કોરોના વાઈરસ : વિશ્વયુદ્ધ છેડાઈ ગયું છે નવા કોરોના વાઇરસ Covid-19 સાથે

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

World is at war by hidden army of Covid-19 but we will win : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં આ ઉચ્ચારણો છે. ટ્રમ્પ આમ તો મોં-માથા વગરની વાતો કરવા માટે જાણીતા છે પણ આ શબ્દો બરાબર ગોઠવીને એમના કોઈ સલાહકારે એમને લખી આપ્યા હોય એવું લાગે છે.

આનો અર્થ થાય છે, 'વિશ્વ અત્યારે નવા કોરોના વાઇરસના અદૃશ્ય સૈન્ય સાથે યુદ્ધમાં સંડોવાયું છે. યુદ્ધ છેડાયું છે અને આપણે જીતીશું.'

આ વાક્યો આજકાલ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ધ્રુવ પંક્તિઓ બની ગયાં છે.

કોરોના વાઇરસ અત્યારે સમગ્ર વિશ્વને ભરડો લઈને બેઠો છે, એમાં લગભગ 11,000થી વધુ જિંદગી અત્યાર સુધીમાં હોમાઈ ગઈ. આમાંથી 100 મૃત્યુ અમેરિકામાં થયાં છે.

આવા સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં આ ઉચ્ચારણો અને ટ્વીટ આવ્યાં છે.

એમાંના સૌથી તાજા સમાચાર 18 માર્ચ, 2020, 12 ને 51 મિનિટે બિઝનેસ સ્ટાન્ડર્ડની વેબ એડિશનમાં આવ્યા છે.

તે મુજબ કોરોના વાઇરસ Covid-19ની સારવાર કરનાર ઉત્તર પ્રદેશના ડૉક્ટરને આ રોગનો ચેપ લાગ્યો છે અને એમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો છે.

line
કોરોના વાઇરસ
line

ભારત સરકારના આરોગ્ય મંત્રાલય પાસેથી ઉપલબ્ધ આંકડાઓ મુજબ ભારતમાં અત્યાર સુધી 174 વ્યક્તિઓ આ રોગથી સંક્રમિત હોવાનું જણાયું છે.

વિશ્વના 157 દેશોમાં અત્યાર સુધીમાં 1,98,736 કેસ અને 7989 જેટલા મૃત્યુ થયા હોવાનો અંદાજ છે.

ભારત બહાર આ રોગથી સંક્રમિત હોય ભારતીયોની સંખ્યા 250થી પણ વધારે છે. સૌથી મોટી સંખ્યા ઈરાનમાં છે.

line

કોરોના વાઇરસ શું છે ?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વૈશ્વિક મહામારી તરીકે જાહેર થયેલો આ કોરોના વાઇરસ છે શું, અત્યાર સુધીમાં આ પ્રકારની કઈ કઈ મહામારીએ વિશ્વને ધમરોળ્યું છે, તેમજ કોરોના વાઇરસનાં લક્ષણો અને તેમાંથી બચવાના ઉપાયો વિશે આજે વિગતે વાત કરવી છે.

અત્યાર સુધીની ઘટનાઓમાં સૌથી હકારાત્મક બાબત ગણીએ તો કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા કેસોમાંથી લગભગ 80,000 જેટલી વ્યક્તિઓ રોગમુક્ત બનીને કોરોના વાઇરસ સામેની લડાઈમાં વિજયી બની છે.

આમ સરળ ગણિતની વાત કરીએ તો શક્યતાઓના સિદ્ધાંત એટલે કે Law of Probability મુજબ આ રોગથી સંક્રમિત થયા બાદ પણ એમાંથી બહાર આવવાના ચાન્સ ઘણા છે.

આપણે કાળજી રાખીએ, સરકાર જે કોઈ સૂચનાઓ આપે તેનો જડતાપૂર્વક કહી શકાય એટલી હદે ચુસ્ત રીતે અમલ કરીએ, પણ ગભરાટ કે ડરવાનું કોઈ જ કારણ નથી.

કોરોના વાઇરસ Covid-19ની ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં આ પ્રકારના વાઇરસના પૂર્વજો અને એમણે ભૂતકાળમાં કરેલી ખાના-ખરાબી ઉપર પણ એક નજર નાખી લઈએ.

line

ભૂતકાળમાં થયેલાં રોગ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

2009માં HINI/09 જે મૅક્સિકોમાંથી આવ્યો હતો અને ભારત સમેત સમગ્ર વિશ્વમાં ફેલાયો. આ રોગે લગભગ 100 કરોડ લોકોને પોતાની ભીંસમાં લીધા હતા અને એક અંદાજ પ્રમાણે દોઢથી છ લાખ મૃત્યુ થયાં હતાં.

કોરોના વાઇરસના કારણે અત્યાર સુધી થયેલા મૃત્યુનો આંક આ આંકડાની સરખામણીમાં કંઈ જ ન ગણી શકાય.

આમ છતાંય એના કારણે જે ભયનું મોજું સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયું છે તે સંદર્ભે સ્પેસેક્સ અને ટેસ્લાના ચીફ ઍક્ઝિક્યુટિવ એલન મસ્કનું કહેવું છે કે 'The Coronavirus panic is dumb'.

ઘણા બધા ટેસ્લાના આ ચીફ ઍક્ઝિક્યુટિવની માફક કોરોના વાઇરસના ભય અને એની ખૂબ મોટી સંખ્યામાં મોત નિપજવાની રાક્ષસી શક્તિને ઓછી આંકી રહ્યા છે.

2009ના HINIની વાત કરી પણ 2015માં આ રોગ ભારતમાં પાછો આવ્યો અને અધિકૃત આંકડા મુજબ એ 33,000 કેસમાંથી 2000 જેટલા લોકોને ભરખી ગયો.

વિશ્વભરમાં આ રોગને કારણે થતા મૃત્યુની ટકાવારી 0.01 - 0.08 ટકા જેટલી છે એ જોતાં બે હજાર માણસોનાં મૃત્યુ થાય તે સામે 25 લાખથી માંડીને બે કરોડ સુધીના લોકોને એનો ચેપ લાગ્યો હોવો જોઈએ.

ભારતમાં પણ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં એમ ચાર રાજ્યોમાં થયેલા મૃત્યુનો આંક ઘણો ઊંચો રહેવા પામ્યો હતો.

એ વાત સ્પષ્ટ રીતે સમજી લઈએ કે Covid-19 2009માં ફૂટી નીકળેલા સ્વાઇન ફ્લૂ કરતાં ઘણો વધારે ઘાતક છે અને એને કારણે થનાર મૃત્યુનો દર સંક્રમિત થયેલી જનસંખ્યાના એકથી સાડા ત્રણ ટકા વચ્ચે રહી શકે છે.

ઉપરની હકીકત જોઈએ તો Covid-19 આ સૈકામાં ફાટી નીકળેલી અતિઘાતક મહામારીઓમાં ગણવી જોઈએ.

line

સ્પેનિશ ફ્લૂ

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

1918માં આગળ જતાં સ્પેનિશ ફ્લૂને નામે ઓળખાયેલ ઘાતક ઇન્ફ્લુએન્ઝા યુરોપ પર એવો ત્રાટક્યો કે ન પૂછો વાત. એનો પહેલો હુમલો (first wave) જરા હળવો હતો પણ બીજો હુમલો ખતરનાક હતો.

તે વખતે દર ચારમાંથી એક જીવિત વ્યક્તિને એનો ચેપ લાગ્યો હતો અને એક અંદાજ મુજબ ચાર કરોડ લોકો મોતના મુખમાં હોમાઈ ગયા.

પ્રથમ વિશ્વયુદ્ધનો એ સમય હતો અને તે સમયે બ્રિટિશ સૈન્યમાં ફરજ બજાવતા ભારતીય સૈનિકો દેશમાં પાછા આવ્યા અને આ રોગચાળો પોતાની સાથે લેતા આવ્યા.

સ્પેનિશ ફ્લૂની મહામારી પૂરી થઈ ત્યાં સુધીમાં એના સંક્રમિત થનાર દરેક ત્રણ વ્યક્તિએ એક ભારતીય હતી.

આ રીતે સંક્રમિત થયેલામાંથી મૃત્યુ પામેલાની સંખ્યા 150થી 170 લાખ જેટલી એટલે કે તે સમયના અવિભાજ્ય ભારતની કુલ વસ્તીના પાંચ ટકા જેટલી હતી.

આજના જમાનામાં જોકે આ પ્રકારનો વાઇરસ કાર્યરત બને તો તબીબી સેવાઓ અને ઉપલબ્ધ દવાઓ જોતાં એની અસર આટલી બધી ઘાતક રહે નહીં અને આમ છતાંય એ હાહાકાર મચાવે એટલી તીવ્ર તો હોય જ.

આ પહેલાંનો નોવેલ કોરોના વાઇરસ આઉટબ્રેક જે 2002માં ઉદભવ્યો હતો તે Severe Acute Respiratory Syndrome - 'SARS' 2002-03 તરીકે જાણીતો છે.

ચીનના હુબેઈ પ્રાંત વુહાન નામના એક મહત્ત્વના ઔદ્યોગિક કેન્દ્રમાં આ રોગે દેખા દીધી ત્યારથી એનાથી સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો થતો રહ્યો છે.

આ વધારો ગણિતીય સીધી રેખામાં નહીં પણ સુનામીનું મોજું આવતું હોય તે રીતે Exponential વધ્યો છે.

line

કોરોના વાઇરસનો ફેલાવો કેવી રીતે થયો?

એવું કહેવાય છે કે ચીનમાં આ રોગને થોડો સમય છૂપો રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.

ચીનના ટીકાકારો કહે છે તેમ ચીનની શી જિનપિંગ સરકારને વિશ્વ સમુદાયથી આ રોગ છુપાવીને ઢાંકોધુંબો કરવાના પ્રયત્નમાં જે કેટલાંક અઠવાડિયાં ગયાં ત્યાં સુધીમાં વિશ્વ વ્યાપારમાં લગભગ 17 ટકાનો ભાગ ધરાવતું ચીન સમગ્ર દુનિયામાંથી આવતા અને એ જ રીતે ચીનમાંથી સમગ્ર વિશ્વ સાથે સંપર્કમાં રહેતા મુસાફરોને કારણે આ રોગ વિશ્વમાં ફેલાય તે માટેનું કારણ બન્યો.

એ પણ કહેવું જોઈએ કે ચીનની શી જિનપિંગ સરકારે આ રોગ જ્યારે કાબૂ બહાર જતો લાગ્યો ત્યારે સંપૂર્ણ સરમુખત્યારશાહી ઢબે હુબેઈ પ્રાંતના વુહાનથી માંડીને ઘણાં બધાં શહેરોને ક્વૉરન્ટાઇન એટલે કે કરફયુમાં નાખી દીધાં.

આજે જ્યાં આ રોગને કારણે સૌથી વધુ લોકો સંક્રમિત થયા છે તેમજ સૌથી વધુ મૃત્યુ થયાં છે તેવા ચીને કડક પગલાં લઈને આ રોગના ફેલાવા ઉપર લગભગ કાબૂ મેળવી લીધો છે અને એક સમયે સંપૂર્ણ ઠપ થઈ ગયેલી ચીનની ઔદ્યોગિક ઉત્પાદન તેમજ અર્થવ્યવસ્થા વળી પાછી રફતાર પકડી રહી છે.

ચીનમાં અર્થવ્યવસ્થા પાછી પાટા પર ચઢી જશે અને કોરોના વાઇરસની આ મહામારીનું ઉદગમકેન્દ્ર એટલે કે એપીસેન્ટર બનવા છતાં ચીનનો 2020ના વરસનો જીડીપી વૃદ્ધિદર લગભગ 5.5 ટકા રહેશે.

આ વાત ચીની પ્રજાની દૃઢ નિર્ધારશક્તિ, શાસનની કશું જ બોલ્યાચાલ્યા વગર કે હોબાળો કર્યા વગર કડક હાથે પગલાં લેવાની વહીવટી ક્ષમતા તેમજ ચીન પાસે ઉપલબ્ધ માત્ર આઠથી દસ દિવસ જેટલા ગાળામાં 10000 બેડની હૉસ્પિટલ ઊભી કરી દેવા જેવી મહાકાય ક્ષમતા બધું જ કારણભૂત છે.

આ બધું હોવા છતાં ચીને જો વેળાસર આ રોગ અંગે જાહેરાત કરીને વિશ્વ સમુદાયને જાણ કરી હોત અને પોતાને ત્યાં પણ જે પગલાં પાછળથી લેવામાં આવ્યાં તે શરૂઆતથી જ લીધાં હોત તો કોરોના વાઇરસની આ મહામારી કદાચ આટલી ઘાતક ન બની હોત.

આ વાઇરસનો ઉદભવ કઈ રીતે થયો તે બાબત પણ વિવાદાસ્પદ છે.

line

વાઇરસનો ઉદ્ભવ કેવી રીતે થયો?

કોરોના વાઇરસને કારણે ચીનની અર્થવ્યવસ્થા તો લગભગ લગભગ પાટે ચડી જશે પણ વૈશ્વિક જીડીપીમાં ખાસ્સો એક ટકાનો એટલે કે લગભગ 33 ટકા ગાબડું પડ

એના ઉપરથી આ મહામારી વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે કેટલી જોખમી છે એનો અંદાજ આવે છે.

17 માર્ચ, 2020નાં રોજ મૂડીઝ દ્વારા કરવામાં આવેલ વરતારા મુજબ ભારતનો 2020ના જીડીપી ઘટાડીને 5.3 ટકા અને 2021નો 5.8 ટકાનો અંદાજ મૂકવામાં આવ્યો છે.

ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો મારે એવી ચાર ઘટનાઓ તાજેતરમાં બની ગઈ. એમાંની પહેલી એ યસ બૅન્કવાળું આખું પ્રકરણ ભારત સરકાર અને રિઝર્વ બૅન્કની સમયસુચકતા અને ત્વરિત કાર્યવાહીને કારણે લગભગ પાટે ચડી ગયું છે.

બીજી ઘટના એટલે કોરોના વાઇરસના બીજા રાઉન્ડમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ.

અત્યારે શાળા-કૉલેજ વગેરે બંધ કરવા ઉપરાંત મોલ-મલ્ટિપ્લેક્સ, વધારે વ્યક્તિઓ ભેગા થતા હોય તેવાં સંમેલનો અને સેમિનાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેની વત્તેઓછે અંશે પ્રજામન અને અર્થવ્યવસ્થા પર અસર થશે.

ત્રીજું, કોરોના વાઇરસના આક્રમણને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થા જે રીતે બેહાલ થઈ છે તેને કારણે છેલ્લા બે મહિનામાં ભારતીય શૅરબજાર કડડભૂસ કરતું તૂટી પડ્યું છે.

તારીખ 17 જાન્યુઆરી, 2020થી 18 માર્ચ, 2020 સુધીમાં સેન્સેક્સે 41,642થી ગોથ મારીને 28,869 એમ 12,773 સપાટી ગુમાવી છે જ્યારે નિફ્ટીએ આ જ સમયગાળા દરમિયાન 12,350થી 8,468 એટલે કે 3,882 આંક જેટલી સપાટી ગુમાવી છે.

શૅરબજારમાં થયેલા આ ધરતીકંપને કારણે અબજો રૂપિયાનું ધોવાણ થઈ ગયું છે પણ એથીય વધારે તો આ Bearish Phase પૂરી થાય અને રોકાણકારો ફરી પાછા બજારમાં આવે, અર્થવ્યવસ્થા પુન:ધબકતી થાય તેવું નજીકના સમયમાં બને તેમ દેખાતું નથી.

આ કારણથી ભારતીય અર્થવ્યવસ્થા 2008 કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે એવું આજે દેખાય છે.

ચોથું અને હાલ પૂરતું પ્રમાણમાં ઓછું ચર્ચાયેલ કારણ સાઉદી અરેબિયા દ્વારા શરૂ કરાયેલ ક્રૂડઑઈલનું પ્રાઇસ વૉર છે.

line

કોરોના વાઇરસના તબક્કા

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસના સંક્રમણનો ભારતમાં અત્યારે પ્રમાણમાં હળવો કહી શકાય એવો બીજો ફેઝ ચાલે છે. સામાન્ય રીતે ત્રીજો ફેઝ ઘણો આકરો ગણવામાં આવે છે. આ ચારેય ફેઝ જેને વર્ણવતાં ચાર તબક્કા અંગે સમજી લઈએ.

તબક્કો 1 (Stage 1) : આયાત કરેલા કેસ

આ એવી કૅટેગરી છે જેમાં જે દેશમાં કોરોના વાઇરસ છે તે દેશમાં એક અથવા વધુ સંપર્ક થયો હોય જેને કારણે ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિનું દેશમાં આગમન.

તબક્કો 2 (Stage 2) :

બીજા તબક્કામાં કોરોનાગ્રસ્ત વ્યક્તિનાં સંપર્કમાં આવવાથી સ્થાનિક સ્તરે આ મહામારી પ્રસરે છે. ભારત હાલ આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે.

તબક્કો 3 (Stage 3) :

ત્રીજો તબક્કો અતિ મહત્વનો છે. કોરોનાનો પ્રસાર ધરાવતા દેશનો પ્રવાસ ન કર્યો હોય અથવા કોરોના ધરાવતી વ્યક્તિના સંપર્કમાં ન આવી હોય તેવી વ્યક્તિને જ્યારે કોરોનાનું નિદાન થાય તો એને કૉમ્યુનિટી ટ્રાન્સમિશન અથવા ત્રીજો તબક્કો કહે છે.

તબક્કો 4 (Stage 4) :

આ તબક્કો એવો છે જેમાં ધીરે ધીરે સંક્રમિત થયેલા લોકો આ રોગમાંથી બહાર આવતા જાય છે. ચીન ચોથા તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે જેને કારણે હવે કોરોના વાઇરસનાં કિસ્સાની સંખ્યા ચીનમાં એક આંકડા ઉપર આવી ગઈ છે.

દુનિયાની વાત કરીએ તો તા, 18.3.2020ના સંદર્ભે છેલ્લાં ચોવીસ કલાકમાં ઇટાલીમાં 345, ઈરાન 135 અને સ્પેનમાં 168 વ્યક્તિ મોતને ભેટી હતી.

જે સામે ભારતનો આંકડો 4 છે. આમ છતાંય આવનાર ત્રીજો તબક્કો દેશ માટે વધુ વિનાશક બને તે શક્યતા નકારી શકાય નહીં.

અમેરિકા જેવા દેશે અર્થવ્યવસ્થા સામેના પડકારને ખાળવા ફેડરલ રિઝર્વે વ્યાજદર ઘટાડીને શૂન્ય કરી રાખ્યો ત્યાંથી માંડીને એવિએશન કંપનીઓ એટલે કે વિમાની સેવાઓમાં જોડાયેલ કંપનીઓ ઉપરાંત પ્રવાસનક્ષેત્ર માટે પણ એક સપોર્ટ પેકેજ જાહેર કરવાનું નક્કી કર્યું છે.

કંઈક આવાં જ પગલાં અન્ય વિકસિત દેશો પણ લઈ રહ્યા છે.

ભારતીય અર્થવ્યવસ્થા આમેય માંદગીના બિછાને હતી ત્યાં પડતા ઉપર પાટુ જેવી આ પરિસ્થિતિ એને ક્યાં લઈ જઈને મૂકશે અને સરકાર કેટલી કુશળતા અને ક્ષમતાથી એને સમાલી શકશે એ જોવાનું રહ્યું છે.

કોરોના વાઇરસની કટોકટી સામે વડા પ્રધાનની સીધી દેખરેખ હેઠળ અત્યારે તાકીદનાં પગલાં લેવાઈ રહ્યાં છે.

ભારત સરકાર અત્યાર સુધી રાજ્ય સરકારોની સાથે મળીને તેમજ સાર્ક દેશોના સંકલનમાં આ મહામારી સામે રક્ષણ આપવા માટે શક્ય તે બધું જ કરી રહી છે એમાં કોઈ શંકા નથી.

આમ છતાંય કોરોના વાઇરસની આ વૈશ્વિક મહામારી ભલભલા દેશો સામે અસ્તિત્વનો પડકાર ઊભો કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

અર્થવ્યવસ્થા અંગેના વધુ મુદ્દાઓ અને એની ચર્ચા હાલ પૂરતી અહીં જ અટકાવીએ પણ તે પહેલાં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે ધ નેશનલ રેસ્ટોરન્ટ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયા (NRAI), જે આખા દેશમાં આવેલી પાંચ લાખ જેટલી ઇટરીસ એટલે કે ખાણીપીણીનું પ્રતિનિધિત્વ કરે છે.

એણે પોતાના સભ્યોને 31 માર્ચ સુધી ધંધો બંધ રાખવા કહ્યું છે. રાજ્ય સરકારોએ પણ સ્કૂલ-કૉલેજ, મલ્ટિપ્લેક્સ, પર્યટક સ્થળો જેવી જગ્યા ઉપરાંત કોઈ પણ મેળાવડા, સંમેલન કે ઉજવણીમાં પચાસ કરતાં વધુ વ્યક્તિઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે. રેલવેએ આ લખાય છે ત્યાં સુધી પૂરતા પેસેન્જર મળવાને અભાવે 85 ટ્રેન કેન્સલ કરી છે.

આ લેખમાં બધું જ સમાવી શકાય નહીં છતાંય એ પૂરો કરતાં પહેલાં કેટલાક મુદ્દાઓ આવરી લેવા યોગ્ય લાગે છે.

line

આ રોગનાં લક્ષણો શું છે?

કોરોના વાઇરસ

સતત ઊંચો રહેતો તાવ, સૂકી ખાંસી જેમાં ગળફો નીકળતો નથી, નાકમાંથી પાણી વહેવું અને શ્વાસ લેવામાં તકલીફ પડવી, એ સંભવત: આ રોગનાં લક્ષણો છે.

કફ સાથેની ખાંસી આ રોગનું લક્ષણ નથી, આમ છતાંય જરા જેટલી પણ શંકા જણાય તો જાતે ઉપચાર કરવા નહીં અને ડૉક્ટરથી ભાગી છૂટવાની વૃત્તિ કે ભય રાખવાં નહીં.

લગભગ 96 ટકા કરતાં વધારે કેસમાં દર્દી સાજો થઈ જાય છે અને અત્યાર સુધીમાં 80 હજાર દર્દીઓ સાજા થયા છે (8000ના મરણ સામે) એ વાત મનમાં લઈ હકારાત્મક વૃદ્ધિ રાખો અને કોઈ પણ પ્રકારની દવા કોઈના કહેવાથી કે જાતે લેવાનું કે પછી આ રોગ છુપાવવાનું ટાળવું.

આવાં સહેજ પણ લક્ષણો જણાય કે તરત જ પોતાના કુટુંબના સભ્યોથી પણ અળગા રહી સૅલ્ફ આઇસોલેશન એટલે કે સ્વૈચ્છિક એકાંતવાસ સ્વીકારી લો.

સોશિયલ આઇસોલેશન એટલે કે સ્વૈચ્છિક રીતે જ પોતાની જાતને ટોળાંમાંથી દૂર કરવાની વૃત્તિ રાખી એક જવાબદાર નાગરિક તરીકે વર્તવું જોઈએ.

દિવસમાં શક્ય તેટલી વાર તમારા હાથને સાબુથી ધુઓ. સૅનિટાઇઝરનો ઉપયોગ કરો અને હાથથી આંખો, નાક અથવા મોંને અડવાનું સંપૂર્ણપણે ટાળો.

આ રોગ છીંક ખાવાથી અથવા ઉધરસ ખાવાથી તમારા થૂંક કે ગળફાની જે નાની-નાની સીકર (બૂંદ) ઊડે છે તેનાથી ફેલાય છે. આ કારણથી આખી બાંયનું ખમીસ પહેર્યું હોય તે કોણી મોં પર રાખીને ખમીસની બાંયમાં છીંક ખાઓ. હાથરૂમાલ વાપરવો પણ હિતાવહ નથી. ફરી એક વાર સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે કે ટોળે વળવાની વૃત્તિથી દૂર રહો.

તમારા ઘરમાં રહેવાથી સામાજિક સંપર્કો કપાશે. આમ છતાંય ઑફિસ જવું જરૂરી જણાય તો બીજી વ્યક્તિ સાથે છથી આઠ ફૂટ અંતર રાખીને જ વાત કરો.

હસ્તધૂનન કરવું જરા પણ હિતાવહ નથી. આપણી સંસ્કૃતિ મુજબનું નમસ્તે કરવાનો રિવાજ અથવા કશું કર્યા વગર 'કેમ છો' એવું કહેવાનો રિવાજ શરૂ કરો.

line

સોશિયલ ડિસ્ટન્સિંગ એટલે શું?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ ડિસ્ટન્સિંગ આ રોગને અટકાવવા માટે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વ્યક્તિગત રીતે કરવાની થતી કેટલીક કાર્યવાહીઓનો નિર્દેશ કરે છે, જેના મુખ્ય મુદ્દા નીચે મુજબ છે.

સોશ્યલ ડિસ્ટન્સિંગનો પહેલો પાઠ એટલે વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ ઓછામાં ઓછું તમારી અને સામી વ્યક્તિ વચ્ચે પછી ભલે તે ઉધરસ કે છીંક ખાતી હોય કે ન ખાતી હોય એક મીટર (ત્રણ ફૂટ)નું અંતર રાખો.

આ બાબતે રાજ્ય અથવા કેન્દ્ર સરકારે કોઈ ગાઇડલાઇન કરી હોય તો તેને સંપૂર્ણ અનુસરો.

મારે કામ પર જવું જોઈએ કે નહીં એ બાબતે તમારા મૅનેજમૅન્ટ સાથે મળીને નક્કી કરો. શક્ય હોય ત્યાં સુધી ઘરે કામ કરવાનું વલણ રાખો અને ઈ-પ્લૅટફૉર્મનો ઉપયોગ કરો. રૂબરૂમાં થતો સંપર્ક રોગનો ચેપ લગાડવામાં કારણભૂત બને છે.

જે-તે કંપની અથવા સંસ્થાએ પોતાના કર્મચારીઓના આરોગ્ય બાબત સતર્કતાથી વર્તી શંકાસ્પદ જણાય તેવા કિસ્સામાં તેમને દાક્તરી સુપરવિઝન મળે તે રીતની વ્યવસ્થા કરવી જોઈએ.

કારોબારીઓ પોતાના ધંધાની કામગીરીને ટેકનૉલૉજિકલ કૅપેસિટી વાપરીને ડિજિટલ પ્લૅટફૉર્મમાં શિફ્ટ કરી શકે છે.

ઘરેથી કામના સ્થળે જો પબ્લિક ટ્રાન્સપૉર્ટ એટલે કે બસ, ટ્રાવેલ ટેક્સી, ટ્રેન જેવાં વાહનોથી આવવાનું હોય તો મુસાફરી દરમિયાન સંપર્કને કારણે તેમ જ વસતિથી ઊભરાતાં બસ સ્ટેશન કે રેલવે સ્ટેશનને પોતાની બસ કે ટ્રેન પકડવા જતા ચેપ લાગવાની શક્યતા દૂર કરી શકે છે.

હવેનો મુદ્દો (ઉપર ચર્ચાઈ જ ગયો છે) તમારે પબ્લિક ટ્રાન્સપૉર્ટ વાપરવી કે નહીં તે અંગેનો છે. વસતિથી ઊભરાતાં બસ સ્ટેશન અથવા રેલવે સ્ટેશનથી પોતાનું વાહન પકડી લાંબા અંતર સુધી મુસાફરી કરનાર મુસાફરો આ રોગનો ચેપ લાગવાનો સૌથી મોટો ભય છે.

આ બાબતમાં જરૂરી સતર્કતા વરતવી જોઈએ. મુસાફરી કરવી જ પડે તો આવી મુસાફરી દરમિયાન સૅનિટાઇઝર, ડિસઇન્ફેક્ટન્ટ અને ક્લીન વાઇપ થકી પોતે જ્યાં બેસવાના છે તે સીટ, હૅન્ડલ અથવા સળિયાને લૂછી નાખવા જોઈએ. માસ્ક પહેરવું હિતાવહ છે. જેથી તમને ઉધરસ અથવા છીંક આવે તો બીજા મુસાફરોને અસુવિધા ન થાય.

પબ્લિક ટ્રાન્સપૉર્ટ સિસ્ટમમાં વારંવાર સંપર્કમાં આવતી સીટ અથવા બૅકસીટ, હૅન્ડલ, બારી, સળિયા, બારણાનું હૅન્ડલ વગેરે આ પ્રકારના રોગના વાઇરસને ટ્રાન્સપૉર્ટ કરે તે સૌથી વધુ શક્યતા છે.

અગત્યની બાબત તો એ છે કે જરૂરી ન હોય તો લગભગ દુનિયાની બધી સરકારોએ સલાહ આપી છે તે મુજબ મુસાફરી ન કરો.

line

કોરોના વાઇરસથી બચવાના ઉપાયો

કોરોના વાઇરસ

આપણે ઘરની ચીજવસ્તુઓ લેવા સુપરમાર્કેટ કે ગ્રોસરી સ્ટોરમાં તો જવું જ પડે. આવા સ્ટોર હજુ ગુજરાતમાં પણ ચાલુ છે. આ કારણથી તમે ખાદ્યસામગ્રી અથવા અન્ય જરૂરી આઇટેમોનો પુરવઠો મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર, મોલ અથવા સુપરમાર્કેટમાંથી મેળવવાનો પ્રયત્ન કરશો.

અહીંયાં પેનિક બાઇટને કારણે આવી વસ્તુઓ જરૂર વગર પણ લોકો ખરીદી જાય છે અને ભીડ પણ થાય છે. આ પ્રકારના શૉપિંગમાં જતા માસ્ક પહેરવો છે.

સૅનિટાઇઝર સાથે રાખો અને સામાન્ય રીતે બીજા જેને સ્પર્શે છે તેવી ટ્રૉલી અથવા કાઉન્ટર સૅલ્ફને પૂરતી સેનિટાઇઝ કર્યા પછી જ વાપરો.

જો તમને સવારે કે સાંજે ચાલવા જવાની ટેવ છે તો એ સારી વાત છે.

તમે જે બગીચા અથવા પાડોશમાં કોઈ જગ્યાએ ચાલવા માટે જતા હોવ તો તે ચાલુ રાખો. દોડવું, જોગિંગ કરવું, પ્રાણાયામ, આ બધી હિતકારક અને ઉપકારક પ્રવૃત્તિઓ છે. પણ આમ કરતાં તમે બીજી વ્યક્તિથી સલામત અંતર રાખો અને ટોળું વળીને બેસવાની કે ટોળટપ્પાં કરવાની વૃત્તિથી દૂર રહો.

કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં 2019ના ડિસેમ્બર મહિનામાં દેખાયો. હવે ચીન તેની અસરમાંથી લગભગ 75 ટકા બહાર આવી ગયું છે.

અત્યારે ચીન બહાર ઇટાલી, ઈરાન, અમેરિકા તેમજ યુરોપ જેવા દેશોમાં તકલીફ છે. આ વાઇરસનો દરદી છીંક કે ઉધરસ થાય તેનાથી બહાર ફેંકાતી અતિસૂક્ષ્મ બુંદ જેને એરોસોલ કહે છે તે આ રોગના જંતુઓનો વાહક છે.

રિસર્ચને અંતે જણાયું છે કે આ એરોસોલ ડ્રૉપલેટ્સ હવામાં લગભગ 40થી 45 મિનિટ તરતી રહી શકે છે અને જે દિશામાં હવાની ગતિ હોય તે દિશામાં તરતી રહી ધીરે-ધીરે જમીન પર સેટલ થાય છે.

આવા સંશોધન દરમિયાન એર કન્ડીશનરના ફ્લેપ પરથી પણ આ વાઇરસ મળી આવ્યો છે. એટલે આ વાઇરસ હવાથી નથી ફેલાતો એ માન્યતા આપણે બદલી નાખીએ.

અંગ્રેજીમાં કહેવત છે 'Prevention is better than cure'. આવી મહામારી સમયે એને અટકાવવા કડકમાં કડક પગલાં એ આ રોગનો ચેપ લાગ્યા પછી લેવાની થતી ટ્રીટમેન્ટ અને પોતાની તેમજ અન્યની જિંદગી સામે ઊભાં થતા જોખમ કરતા અનેક ગણી વધારે હિતાવહ છે.

આ વાઇરસ ઉનાળાની ગરમીમાં આપોઆપ મરી જશે એ માન્યતા પણ બહુ સાચી હોય એવું લાગતું નથી.

આમ એરોસોલ ઇન્ફૅક્શન તેમજ આ વાઇરસ હવા થકી પણ અમુક અંતર સુધી જઈ શકે અને ઊંચા તાપમાને પણ જીવી શકે તે બંને બાબતોને ગંભીરતાથી લેવી જોઈએ.

હાથ ધોવાથી માંડી ઉધરસ કે છીંક ખાવા સુધીની પદ્ધતિ, સોશિયલ આઇસોલેશન, સૅલ્ફ આઇસોલેશન તેમજ શક્ય ત્યાં સુધી મુસાફરી ટાળવી, ટોળું ભેગું થયું હોય ત્યાં તો ઊભા જ ન રહેવું, ઓછામાં ઓછું બીજી વ્યક્તિથી એક મીટર પણ શકયત: છથી સાત ફૂટ જેટલું અંતર રાખવું.

આ બધું કરીએ તો પણ હજુ આવનાર એકાદ વરસ જે દરમિયાન સ્વાઇન ફ્લૂ, સાર્સ કે સ્પેનિશ ફ્લૂની મહામારીએ ધીરેધીરે ઓછી ખતરનાક બની વિદાય થઈ તે રીતે Covid-19 પણ એક-દોઢ વરસમાં સંપૂર્ણપણે વિદાય થઇ જશે.

પેલી પંક્તિ 'ડર કે આગે જીત હૈ' એ મુજબ આપણે આનો હાઉ ઉભો ન કરીએ, ડરીએ નહીં પણ 'ચેતતા નર સદા સુખી'ની માફક 'રોગ અને શત્રુને ઊગતો જ ડામવો જોઈએ' એ નીતિને અનુસરીને 'Prevention is better than cure'ને સાર્થક કરીએ.

વિશ્વ આરોગ્ય સંસ્થા, ભારત સરકાર તેમજ સંબંધિત રાજ્ય સરકારો જે કંઈ આદેશ કરે અથવા નિર્ણયો લે તેનો એક જવાબદાર નાગરિક તરીકે ચુસ્તમાં ચુસ્ત અમલ કરીએ તો આ કટોકટી પણ ઓછામાં ઓછા નુકસાનથી હેમખેમ વટાવી જઈશું.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો