Women's T20 World Cup : એમિલાએ આક્રમક બેટિંગ કરી શ્વાસ અદ્ધર કરી દીધાં પણ કૅપ્ટનશિપે કમાલ કરી

પૂનમ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂનમ યાદવ
    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

આઇસીસી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે ગુરુવારે પણ પોતાની વિજયકૂચ જારી રાખતાં ન્યૂઝીલૅન્ડને ચાર રનથી હરાવી દીધું અને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો.

શફાલી વર્માનું જોરદાર ફોર્મ ભારતને આ મૅચમાં પણ લાભ કરાવી ગયું હતું.

ઘણા સમય બાદ ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમને એવા ખેલાડીઓ મળી છે જેમની ઉપર ટીમ ઇનિંગ્સના પ્રારંભમાં ભરોસો રાખી શકે છે.

ગુરુવારે ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં ભારત જીતે તો તેનો સેમિફાઇનલ પ્રવેશ લગભગ નિશ્ચિત હતો અને એ સંજોગોમાં સ્મૃતિ મંધાનાનું પુનરાગમન જરૂરી હતું.

જોકે, પરત ફરેલાં ટીમના સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના આ મૅચમાં ખાસ કમાલ ન કરી શક્યાં અને સસ્તામાં આઉટ થઈ ગયાં.

News image
ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

આ સંજોગોમાં શફાલી વર્મા ટકી રહે તે જરૂરી હતું. સારી શરૂઆત છતાં ભારતે જંગી સ્કોર તો ન કરી શક્યું પરંતુ 133 રનનો સ્કોર પડકારજનક ચોક્કસ રહ્યો.

પૂનમ યાદવ, રાધા યાદવ અને શિખા પાંડે જે રીતે બૉલિંગ કરી રહ્યાં છે તે જોતાં આ સ્કોર પર તેઓ લડત આપી શકે તેમ હતાં અને અંતે એમ જ બન્યું.

જોકે ટીમની સફળતાનો સંપૂર્ણ શ્રેય શફાલી વર્માને આપવો ઘટે કેમ કે તેમણે એકલાં હાથે જ ભારતને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી હતી.

હરિયાણાની 16 વર્ષીય શફાલીને વિમેન્સ ક્રિકેટના સચીન તેંડુલકર માનવામાં આવે છે અને આ માન્યતાને યથાર્થ ઠેરવતાં તેમણે આ ટુર્નામેન્ટમાં લગભગ દરેક મૅચમાં શાનદાર બેટિંગ કરી છે.

ગુરુવારે શફાલીએ તેની આક્રમક શૈલીમાં ઇનિંગ્સનો પ્રારંભ કરીને 34 બૉલમાં ત્રણ સિક્સર અને ચાર બાઉન્ડરી સાથે 46 રન ફટકાર્યા હતાં જે માત્ર ભારતીય ટીમ માટે જ નહીં પરંતુ આ મૅચમાં પણ સર્વોચ્ચ સ્કોર બની રહ્યો.

ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

અગાઉ બાંગ્લાદેશ સામેની મૅચમાં પણ શફાલીએ આ જ રીતે બેટિંગ કરીને ચાર સિક્સર સાથે માત્ર 17 બોલમાં 39 રન ફટકારીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

ભારતીય ટીમના કૅપ્ટન હરમનપ્રિત કૌર અને અનુભવી સ્મૃતિ મંધાના તેમના અસલ ફોર્મમાં નથી ત્યારે ટીમને એવા ખેલાડીની જરૂર છે જે દરેક મેચમાં પોતાની છાપ ઉભી કરી શકે.

આ માટે કૅપ્ટન અને પસંદગીકારો સૌ પ્રથમ શફાલી પર નજર દોડાવે છે અને તેને અનુરૂપ રમત હરિયાણવી યુવતી દાખવી રહ્યાં છે.

શફાલીના 46 રન બાદ બીજા ક્રમે તાનિયા ભાટિયાનો દેખાવ સરસ રહ્યો. વન ડાઉન આવેલા તાનિયાએ 25 બૉલમાં 23 રન કર્યાં.

line

ભારતની શાનદાર બૉલિંગ

પૂનમ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂનમ યાદવ

134 રનના ટાર્ગેટ સાથે રમતી કિવિ ટીમને રોકી રાખવામાં બૉલરો પણ કમાલ કરી હતી. ભારતીય બૉલિંગની ખાસિયત એ છે કે મોટા ભાગના બૉલરો ફોર્મમાં છે.

પૂનમ યાદવ તો ટુર્નામેન્ટનાં શ્રેષ્ઠ બૉલર તરીકે આગળ આવ્યાં છે જ્યારે રાધા યાદવ અને શિખા પાંડે પણ શાનદાર બૉલિગં કરી રહ્યાં છે.

સૂઝી બેટ્સ જેવાં ખતરનાક બેટસવુમનને દિપ્તી શર્માએ આઉટ કર્યા.

મેડી ગ્રીન અને કેટી માર્ટિન તેની ટીમને નિજય અપાવી શકે તેવી સ્થિતિમાં હતાં પરંતુ ભારતે સમયાંતરે વિકેટો ખેરવતા રહીને હરીફ ટીમ પર રનગતિનું દબાણ બનાવી રાખ્યું હતું.

આમ છતાં એમિલા કેરે મૅચ છેલ્લી ઑવર સુધી લઈ જઈને રોમાંચક બનાવી હતી. કૅપ્ટન હરમનપ્રિત કૌરે બેટિંગમાં તો ખાસ યોગદાન આપ્યું નહીં પરંતુ બોલિંગમાં તેમણે ચતુરાઈપૂર્વક પરિવર્તન કર્યા હતાં. તેમની સૂઝને કારણે જ અંતિમ ઓવરમાં પૂનમ યાદવને બૉલિંગ કરવાનું આવ્યું હતું અને તેમણે ન્યૂઝીલૅન્ડ ટાર્ગેટ સુધી ન પહોંચી શકે તેની ખાતરી કરાવી દીધી.

શફાલી વર્માને યોગ્ય રીતે જ વુમન ઑફ ધ મૅચ ઘોષિત કરાયાં છે. જો તેમનું આ જ ફોર્મ રહ્યું તો ભારત આ વર્લ્ડ કપમાં કમાલ કરી શકે છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો