કોરોના વાઇરસ : મોદી સરકાર લૉકડાઉન બાદ કેવી રીતે અર્થતંત્રને ફરી ધબકતું કરશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોવિડ -19 ના ઝડપથી ફેલાવાને લીધે વૈશ્વિક અર્થવ્યવસ્થા લગભગ ખોરવાઈ ગઈ છે. દેશના ઘણા ભાગોમાં માર્ચની શરૂઆતથી આંશિક શટડાઉન અને 25 માર્ચથી કામકાજ લગભગ સંપૂર્ણ બંધ રહેવા પામ્યું છે.
ભારતમાં અભૂતપૂર્વ લૉકડાઉનને કારણે ધંધારોજગાર બંધ થયા છે, વિમાની સેવાઓ સમેત તમામ પ્રકારનાં મુસાફર-પરિવહન મહદંશે અટકાવી દેવાયાં છે.
આ બધા ને કારણે એક અંદાજ મુજબ, ભારતીય અર્થતંત્રને દરરોજ લગભગ 4.64 અબજ ડૉલરનું નુકશાન થાય છે.
21 દિવસના લૉકડાઉનથી જીડીપીમાં (ગ્રોસ ડૉમેસ્ટિક પ્રોડક્શન)માં લગભગ 98 અબજ ડૉલરનું નુકસાન થશે, તેવું ઍક્યૂઇટ રેટિંગ્સ ઍન્ડ રિસર્ચે કહ્યું છે.

લૉકડાઉન પછી અસર
દેશભરમાંથી લૉકડાઉન કદાચ 15 એપ્રિલ, 2020થી હટાવાય તો પણ આની લાંબા સમય સુધી આર્થિક પ્રવૃત્તિઓ ઉપર અસર થશે તેવું ક્રૅડિટ રેટિંગ એજન્સીનું માનવું છે. કોવિડ -19 ની અસરો ભારત ઉપરાંત વિશ્વભરમાં જોવા મળશે.
ઍક્યૂટ રેટિંગ્સનું માનવું છે કે એપ્રિલ-જૂન (2020-21 નાણાકીય વર્ષ) જીડીપી 5 થી 6 ટકાની વચ્ચે રહેશે. Q2 (જુલાઈથી સપ્ટેમ્બર) માં પણ સારી સ્થિતિ રહે, તો તેમાં સાધારણ વૃદ્ધિ થશે તેવી સંભાવના છે.
તે અપેક્ષા રાખે છે કે નાણાકીય વર્ષ 21 (એપ્રિલ 2020 થી માર્ચ 2021) માટે એકંદર જીડીપીનો વૃદ્ધિ દર 2થી3 ટકાનો રહેવાની સંભાવના છે.

અસરગ્રસ્ત સૅક્ટર

- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
ઍક્યૂટ રેટિંગ્સ ઍન્ડ રિસર્ચના સી.ઈ.ઓ શંકર ચક્રવર્તીએ જણાવ્યું હતું: "ઍક્યૂટ રેટિંગ્સનો અંદાજ છે કે દેશવ્યાપી લૉકડાઉનનો દરેક દિવસ ભારતીય અર્થતંત્રને લગભગ 4.6 અબજ ડૉલરમાં પડે છે. "
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"પરિણામે, 21 દિવસના લૉકડાઉનને પરિણામે જીડીપીની ખોટ લગભગ 98 અબજ ડૉલર થશે એમ માની શકાય.
આ લૉકડાઉનની સૌથી વધુ અસર જોવા મળી હોય તેવાં ક્ષેત્રોમાં પરિવહન, હોટલ, રેસ્ટોરાં, પ્રવાસન અને રિયલ એસ્ટેટ મુખ્ય છે."
એજન્સીના અંદાજ પ્રમાણે, આ ક્ષેત્રોમાં આશરે 50 ટકા ગ્રોસ વૅલ્યૂ ઍડેડનું નુકસાન થશે અને નાણાકીય વર્ષ 2021ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એકંદર ગ્રોસ વૅલ્યૂ ઍડેડમાં આશરે 22 ટકા જેટલું નુકસાન થશે.
બીજી બાજુ, આ કટોકટી દરમિયાન અન્ય સેવાઓ જેવી કે સંદેશાવ્યવહાર, પ્રસારણ અને આરોગ્ય સંભાળમાં વૃદ્ધિ નોંધાઈ છે, જેનો હિસ્સો 3.5 ટકા થવા જાય છે, પરંતુ તેમનો કુલ ગ્રોસ વૅલ્યૂ ઍડેડમાં હિસ્સો નગણ્ય કહી શકાય તેટલો છે.
લૉકડાઉનની અસર ઔદ્યોગિક પ્રવૃત્તિઓ પર પણ પડી છે જેમાં ફાર્માસ્યુટિકલ, ગૅસ અને વીજળી અને તબીબી ઉપકરણો કે જે ગ્રોસ વેલ્યૂ એડિશનના 5 ટકા જેટલો હિસ્સો ધરાવે છે.
સર્વિસ સૅક્ટર સિવાય મૅન્યુફૅક્ચરિંગ ક્ષેત્ર ફરી શરૂ થાય ત્યાં સુધી ઉપલબ્ધ કાચામાલની ઇન્વેન્ટરીને કારણે અમુક અંશે માંગનું નિયંત્રણ કરી શકે તેમ છે.
ઍક્યૂટ રેટિંગ્સ ઍન્ડ રિસર્ચના અગ્રણી અર્થશાસ્ત્રી કરણ મહર્ષિ એ કહ્યું હતું, "કૃષિ ક્ષેત્ર કે જે ગ્રોસ વેલ્યૂ એડિશનમાં 15 ટકા હિસ્સો ધરાવે છે, તેમાં લૉકડાઉન સમયગાળામાં પણ સતત પ્રવૃત્તિ જોવા મળે તેવી અપેક્ષા છે; તેમ છતાં, અન્ય પ્રવૃત્તિઓ જેવી કે પશુધન મત્સ્યોદ્યોગ ની માંગમાં ઘટાડો અનુભવાય છે."
કોરોના - અસરનો અંદાજ

ઇમેજ સ્રોત, Getty Images
ક્રૅડિટ રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે લૉકડાઉનના 21 દિવસ સુધી જ મર્યાદિત રહેશે, તો પણ ઉદ્યોગોની સપ્લાય ચેનને પુન:સ્થાપિત કરવામાં ઓછામાં ઓછા 2થી 3 મહિનાનો સમય લાગશે.
ઍકયૂટ એજન્સીનો અંદાજ છે કે જો પરિસ્થિતિ નૉર્મલ રહે, તો બીજા ક્વાર્ટરમાં 3 ટકાથી ઓછી હકારાત્મક વૃદ્ધિ જોવા મળી શકે છે, જે રોગચાળાની તીવ્રતા ઉપર આધાર રાખશે.
બીજી બાજુ, ચાલુ વરસના બીજા ભાગમાં ઘરેલું આર્થિક પ્રવૃત્તિઓમાં ઝડપી સુધારો જોવા મળશે.
વિશ્વબજારમાં ક્રૂડના નીચા ભાવ આર્થિક સ્થિતિ સુધારણા માટે લાભદાયક નીવડી શકે છે.
ચાલુ વરસના ક્વાર્ટર-1 અને ક્વાર્ટર-2માં આર્થિક મંદીને કારણે વિકાસ ઘટ્યો છે, પરંતુ વરસના બીજા ભાગમાં સાનુકૂળ પરિસ્થિતિ રહે તો જીડીપી માં 6.5 ટકાની વૃદ્ધિ થઈ શકે છે.
આથી ઊલટું ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃદ્ધિની આગાહી ઘટાડીને 30 વર્ષની નીચામાં નીચી સપાટીએ 2 ટકા જેટલી મૂકી છે, જે અગાઉના 5.1 ટકાના અંદાજ કરતાં ઘણું નીચું છે.
આમ કોવિડ-19 રોગચાળાને કારણે લૉકડાઉનને પગલે આર્થિક મંદી વૈશ્વિક અર્થતંત્રને પકડશે.
ચીનના લૉકડાઉનથી પ્રાદેશિક મૅન્યુફૅક્ચરિંગ સપ્લાય ચેનમાં અવરોધ થવાને કારણે આમ થયું છે.
ફિંચે આગાહી કરી છે કે આ વરસે વૈશ્વિક મંદી તીવ્ર બનશે અને ભારતીય અર્થતંત્રનો વિકાસ દર 2 ટકા ની આસપાસ રહેશે જે છેલ્લા 30 વરસ માં સૌથી ઓછો છે.
મૂડીઝે ભારત (Baa2 negative) અને દક્ષિણ આફ્રિકા (Baa3 negative) 21 દિવસના લૉકડાઉનના પગલે આ બંને દેશોમાં આર્થિક વૃદ્ધિ ઘટશે તેવો અંદાજ મૂક્યો છે.
મૂડીઝે તેના ગ્લૉબલ મૅક્રો આઉટલૂકમાં કહ્યું છે કે, ભારત 2020 માં 2.5 ટકાનો વૃદ્ધિ દર હાંસલ કરશે, જ્યારે આવતા વરસે 5.8 ટકા જેટલો વૃદ્ધિદર રહેશે.
રેટિંગ એજન્સીએ ભારતમાં જણાવ્યું હતું કે, બૅન્કિંગ અને નૉન-બૅન્કિંગ ક્ષેત્રોમાં તરલતાની ગંભીર સમસ્યાને કારણે અત્યારે અર્થવ્યવસ્થામાં ધિરાણનો પ્રવાહ ભારે મુશ્કેલીમાં છે.
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાન્ત દાસે નાણાકીય પૅકેજની ઘોષણા કરતાં કહ્યું હતું કે વરસ 2019-20 ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 4.7 ટકા રહેશે.
રાષ્ટ્રીય આંકડા કચેરીના અંદાજ મુજબ આ દર 5 ટકા રહે તેવી શક્યતા છે. કોરોના ની અસરથી અર્થવ્યવસ્થા પર જોખમ વધ્યું છે.
વરસ 2020-21 ના દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીએ તો કૃષિ અને તેની સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓની સ્થિતિ સામાન્ય રહેશે, જ્યારે અર્થતંત્ર ઉપર કોરોના વાઇરસની પ્રતિકૂળ અસર થશે.
કોવિડ -19 લાંબા સમય સુધી ચાલે અને સપ્લાય ચેનમાં મોટો વિક્ષેપ થાય તો વૈશ્વિક મંદી વધુ તીવ્ર બને અને તેની વિપરીત અસર ભારત પર પણ પડી શકે છે.
આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવમાં ઘટાડાથી ભારતીય અર્થતંત્રને થોડી રાહત મળી શકે છે. COVID-19 નો ફેલાવો અને લાંબા સમય સુધી લૉકડાઉનથી આર્થિક વૃદ્ધિ ઉપર વિપરીત પ્રભાવ પડે તેમ છે.
'પૅકેજની અસર નહીં'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બ્રિટનની સર્ચ કન્સલ્ટન્સી કૅપિટલ ઇકૉનૉમિક્સના મત મુજબ તો ભારતનો વિકાસદર આ વરસે ઘટીને 1 ટકા જેટલો થશે, જે છેલ્લાં 40 વરસમાં સૌથી નીચો હશે.
તેમના કહેવા મુજબ દેશમાં વાઇરસથી બચવા જે 21 દિવસનું લૉકડાઉન રાખવામા આવ્યું છે, તેને પરિણામે ફૉર્મલ અને ઇન્ફૉર્મલ ઇકૉનૉમી ઉપર વિપરીત અસર થશે અને સપોર્ટ સિસ્ટમ ન હોવાને કારણે રિઝર્વ બૅન્કે લીધેલાં પગલાંનો પૂરતો ફાયદો મળશે નહીં.
અન્ય એજન્સીઓ એ જે અનુમાનો કર્યાં છે, તેમાં એશિયન ડેવલપમૅન્ટ બૅન્કે ભારતનો વિકાસ દર 4 ટકા રહેશે, જ્યારે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅરે ભારતનો વિકાસ દર અંદાજે 3.5 ટકા, જ્યારે સ્ટાન્ડર્ડ ઍન્ડ ચાર્ટર્ડ બૅન્કે 2.7 ટકા જેટલો રહેશે તેમ અનુમાન કર્યું છે. વર્લ્ડ બૅન્કના મત મુજબ, બંને કટોકટીની તુલના કરી શકાતી નથી.
'ટાઇમ્સ નાઉ'ને આપેલી મુલાકાતમાં જુનૈદ કમલ અહમદે વર્ષ 2008ની નાણાકીય મંદીની સરખામણીએ કોરોના વાઇરસને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તે બિલકુલ જુદી છે તેમ કહેતાં ઉમેર્યું હતું કે 2008ની વૈશ્વિકમંદી નાણાકીય આંચકાને કારણે ઉદ્ભવી હતી, જ્યારે આ મંદી આરોગ્ય સંલગ્ન આંચકાને કારણે ઉદ્ભવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
અહેમદે કહ્યું હતું કે "આરોગ્યને લગતા આંચકાની વિપરીત અસર સુધારવા તમારે અર્થવ્યવસ્થાને પાછળ રાખવી પડશે. જો તમે અર્થવ્યવસ્થાને તમારી અગ્રિમતામાં બીજા ક્રમે નહીં રાખો, તો તમે અસરકારક રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ કરી શકશો નહીં."
આ સિક્વન્સિંગ જ અત્યંત મહત્ત્વનું છે અને વિશ્વભરના દેશો તે જુદી રીતે કરી રહ્યા છે, અહેમદે યુ.એસ., સ્વીડન અને ભારતના દાખલા આપતાં જણાવ્યું હતું.
યુનાઇટેડ સ્ટેટ્સમાં, સંઘીય સરકારે જુદા જ અભિગમનો ઉપયોગ કર્યો છે, જ્યાં જુદા-જુદા રાજ્યોને ધીમે-ધીમે અલગથી લૉકડાઉન કરવામાં આવી રહ્યાં છે.
બીજી તરફ, સ્વીડનમાં નાગરિકોને સ્વયંભૂ લૉકડાઉન સિસ્ટમનું સન્માન કરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસરણ કરવા જણાવાયું છે.
ભારતે અત્યાર સુધીમાં એકદમ કડક પગલું ભર્યું છે અને એહમદના મતે એક અબજ 30 કરોડ લોકોને તેમના ઘરોમાં બંધ કર્યા છે. પણ અંતે તો દરેક દેશનું મુખ્ય લક્ષ્ય આરોગ્યની દૃષ્ટિએ સુદ્રઢ થઈ અર્થતંત્રની ગાડી ઝડપથી પાટા પર લાવવાનું છે.
આર્થિક નુકશાન વેઠીને પણ એક વાર ચીનની જેમ કોવિડ-19ના ઉપદ્રવ સામે લડી અર્થતંત્રની ગાડીને ફરીથી પાટા ઉપર લાવવા માટે પ્રજાનો દ્રઢ સંકલ્પ જરૂરી છે.
નૅગેટિવ નહીં હોય ગ્રોથ
ભારતીય અર્થવ્યવસ્થાના ભાવિ અંગે ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓએ પોતપોતાના અંદાજો રજૂ કર્યા છે.
આમાંથી જો હાશકારો મળે તેવી કોઈ બાબત હોય તો તે ભારતીય અર્થવ્યવસ્થાનો વૃદ્ધિદર આગામી સમયમાં ઘટશે, પણ નૅગેટિવ એટલે કે નકારાત્મક નહીં થાય તે છે.
ઇકૉનૉમિસ્ટ ઇન્ટેલિજન્ટ યુનિટ દ્વારા કોરના બાદ દુનિયાના વિકસિત અને વિકાસશીલ દેશો નકારાત્મક વૃદ્ધિદરનો અનુભવ કરશે, ત્યારે ભારત અને ચીન બે દેશ કમસેકમ સકારાત્મક વૃદ્ધિ દર જાળવી રાખશે એ બહુ મોટી વાત છે.
ભારતમાં સૌથી વધુ 2.1 ટકાના દરે વૃદ્ધિ પામશે. જ્યારે ઇન્ડોનેશિયા તથા કોરોના વાઇરસના ઉદ્દભવબિંદુ ચીનમાં એક ટકાનો દર રહેશે. અમેરિકાનો વિકાસદર -2.8 ટકા, બ્રિટન-ફ્રાન્સ-સાઉદી અરેબિયા -5 ટકા, ઇટાલીમાં -7 ટકા રહેશે.
ભારતનું ઘર આંગણાનું ખૂબ મોટું બજાર અને વિશ્વ વ્યાપારમાં એનો નગણ્ય હિસ્સો કંઇક અંશે એને દુનિયાની અર્થવ્યવસ્થામાં બનતી ઘટનાઓમાંથી અલગ રહેવાનું કવચ પૂરું પાડશે.
બીજું ભારતમાં કૃષિ અને ગ્રામ્ય અર્થવ્યવસ્થા લગભગ 50 ટકા જેટલી રોજગારી તેમજ દેશનાં ઉત્પાદનને લગભગ અડધોઅડધ બજાર પૂરું પાડે છે. આ ખૂબ મોટી રાહતની વાત છે.
આમ સરવાળે ભારતનો આર્થિક વૃદ્ધિદર વર્ષ 2021ના બીજા ક્વાર્ટરમાં ફરી પાછો વધુ ઊર્ધ્વગામી બને અને 2020ના નાણાકીય વર્ષમાં લગભગ 3 થી 3.5 ટકાની સપાટી જાળવી રાખે એવું માનવાને કારણ દેખાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જે મોટા પાયે અમેરિકામાં અને યુરોપમાં બેરોજગારી ઊભી થઈ છે તે પ્રમાણે ભારતમાં બેરોજગારી એકદમ માથું ના ઊંચકે અને યુવાશક્તિને રોજગારી મળી રહે એ જોવું જરૂરી છે.
આ માટે ગરીબલક્ષી યોજનાઓ તેમજ મનરેગા જેવી યોજનાઓ થકી વધુ નાણાં દેશના ગ્રામ્ય અને ઓછી આવકવાળા વર્ગના હાથમાં આવે તો પ્રોફેસર સી. કે. પ્રહ્લાદે કહ્યું છે તેમ 'બૉટમ ઑફ ધ પિરામિડ માગ'ને પુનર્જીવિત કરવામાં નિમિત્ત બનશે.
સાથે-સાથે ભારત સરકારે શહેરી બેરોજગારી નાથવા નાના વેપારીઓ, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો પણ તરતા રહે તે માટે આવનાર બે-ત્રણ વરસ ઉદાર નાણાકીય સહાય આપવી પડશે.
આ બધું કરવા જતાં આગામી ત્રણેક વરસમાં નાણાકીય શિસ્ત એટલે કે ફિસ્કલ ડેફિસિટમાં ક્યાંક બાંધછોડ કરવી પડે, તો એ લાંબાગાળે દેશના અર્થતંત્રના હિતમાં હશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












