કોરોના વાઇરસ : ‘અમારો ચહેરો ચાઇનીઝ જેવો લાગે એમાં અમારો શું વાંક?’

- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
"અમે સરકસ લઈને અમદાવાદ આવ્યા અને લૉકડાઉન થઈ ગયું. શરૂઆતમાં થોડા પૈસા હતા એટલે બહાર નીકળીને દવા કે શાકભાજી ખરીદતા. આ સમયે લોકો અમને 'કોરોના' કહી ભાગી જા એમ કહેતા."
"આથી એક મહિનાથી અમે આ સરકસના તંબુમાંથી બહાર નથી નીકળ્યા. સેવાભાવી સંસ્થાવાળા ભોજન લઈને આવે ત્યારે અમે તંબુમાં સંતાઈ જઈએ છીએ. નહીંતર અમને કોઈ ખાવાનું પણ ના આપે...
આ શબ્દો છે નૉર્થ ઇસ્ટથી આવેલા સરકસના કલાકાર માનવાં ચાનુના.
માનવાં ચાનુ વર્ષોથી સરકસમાં કામ કરે છે. એમનાં માતાપિતા પણ સરકસમાં કામ કરતાં હતાં.
માનવાં ચાનુ ઝાઝું ભણ્યા નથી. પણ નાનપણથી એમનાં માતાપિતા પાસેથી જિમ્નેશિયમની ટ્રેનિંગ લીધી છે.
માનવાં ચાનુ સાથે તેમનાં પત્ની લિસા ચાનુ પણ નાનપણથી સરકસમાં કામ કરે છે.
બંનેનાં માતાપિતા પણ સરકસમાં કામ કરતાં હતાં એટલે એમણે બાપદાદાનો આ ધંધો અપનાવી લીધો છે.
બંનેનાં માતાપિતા હવે ઘરડાં થઈ ગયાં છે એટલે મણિપુરમાં રહે છે, અને પતિપત્ની સરકસમાં કામ કરીને ગુજરાન ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'અમારો ચહેરો જોઈને લોકો અમને ધુત્કારે છે'

માનવાંએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે "અમે અત્યારે મહારાષ્ટ્રના સરકસમાં કામ કરીએ છીએ. અમારો રોજનો પગાર 300 રૂપિયા છે અને સરકસ ચોમાસામાં બંધ રહે છે."
"મોટા ભાગે લોકોને ઉનાળામાં અને દિવાળીમાં વેકેશન હોય ત્યારે સરકસમાં કામ મળે છે. બાકીનો સમય અમે મણિપુરમાં મજૂરી કરીને વિતાવીએ છીએ."
"વર્ષમાં છ મહિના અમારી પાસે કામ હોય છે. આ વર્ષે અમે પહેલી વાર સરકસ લઈને ગુજરાત આવ્યા. 16 તારીખે અમે અમદાવાદ પહોંચ્યા."
"હજુ અમે તંબુ નાખીને સરકસની તૈયારી કરી રહ્યા હતા, જમીનમાં ખાડા ખોદી થાંભલા ઊભા કરવાના અને સરકસનો તંબુ બાંધવાનો હતો. એટલામાં લૉકડાઉન જાહેર થઈ ગયું. અમે પહેલો શો કરીએ એ પહેલાં લૉકડાઉન જાહેર થઈ ગયું."
"શરૂઆતમાં અમે બહાર કંઈક લેવા જઈ શકતા હતા, પણ હવે તો લોકો અમને 'એ કોરોના આવ્યો' એમ કહીને મારવા દોડે છે."
"એટલે અમે અહીં સરકસના તંબુમાં સંતાઈને રહીએ છીએ. અમારો વાંક એટલો જ કે અમારો ચહેરો ચાઇનીઝ જેવો દેખાય છે? અમારા ચહેરાને જોઈને લોકો અમને ધુત્કારે છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સ્કૂલ-કૉલેજનું વેકેશન શરૂ થાય એ સમયે મુંબઈનું 'સમ્રાટ સરકસ' અમદાવાદ આવ્યું હતું.
ખાસ્સા પૈસા ખર્ચીને અમદાવાદ આવ્યા હતા અને અહીં એક લોકલ વ્યક્તિ સાથે શો દીઠ પૈસા પણ નક્કી થયા હતા.
સરકસનો સમાન લાવવા માટેનું ભાડું પણ એમને મળી ગયું હતું. એ લોકોને તંબુ બાંધવાના પૈસા અને પ્લોટના પૈસા પણ જમા થઈ ગયા હતા, પણ શો શરૂ થાય એ પહેલાં લૉકડાઉન જાહેર થઈ ગયું અને સરકસના 40 કલાકારો અહીં ફસાઈ ગયા.
આ કલાકારોમાંથી ઘણા કલાકારો એમનાં બાળકો સાથે આવ્યા છે, મોટા ભાગના કલાકારો મણિપુરના છે. તો કેટલાક મહારાષ્ટ્રના અને કેટલાક મધ્ય પ્રદેશના છે.

'દૂધવાળા દૂધ આપતા નથી'
મણિપુરથી આવેલાં 21 વર્ષીય મેરી સંગમાની હાલત બહુ જ ખરાબ છે.
એમના સસરાની તબિયત સારી નહોતી એટલે એમના પતિએ કહ્યું કે તું બાળકોને લઈને મહારાષ્ટ્ર થઈને સરકસના બીજા કલાકારો સાથે પહોંચી જા. હું પાછળથી ગુજરાત આવું છું.
પણ લૉકડાઉન થતા એમના પતિ મણિપુરથી મહારાષ્ટ્ર તો પહોંચી ગયા પણ મહારાષ્ટ્રમાં લૉકડાઉનમાં ફસાઈ ગયા છે.
સરકસમાં કામ કરવાના રોજના એમને 300 રૂપિયા મળે છે, પણ 40 દિવસથી શો નહીં થતા સરકસના મલિક પાસે પણ પૈસા ખૂટી ગયા છે.
પોતાના ચાર વર્ષના બાળક માટે એ દૂધ લેવા બહાર ગયાં તો એમના મોઢા પર દૂધવાળાએ એમને કહ્યું કે "ભાગ કોરોના દૂધ નહીં મિલેગા."
મેરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે "મારાં બાળકોને સવાર-સાંજ દૂધની વ્યવસ્થા શરૂઆતમાં સરકસના અમારા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના સાથીઓ કરી દેતા હતા, પણ હવે અમારી પાસે પૈસા જ નથી તો દૂધ ક્યાંથી લાવવું?"
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
"અમારા સાથીઓ પાસે પણ પૈસા ખલાસ થઈ ગયા છે એટલે કોઈ અમને મદદ પણ કરી શકે એમ નથી. ઘરે અમારાં ઘરડા સાસુ-સસરાને પૈસા મોકલવાના છે, પણ અમારી પાસે પૈસા નથી. ત્યાં એ લોકો વગર પૈસે ભૂખે મરે છે અને અહીં અમે."
"અમારા ચહેરા ચાઇનીઝ જેવા હોય તો એમાં અમારો શું વાંક છે, સરકસ જોઈને લોકો અમને તાળીઓથી વધાવી લે છે, પણ અત્યારે કોરોના વાઇરસના ચક્કરમાં અમને માણસ પણ ગણતા નથી. અહીં અમે દૂધ કે શાકભાજી લેવા જઈએ તો 'કોરોનાના ચેપી' કહીને ધુત્કારે છે એટલે અમે બહાર નીકળવાનું બંધ કરી દીધું છે."
"અમારા સરકસમાં રૅશન પણ ખૂટી ગયું છે. અમારો ગૅસ ખતમ થઈ ગયો છે. અમે સરકસમાં આવીએ એટલે કોઈ રૅશનકાર્ડ કે આધારકાર્ડ લઈને તો ના ફરીએ. એટલે રૅશનિંગની દુકાને પણ અમને સમાન મળતો નથી."
"અમારા સરકસના માલિકે આજુબાજુ તપાસ કરીને સેવાભાવી સંસ્થા અને સરકારીબાબુઓને શોધ્યા એટલે હવે અમને સવાર-સાંજ સેવાભાવી સંસ્થા ખાવાનું આપી જાય છે."
તેઓ વધુમાં કહે છે કે "જ્યારે એ લોકો જમવાનું આપવા આવે છે ત્યારે અમે સૌ સરકસના પાછળના તંબુમાં સંતાઈને બેસી રહીએ છીએ. જેથી કોઈ અમને કે અમારાં બાળકોને જોઈ ન જાય."
"જો સેવાભાવી સંસ્થાઓ પણ અમને 'કોરોનાના ચેપી' ગણી ખાવાનું આપવાનું બંધ કરી દે તો અમારા બીજા સાથીઓને પણ ભૂખ્યા રહેવું પડે."
એટલે હવે અમે તંબુમાંથી બહાર નીકળતાં જ નથી. કોઈ ના હોય ત્યારે થોડી વાર છોકરાઓને તંબુમાંથી બહાર કાઢીએ છીએ.

'નાછૂટકે હવે સરકસ બંધ પણ કરવું પડે'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદ પહેલી વાર સરકસ લઈને આવેલા રફીક શેખના પિતા પણ સરકસ ચલાવતા હતા.
રફીક પોતે ગ્રેજ્યુએટ છે પણ એમના પિતાની ઇચ્છા હતી એટલે સરકસનું કામ ચાલુ રાખ્યું છે.
રફીક શેખે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું કે મને સરકરી નોકરી મળતી હતી, પણ પિતાની લાગણીથી મેં સરકારી નોકરીમાં જોડાવવાને બદલે સરકસ ચલાવવાનું નક્કી કર્યું.
"મેં સરકસની કંપનીને સારી રીતે ચલાવી, કર્ણાટક-બંગાળમાં શો કર્યા. અમે પહેલી વાર ગુજરાત આવ્યા અને અત્યારે ગુજરાતમાં ફસાઈ ગયા છીએ. મારા પૈસા ખલાસ થઈ ગયા છે. અમે ભૂખે મરતા હતા ત્યારે કોઈ જયરાજસિંહ નામના નેતાએ કૉર્પોરેશનમાં કહીને અમારા ખાવાપીવાની વ્યવસ્થા કરી આપી છે."
"અત્યારે અમારી પાસે પૈસા નથી. અમારે પરત અમારા વતન જવું છે પણ કંઈ થઈ શકતું નથી. કોઈના ખિસ્સામાં એક પણ પૈસો નથી. સવારે બ્રશ કરવા માટે ટૂથપેસ્ટ નથી. નાહવા સાબુ નથી કે માથામાં નાખવા તેલ નથી. બસ, બે ટાઇમ ખાઈએ છીએ અને તંબુમાં પડ્યા રહીએ છીએ."
"અમારા નૉર્થ ઇસ્ટના સાથીઓને બહાર કાઢીએ તો લોકો કોરોના કહીને અમને પણ અહીંથી ખદેડી મૂકે, આથી અમારે ક્યાં જવું? આ કોરોનાના કારણે હવે આખુંય વર્ષ સરકસ નહીં થાય. મારા માણસોને પગાર ક્યાંથી આપીશ એ મને ખબર નથી."

'કૉર્પોરેશને ખાવા-પાવાની વ્યવસ્થા કરી'

"સરકસ ડિસેમ્બર સુધી થાય એવું લાગતું નથી અને જો નહીં થાય તો નાછૂટકે મારે લુપ્ત થતી સરકસની કળાને બંધ કરવી પડશે, કારણ કે હવે જાનવર વગરના સરકસમાં લોકો ઓછા આવે છે ત્યારે એને કેવી રીતે ચલાવવું એ એક સવાલ છે."
આ અંગે અમે કૉંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારનો સંપર્ક સાધતા એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે આ લોકોની હાલતની મને કોઈકે જાણ કરી એટલે મેં રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિ જોઈ સેવાભાવી સંસ્થા દ્વારા એમના ભોજનની વ્યવસ્થા કરાવી.
"ત્યારબાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પાર દબાણ લાવી એમને નાહવા ધોવા અને પીવા માટે પાણીની વ્યવસ્થા કરી છે."
"ગુજરાત સરકારે જેમ બીજા પરપ્રાંતીયોને એમના વતન પરત મોકલવાની શરૂઆત કરી છે એમ આમને પણ પરત મોકલવાની વ્યવસ્થા કરવી જોઈએ એવી મુખ્ય મંત્રીને રજૂઆત કરી છે, પરંતુ આ માત્ર 40 જણા હોવાથી એમની વાત સાંભળવા કોઈ તૈયાર થતું નથી."
આ અંગે બીબીસીએ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો સંપર્ક સાધવાનો સતત પ્રયાસ કર્યો હતો, પરંતુ એમના કાર્યાલયમાંથી મુખ્ય મંત્રી મિટિંગમાં વ્યસ્ત હોવાનું જણાવતાં સંપર્ક થઈ શક્યો નહોતો.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.















