Penis Fish: પુરુષના જનનાંગ જેવા દેખાતા આ જીવ માછલી છે કે બીજું કાંઈ?

પીનિસ ફીશ

ઇમેજ સ્રોત, KATE MONTANA, INATURALIST CREATIVE COMMONS

પુરુષના શિશ્ન એટલે કે જનનાંગ જેવા દેખાતા જીવ દરિયાકિનારે ઢસડાઈ આવતાં સ્થાનિકોના કૂતુહલનો પાર નથી રહ્યો.

જોકે, આ પુરુષના જનનાંગ જેવા દેખાતા આ જીવનું નામ યુરેકિસ કાઉપો છે. જે ખરેખર તો એક જંતુ છે.

જે 'પેનિસ ફિશ' તરીકે પણ ઓળખાય છે.

નોંધનીય છે કે કેલિફોર્નિયાના દરિયાકિનારે આ જંતુ ઢસડાઈ આવ્યા હતા.

સામાન્યપણે તો આ જીવો રેતીની નીચે દબાયેલા જ રહે છે.

પરંતુ તાજેતરમાં આવેલા તોફાનને પગલે સાન ફ્રાન્સિસ્કોથી 50 માઈલ દૂર આવેલા ડ્રેક બીચ નામના સ્થળે ખુલ્લામાં પથરાયેલા જોવા મળ્યા હતા.

ઇવાન પાર નામના જીવવૈજ્ઞાનિકે આ જંતુ વિશે જણાવતાં લખ્યું :

"જી હા, આ જંતુના બાહ્ય દેખાવને જોઈને આશ્ચર્યચકિત થયા વગર રહી શકાય એવું નથી."

"પરંતુ આ જીવની દેહરચના મોટા ભાગે રેતીની નીચે જીવન ગાળવા માટે અનૂકુળ છે."

તેમણે આ અનોખા જંતુ અંગે માહિતી આપતાં લખ્યું :

આ જંતુઓ 300 મિલિયન વર્ષોથી ધરતી પર હોવાના પુરાવા આપતા અશ્મિઅવશેષો મળી ચૂક્યા છે. તેમજ આ જંતુઓ 25 વર્ષ સુધીનું આયુષ્ય ધરાવતા હોવાના પણ આધારભૂત પુરાવા મળી ચૂક્યા છે.

દરિયાકિનારે આ જંતુઓ જમીનમાં U-આકારના લાંબા દર બનાવે છે.

line

કેલિફોર્નિયામાં જોવા મળ્યા અનોખા જંતુ

પીનિસ ફીશ

ઇમેજ સ્રોત, Getty Images

આ સિવાય આ જંતુઓને ઇનકિપર વૉર્મના નામે પણ ઓળખવામાં આવે છે.

આ જંતુઓને આ નામ તેમની ભૂમિગત જીવનશૈલીને કારણે મળ્યું છે.

માછલીઓ, શાર્ક અને અન્ય ઘણા મોટા જીવો 'પીનિસ ફીશ'નો શિકાર કરે છે.

આ સિવાય આ જંતુઓ માણસના ભોજન તરીકે પણ ઉપયોગી બને છે.

આ જંતુ જેવી જ અન્ય એક યુરેકિસ યુનિસિન્કટસ નામક જંતુની પ્રજાતિ દક્ષિણ કોરિયા સહિતના પૂર્વ એશિયાના દેશોમાં સ્વાદિષ્ટ વાનગી ગણાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો