કોરોના વાઇરસ: 108, ફાયર અને તબીબો, ગુજરાતીઓનું 'કવચ' કેટલું મજબૂત?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
રાજ્યમાં કોરોનાએ કેર વર્તાવ્યો છે અને તંત્ર ધમધમી રહ્યું છે. ઍમ્બુલન્સ સેવા 108, ફાયર બ્રિગેડ, સરકારી હૉસ્પિટલના ડૉક્ટર્સ વગેરે વિવિધ વિભાગના લોકો સાથે અમે વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કઈ રીતે તેઓ કામ કરે છે.
રાજ્યના 108 સેવાના ચીફ ઑપરેટિંગ ઑફિસર જસવંતભાઈ પ્રજાપતિ બીબીસી સાથે વાત કરતા જણાવે છે,
"108 ઍમ્બુલન્સની સેવાની કામગીરી કોરોનાના દિવસોમાં ખૂબ વધી ગઈ છે."
"કોવિડ-19 માટે રાજ્યમાં 70 વિશેષ ઍમ્બુલન્સ સર્વિસિઝ છે, જે માત્ર કોરોનાને લગતાં કેસની હેરફેર માટે જ કાર્યરત્ છે. એ ઍમ્બુલન્સમાં કામ કરતાં કર્મચારીને પર્સનલ પ્રૉટેક્ટિવ સાધનો આપવામાં આવ્યાં છે."
સાથે જ ઉમેરે છે, "એ ઍમ્બુલન્સમાં માત્ર કોરોનાના ઉપચાર માટે ઉપયોગી સાધનસામગ્રી જ રાખવામાં આવી છે, સામાન્ય વપરાશનાં સાધનો કોવિડ ઍમ્બુલન્સમાં નથી રાખ્યાં, જેથી ઍમ્બુલન્સમાં ચેપની શક્યતા ન રહે."

108

- ભારતના વિઝા પર પ્રતિબંધ બાદ કોણ આવી શકશે અને કોણ નહીં જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો?જાણવા માટે અહીં ક્લિક કરો
- ગુજરાતમાં કોરોના સામે લડવા માટે કેટલું તૈયાર છે?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ?જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે અહીં ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં અગાઉ રોજ કેટલી સર્વિસ 108ની રહેતી હતી અને હવે કોરોનાને પગલે એમાં કોઈ વધારો થયો છે? આ સવાલના જવાબમાં જશવંતભાઈ જણાવે છે, "108ની રાબેતા મુજબની તાકીદની સેવા એટલે કે નૉર્મલ ઇમર્જન્સી સર્વિસિઝ જે હોય છે એ 3000 - 3500 સુધીની હોય છે. "
"હાલમાં એ સેવા 4000 સુધી થઈ ગઈ છે. અત્યારે એવો સમય છે કે કોઈને માથાનો દુખાવો કે સામાન્ય તાવ કે ઉધરસ હોય તો પણ એવા કેટલાંક લોકો અમને કૉલ કરે છે. હવે અમે આવાં કેટલાંક કૉલ્સને ફિલ્ટર કરવાનું શરૂ કરી દીધું છે."
"આવાં કોઈ પેનિક કૉલ હોય અને નજીકમાં હૉસ્પિટલ હોય તો અમે તેમને ના કહી દઈએ છીએ. અમે લોકોને વિનંતિ કરીએ છીએ કે ખરેખર ઈમરજન્સી હોય તો જ અમને કૉલ કરવો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images
જશવંતભાઈ જણાવે છે, "બીજી વાત એ કે હેલ્થ માટેનો હેલ્પલાઇન નંબર 104 છે. જેના પર ખૂબ કૉલ્સ આવી રહ્યા છે."
"સરકાર એના પર ખૂબ ફોકસ કરે છે. એમાં કોઈને પણ કોવિડ કે એને લગતી અન્ય કોઈ સમસ્યા હોય તો એના કૉલ કરી શકે છે."
"એમાં સામાન્ય દિવસોમાં એ હેલ્પલાઇનમાં 500 જેટલા કૉલ્સ આવતા હતા એ હવે રોજના 15000 જેટલા થઈ ગયા છે. એમાં કોવિડ સંબંધી કૉલ્સ 2000-2500 જેટલા હોય છે."

ફ્રન્ટ ફાઇટર - ફાયર

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં ફાયર વિભાગ પણ કોરોના સામે કામગીરી કરી રહ્યો છે. અમદાવાદ અગ્નિશામક દળ - ફાયર વિભાગના મુખ્ય અધિકારી એમ. એફ. દસ્તૂરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું:
"ફાયર વિભાગના કર્મચારીઓ રોજ સખત મેહનત કરી રહ્યા છે. જે સાધનો શહેરમાં લાગેલી આગ હોલવવાના કામમાં વપરાય છે, એનો એક અલગ જ રીતે કોરોના સામે સૅનિટાઇઝર તરીકે ઉપયોગ કરી રહ્યા છીએ."
અમે ફાયરના કેટલાંક સાધનોમાં ફેરફાર કરીને એટલે કે મોડિફાઇડ કરીને એનો સૅનિટાઇઝરના છંટકાવમાં ઉપયોગ કરી રહ્યા છીએ.
22 તારીખે જનતા કર્ફ્યુ લાગુ થયો, ત્યારથી જ શહેરની જાહેર ઇમારતો તથા સ્થળોને સૅનિટાઇઝ કરવાનું કામ ચાલી રહ્યું છે.
જેમાં, બસસ્ટેશન, રેલવેસ્ટેશન, બી.આર.ટી.એસ. (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) માર્ગ, સોસાયટીઓ તેમજ ગલીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોરોના પૉઝિટિવ વ્યક્તિના ઘર તેમજ તેમની પડોશમાં પણ અમે દવાના છંટકાવ કર્યા હતા.
દસ્તૂર ઉમેરે છે, "સૅનિટાઇઝિંગની આ પ્રક્રિયા સતત ચાલુ જ છે. સૅનિટાઇઝિંગની પ્રક્રિયામાં 18 ગાડીઓનો અમે ઉપયોગ કર્યો છે તેમજ હાઈપ્રેશર મિસ્ટ-ફાયર ટૅન્કર, શેષનાગ, ચક્રવાત જેવા અત્યાધુનિક ઉપકરણો દ્વારા અમે સૅનિટાઇઝિંગની પ્રક્રિયા હાથ ધરી છે. કર્મચારીઓ માસ્ક, ગ્લવ્સ વગેરે તકેદારી સાથે આ કામ કરે છે."

ઇમેજ સ્રોત, Ahmedabad Fire Brigade
દસ્તૂરે જણાવ્યું, "અમદાવાદ ફાયર વિભાગની આ કામગીરી જોઈને મુંબઈ, વડોદરા, રાજકોટ, કર્ણાટક વગેરેએ અમારી પાસેથી માર્ગદર્શન માગ્યું હતું કે કઈ રીતે તમે આ સૅનિટાઇઝિંગમાં આ સાધનોનો ઉપયોગ કરો છો. અમે તેમને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું."
શહેરમાં સૅનેટાઇઝિંગની પ્રક્રિયા કરવાનો ફાયર વિભાગનો આ પહેલો અનુભવ હતો કે અગાઉ આ પ્રકારના કાર્યો થયાં છે?
એ સવાલના જવાબમાં દસ્તૂરભાઈએ કહ્યું હતું કે "ચાલીસેક વર્ષ અગાઉ શહેરની શારદાબહેન અને વી.એસ. (વાડીલાલ સારાભાઈ) હૉસ્પિટલમાં ફાયર વિભાગે આ પ્રકારની કામગીરી કરી હતી, પણ એ વખતે તો અત્યારે જે છે એવાં આધુનિક સાધનો નહોતાં. પિચકારીથી દવાનો છંટકાવ કર્યો હતો અને ફિનાઇલના પોતાં લગાવ્યાં હતાં."

ઇમેજ સ્રોત, Getty Images
કોરોનાના દર્દીઓની સારવાર માટે અમદાવાદમાં 1200 બેડની કોવિડ હૉસ્પિટલ તૈયાર થઈ છે. એ વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલના એડિશનલ સુપરિટેન્ડન્ટ ડૉ. ગૌરવ રાઠોડે બીબીસીને જણાવ્યું -
"હૉસ્પિટલમાં આઇસોલેશન વૉર્ડ સહિતની કોરોનાના શંકાસ્પદ તેમજ પૉઝિટિવ વ્યક્તિ માટેની તમામ સુવિધા હશે. તેમની સારવાર વગેરે બધું જ ત્યાં થશે. અમારી પાસે પૂરતા ડૉક્ટર્સ અને સ્ટાફ છે."
કેટલાંક લોકોને એ પણ સવાલ હોય છે કે આઇસોલેશન અને ક્વોરૅન્ટીન આ બેમાં શું ફરક છે. આ સવાલનો જવાબ આપતાં ડૉ. રાઠોડે કહ્યું:
"આઇસોલેશન જે છે એ હૉસ્પિટલને લાગુ પડે છે, ક્વોરૅન્ટીન જે છે તે બીજી બધી બાબતો માટે લાગુ પડે છે. રોગ ન ફેલાય એ માટે ઍરપૉર્ટ, હોટલ કે ઘરમાં કોઈ એકાંતવાસ પાળે એ ક્વોરૅન્ટીન કહેવાય."
"ક્વોરૅન્ટીનમાં જરૂરી નથી કે એ દર્દી હોય, એ સામાન્ય માણસ હોઈ શકે છે. કોરોના માટે એનો 14 દિવસનો એકાંતવાસ - ક્વોરૅન્ટીન સમયગાળો તેણે પાળવાનો હોય છે."
"એ વ્યક્તિને એટલા માટે અલગ રાખવામાં આવે છે કે વાઇરસનો ફેલાવો ન થાય. આઇસોલેશનમાં માત્ર દર્દીને રાખવામાં આવે છે. તેથી આઇસોલેશન વૉર્ડ હૉસ્પિટલમાં હોય છે."
મહાનગરોમાં તો પૉઝિટિવ કેસ દેખીતી રીતે સામે આવ્યા છે. ત્યાં સરકાર ખૂબ સતર્ક પણ જણાઈ રહી છે, પરંતુ અંતરિયાળ જિલ્લાઓમાં કેવી સુવિધા છે એ જાણવા ગીર-સોમનાથ જિલ્લાના એપિડેમીક ડૉક્ટર બી. કે. નિમાવત સાથે બીબીસીએ વાત કરી હતી.
જેમાં તેમણે વેરાવળ, તલાળા સહિત અલગ-અલગ સ્થળોએ સરકારી તથા ખાનગી હૉસ્પિટલોમાં આઇસોલેશન વૉર્ડ, ક્વોરૅન્ટીન સવલતો ઊભી કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












