કોરોના વાઇરસ : ચીનના વુહાનમાં ફસાયેલા 324 મુસાફર સ્વદેશ પરત ફર્યા - Top News

ચીનના વુહાન પ્રાંતમાં ફસાયેલા 324 ભારતીયો સાથે ઍર ઇન્ડિયાનું વિમાન ભારત આવ્યું છે.

ન્યૂઝ એજન્સી એ.એન.આઈ.ના રિપોર્ટ મુજબ આ મુસાફરો વિશેષ ફ્લાઇટ દ્વારા શનિવારે સવારે દિલ્હી પહોંચ્યા, જ્યાંથી તેમને ભારતીય સેના તથા આઈટીબીપીની હૉસ્પિટલોમાં લઈ જવામાં આવશે, જ્યાં તેમના માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ભારતીય સેના દ્વારા હરિયાણાના માનેસર ખાતેની હૉસ્પિટલમાં ચીનથી આવનારા મુસાફરો માટે અલગ સુવિધા ઊભી કરવામાં આવી છે, જ્યાં તેમને ચેપ લાગ્યો છે કે કેમ, તેની ચકાસણી ભારતીય સેના તથા ઍરપૉર્ટના તબીબી સત્તામંડળ દ્વારા કરવામાં આવશે.

માનેસર ખાતે ત્રણસો લોકોને અલગથી રાખી શકાય તથા તેમની ચકાસણી થઈ શકે તે માટે સુવિધા ઊભી કરવામાં આવી છે.

જ્યારે નવી દિલ્હીમાં ચાવલ કૅમ્પ ખાતે આઈટીબીપી (ઇન્ડો-તિબેટિયન બૉર્ડર પોલીસ ફોર્સ) દ્વારા 600 મુસાફરોને અલગ રાખવાની તથા તેમની ચકાસણીની સુવિધા ઊભી કરવામાં આવી છે. આ માટે આઈટીબીપીના તબીબોને તહેનાત કરવામાં આવ્યા છે.

ગુજરાતનાં મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિને ટાંકતાં અમદાવાદ મિરર લખે છે, "ગુજરાતમાં 59 લોકોને કોરોના વાઇરસ સંદર્ભે વોચમાં રાખવામાં આવ્યા છે, તેમને આગામી 14 દિવસ સુધી ઘરમાં જ રહેવા અને જો તેમનામાં રોગનાં લક્ષણો દેખાય તો જાણ કરવા કહેવામાં આવ્યું છે."

બીજી બાજુ, ચીનમાં આ રોગને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા 258 ઉપર પહોંચી ગઈ છે.

સરસ્વતીવિસર્જન સમયે હિંસા

બિહારની રાજધાની પટણામાં સરસ્વતીવિસર્જન સમયે હિંસા ફાટી નીકળી હતી.

ન્યૂઝ ચેનલ એ.બી.પી. લાઇવના અહેવાલ મુજબ, પીરબહોરના લાલબાગ વિસ્તારમાં પટણા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ તથા કેટલાક શખ્સો વચ્ચે અથડામણ થઈ હતી.

આ દરમિયાન ગોળીબાર થયાના તથા બૉમ્બમારો થયો હોવાના પણ અહેવાલ છે. હુલ્લડખોરોએ એક ગાડીને આગ ચાંપી દીધી હતી.

પોલીસના જણાવ્યા પ્રમાણે, સી.સી.ટી.વી. ફૂટેજના આધારે હુલ્લડખોરોની તપાસ હાથ ધરવામાં આવશે. હાલમાં આ વિસ્તારમાં તણાવપૂર્ણ શાંતિ પ્રવર્તે છે અને ભારે સંખ્યામાં પોલીસબળ તહેનાત કરી દેવાયું છે.

ભીમા-કોરેગાંવ પંચ પાસે પૈસા નહીં

ભીમા-કોરેગાંવ હિંસાની તપાસ કરવા માટે નિમાયેલા બે-સભ્યના પંચે રાજ્ય સરકારને ભલામણ કરી છે કે તેને વિખેરી નાખવામાં આવે. આ માટે પંચ દ્વારા નાણાના અભાવનું કારણ આપવામાં આવ્યું છે.

હિંદુસ્તાન ટાઇમ્સે પત્રની નકલને ટાંકતાં જણાવ્યું છે કે જ્યારે પણ પડતર બિલ અંગે પૃચ્છા કરવામાં આવે છે, ત્યારે રાજ્યના ગૃહવિભાગના કર્મચારીઓ દ્વારા કમિશનના સુપરિન્ટેન્ડન્ટને હડધૂત કરવામાં આવે છે.

પ્રાથમિક તપાસમાં એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે યલગાર પરિષદને માઓવાદીઓનું સમર્થન હાંસલ હતું જેના કારણે જ્ઞાતિ-આધારિત હિંસા ફાટી નીકળી હતી.

બીજી બાજુ, તાજેતરમાં મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે દાવો કર્યો છે કે ભીમા-કોરેગાંવની હિંસા પાછળ ભાજપનો હાથ છે.

પહેલી જાન્યુઆરી 2018ના દિવસે પુના જિલ્લાના ભીમા-કોરેગાંવ ખાતે હિંસા ફાટી નીકળી હતી, જેની તપાસ કરવા માટે આ પંચ નીમાયું હતું.

દલિત સૈનિકોની મદદથી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ મહારાષ્ટ્રના પેશ્વાઓને પરાજય આપ્યો હતો, જેની 200 વર્ષની ઉજવણી સંદર્ભે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો