You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
2002 રમખાણો : સરદારપુરા કેસના 14 ગુનેગારને જામીન કેવી રીતે મળ્યા? - દૃષ્ટિકોણ
- લેેખક, મિહિર દેસાઈ
- પદ, પ્રોફેસર - હાર્વર્ડ લૉ સ્કૂલ, બીબીસી ગુજરાતી માટે
ગુજરાતના સરદારપુરા કેસમાં સુપ્રીમ કોર્ટે હાલમાં જ 14 ગુનેગારોને જામીન આપ્યા તેના તરફ ઘણાનું ધ્યાન ખેંચાયું છે.
33 નિર્દોષ મુસ્લિમોના હત્યાકાંડમાં લાંબો સમય પૂર્ણ કક્ષાની ટ્રાયલ ચાલ્યા બાદ આ 14 ગુનેગાર ઠર્યા હતા.
2002માં ગુજરાતનાં રમખાણો દરમિયાન આ બનાવ બન્યો હતો, 17 મહિલા અને આઠ બાળક ભોગ બન્યાં હતાં. તે ગુના માટે કુલ 56 (હિંદુ) આરોપીઓ હતા.
આ બધાને બે મહિનામાં જ જામીન મળી ગયા હતા. સુપ્રીમ કોર્ટને ગુજરાતમાં થયેલી તપાસમાં ખામી જણાયા પછી તેની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમને સોંપી હતી.
વિશેષ સરકારી વકીલ અને ખાસ નિમાયેલા જજને આઠ રમખાણોના કિસ્સાની કાર્યવાહી સોંપાઈ હતી, જેમાં સરદારપુરાનો પણ સમાવેશ થતો હતો.
ટ્રાયલ કોર્ટે તેમાંથી 31ને દોષી ઠેરવ્યા હતા અને તેમને આજીવન કેદની સજા કરી હતી. તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી, ત્યારે તેમાંથી 14ની સજા યથાવત્ રહી હતી, જ્યારે બાકીનાને નિર્દોષ છોડી દેવામાં આવ્યા હતા.
આ પ્રકારના કેસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવે ત્યારે સામાન્ય રીતે જામીન આપવામાં આવતા નથી.
ટ્રાયલ ચાલતી હોય ત્યારે જામીન આપવા એ અપવાદ નહીં, પણ નિયમ હોય છે, પરંતુ આજેય જેલમાં 68% કેદીઓ અન્ડરટ્રાયલ હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેસ ચાલતો હોય અને જામીન ન મળવાથી અન્ડરટ્રાયલ તરીકે કેદી હોય તેવા 53% દલિત, આદિવાસી અને મુસ્લિમ હોય છે.
કાચા કામના આવા કેદીઓમાં 29% અભણ હોય છે. મોટા ભાગના આ આરોપીઓ જેલમાં જ રહે છે, કેમ કે તેમની પાસે જામીન માટે લડે તેવા વકીલો નથી હોતા.
ન્યાય સહાય માટેનું તંત્ર બિલકુલ મદદરૂપ હોતું નથી. જામીન મળી જાય તેમ હોય ત્યારે પણ જામીન આપવા કે જાતમુચરકાની રોકડ રકમ ભરવા જેવી શરતો તેઓ પાળી શકે તેમ હોતા નથી.
સુપ્રીમ કોર્ટે સરદારપુરા કેસમાં જેમને જામીન આપ્યા છે, તે અન્ડરટ્રાયલ કેદીઓ નથી, પણ દોષી સાબિત થયેલા છે. તેમને ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ ગુનેગાર ઠેરવ્યા છે.
ગુનેગાર સાબિત થયેલાને પણ જામીન મળી શકતા હોય છે, પરંતુ સુપ્રીમ કોર્ટનું હાલનું વલણ અકળામણ પેદા કરે તેવું છે.
સામાન્ય રીતે ખૂનના ગુનામાં સુપ્રીમ કોર્ટ જામીન આપતી નથી, પરંતુ 2019માં સુપ્રીમ કોર્ટે આરોગ્યના કારણસર બાબુ બજરંગીને જામીન આપ્યા હતા.
બાબુ બજરંગી સામે પણ બે વાર ખૂનનો ગુનો સાબિત થયો છે.
સ્ટિંગ ઑપરેશનમાં બાબુ બજરંગીએ એવી બડાશ હાંકી હતી કે તેમણે કઈ રીતે 2002માં નરોડા પાટિયામાં મુસ્લિમોની હત્યા કરી હતી અને કઈ રીતે ગર્ભવતીનું પેટ ચીરી નાખ્યું હતું અને કઈ રીતે તેના ભ્રૂણને ત્રિશૂળમાં ભરાવ્યું હતું.
બાદમાં નરોડા પાટિયા કેસના બીજા ત્રણ દોષીને પણ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા.
ગુજરાતમાં જેના કારણે રમખાણો થયાં તે સાબરમતી એક્સપ્રેસને સળગાવી દેવાના કિસ્સામાં 94ની ધરપકડ થઈ હતી.
તે આરોપીઓને જામીન આપવામાં આવ્યા નહોતા અને ટ્રાયલ બાદ આખરે તેમાંથી 31 જ દોષી સાબિત થયા હતા. બાકીના લોકોને ધરપકડનાં 8 વર્ષ પછી કેદમાંથી છોડવામાં આવ્યા હતા.
તેની સામે 2002ના ગોધરા બનાવ પછીનાં રમખાણોમાં પકડાયેલા મોટા ભાગના આરોપીઓને જામીન આપી દેવાયા હતા. (બાદમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફરીથી ધરપકડો કરી હતી.)
ઘણા બધા કિસ્સામાં પ્રોસેક્યુશન દ્વારા જામીનનો વિરોધ પણ કરવામાં આવ્યો નહોતો.
તેની સામે ભીમા કોરેગાંવ કેસમાં શું થયું છે તે જુઓ. તેમાં પકડાયેલા લોકોમાંથી કેટલાક પ્રોફેસર અને વકીલો છે, જેમના પર માઓવાદી હોવાનો આરોપ મુકાયો છે.
કહેવાતો પત્ર લખાયો (જે પત્રને સુપ્રીમ કોર્ટને શંકાસ્પદ લાગ્યો છે) તેના આધારે તેમના પર આરોપ મૂકાયો હતો.
આ પત્ર તેમની પાસેથી નહોતો મળ્યો, તેમને સંબોધીને નહોતો લખાયો, તેમના સરનામે નહોતો મોકલાયો (ઈ-મેઇલથી પણ નહીં) તેમ છતાં તેમના પર આરોપ મુકાયો હતો.
આ કહેવાતા પત્રોમાં કોઈની સહી નહોતી, કોઈના હસ્તાક્ષરમાં લખાયા નહોતા અને માત્ર ટાઇપ કરેલા હતા. તેમ છતાં આરોપીઓને દોઢ વર્ષ સુધી જામીન આપવામાં આવ્યા નહોતા.
આવી જ સ્થિતિ પ્રોફેસર સાઈબાબાની છે. અધકચરા પુરાવાને આધારે તેમને માઓવાદી ઠેરાવી દેવાયા છે.
તેઓ 90% અપંગ છે, જીવજોખમી બીમારીઓથી પીડાય છે અને તેમની અપીલ હાઈકોર્ટમાં પૅન્ડિંગ છે, છતાંય તેમને જામીન મળ્યા નથી.
એ જ રીતે આઈપીએસ ઑફિસર સંજીવ ભટ્ટ દોષી સાબિત થાય તે પહેલાં તેમને જામીન આપવા ઇન્કાર થયો હતો.
તેનાથી સવાલ ઊભા થાય છે કે શું તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કર્યો એટલે તેમને ભોગવવું પડી રહ્યું છે.
કઈ શરતોને આધારે જામીન અપાયા છે તે પણ ધ્યાન ખેંચે છે. તમારે વતન ગુજરાતમાં પ્રવેશ નહીં કરવાનો અને તમારે મધ્ય પ્રદેશમાં સામાજિક સેવા કરવાની તેવી શરતો રખાઈ છે.
આ રીતે સુધારણા માટેનો જ ઉદ્દેશ હોય તો તે રીત બધાના કેસમાં લાગુ કરવી જોઈએ.
બળાત્કારના કેસમાં ફાંસી થઈ હોય, સાબરમતી એક્સપ્રેસને સળગાવી દેવાના કેસમાં આજીવન કેદ થઈ હોય કે અધકચરા પુરાવાના આધારે કોઈને નક્સલી ઠેરાવી દેવાયા હોય- તે બધા કિસ્સામાં એકસમાન ધોરણ અપનાવવું જોઈએ.
દેશના બિનસાંપ્રદાયિક બંધારણના આધારે તૈયાર થયેલી સુપ્રીમ કોર્ટ પણ ધાર્મિક આધારે નિર્ણયો કરે છે તેવી છાપ ઘણાના લોકો મનમાં હવે પડી રહી છે.
આવા ઘણા બધા કેસ ધ્યાન ખેંચી રહ્યા છેઃ જેમ કે, હદિયાની શાદીનો કેસ, જેમાં એનઆઈએને તપાસ સોંપવામાં આવી હતી; કલમ 370ની વાત, જેના વિશેની અરજીઓને પ્રાથમિકતા આપવામાં નથી આવી; કાશ્મીરમાં ઇન્ટરનેટ પર પ્રતિબંધના મુદ્દે સુપ્રીમ કોર્ટે હાથ ઊંચા કરી દીધા; ધાર્મિક રીતે ભેદ કરતાં CAAનો મામલાને હાથમાં લેવા વિલંબ; આસામમાં થયેલી એનઆરસીની પ્રક્રિયા; અયોધ્યાનો ચુકાદો જે આસ્થાના મુદ્દે વધારે અપાયો હોય તેમ લાગે છે; જામિયા મિલિયામાં પોલીસ બળપ્રયોગ કેસમાં દખલગીરી કરવાની મનાઈ; સબરીમાલા ચુકાદાના રિવ્યૂની તૈયારી, પરંતુ તેનો અમલ કરાવવામાં ઢીલાશ; વગેરે.
(મિહિર દેસાઈ ગુજરાતનાં રમખાણપીડિતોના વકીલ રહ્યા છે.)
(લેખમાં વ્યક્ત થયેલા વિચાર લેખકના અંગત છે, બીબીસીના નહીં.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો