રિલાયન્સ ઇન્ડસ્ટ્રી : રાઇટ ઇસ્યૂ પર થઈ શકે છે 30 એપ્રિલે વિચારણા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે બૉમ્બે સ્ટૉક એક્સચેન્જને કહ્યું છે કે રાઇટ ઇસ્યૂ અંગે વિચારણા 30 એપ્રિલે થઈ શકે છે.

રિલાયન્સ 30 એપ્રિલે માર્ચ ત્રિમાસિકનું પરિણામ જાહેર કરશે.

કંપનીનું કહેવું છે કે ગુરુવારે બોર્ડની બેઠકમાં શૅરધારકોને રાઇટ બેસિસ પર ઇક્વિટી શૅર આપવાના પ્રસ્તાવ પર વિચાર કરી શકે છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી લિમિટેડે એક નિવેદનમાં કહ્યું છે કે, ગુરુવારે બોર્ડની બેઠકમાં માર્ચ 2020 ત્રિમાસિક અને 2020ના નાણાકીય વર્ષના પરિણામ પર વિચારણા થશે અને તેને મંજૂરી અપાઈ શકે છે.

કંપનીનું કહેવું છે કે ઇક્વિટી શૅરમાં ડિવિડેન્ડ આપવા અને શૅરધારકોને રાઇટ બેસિસ પર ઇક્વિટી શૅર આપવા વિશે પણ ચર્ચા થશે.

ઉલ્લેખનીય છે કે રિલાયન્સનું દેવું ડિસેમ્બર 2019 સુધીમાં 3 ટ્રિલિયન રૂપિયા સુધી પહોંચ્યું હતું.

રિલાયન્સ કંપની લાંબા સમયથી શૂન્ય દેવાની યોજનાની વાત કરી રહી છે.

12 ઑગસ્ટ 2019ના રોજ એશિયાના સૌથી ધનિક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચૅરમૅન મુકેશ અંબાણીએ પોતાના શૅર-હોલ્ડરો સાથેની વાર્ષિક બેઠકમાં અરામકોના રોકાણની જાહેરાત કરી હતી.

એમણે કહ્યું હતું કે, સાઉદી અરેબિયાની તેલ કંપની અરામકો આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલનો 20 ટકા હિસ્સો ખરીદશે. આને ભારતના ઇતિહાસનું સૌથી મોટું રોકાણ માનવામાં આવે છે.

આરઆઈએલ ઑઇલ-ટુ-કેમિકલ 75 અબજ ડૉલરની કંપની છે અને તેના 20 ટકા શૅર અરામકોએ ખરીદવાની જાહેરાત કરી હતી અને એ એ રીતે જોતાં એ અરામકો માટે 15 અબજ ડૉલરનું રોકાણ હતું.

ગત અઠવાડિયે રિલાયન્સમાં ફેસબુક 43574 કરોડનું રોકાણ કરશે એવી જાહેરાત થઈ હતી.

ઉલ્લેખનીય છે કે હાલ ઑઇલના ભાવમાં મોટો ઘટાડો થયો છે ત્યારે રાઇટ્સ ઇસ્યૂને રિલાયન્સના પ્લાન બી તરીકે ગણાવવામાં આવે છે.

કોરોના મહામારીને પગલે દુનિયામાં અર્થતંત્ર ખોરવાઈ જવાની અને મોટી મંદીની દહેશત વ્યક્ત થઈ રહી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો