શું કોરોના વાઇરસનો ચેપ ગર્ભમાંના બાળકને માને કારણે લાગી શકે?

ઇમેજ સ્રોત, EPA
- લેેખક, કમલેશ
- પદ, બીબીસી સંવાદદાતા
કોરોના વાઇરસ એટલે કે કોવિડ-19ની એક માતા અને બાળક પર શું અસર થાય છે? ગર્ભમાંના બાળકને કોવિડ-19નો ચેપ લાગી શકે?
કોવિડ-19 એક નવો વાઇરસ હોવાથી તેના સંદર્ભે નવા સવાલોના જવાબો શોધવામાં આવી રહ્યા છે.
ગર્ભવતી મહિલા અને તેના બાળક પર કોવિડ-19ની કેવી અસર થાય છે તે જાણવામાં આવી રહ્યું છે.
આ સંબંધે અલગ-અલગ પ્રકારના કિસ્સા જોવા મળ્યા છે. કોઈક કેસમાં ગર્ભવતી માતાને કોવિડ-19ને ચેપ લાગ્યો છે, પણ તેમણે સંપૂર્ણપણે સ્વસ્થ સંતાનને જન્મ આપ્યો છે, જ્યારે બીજા કેટલાક કેસમાં માતા સ્વસ્થ છે, પણ બાળકને જન્મ પછી કોવિડ-19નો ચેપ લાગ્યો છે.
માતાને કોવિડ-19નો ચેપ લાગ્યો હોય અને બાળકને જન્મના થોડા કલાકોમાં જ ચેપ લાગ્યો હોય એવા કેટલાક કિસ્સા પણ બહાર આવ્યા છે.
આ પરિસ્થિતિમાં સવાલ થાય છે કે બાળક ગર્ભમાં હતું ત્યારે જ તેને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હશે? આમ થવું શક્ય છે?
આ સંબંધે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)નું એક સંશોધન બહાર આવ્યું છે.
તેમાં જણાવવામાં આવ્યું છે કે "ગર્ભમાંના બાળકને કોવિડ-19નો ચેપ લાગી શકે છે એમ વર્તમાન પુરાવા દર્શાવે છે. જોકે, દરેક કિસ્સામાં આવું થાય એ જરૂરી નથી, પણ આવું થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈસીએમઆરના સંશોધન મુજબ, ગર્ભમાંના બાળકને લાગેલા ચેપનું પ્રમાણ કેટલું હશે અને તેની બાળક પર કેટલી અસર થશે તેના વિશે કોઈ નક્કર માહિતી મળી નથી.
માતાથી બાળકમાં કેવી રીતે ટ્રાન્સફર થાય છે વાઇરસ?

ઇમેજ સ્રોત, SPL
એક માતામાંથી તેનાં બાળકમાં કોઈ વાઇરસ અલગ-અલગ રીતે ટ્રાન્સફર થઈ શકે છે. બાળકને ગર્ભમાં જ તેનો ચેપ લાગે એ જરૂરી નથી.
સ્ત્રી રોગોના નિષ્ણાત ડૉ. શાલિની અગ્રવાલે કહ્યું હતું: "કોરોના વાઇરસ એક નવી બીમારી હોવાથી તેના વિશે સંશોધન ચાલી રહ્યું છે."
"કેટલાક વાઇરસ એવા હોય છે, જે ગર્ભમાંથી જ બાળકમાં ચાલ્યા જતા હોય છે. જેમ કે, માતાને મલેરિયા થયો હોય તો બાળકને પણ મલેરિયા થઈ શકે છે."
"એચ.આઈ.વી. (ઍઇડ્સ માટે જવાબદાર વાઇરસ)ના કિસ્સામાં માતામાંથી બાળકમાં ટ્રાન્સમિશનની શંકા ઓછી હોય છે."
ડૉ. શાલિનીએ ઉમેર્યું હતું, "કેટલાક વાઇરસ એવા પણ હોય છે, જેનો ચેપ બાળકને તેનો જન્મ થતો હોય ત્યારે લાગતો હોય છે. જન્મ થયા બાદ શિશુ માતાની નજીક રહેતું હોય છે."
"એ સમયે કોઈ પણ વાઇરસનો ચેપ તેને લાગી શકે છે. આ શક્યતા દરેક માતા અને બાળકના કિસ્સામાં અલગ-અલગ હોય છે."

સગર્ભા માટે કોરોના કેટલો જોખમી?
આઈ.સી.એમ.આર.ના જણાવ્યા મુજબ, ગર્ભધારણના સમયગાળામાં માતાની રોગપ્રતિકારક ક્ષમતા થોડી ઓછી થઈ જતી હોય છે. એ વખતે માતાને વાઇરસનો ચેપ ઝડપથી લાગી શકે છે.
અત્યાર સુધીના વાઇરસના સંદર્ભમાં તો આ વાત સાબિત થઈ ચૂકી છે. કોવિડ-19 પણ ગર્ભધારણના સમયગાળામાં આવી અસર કરતો હોય એ શક્ય છે.
ડૉ. શાલિનીના જણાવ્યા અનુસાર, ગર્ભમાં વિકસતું બાળક માતા તથા પિતાના સંયોજનમાંથી બનેલો નવો અંશ હોય છે અને રોગપ્રતિકારક ક્ષમતા સામાન્ય હોય તો શરીર જ એ બાળકના હિત વિરુદ્ધનું કામ કરી શકે છે.
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર, કોરોના વાઇરસ દરમિયાન સમયથી પહેલાં ડિલિવરીની ઘટનાઓનું પ્રમાણ વધ્યું છે, પણ એવું કોવિડ-19ને કારણે થયું છે એમ કહી શકાય નહીં. એ દિશામાં સંશોધન ચાલી રહ્યું છે.
અલબત, કોવિડ-19ને કારણે જ સમય પહેલાં ડિલિવરી કે ગર્ભપાત થઈ રહ્યા છે કે બીજા કોઈ પ્રકારની મુશ્કેલી સર્જાઈ રહી છે, એવું પ્રતિપાદિત કરતા કોઈ પૂરાવા મળ્યા નથી.
કઈ રીતે કરવો બચાવ?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. શાલિનીના જણાવ્યા મજબ, ગર્ભમાંના બાળકને ચેપથી બચાવવું હોય તો સૌથી પહેલાં માતાને સંક્રમણથી બચાવવી પડશે. ચેપ ન લાગે એ માટે બધાએ જે તકેદારી રાખવાની હોય છે એ ગર્ભવતી મહિલાએ પણ રાખવાની હોય છે.
એ તકેદારીઓમાં નીચે મુજબની બાબતોનો સમાવેશ થાય છે.
- હાથ સ્વચ્છ રાખવા. માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, કોઈની સાથે હાથ મિલાવવા નહીં.
- જેમને કોઈપણ પ્રકારનો ચેપ લાગેલો હોય કે કોવિડ-19નો ચેપ લાગવાની શક્યતા હોય તેમનાથી દૂર રહેવું.
- ગર્ભધારણ દરમિયાન આ બધી બાબતોનું ધ્યાન વધારે ચુસ્તીપૂર્વક રાખવું જરૂરી છે.
- માતાને પ્રસવ પહેલાં જ કોરોના વાઇરસનો ચેપ લાગેલો હોય તો તેના બાળકને પણ એ ચેપ લાગે તે જરૂરી નથી. બાળકને ચેપ લાગ્યો છે કે કેમ તેની બાદમાં તપાસ કર્યા બાદ જ ખબર પડે છે. તેથી કેટલીક તકેદારી રાખીને બાળકને ચેપથી બચાવી શકાય છે.
- બાળકને માતાથી થોડા સમય માટે દૂર રાખવામાં આવે છે, જેથી બાળકને માતાના શ્વાસ કે ડ્રૉપલેટ્સથી કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે.

બાળકને માનું દૂધ પીવડાવી શકાય?

ઇમેજ સ્રોત, Getty Images
માનું દૂઘ નવજાત બાળક માટે સર્વોત્તમ માનવામાં આવે છે. એ દૂધને એક રીતે સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. બાળક માતાના દૂધથી જ અનેક મહિનાઓ સુધી પેટ ભરતું હોય છે.
માતાના દૂધ પર કોવિડ-19ની કેવી અસર થાય છે એ વિશે આઈ.સી.એમ.આર.માં સંશોધન કરવામાં આવ્યું છે. તેના તારણ અનુસાર, માતાના દૂધમાં કોવિડ-19ના અંશો મળ્યા નથી. તેથી બાળકને માતાનું દૂધ પીવડાવી શકાય.
અલબત, વાઇરસના જોખમને કારણે બાળકને માતાથી કામચલાઉ રીતે દૂર રાખવામાં આવતું હોય અને તેને દૂધ પીવડાવવામાં આવતું હોય તો એ સંબંધે કેટલાક દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે. એ દિશાનિર્દેશ નીચે મુજબ છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
- માતા અને બાળકને કામચલાઉ રીતે અલગ-અલગ રાખવાના જોખમ તથા ફાયદા બાબતે માતા સાથે વાત કરવી જોઈએ.
- તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી નવજાત બાળકને અલગ ઓરડામાં જ રાખવું જોઈએ.
- માતા બાળકને પોતાનું દૂધ પીવડાવવા ઇચ્છતી હોય તો સૅનિટાઇઝ્ડ બ્રેસ્ટ પમ્પ વડે માતાના સ્તનમાંથી દૂધ કાઢીને બાળકને પીવડાવવું જોઈએ.
- માતા પોતે જ બાળકને સ્તનપાન કરાવવા ઇચ્છતી હોય તો દરેક વખતે સ્તનપાન કરાવતાં પહેલાં માતાએ માસ્ક પહેરવું જોઈએ અને હાથને ધોઈને સ્વચ્છ કરી લેવા જોઈએ.
નવજાત બાળકની રોગપ્રતિકારક ક્ષમતા પણ 'નવજાત' હોવાથી એ કોઈપણ પ્રકારની બીમારીને ઓળખી શકતી નથી.
તેથી દરેક બાળકને જન્મ્યા પછી વૅક્સિન આપવામાં આવે છે, જેથી કોઈ બીમારીનો હુમલો થાય ત્યારે બાળકની રોગપ્રતિકારક ક્ષમતા તેનો બચાવ કરી શકે.
ગર્ભવતી મહિલાને થોડોક ચેપ લાગ્યો હોય તો?

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીએમઆરના જણાવ્યા મુજબ, ગર્ભવતી મહિલાઓમાં કોવિડ-19ના ચેપના કિસ્સામાં અત્યાર સુધી એવું જાણવા મળ્યું છે કે ચેપનું પ્રમાણ ઓછું હતું અને ગર્ભવતી મહિલા ઝડપથી ચેપમુક્ત પણ થઈ ગઈ હતી.
ગર્ભના 28 સપ્તાહ પછી જોખમ વધારે હોય છે. એ સમયે ચેપ લાગવાનું જોખમ પણ વધી જાય છે અને એ વખતે વધારે તકેદારી રાખવી જરૂરી હોય છે.
હૃદયરોગથી પીડાતી મહિલાઓને ચેપ લાગવાનું જોખમ વધારે હોય છે.
કોરોના વાઇરસના રોગચાળાએ મહિલાઓમાં સુવાવડ સંબંધી ચિંતા અને હતાશાનું જોખમ વધારી દીધું છે. આ સંજોગોમાં મહિલાઓ તથા તેમના પરિવારને શક્ય હોય ત્યાં સુધી સહકારની જરૂર હોય છે.

શું સાબિત નથી થયું?

ઇમેજ સ્રોત, Getty Images
આઈસીએમઆરના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના સંશોધનમાં નીચે મુજબની બાબતોની સાબિતી મળી નથી.
- કોવિડ-19ને કારણે ગર્ભપાત કે ગર્ભને કોઈ અન્ય પ્રકારનું નુકસાન થઈ શકે છે એ સાબિત થયું નથી.
- કોવિડ-19નો ચેપ લાગવાને કારણે નવજાત બાળકમાં જન્મથી કોઈ વિકૃતિ હોય તેના પુરાવા મળ્યા નથી.
- કોવિડ-19નો ચેપ લાગ્યો હોય તો ગર્ભપાત કરાવવો જરૂરી હોવાના પુરાવા પણ મળ્યા નથી.
આ ઉપરાંત આઈસીએમઆરે પ્રસવ સંબંધી દિશાનિર્દેશો પણ બહાર પાડ્યા છે. કોવિડ-19ના ચેપના કિસ્સામાં હૉસ્પિટલમાં કેવી સુવિધા હોવી જોઈએ અને મેડિકલ સ્ટાફે કેવી તકેદારી રાખવી જોઈએ, વગેરે બાબતોનો તે દિશાનિર્દેશોમાં સમાવેશ થાય છે.
ગર્ભવતી મહિલાઓ અને તેમના ગર્ભસ્થ બાળક પરના કોરોના વાઇરસના સંભવિત જોખમને ધ્યાનમાં લેતાં તેમના ટેસ્ટિંગ સંબંધે પણ આઈ.સી.એમ.આરે. એક આદેશ બહાર પાડ્યો છે.
તે આદેશ મુજબ, હૉટસ્પૉટ વિસ્તારમાં રહેતી જે ગર્ભવતી મહિલાને પ્રસવ થવાનો હોય, એ મહિલામાં કોરોના વાઇરસને લક્ષણ જોવા ન મળતાં હોય તો પણ તેમનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવશે.


- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













