકલીફો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને માનવીય અભિગમ દાખવી વધારે અસરકારક કામગીરી કરવા કહ્યું હતું.
આ સુઓમોટો પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટે 14મેના રોજ સુનાવણી કરી હતી જેમાં વકીલ આનંદ યાજ્ઞિક અને અન્યોએ રજૂઆત કરી હતી.
આ રજૂઆતમાં તેમણે ટેસ્ટિંગની સંખ્યા વધારવા, શ્રમિકોને પરિવહન સુવિધા મફત કરી આપવા સહિત અનેક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા.
વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે લૉકડાઉનને કારણે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકોને લઈ જવા માટે મફત પરિવહનની વ્યવસ્થા કરવામાં આવે, તે માટે ગુજરાત હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં રજુઆત કરી છે.
તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાત સરકાર અન્ય રાજ્યોમાંથી ગુજરાત આવેલા 25થી 35 લાખ પરપ્રાંતીય શ્રમિકોને તેમના વતન લઈ જવા માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટની 8500 બસો વાપરવાની વ્યવસ્થા કરે, તેવી માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી છે.
ઈંટ ભટ્ટા પર કામ કરનાર 2.5 લાખથી વધારે શ્રમિકો અને કચ્છના રણમાં કામ કરતા હજારો અગરિયાઓ માટે વ્યવસ્થા કરવાની પણ માગ કરવામાં આવી છે.
આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે એ સિવાય ખાનગી હૉસ્પિટલોને સરકારી હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવારમાં આવતા ખર્ચ કરતા વધારે પૈસા લેતી રોકવાનો પણ નિર્દેશ આપવાની માગ કરવામાં આવી હતી. રાજ્યમાં કોવિડ-19ના દરદીઓની સંખ્યા ઘટાડીને બતાવવાના ઇરાદાથી ટેસ્ટિંગની સંખ્યા ઘટાડવામાં ન આવે તેવી પણ માગણી કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કેસમાં આગામી સુનાવણી 22 મેના રોજ થશે.

શ્રમિકોની સ્થિતિ શરમજનક
બીબીસીના સહયોગી સુચિત્રા મોહંતી સાથે આ અંગે વાત કરતાં સુપ્રીમ કોર્ટમાં કાર્યરત વરિષ્ઠ વકીલ કામી જૈસ્વાલે કહ્યું હતું કે, ગુજરાત હાઈકોર્ટે સુઓમોટોમાં જે પ્રાથમિક વાત કરી સંવેદનશીલતા દાખવી છે તે સરાહનીય છે.
કામિની જૈસ્વાલે ઉમેર્યું કે, સુપ્રીમ કોર્ટ આ શ્રમિકોની સ્થિતિ અને પ્રશ્નો અંગે અને તેમના રક્ષણ માટે કેન્દ્ર સરકાર અને અન્ય રાજ્યોને પડકારી નથી રહી તે નિરાશાજનક છે. ગુજરાત સરકારે કેન્દ્ર સાથે મળીને તાત્કાલિક આ લોકો માટે પાયાની જરૂરિયાતો પૂરી કરવી જોઇએ.
તેમણે કહ્યું કે, ડિઝાઝસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ જ્યારે બીજા રાજ્યોની સાથે સંકલનમાં પાસ કરવામાં આવ્યો હતો. એવી પૉલિસીની જરૂર હતી કે જેથી એ ઍક્ટનો અમલ યોગ્ય રીતે થઈ શક્યો હોત અને શ્રમિકોને યોગ્ય સમયે મદદ મળી શકી હોત.
વરિષ્ઠ વકીલ ગીતા લુથરાએ બીબીસીના સહયોગી સુચિત્રા મોહંતી સાથે આ અંગે વાત કરતાં જણાવ્યું કે, આ મજૂરોની વ્યથા જોવી સમાજ તરીકે અને નાગરિક તરીકે શરમજનક છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેની જવાબદારી છે આવા કપરા સમયમાં યોગ્ય ફરજ બજાવવાની. ગુજરાત હાઈકોર્ટે જે અવલોકનો આપ્યા છે તે યોગ્ય છે- શું આપણે-રાજ્ય અને કેન્દ્ર સરકાર આ મજૂરોને આવા સમયે પૂરતું ખાવાનું અને બીજી જરૂરિયાતની વસ્તુઓ ન આપી શકીએ?

શ્રમિકોના મુદ્દે સરકાર શું કરી રહી છે?
અમદાવાદ જિલ્લાના નાયબ કલેક્ટર જે.જી પટેલે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથે આ અંગે વાત કરી.
તેમનું કહેવું છે કે શેલ્ટર હોમ સહિતની સગવડો યોગ્ય રીતે ચાલી રહી છે. શ્રમિકોને મેડિકલ ચેક અપ કરવામાં આવે છે અને મેડિકલ ચેક અપ બાદ એમનું ઑનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં આવે છે. જે શ્રમિકોને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવામાં તકલીફ પડે એ માટે એમને ખાસ મદદ પણ કરવામાં આવે છે.
જે જે પટેલે બીબીસી ગુજરાતીને કહ્યું કે, ઉત્તરપ્રદેશ બિહાર ઝારખંડ અને ઓરિસ્સાના શ્રમિકો હાલ આપણા જિલ્લામાં છે. તેમના માટે શેલ્ટર હોમની વ્યવસ્થા કરી છે. ઉત્તર પ્રદેશની સરકારે શ્રમિકો માટે પરિવહનની વ્યવસ્થા કરી છે એટલે અમે યુ.પીના શ્રમિકોને અત્યારે ટ્રેન મારફતે મોકલી રહ્યા છીએ. અન્ય રાજયોની મંજૂરી હજી નથી મળી એટલે જ્યારે અમે યુપીના શ્રમિકોને લઇ જવાની તૈયારી કરીએ ત્યારે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઓડિશાના શ્રમિકો પોતાને જવા મળશે એમ માનીને ટોળામાં બહાર આવે છે.
જે જે પટેલનું કહેવું છે કે એમને સરકાર અને હાઈકોર્ટ તરફથી મળેલી ગાઇડલાઇન મુજબ પ્રમાણે દરેકને ખોરાક અને અન્ય ચીજવસ્તુઓ મળી રહે એ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી કોઇ અરાજકતા ન સર્જાય.
અમદાવાદ જિલ્લા કલેક્ટર કે.કે નિરાલાએ બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં આ અંગે કહ્યું કે, જે શ્રમિકો ડિજિટલ પ્લૅટફૉર્મ પર રજિસ્ટ્રેશન નથી કરી શકતા એ લોકો માટે અમે ખાસ કૉલ સેન્ટર શરૂ કર્યું છે.

ગુજરાત હાઈકોર્ટે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાદેશિક અખબારોમાં પ્રકાશિત થયેલા શ્રમિકોની મુશ્કેલી અંગેના અહેવાલોનો હવાલો આપી હાઈકોર્ટે કહ્યું હતું કે, આ લૉકડાઉનની પરિસ્થિતિમા શ્રમિકવર્ગ સૌથી વધારે હેરાન થઇ રહ્યો છે. તેઓ પોતાના ઘરે જવા બેબાકળા થયા છે, આ મજૂરોને તેમના વતન પહોંચાડવા ટ્રેન-બસ વગેરે દ્વારા જે પ્રયત્નો તંત્ર કરી રહ્યું છે તે વિષે અમે માહિતગાર છીએ. જો કે આ બસ કે ટ્રેનમાં ચડતા પહેલા જે યાતનામાંથી તેઓ પસાર થાય છે તે અસહનીય છે.
હાઈકોર્ટે કહ્યું હતું કે 45 ડિગ્રી ગરમીમાં કલાકો સુધી ચાલવું પીડાદાયક છે. રાજ્ય સરકારના અધિકારીઓએ આ પ્રક્રિયા સરળ કરવા માટેના પગલાં લેવા જરૂરી છે. જેથી શ્રમિકોને ટ્રેનમાં જતાં પહેલા કલાકોની દયનીય સ્થિતિમાંથી પસાર ન થવું પડે. સરકાર દ્વારા કરાતી વ્યવસ્થામાં વિલંબ થતો હોવાથી આ વ્યવસ્થા સુદ્રઢ બનાવવા અંગે પણ હાઈકોર્ટે કહ્યું હતું.
મીડિયામાં આવેલા કેટલાક અહેવાલ પ્રમાણે 200 જેટલા શ્રમિકોએ અમદાવાદની ફૂટપાથ પર ભૂખે-તરસે પડી રહ્યા છે એમના માટે શેલ્ટર હોમ, અને ખોરાકની વ્યવસ્થા થવી જોઇએ, સંપૂર્ણ લૉકડાઉનના કારણે સેવાભાવી સંસ્થાઓ ત્યાં નહીં જઈ શકતી હોવાના મીડિયાના અહવાલો બાદ માત્ર અમદાવાદમાં જ નહીં અન્ય જગ્યાએ જે શ્રમિકો છે ત્યાં ફૂડ પૅકેટની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઇએ અને માનવીય અભિગમ અપનાવવો જોઇએ એવું પણ હાઈકોર્ટે સરકારને કહ્યું.
ગુજરાત હાઈકોર્ટે કહ્યું છે કે, આ શ્રમિકો ગરીબ છે. એ લોકોને કોરોના વાઇરસ કરતાં પણ વધારે ભૂખથી મરવાનો ડર છે. આ સંજોગોમાં સરકારે તેમના માટે વ્યવસ્થા કરવી જોઇએ. ખોરાક ઉપરાંત તેમને ભરોસો બેસે એવો પ્રયાસ કરવો જોઈએ.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












