You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
TOP NEWS: નાગરિકતા સંશોધન કાયદાને દેશભરમાં વિરોધ વચ્ચે લાગુ કરી દેવાયો
દેશભરમાં નાગરિકતા સંશોધન કાયદો (CAA)ને લઈને વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. એવામાં સરકારે CAAને લાગુ કરી દીધો છે.
એનડીટીવીના અહેવાલ મુજબ સંબંધિત કાયદો 10 જાન્યુઆરીથી લાગુ કરી દેવાયો છે અને આ માટેની અધિસૂચના પણ સરકારે જાહેર કરી દીધી છે.
ગૃહમંત્રાલયના એડિશનલ સેક્રેટરી અનિલ મલિકે અધિકૃત રાજપત્રમાં સંબંધિત કાયદો 10 જાન્યુઆરી વર્ષ 2020થી લાગુ થઈ રહ્યો હોવાની જાણ કરી છે.
ગૃહમંત્રાલય તરફથી જાહેર કરાયેલી અધિસૂચના અંતર્ગત જણાવાયું છે, "કેન્દ્રીય સરકાર, નાગરિકતા (સંશોધન) અધિનિયમ, 2019 (2019ની 47) કલમ 1ની ઉપકલમ (2) દ્વારા પ્રાપ્ત શક્તિનો પ્રયોગ કરતાં, 10 જાન્યુઆરી 2020ને એ તારીખ જાહેર કરે છે, જે અંતર્ગત અધિનિયમ અમલમાં આવશે."
નાગરિકતા કાયદાના વિરોધ વચ્ચે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોલકાતા જવાના છે. જ્યાં પહેલેથી જ નાગરિકતા કાયદો, એનઆરસી વગેરેનો મુખ્ય મંત્રી મમતા બેનરજી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અધિકારીઓનું કહેવું છે કે ઘણાં સંગઠનોએ સીએએને લઈને વડા પ્રધાન મોદીનો વિરોધ કરવાની જાહેરાત કરી છે.
આ સંગઠનોમાં વામદળો સાથે જોડાયેલાં સંગઠનો પણ સામેલ છે.
તો પીએમની મુલાકાત સમયે ચુસ્ત બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ધર્મપરિવર્તન માટે 1895 લોકોએ અરજી કરી
ગુજરાતમાં પાંચ વર્ષમાં 1895 લોકોએ ધર્મપરિવર્તન માટે અરજી કરી છે.
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ પ્રમાણે જુલાઈ 2014 અને જૂન 2019 સુધીના સમયગાળા દરમિયાન સુરતમાંથી 1003 અરજીઓ મળી છે.
અરજી કરનારાઓમાં સૌથી વધુ 53 ટકા લોકો સુરતના છે.
ધર્મપરિવર્તન માટે અરજી કરનારમાં 94 ટકા હિંદુ, ચાર ટકા મુસ્લિમ અને એક ટકાથી વધુ ઈસાઈ ધર્મના લોકોનો સમાવેશ થાય છે.
ગુજરાત વિધાનસભાના પાંચમા સત્રમાં સરકાર દ્વારા રજૂ કરેલા આંકડામાં આ બાબત સામે આવી છે.
કૉંગ્રેસના દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ પૂછેલા સવાલના જવાબમાં સરકારે આ આંકડા રજૂ કર્યા હતા.
શ્રીલંકા સામેની જીતથી ભારત સિરીઝ જીત્યું
ભારતે શ્રીલંકા સામેની પૂણેમાં રમાયેલી ત્રીજી ટી-20 મૅચ 78 રન જીતી લીધી છે.
20 ઓવરમાં 202નો લક્ષ્યાંક શ્રીલંકન બૅટ્સમૅનો પૂરો કરી શક્યા નહોતા.
શ્રીલંકા તરફથી ધનજંય ડી સિલ્વાએ સૌથી વધુ 57 રન બનાવ્યા હતા. આખી ટીમ 15.5 ઓવરમાં માત્ર 123 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારત તરફથી ઓપનર શિખર ધવન અને કેએલ રાહુલે 10.5 ઓવરમાં 97 રન ફટકારીને ભારતને મજબૂત શરૂઆત આપી હતી.
આ જીત સાથે ભારતે ત્રણ મેચની ટી-20 સિરીઝ 2-0થી જીતી લીધી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો