ક્રૂડઑઈલ પ્રાઇસ વૉર : સાઉદીએ શરૂ કરેલ જંગનું શું પરિણામ આવશે?

પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વિશ્વનાં નાણાબજારો અને વૈશ્વિક અર્થવ્યવસ્થા એક કરતાં વધુ મોરચે લડી રહ્યાં છે.

એક તરફ વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી પડી રહી છે, તો બીજી તરફ કોરોના વાઇરસ (COVID -19) 130 કરતાં વધારે દેશોમાં ફેલાઈને હાહાકાર મચાવી રહ્યો છે.

આટલું જાણે ઓછું હોય તેમ સાઉદી અરેબિયાએ ક્રૂડઑઈલના ભાવ ઘટાડવાનું રણશિંગુ ફૂંકીને વૈશ્વિક ક્રૂડઑઇલ બજારને થોડા સમય માટે ઉકળતા ચરુ જેવુ બનાવી દીધું છે.

News image
line

એક વરતારો છે કે ક્રૂડઑઈલના ભાવ બેરલદીઠ 27.10 ડૉલર સુધી જઈ શકે, જે ભાવ સપાટી 2016ના ક્રૂડઑઈલ પ્રાઇસવૉર સમયે જોવા મળી હતી.

જોકે, સાઉદી અરેબિયાને એકલાને જ આ કટોકટી ઊભી કરીને ક્રૂડઑઈલ માર્કેટમાં ભડકો કરવા માટે જવાબદાર ન ગણાવી શકાય.

પ્રાઇસવૉર થવાનાં કારણો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

આ માટેનું ખરું કારણ તો મુખ્યત્વે જ્યારે ચીનને કારણે ક્રૂડઑઈલની માંગ ઘટી રહી હતી, ત્યારે OPEC માં જોડાઈને ઉત્પાદન ઘટાડવાની વાત સાથે રશિયા સહમત થયું નહોતું.

રશિયા આ કાર્ટેલમાં નહીં જોડાય તેવા નિર્ણયને કારણે પ્રાઈસ વૉર શરૂ થયું તે પહેલાં જ ક્રૂડના ભાવ 10 ટકા કરતાં વધુ ઘટ્યા હતા.

રશિયાના આ નિર્ણયની પ્રતિક્રિયારૂપે સાઉદી અરેબિયાનું વર્તન ગણવું વધુ યોગ્ય રહેશે.

ક્રૂડના ભાવ ઘટે એટલે સાઉદી અરેબિયાની સરકારી કંપની આરામકોની આવક અને નફો પણ ઘટે જ તેને પરિણામે એ કંપનીના IPO ઓફર પ્રાઇસ કરતાં શેરનો ભાવ નીચો ગયો હતો.

સાઉદી અરેબિયાનું ક્રૂડ ઉત્પાદન એપ્રિલ 2020 થી 10 મિલિયન બેરલ પ્રતિદિન (9.7 બેરલ પ્રતિદિન હાલ) થી વધારશે એવી જાહેરાત કરી છે.

આવનારા મહિનાઓમાં ઉત્પાદન 10 મિલિયન બેરલ પ્રતિદિનથી વધારીને 12 મિલિયન બેરલ પ્રતિદિન કરવાની ચીમકી પણ સાઉદી અરેબિયાએ ઉચ્ચારી છે.

line
ક્રૂ઼ડ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

"પડતા પર પાટુ" હોય તેમ સાઉદી અરેબિયાના રાજવી પરિવારમાં સત્તા માટેની સાઠમારી ચાલે છે. આ રાજવી પરિવાર દેશના ક્રૂડ તેલના ઉત્પાદન ઉપર સીધો કાબૂ ધરાવે છે.

રશિયા પર સીધા હુમલા તરીકે વિદેશી બજારો માટેના એના ક્રૂડઑઈલના ભાવમાં છેલ્લાં 20 વરસમાં ન મુકાયો હોય તેવો કાપ મૂકી સાઉદી અરેબિયા એ આ ઑઇલ પ્રાઇસ વૉરમાં પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે.

એશિયા, યુરોપ અને અમેરિકાના ગ્રાહકોને પોતાને ત્યાંથી ક્રૂડઑઈલ ખરીદવા માટે પોતાની તરફ આકર્ષવા તથા બજારમાં પોતાનો હિસ્સો વધારી રશિયા તેમજ અમેરિકા પાસેના બજારમાં ભાગ પડાવવા સાઉદી અરેબિયા આક્રમકતાથી આગળ વધી રહ્યું છે.

સાઉદી અરેબિયા આમ કરી શકે છે, કારણ કે એની ક્રૂડ ઉત્પાદનની કિંમત દુનિયામાં સૌથી નીચામાં નીચી છે.

ભાવ ઘટાડવાની આ ગળાકાપ હરીફાઈ ચાલુ રહે તો છેલ્લે સાઉદી અરેબિયા જ ટકી રહે તેવી સંભાવના છે.

જો આવું થાય તો જે દેશો ક્રૂડના ઉત્પાદક છે તેમની અર્થવ્યવસ્થાનો ભાંગીને ભૂકો થઈ જાય આ કારણથી સાઉદી અરેબિયાની આ રમત ક્રૂડ ઉત્પાદક દેશો સાથે યુદ્ધ કરવા બરાબર છે.

અત્યાર સુધી OPEC દેશો તેમજ રશિયા કાર્ટેલ બનાવીને ક્રૂડઑઈલનાં બજારને નિયંત્રિત કરતા હતા.

હવે OPEC અને રશિયન કાર્ટેલ વગરનું ઑઈલનું બજાર જોતાં કંઈક નવાં જ સમીકરણ મંડાયાં હોય તેવું લાગે છે.

line

આનું પરિણામ શું આવે?

પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

એક જમાનામાં અમેરિકા ક્રૂડઑઈલની આયાત કરતું હતું અત્યારે એ શેલ (પેટાળમાંથી નીકળતા) ઑઇલને કારણે ઑઇલ સરપ્લસ દેશ છે.

હવે જો સાઉદી અરેબિયા એનું આ પ્રાઇસ વૉર ચાલુ રાખે તો રશિયા અને અમેરિકા બંનેની અર્થવ્યવસ્થાને સજ્જડ થપ્પડ વાગે જેને કારણે બંનેનું ચલણ ઘસાય અને એમની ખોટ મસમોટી થતી જાય.

અમેરિકાની સ્થિતિ રશિયા કરતાં પણ ખરાબ થાય કારણ કે અમેરિકામાં જે શેલ ઑઇલ અને ગૅસ ક્ષેત્રે ક્રાંતિકારી વૃદ્ધિ થઈ છે તે મહદંશે બૅન્કો તેમજ ખાનગી મૂડી રોકાણકારો દ્વારા સંચાલિત ખાનગી ક્ષેત્રને કારણે થઈ છે.

મોટાભાગે આવી કંપનીઓને નાણાં ધીરનાર ફાઇનાન્સરો એમની પાસેના ક્રૂડઑઈલ રિઝર્વને કોલેટરલ સિક્યૉરિટી તરીકે રાખતા હોય છે.

આ કોલેટરલ સિક્યોરિટી નું મૂલ્યાંકન વરસમાં બે વખત કરવામાં આવે છે.

જેમાં ઑઇલ રીઝર્વમાંથી ઉત્પન્ન થયેલ ક્રૂડઑઇલને કારણે થયેલો ઘટાડો અને પ્રવર્તમાન ક્રૂડઑઈલ પ્રાઇસ બંનેને ધ્યાને લેવામાં આવે છે.

એક અંદાજ મુજબ શેલ ઑઇલના ઉત્પાદકને જો વિશ્વભરમાં પ્રતિ બેરલ દીઠ 55 થી 60 ડૉલરની વચ્ચે ક્રૂડના ભાવ રહે તો જ પોતે લીધેલા ધિરાણ અને વ્યાજના હપ્તાની પુન: ચૂકવણી અને ત્યારબાદ નફો રળવાની પરિસ્થિતિનું નિર્માણ થાય.

છેલ્લા કેટલાક મહિનાથી પ્રાઇસ વૉરને કારણે નીચી કિંમતો અને ઉત્પાદનની મંદ ગતિ બન્ને ભેગાં મળીને લગભગ ત્રીજા ભાગનું ઊંચું વળતર આપતું "Energy Debt" અત્યારે બજારમાં ભય અથવા ડિસ્ટ્રેસ લેવલના ભાવે વેચાય છે.

આ અગાઉ 2016 માં થયેલ પ્રાઇસ વૉર પછી આ ક્ષેત્રમાં નાદારી ફરી એકવાર ખૂબ મોટો પ્રશ્ન બનીને ઊભરી રહી છે.

હજુ તો આ બધું શરૂ જ થયું છે જેને કારણે શેલ ઑઇલની દેવાળિયા કંપનીઓની સંખ્યા વધે તેવી ધાસ્તી ઊભી થઈ છે.

2016 પછી ખાનગી ક્ષેત્ર માટે શેલ ઑઇલ ઍન્ડ ગૅસ સૅક્ટર આકર્ષક રોકાણ રહ્યાં નથી તો પછી રશિયાએ અત્યાર સુધી જેનો ભાગ હતું તેવી OPECમાંથી નીકળી જવાનો નિર્ણય શા માટે લીધો હશે?

ક્રૂડ ઑઇલ પ્રોડક્શન

ઇમેજ સ્રોત, Getty Images

રશિયાના નિર્ણય પાછળ એક મોટી ચાલ હોવાનું મનાય છે.

રશિયા અમેરિકન બજારને તોડી પાડવા માટે ક્રૂડઑઈલના ભાવ બેરલદીઠ 50 ડૉલરથી નીચે રહે તેવું કરવા માટે આ કરી રહ્યું છે.

કાંઈક અંશે એવું પણ કહી શકાય કે અમેરિકાએ હાથે કરીને "ઉલળ પાણા પગ ઉપર" કર્યું છે.

અમેરિકાના ક્રૂડ ઉત્પાદકો નીચી કિંમતે પોતાનું ઉત્પાદન બજારમાં ઠાલવીને OPEC તેમજ રશિયાની કાર્ટેલને મોટું નુકસાન કરતા હતા. હવે પ્રાઇસ વૉરની સાઉદી અરેબિયાની આ ચાલ અમેરિકાની શેલ ઑઇલ અને ગૅસ ઇન્ડસ્ટ્રીનો ભૂકો બોલાવી દેશે.

આજે તો ક્રૂડઑઈલ બજારમાં ત્રિપાંખિયા કટોકટીનું નિર્માણ થયું હોય તેવું લાગે છે.

એમાંનું એક પરિબળ એટલે COVID- 19 જેના કારણે રોજના 40 લાખ બેરલ જેટલો માંગમાં ઘટાડો નોંધાયો છે.

રશિયાને સાઉદી અરેબિયાની ચાલને કારણે સપ્લાય સાઇડ અને પ્રાઇસ શોક બંને ત્વરિત ક્રમમાં આવ્યાં.

અમેરિકા અને સાઉદી અરેબિયા આ ત્રણેય મહાકાય સત્તાઓ એકબીજા સાથે બાથોડીયાં ભરી રહી છે એમાં હવે OPECના બીજા નાના ઉત્પાદકો એ પણ જોડાયા સિવાય છૂટકો નથી.

આમ થવાને કારણે ક્રૂડઑઈલ માર્કેટમાં ઊછળ- કૂદ અને તોફાન (ટર્બુલેન્સ) જોવા મળશે જે ભૂતકાળમાં ક્યારેય દેખાયું નહીં હોય અને એની અસર બીજાં બજારો પર પણ પડશે.

line

ભારત પર પ્રાઇસ વૉરની અસર?

પેટ્રોલ

ઇમેજ સ્રોત, Getty Images

અર્થવ્યવસ્થાની વાત કરીએ છીએ ત્યારે ભારત એવો દેશ છે જે પોતાની ક્રૂડની જરૂરીયાતના 86 ટકા આયાત થકી પૂરી કરે છે તેની હાલત શું થશે? લગભગ 86 ટકા જરૂરિયાત આયાત કરનાર ભારત માટે ક્રૂડઑઈલના ભાવમાં થયેલ ઘટાડો એક રીતે સારા સમાચાર ગણી શકાય.

આને કારણે આપણું આયાત બિલ ઘટી જશે એટલે કે કરંટ એકાઉન્ટ ડિફિસીટ ઘટવાને પરિણામે ફુગાવો પણ નિયંત્રણમાં આવે.

પણ સિક્કાની બીજી બાજુ એ પણ છે કે ભારતીય નિકાસના મોટા ગ્રાહકો જ્યાં ખૂબ મોટી સંખ્યામાં આપણા NRI રહે છે તે છે.

ભારતમાં એન.આર.આઈ. (નૉન-રેસિડન્ટ ઇન્ડિયન) દ્વારા મોકલાતા પૈસામાંથી લગભગ 50 ટકા પૈસા મિડલ-ઇસ્ટમાંથી આવે છે.

ક્રૂડના ભાવમાં કડાકો બોલાઈ જાય તો મિડલ ઈસ્ટના અર્થતંત્ર ઉપર અસર થાય પરિણામે તે દેશમાં નોકરીઓ અને પગારો ઘટે જેને કારણે આપણે ત્યાં મોકલવામાં આવતાં રેમિટન્સ પણ ઘટે.

ભારતીય અર્થવ્યવસ્થા અત્યારે માંદગીના બિછાનેથી માંડ ઊભી થઈ રહી હોય તેવું છેલ્લા બે મહિનાથી દેખાતું હતું કોરોના વાઇરસે વળી પાછી એને ધોબી પછાડ આપી છે એટલે આપણી અર્થવ્યવસ્થા ક્રૂડઑઈલના નીચા ભાવનો લાભ લઇ શકે તેમ નથી.

આજે તારીખ 12-03- 2020 પેટ્રોલના ભાવમાં લિટરે 2.69 અને ડિઝલના ભાવમાં લિટરે 2.33 ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે.

જેથી નોકરિયાતો અને ટ્રાન્સપોર્ટેશનમાં રાહત રહેશે. એવિએશન એટલે કે હવાઈ ઉડાન ક્ષેત્રે જે આ પ્રકારના ભાવ ઘટાડાનું એક મોટું લાભાર્થી બની શકે ત્યાં પણ કોરોના વાઇરસને કારણે પાંખો ટ્રાફિક જોવા મળી રહ્યો છે.

ઓટોમોબાઇલ સૅક્ટરમાં પ્રદૂષણ-નિયંત્રણ ને કારણે ક્વૉલિટીનાં કડક ધારાધોરણો અપનાવતાં જે ભાવ વધારો થયો છે તેમજ વીમાની કિંમત વધી છે તેની કાંઈક અંશે મંદી પર અસર પડતાં હજુ પણ આ સૅક્ટરને મંદીમાથી પૂરેપુરું બહાર આવતાં વાર લાગશે. આનાથી ઓટોમોબાઇલ સૅકટરને નુકસાન થશે કારણ કે નીચી કિંમતને કારણે એમની ઇન્વેન્ટરી ની કિંમત ઘટશે.

કેમિકલ સૅક્ટર ચીન પાસેથી નિયમિત માલ ન મળવાને કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયું છે તદુપરાંત ડૉલરની સામે રૂપિયો નબળો પડતાં ક્રૂડઑઈલના નીચા ભાવમાંથી મળતો થોડોક લાભ ત્યાં પણ ઘસાઈ જશે.

શેરબજાર અને ક્રૂડના ભાવ બંને એકબીજા સાથે જોડાણ ધરાવે છે એટલે જો એકલું આજ ફૅક્ટર હોય તો શૅરબજાર સળગી ઊઠ્યું હોત. અત્યારે આવું નથી.

કોરોના વાઇરસ, વધતી જતી નાણાકીય ખાધ, ડૉલરની સામે ઘસાતો રૂપિયો વગેરેને કારણે શેરબજારની ચાલ પણ કુટાઈ ગઈ છે.

અત્યારે આ બજારને સુધારવા માટે જે નાણાકીય તરલતા જોઈએ તે પણ નથી. આમ ક્રૂડઑઈલના ભાવમાં અણધાર્યો ઘટાડો છતાં તેનો આપણા અર્થતંત્રને ફાયદો થાય તેમ નથી.

કોઈપણ યુદ્ધ ક્યાંકને ક્યાંક એક યા બીજી રીતે બરબાદી અને નુકસાન પાછળ મૂકતું જાય છે.

ક્રૂડઑઈલના ભાવમાં અત્યારે જે પ્રાઇસ વૉર શરૂ થયું છે તે જો લાંબો વખત ચાલશે તો અમેરિકાની શેર કંપનીઓનો કચ્ચરઘાણ નીકળી જશે.

પ્રતિ બેરલ 55 થી 60 ડૉલરની વચ્ચે અથવા એથી વધારે ભાવે ક્રૂડઑઈલ બજારમાં વેચાય તો જ અમેરિકાની આ કંપનીઓ તરતી રહી શકે.

અત્યારે એવું લાગે છે ક્રૂડઑઈલ આયાત કરનાર દેશમાંથી નિકાસ કરનાર દેશ સ્થિતિ એ પહોંચનાર અમેરિકા, રશિયા અને OPEC દેશો પાસેથી બજારમાં ભાગ પડાવવા માટે જે કાંઈ રમત રમ્યું તેમાં એને "હાથનાં કર્યા હૈયે વાગ્યાં" છે.

અમેરિકાને જગત જમાદારી કરવાનો શોખ છે. ટ્ર્મ્પ ફરીવાર પ્રમુખપદની ચૂંટણી લડવા મેદાનમાં ઊતરવાનો છે ત્યારે OPEC અને રશિયા સાથે બેસીને સમજૂતી કર્યા વગર અમેરિકાનો છૂટકો નથી.

આવું નહીં થાય તો બરાબર પ્રમુખની ચૂંટણી ટાણે અમેરિકન અર્થવ્યવસ્થા ખાડામાં પડે તેવું થશે.

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો