CAA : કેરળ સરકારની નાગરિકતા સંશોધન કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં પિટિશન

ઇમેજ સ્રોત, Getty Images
વિવાદિત બનેલા નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી છે.
આ સાથે જ વિવાદિત કાયદા સામે પિટિશન દાખલ કરનાર કેરળ પ્રથમ રાજ્ય બન્યું છે.
કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં બંધારણની કલમ 131 મુજબ પિટિશન ફાઇલ કરી છે.
કેરળ સરકાર આ કાયદો બંધારણની કલમ 14, 21 અને 25નું ઉલ્લંઘન કરતો હોવાનું જણાવી તેને ગેરબંધારણીય ઠેરવવા માટે સુપ્રીમ કોર્ટ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદા પર સુપ્રીમ કોર્ટમાં 60 જેટલી પિટિશન થઈ છે.
નાગરિકતા સંશોધન કાયદા મુદ્દે દેશમાં મોટા પાયે વિરોધ થઈ રહ્યો છે ત્યારે કેરળની વિધાનસભાએ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 31 ડિસેમ્બરે ઠરાવ પસાર કર્યો છે.
કેરળની વિધાનસભાએ ઠરાવ પસાર કરીને નાગરિકતા સંશોધન કાયદાને રદ કરવાની માગણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે નાગરિકતા સંશોધન કાયદાને પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં બહુમતીથી પસાર કરવામાં આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેરળમાં હાલ કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સવાદી) અને લિબરેશન ડેમૉક્રેટિક ફ્રન્ટની સરકાર છે.

ઇમેજ સ્રોત, Getty Images
કેરળના મુખ્ય મંત્રી પિનયારી વિજયને કહ્યું કે ધર્મ આધારિત નાગરિકતાની વાત કરતો આ કાયદો ભારતની બિનસાંપ્રદાયિક પરંપરા અને સામાજિક પોતની વિરુદ્ધ છે.
એમણે એમ પણ કહ્યું કે આ કાયદો બંધારણની મૂળ ભાવનાથી વિપરીત છે.
વિજયને કહ્યું કે આ કાયદાને લીધે આંતરરાષ્ટ્રીયસ્તરે ભારતની છબિને મોટો ધબ્બો લાગ્યો છે.
નાગરિકતા કાયદાને લઈને કેરળમાં એક દિવસનું સત્ર બોલાવવામાં આવ્યું હતું.
સીપીઆઈ-એમ અને એલડીએફની સરકારે ઠરાવ રજૂ કર્યો હતો અને તેને મુખ્ય વિરોધપક્ષ કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટે ટેકો આપ્યો હતો.
કેરળમાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ઓ. રાજાગોપાલે વિધાનસભામાં ઠરાવથી વિરુદ્ધ મત આપ્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












