શું યસ બૅન્કને ડૂબતી બચાવી શકાઈ હોત?

રાણા કપૂર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ડૉ. જય નારાયણ વ્યાસ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આજકાલ સમાચારો યસ બૅન્ક અને તેની ઘટનાઓની આસપાસ ઘૂમરાઈ રહ્યા છે. ખાનગીક્ષેત્રની આ ચોથા નંબરની બૅન્ક 18,238 કર્મચારી, 1122 બ્રાન્ચ ઑફિસ અને 1720 એટીએમ સાથેની આ બૅન્ક અને એના પ્રમૉટર રાણા કપૂરનો હજુ થોડા વરસો પહેલાં જ ખૂબ મોટો દબદબો હતો.

ઑગસ્ટ 2018માં આ બૅન્કની નાણાકીય તાકાત 90,836 કરોડ હતી, આજે એ ઘસાઈને 9300 કરોડથી નીચે એટલે કે માત્ર 10 ટકા રહી છે.

જાણે એક વ્યવસ્થિત આયોજનનો ભાગ હોય એ રીતે લાખો કરોડોનું ધિરાણ આપી શકનાર આ બૅન્કમાં કોઈ અગમ્ય કારણસર એના પ્રયોજકોનો હિસ્સો ઘટતો ગયો અને એ માત્ર 8.33 ટકા સુધી પહોંચ્યો.

બૅન્કના ડિફોલ્ટર્સમાં મોટી-મોટી કંપનીઓ અને ગણમાન્ય નામ જોવા મળે છે, જેમાં આઈએલ ઍન્ડ એફએસ, અનિલ અંબાણી ગ્રૂપ, સીજી પાવર, કોક્સ ઍન્ડ કિંગ્સ, સીસીડી, એસ્સેલ વર્લ્ડ (Zee) એસ્સાર ગ્રૂપ, રેડિયસ ડૅવલપમૅન્ટ જેવાં નામો સામેલ છે.

News image

થોડા સમય પહેલાં પંજાબ અને મહારાષ્ટ્ર બૅન્ક નબળી પડી હતી એ સમાચારની શાહી હજુ સુકાઈ નથી ત્યાં યસ બૅન્કનું પ્રકરણ ચમક્યું છે.

ફરક માત્ર એટલો છે કે પંજાબ અને મહારાષ્ટ્ર બૅન્કમાં લગભગ 51 હજાર એકાઉન્ટ હતાં એટલે એક મોટા તળાવમાં નાની કાંકરી નાખીએ અને નગણ્ય કહી શકાય એવા તરંગો ઊઠે તે રીતે પીએમસી બૅન્કનું પ્રકરણ સમેટાઈ ગયું.

line

યસ બૅન્કમાં બધું બરાબર ન ચાલી રહ્યું હોવાનો અંદેશો

યસ

ઇમેજ સ્રોત, Getty Images

યસ બૅન્કના કિસ્સામાં આવું થાય તેમ નથી, કારણ કે 21 લાખ જેટલા ખાતેદારોને આ બૅન્ક સેવા આપે છે. યસ બૅન્કમાં બધું બરાબર નથી ચાલી રહ્યું એ અંદેશો ભારતીય રિઝર્વ બૅન્કને પણ આવેલો અને એના પગલે પગલે રાણા કપૂરને વિદાય કરીને બીજા મૅનેજિંગ ડિરેક્ટર રવીન્દ્ર ગિલને મુકાયેલા.

મે 2019થી બૅન્કના પૂર્વ ડેપ્યુટી ગવર્નરને પણ આ બૅન્કના બોર્ડમાં મૂકવામાં આવ્યા હતા. આમ છતાંય યસ બૅન્ક જાણે કે પૈસા ફેંકી દેવાના હોય તે રીતે ધડાધડ ધિરાણ કરવા માટે કામે લાગી હતી. આ ગતિ કેટલી તેજ હતી તેનો ખ્યાલ નીચેની વિગતો પરથી આવી શકશે.

આમ જ્યારે આખા બૅન્કિંગ સૅક્ટરની સરેરાશ લગભગ 9.5થી 10 ટકાના દરે લોનબુક વધી રહી હતી ત્યારે છેલ્લાં પાંચ વરસ યસ બૅન્ક પ્રતિ વરસ 35 ટકાના દરે આગળ વધી રહી હતી. એમાં પણ 2016 (98,210 કરોડ)થી 2018 (2,03,534 કરોડ) એમ બે વરસમાં સરેરાશ 100 ટકાના દરે વધી!

પ્રશ્ન એ થાય છે કે દરેક શિડ્યુલ કૉમર્શિયલ બૅન્ક માટે ઇન્ટરનલ ઑડિટ, કૉમર્શિયલ ઑડિટ અને ઍક્સટર્નલ ઑડિટ ફરજિયાત હોય છે.

દરેક બૅન્કે પોતાનો ક્વાર્ટરલી સ્ટેટમેન્ટ (ત્રિમાસિક), હાફ ઇયરલી (અર્ધવાર્ષિક) સ્ટેટમેન્ટ અને વાર્ષિક બૅલેન્સિટ એટલે કે સરવૈયું રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તેમજ ભારત સરકારના નાણા મંત્રાલયને આપવું પડે છે.

આ વિગતો જોતાં સ્વાભાવિક પ્રશ્ન એ થાય કે રિઝર્વ બૅન્ક તેમજ ભારત સરકારનું નાણા મંત્રાલય બંનેએ આ પ્રકારના ત્રિમાસિક, અર્ધવાર્ષિક કે વાર્ષિક સરવૈયામાંથી ઊડીને આંખે વળગે એવી આ વિગતો કેમ નહીં જોઈ હોય?

જો આ વિગતો ઉપર ધ્યાન અપાયું હોત તો યસ બૅન્કનો ફિયાસ્કો ઘણો વહેલો રોકી શકાયો હોત અને જ્યારે પહેલી વાર જાન્યુઆરી 2019ના ત્રિમાસિક ગાળામાં યસ બૅન્કે નુકસાન બતાવ્યું ત્યારે તાત્કાલિક અથવા એ પહેલાં ઘટતા પગલાં લઈને યસ બૅન્કની હાલકડોલક નાવને થોડી ઘણી સ્થિર કરી શકાઈ હોત.

line

સમય જતાં બધું ઠીક થઈ જશે?

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

કેટલાક ખાસ અપવાદો સિવાય આજે યસ બૅન્ક એના ખાતાધારકોને મહિને 50 હજાર ઉપર રકમના ટ્રાન્ઝેક્શન કરવાની મનાઈ ફરમાવી છે જેને કારણે કૉન્ટ્રાક્ટરો, શૅરબ્રોકરો તેમજ અન્ય વ્યાપારીઓ પોતાનું વલણ ચૂકવવામાં પૈસા હોવા છતાં નિષ્ફળ જશે.

નોકરિયાતના કિસ્સામાં EMI તેમજ દર મહિને ચૂકવવાના થતા ગેસબિલ, વીજળીબિલ અને અન્ય જવાબદારીઓ ચૂકવવામાં નિષ્ફળ જવાને કારણે ઘણી મોટી વિટંબણાઓ ઊભી થશે.

અત્યારે એમ કહેવાય છે કે આ બધું કામચલાઉ છે અને એકાદ મહિનામાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા મૅનેજમેન્ટ સંભાળી લેવાતાં પરિસ્થિતિ પુનઃ થાળે પડી જશે.

ભારત સરકારના નાણામંત્રીએ આ જાહેર કર્યું છે, રિઝર્વ બૅન્કે કાંઈક આવો જ પુનરોચ્ચાર કર્યો છે એટલે આમાં અવિશ્વાસ રાખવાનું કારણ દેખાતું નથી અને ભારતીય અર્થવ્યવસ્થાના હિતમાં આપણે ઇચ્છીએ કે પરિસ્થિતિ ઝડપથી થાળે પડી જાય.

બૅન્કિંગક્ષેત્ર કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાની કરોડરજજુ છે. કાર્યક્ષમ અને અસરકારક બૅન્કિંગ વ્યવસ્થા વગર અર્થવ્યવસ્થા પાંગળી બની જાય અને વેપારધંધો પડી ભાંગે એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય.

આ સંદર્ભમાં જોઈએ તો આખા દેશના બૅન્કિંગ સૅક્ટરની Total Impaired Assets (એટલે કે ખરાબ લોન અથવા NPA) ડિસેમ્બર 2019ની સ્થિતિએ 16,88,600 કરોડ હતી જે બૅન્કિંગ સૅક્ટર દ્વારા આપવામાં આવેલા કુલ ધિરાણના 15.7 ટકા થાય.

આમાંથી 2014 બાદના કેટલીક NPA Right Off (માફ) કરવામાં આવ્યા છે જે રકમ 7,78,000 કરોડ એટલે કે કુલ ધિરાણના 7.3 ટકા થાય. 2018-19ના એક જ વરસમાં 1.83 લાખ કરોડ ઉડાડી દેવાયા.

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા

ઇમેજ સ્રોત, Getty Images

આ બધાને કારણે ડિસેમ્બર 2019માં ગ્રૉસ એનપીએ 9,10,800 કરોડ એટલે કે કુલ ધિરાણના લગભગ 8.4 ટકા થઈ ગયું. આમાં એક સ્પષ્ટતા કરી લેવી જોઈએ કે નિર્મલા સીતારમણે જાહેર કર્યા મુજબ લઘુ અને મધ્ય એકમોની સ્ટ્રેસ્ડ ઍસેટ્સ માર્ચ 2020 સુધી NPAમાં ગણવાની નથી.

જો આ મુદત લંબાવાય તો ફરી NPAની ટકાવારી વધશે. મુદ્રાલોનના કિસ્સામાં ઉપલબ્ધ માહિતી મુજબ 2 લાખ કરોડ (છેલ્લાં સાડા ચાર વરસમાં) Right Off કરવામાં આવ્યા છે અને 17 હજાર કરોડનું NPA છે. આ વાત ધ્યાનમાં લેવી જોઈએ.

પણ આનાથી વધુ ગંભીર બાબત તો એક યા બીજા પ્રકારની છેતરપિંડી કરીને સરકારી બૅન્કોને ચૂનો લગાવવાનું એક મસમોટું કૌભાંડ માહિતીના અધિકાર હેઠળ (RTI) પ્રાપ્ત વિગતો મુજબ બહાર આવ્યું છે.

ચાલુ નાણાકીય વરસના પહેલા નવ મહિનામાં એપ્રિલથી ડિસેમ્બર 2019માં કુલ 18 સરકારી બૅન્કોમાં 1.30 લાખ કરોડની છેતરપિંડીના 8926 કેસ નોંધાયા છે જેમાંથી મુખ્ય બૅન્કોની વિગતો નીચે મુજબ આપેલી છે.

છેતરપિંડીના આ કેસમાં 4769 કિસ્સાઓ થકી 30,000 કરોડ કરતાં વધુ ચૂનો ભારતીય સ્ટેટ બૅન્કને લગાવવામાં આવ્યો છે. ત્યારબાદ 14,928 કરોડ (294 કેસ) સાથે પંજાબ નેશનલ બૅન્ક બીજા નંબરે અને 11,166 કરોડ (250 કેસ) સાથે બૅન્ક ઑફ બરોડા ત્રીજા નંબરે છે.

આ વિગતો એપ્રિલથી ડિસેમ્બર 2019ના નવ મહિનાના સમયગાળાની છે. એટલે દર મહિને સરેરાશ 1,000 કેસ થકી બૅન્કોને મહિને 13,000 કરોડ જેટલા રૂપિયા છેતરપિંડી થકી ગુમાવવા પડે છે. આ વિગતો માત્ર છેતરપિંડીના કિસ્સાઓની જ છે. એનાથી ગ્રાહકોને કેટલું નુકસાન થયું તેની કોઈ વિગતો પ્રાપ્ત થતી નથી.

યસ બૅન્કની આ ઘટનાને કારણે ગ્રાહકોને ઘણી બધી અગવડ પડી છે. નિયત મર્યાદામાં પણ પૈસા ઉપાડવા માટે બેરર ચેક સિવાયના તમામ વિકલ્પો બંધ કરવામાં આવ્યા છે.

RTGS, IMPS ECS, AUTOPAY અને ચેક ડેબિટ બંધ કરતાં તમારા ખાતામાં પૈસા હોય તો પણ બીજી બૅન્કમાં યસ બૅન્કના ચેકથી પૈસા નહીં ભરી શકાય તેવી જ રીતે બીજી બૅન્કના લૉન એકાઉન્ટમાં ECS કે AUTOPAY થકી પૈસા ભરવાનું પણ કામમાં નહીં આવે.

માર્ચ મહિનો એટલે ટેક્સ ભરવાનો મહિનો છે. 15 માર્ચ પહેલાં જેમને ઍડવાન્સ ટેક્સની ચુકવણી કરવાની છે એવા યસ બૅન્કનાં ખાતાં ધરાવતા વેપારીઓ કે ઉદ્યોગકારો પણ ટેક્સ ભરવામાં ફાંફાં પડી રહ્યા છે અને તેની અસર વેપારીઓ સાથે કામ કરનાર મજૂરોથી લઈને તમામ પર પડે છે.

line
એસબીઆઈ

ઇમેજ સ્રોત, Getty Images

યસ બૅન્ક લાંબા સમયથી સંકટમાં હતી. મુંબઈની સિટીઝન વ્હિસલ બ્લૉવર નામની સંસ્થાએ યસ બૅન્કના ડિરેક્ટર રાણા કપૂરના પરિવારજનોને 2034 કરોડની લૉન અપાઈ હોવા બાબતે નવેમ્બર 2019માં હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

તિરુપતિ મંદિર ટ્રસ્ટે યસ બૅન્કમાં મૂકેલા 1300 કરોડ રૂપિયા થોડા મહિના પહેલાં જ ઉપાડી લીધા હતા. પણ ભગવાન જગન્નાથના લગભગ 550 કરોડ રૂપિયા યસ બૅન્કમાં સલવાઈ ગયા હોવાનું કહેવાય છે.

ગુજરાતના એક અગ્રણી ઔદ્યોગિક જૂથે 25 ફેબ્રુઆરીથી જ ગેસના બિલપેટે બૅન્કમાં ચેક સ્વીકાર કરવાની ધરાર ના પાડી દીધી હતી.

આ ઔદ્યોગિક જૂથને બૅન્ક વિશ્વાસપાત્ર નથી રહી એવું સમજાયું હોય તો જેના બોર્ડમાં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગવર્નર હોય, સૅન્ટ્રલ બૅન્કર તરીકે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને જેને મૉનિટર કરવાની જવાબદારી હોય તે પ્રમાણમાં લાંબો ગાળો કહી શકાય એટલા લાંબા સમયથી ડૂબેલા ધિરાણને લગતી સમસ્યાઓ હતી.

એને બે અબજ ડૉલરના રોકાણની જરૂર ઊભી થઈ હતી તે સામે છેલ્લાં બે વરસમાં અનેક રોકાણકારો સાથે એણે વાતચીત ચલાવી હતી ત્યારે નાણામંત્રી અને રિઝર્વ બૅન્ક બેમાંથી એકેયને સવેળા કાર્યવાહી કરવાનું સૂઝયું નહીં એ એક નવાઈ કહેવી કે બેદરકારી તે સમજાતું નથી.

મોડેમોડે પણ નાણામંત્રી અને રિઝર્વ બૅન્ક જાગ્યાં છે અને યસ બૅન્કમાં જેના પણ પૈસા છે તે સલામત છે તેમજ એને સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા સાથે રહીને પુનર્જીવિત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને હાલમાં લગાવેલા પ્રતિબંધ પણ ખૂબ ટૂંકા ગાળામાં દૂર થઈ જશે એવો અંદેશો નિર્મલા સીતારમણે આપ્યો છે.

યસ બૅન્ક

ઇમેજ સ્રોત, Getty Images

મજાની વાત તો એ છે કે આ ખાડે ગયેલી બૅન્ક જેના શૅરની નેટવર્થ માઇનસમાં આવે એ આખોય પૉર્ટફોલિયો સ્ટેટ બૅન્કનો વહીવટ સોંપતા માત્ર ટોકન 1 રૂપિયામાં લઈ લેવાને બદલે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 49 ટકા જેટલી મોટી બે રૂપિયાની ફેસ વૅલ્યૂ ધરાવતા શૅર સામે 10 રૂપિયા ચૂકવીને લેશે એવું શું કામ?

સ્ટેટ બૅન્ક હોય કે પછી એલઆઈસી છેવટે ડિપૉઝિટધારકોને તારવાને નામે આપણા જ પૈસા એક ગજવામાંથી બીજાના ગજવામાં જવાના છે.

જે રીતે સહારાના સુબ્રતો રોયને પોતાની મિલકતો વેચીને પૈસા ભરી દેવા માટે ફરજ પાડી શકાય તે જ રીતે રાણા કપૂરને તેના પરિવારની ભારતમાં અને ભારત બહાર વસાવેલી કોઈ સંપત્તિ હોય તેને વેચીને મહત્તમ રકમ આવે તે જમા લેવી જોઈએ.

સાથેસાથે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા યસ બૅન્કનાં નાણાં સલવાયાં હોય તેની કડકમાં કડક રીતે લઈને વસૂલીની કાર્યવાહી કરી પાછા મેળવવા જોઈએ.

આ કૌભાંડમાં જે કોઈ સંડોવાયા છે તેમને તાત્કાલિક અસરથી જેલભેગા કરવા જોઈએ અને એવી નમૂનારૂપ કાર્યવાહી કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ કૌભાંડી પ્રજાનાં નાણાંની ઉચાપત કરવાની હિંમત ન કરી શકે.

જો આવું નહીં થાય તો આ પ્રકારનાં કૌભાંડોના કિસ્સા વધતાં જ રહેશે એમાં કોઈ શંકા નથી.

યસ બૅન્કનું આ આખું પ્રકરણ બહુ ઝડપથી સુલટાય અને ભારતીય બૅન્ક વ્યવસ્થામાં રોકાણકારો અને ડિપૉઝિટરીનો વિશ્વાસ મજબૂત બને તે દિશામાં ભારતીય રિઝર્વ બૅન્ક અને નાણામંત્રીએ પગલાં લેવાં જોઈએ.

નાણામંત્રીનાં ઉચ્ચારણો આ દિશામાં ઝડપથી કંઈક ઉકેલ નીકળશે એવી હૈયાધારણ પૂરી પાડે છે. આપણે આશા રાખીએ કે એ સાચી પડે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો