દિલ્હી વિધાનસભાની ચૂંટણી : તારીખ જાહેર, કયા મતદારો નિર્ણાયક સાબિત થઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હી વિધાનસભાની ચૂંટણી વર્ષ 2020 માટેની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીપંચે પત્રકારપરિષદમાં જણાવ્યું કે દેશની રાજધાનીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર કરાશે.
ચૂંટણીનો જંગ આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે ખેલાશે.
70 બેઠકો ધરાવતી દિલ્હીની વર્તમાન વિધાનસભાની મુદ્દત 22 ફેબ્રુઆરી, 2020એ પૂર્ણ થાય છે.
ચૂંટણીપંચના 2019ની લોકસભાની ચૂંટણીના ડેટા અનુસાર દિલ્હીમાં કુલ 1.43 કરોડ મતદારો છે.

ચૂંટણીપ્રચારનો પ્રારંભ

ઇમેજ સ્રોત, Getty Images
આ ચૂંટણીને લઈને સત્તાધારી આમ આદમી પાર્ટી આશાવાદી છે. પોતાના ચૂંટણીપ્રચારને વેગ આપવા માટે ચૂંટણીની રણનીતિ ઘડવામાં માહેર ગણાતા પ્રશાંત કિશોરને તેણે જવાબદારી સોંપી છે. પ્રશાંત કિશોરની પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ 'ઇન્ડિયન પોલિટિકલ ઍક્શન કમિટી' અરવિંદ કેજરીવાલ માટે પ્રચારનીતિ ઘડશે.
દિલ્હીના નાયબ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાએ ગત મહિને ચૂંટણીમાં પક્ષના વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને એ સાથે જ આમ આદમી પાર્ટીના ચૂંટણીપ્રચારનો પણ આરંભ થયો હતો.
'અચ્છે બિતે પાંચ સાલ, લગે રહો કેજરીવાલ'ના નારા સાથે આમ આદમી પાર્ટીએ ચૂંટણીપ્રચાર શરૂ કર્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
આ દરમિયાન ભાજપે હજુ સુધી મુખ્ય મંત્રીના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ચૂંટણીસભા સાથે જ ભાજપે પણ રાજ્યમાં ચૂંટણીપ્રચાર શરૂ કરી દીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોંધનીય છે કે વર્ષ 2005ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પક્ષને 70માંથી 67 બેઠકો મળી હતી. જ્યારે ભાજપને 3 બેઠકો મળી હતી. એ ચૂંટણીમાં કૉંગ્રેસને એક પણ બેઠક નહોતી મળી.

મતદારોનું સમીકરણ

ઇમેજ સ્રોત, Getty Images
રાજ્યમાં પૂર્વાંચલી, પંજાબી અને મુસ્લિમોની વસતિ સૂચક છે અને ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં મૂળ ધરાવતા પૂર્વાંચલી મતદારોની સંખ્યાં 25-30 ટકા જેટલી છે.
'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર એક સમયે પૂર્વાંચલીઓ કૉંગ્રસના સમર્થકો ગણાતા હતા. શીલા દીક્ષિત જ્યારે રાજ્યનાં મુખ્ય મંત્રી હતાં ત્યારે તેમણે પૂર્વાંચલી નેતાઓને મહત્ત્વનાં પદો આપ્યાં હતાં. એ વખતે ભાજપ સવર્ણોનો પક્ષ ગણાતો હતો
પણ સામાજિક કાર્યકર અન્ના હઝારેની આગેવાની ભ્રષ્ટાચારવિરોધી આંદોલન થયું અને વર્ષ 2013માં થયેલા અરવિંદ કેજરીવાલના ઉદય થયો. જેને પગલે પૂર્વાંચલીઓ કૉંગ્રેસ છોડીને આમ આદમી પક્ષ તરફ ઢળી ગયા.
અરવિંદ કેજરીવાલની આગેવાનીમાં દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ બે વખત સરકાર બનાવી. આપની પ્રથમ સરકાર માત્ર 49 દિવસ જ ટકી શકી હતી.
આ પૂર્વાંચલી મતદારો દિલ્હીમાં 25 બેઠકો પર નિર્ણાયક બની શકે એમ છે. એનો એક અર્થ એવો પણ થાય કે જો તેઓ સામૂહિક રૂપે કોઈ એક પક્ષ તરફ ઢળે તો બહુમતી માટે જોઈતી બેઠકોમાંથી બે તૃતીયાંશ બેઠકો પર તેઓ નિર્ણયાંક બની શકે.
આદર્શ નગર, બદરપુર, બુરારી, કુંડલી, કરાવલનગર, કિરારી, લક્ષ્મીનગર, મુસ્તફાબાદ, પટપડગંજ, પાલમ, ત્રિલોકપુરી, સંગમવિહાર, ઉત્તમનગર અને વિકાસપુરીમાં પૂર્વાંચલી મતદારોની નિર્ણયક વસતિ છે.
ભાજપ ગાયક-અભિનેતા મનોજ તિવારીને પ્રોજેક્ટ કરીને આ મતદારનો આકર્ષવા પ્રયાસ કરે છે. જ્યારે આમ આદમી પાર્ટી પૂર્વાંચલી સમુદાયના નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ તબક્કાને આકર્ષવા પ્રયત્ન કરી રહી છે.

પંજાબી અને મુસ્લિમ મતદારો

ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીમાં પંજાબી મતદારો 35 ટકા છે, જોકે, શહેરમાં તેઓ છૂટાછવાયેલા છે. આમ છતાં તેઓ 28-30 બેઠકો પર પ્રભાવ પાડી શકે છે. દિલ્હી વિધાનસભાની લગભગ 20 એવી બેઠકો છે, જે લગભગ 20 ટકા પંજાબી મતદારો ધરાવે છે.
વર્ષ 2011ની વસતિગણતરી અનુસાર દિલ્હીમાં કુલ 12-13 ટકા મુસ્લિમ છે અને એટલા જ ટકા મુસ્લિમ મતદારો પણ છે. આ મુસ્લિમ મતદારો વિધાનસભાની 10 બેઠકો પર નિર્ણાયક સાબિત થઈ શકે છે.
દિલ્હી વિધાનસભાની પાંચ બેઠકો પર મુસ્લિમ મતદારોની સંખ્યા 40 ટકા કરતાં વધારે છે. આ બેઠકોમાં ચાંદની ચોક, મટિયા મહેલ, બલ્લીમારાં, ઓખલા અને સીલમપુરનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે આમાંથી મોટા ભાગની બેઠકો પર નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધમાં મોટા પ્રમાણમાં પ્રદર્શનો યોજાયાં હતાં. આ બેઠકો પર સંબંધિત કાયદો અને એ બાદની ઘટનાઓ પ્રભાવ પાડી શકે એમ છે.
આ ઉપરાંત મુસ્તફાબાદ, બદરપુર, સીમાપુરી, શહદરા અને રિઠાલા બેઠક પક મુસ્લિમોની વસતિ 30થી 40 ટકા જેટલી થાય છે.
તો રાજૌરી ગાર્ડન, હરિનગર, કાલ્કાજી અને શહદરા બેઠકો પર શીખોની બહુમતી છે અને સમગ્ર રાજ્યમાં 15થી 18 બેઠકો પર શીખો નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. આ શીખ સમુદાયને આકર્ષવા માટે ભાજપ પ્રયાસ કરી રહ્યો છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












