TOP NEWS : દેશમાં 16 લાખ નોકરીઓ ઓછી થશે - SBIનો અહેવાલ

બિઝનેસ સ્ટાન્ડર્ડે દેશની આર્થિક સ્થિતિ પર એક ડરામણી ખબર પ્રકાશિત કરી છે.

દેશમાં મંદીની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે 2020ના વર્ષમાં નોકરીઓ ઘટવાની છે.

અખબારે દેશની સૌથી મોટી બૅન્ક એસબીઆઈના અહેવાલથી કહ્યું છે કે આ વર્ષે આશરે 16 લાખ નોકરીઓની ઘટ સર્જાશે.

એસબીઆઈનો અહેવાલ આને માટે મંદીની સ્થિતિને જવાબદાર ઠેરવે છે.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે જો વર્તમાન ટૅન્ડ્ર ચાલુ રહ્યો તો કેન્દ્ર અને રાજ્ય સરકારની નોકરીઓ પણ 2020માં 39,000 જેટલી ઘટી શકે છે.

અમદાવાદમાં જાહેરમાં ગંદકી કરનારને હવે રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે

અમદાવાદ શહેરમાં હવે જાહેરમાં ગંદકી કરતા પકડાતા વધુમાં વધુ પાંચ લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ પ્રમાણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ 2020 અંતર્ગત આ નિર્ણય લેવાયો છે.

શહેરના કમિશનર વિજય નેહરાએ સોમવારે કહ્યું કે શહેરમાં કચરો કે જાહેરમાં ગંદકી કરવા સામે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ લાખ રૂપિયા સુધી દંડ થઈ શકે છે.

સોલિડ વેસ્ટ મૅનેજમૅન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ કહ્યું કે અમારી પાસે પહેલેથી આ જોગવાઈ છે, પરંતુ હવે તેને કડક રીતે લાગુ કરીશું. ખારીકટ કૅનાલમાં પ્રદૂષિત પાણી ઠલવતા એક ટૅન્કર પર રૂપિયા 1.5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે દુકાનો સામે ગંદકી કરનારને પણ 10 હજારથી લઈને 20 હજાર રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ભાજપ નેતાનું વિવાદી નિવેદન

પશ્ચિમ બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષે નાગરિકતા સંશોધન કાયદાનો વિરોધ કરી રહેલા લોકોને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

તેઓએ મમતા બેનરજીની સરકારની એ વાત મુદ્દે ટીકા કરી છે કે તેઓ આ કાયદાનો વિરોધ કરી રહેલા લોકો સામે સખત પગલાં લેતી નથી.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે દિલીપ ઘોષે પોતાના નિવેદનમાં કહ્યું, "દીદીની પોલીસ એ લોકો સામે કાર્યવાહી કરતી નથી, જે વિરોધપ્રદર્શનમાં સરકારી સંપત્તિને નુકસાન કરી રહ્યા છે, કેમ કે આ લોકો તેમના વોટર છે. યુપી, આસામ અને કર્ણાટકમાં અમારી સરકારો આવા લોકોને કૂતરાની જેમ ગોળી મારી રહી છે."

દિલીપ ઘોષના આ નિવેદનને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શરમજનક ગણાવ્યું છે. મમતાએ કહ્યું કે તેઓ ભાજપના પ્રદેશ અધ્યક્ષનું નામ લેવા માગતા નથી. તેઓ ફાયરિંગને પ્રોત્સાહન આપી રહ્યા છે, પરંતુ આ યુપી નથી. અહીં પોલીસ ફાયરિંગ નહીં થાય.

તો પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદ અને કેન્દ્રીયમંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે ઘોષે જે કહ્યું છે તેને પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

'મહારાષ્ટ્રમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ નહીં થાય'

શિવસેનાએ જાહેરાત કરી છે કે મહારાષ્ટ્રમાં નાગરિકતા સંશોધન કાયદો લાગુ નહીં થાય.

સોનિયા ગાંધીએ સીએએ, એનઆરસી અને એનઆરપીના વિરોધ માટે બોલાવેલી વિપક્ષોની બેઠક બાદ શિવસેના તરફથી આ નિવેદન આવ્યું છે. જોકે આ બેઠકમાં શિવસેના સામેલ થઈ નહોતી.

શિવસેના આ બેઠકમાં સામેલ ન થતાં ગઠબંધનને લઈને અનેક અટકળો વહેતી થઈ હતી. પરંતુ શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ગઠબંધનમાં બધું ઠીક છે.

સોનિયા ગાંધીની બેઠકમાં શિવસેનાની ગેરહાજરી પર સંજય રાઉતે કહ્યું કે આ 'મિસ કૉમ્યુનિકેશન'ને કારણે થયું છે.

શિવસેનાએ લોકસભામાં આ કાયદાનું સમર્થન કર્યું હતું, જ્યારે રાજ્યસભામાં વોટિંગ સમયે તેના સભ્યો ગેરહાજર રહ્યા હતા.

ફિલ્મ જોકરને ઑસ્કર માટે 11 નૉમિનેશન

આ વર્ષના ઑસ્કર પુરસ્કારના નૉમિનેશનની જાહેરાત થઈ ગઈ છે. ફિલ્મ જોકરને સૌથી વધુ 11 નૉમિનેશન મળ્યાં છે.

જોકરને બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ ઍક્ટરની સાથેસાથે અન્ય આઠ નૉમિનેશન પણ મળ્યાં છે.

ધ આયરિશમૅન, 1917 અને વન્સ અપૉન અ ટાઇમ ઇન હોલીવૂડને 10-10 નૉમિનેશન મળ્યાં છે.

બ્રિટનના સિંથિયા, અરિવો, ઍન્થની હૉપકિંસ, જૉનાથન પ્રાઇસ, ફ્લૉરેન્સ પ્યૂ- આ બધા ઍક્ટિંગ ઍવૉર્ડ માટે નામાંકિત થયા છે.

જોકરને ગત અઠવાડિયે બ્રિટિશ એકૅડેમી ઍવૉર્ડમાં પણ 11 શ્રેણીઓમાં નામાંકન મળ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો