જયંતીવિશેષ : "ભારતમાં રાજ્યસત્તા એ સહુથી મોટી આતંકવાદી બની ગઈ છે"

ગિરીશ બી પટેલ

ઇમેજ સ્રોત, Kalpit S Bhachech

ઇમેજ કૅપ્શન, ગિરીશ બી પટેલ
    • લેેખક, સંજય શ્રીપાદ ભાવે
    • પદ, બીબીસી ગુજરાતી માટે

'ગુજરાત કંટ્રોલ ઑફ ટૅરરિઝમ ઍન્ડ ઑર્ગેનાઇઝડ્ ક્રાઇમ (ગુજસીટોક) બિલની જોગવાઈઓ તમે જોશો તો આ મિટિંગ ગેરકાયદેસરની ગણાશે.

હું અને તમે આસિસ્ટંસ ટુ ટૅરરિઝમની જોગવાઈ હેઠળ અટકાયતમાં આવી જઈશું', કર્મશીલ ધારાશાસ્ત્રી ગિરીશ પટેલે 9 એપ્રિલ 2015ના રોજ આ ગંભીર વાત તેમની ખાસ હળવાશભરી ઢબે કહી હતી.

ગિરીશભાઈ ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત આતંકવાદવિરોધી ગુજસીટોક વિધેયકનો વિરોધ કરવા માટેની જાહેરસભામાં બોલી રહ્યા હતા.

એ સભા વિવિધ નાગરિક સંગઠનોએ અમદાવાદના મહેંદી નવાઝ જંગ સભાગૃહમાં યોજી હતી. લોકશાહી માટેના લડવૈયા ગિરીશભાઈએ ગુજસીટોકના વિધેયકને 'દમનકારી, બિનજરૂરી, લૉ-લેસ' કાયદા માટેનું વિધેયક ગણાવીને તેની ગંભીર મર્યાદાઓ ખુલ્લી પાડી.

ગુજરાતમાં ગુજસીટોક કાયદો પહેલી ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે. વડા પ્રધાન નરેદ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા અને અમિત શાહ ગૃહમંત્રી હતા તે વખતે 2003માં આ કાયદો ઘડવા માટેનું વિધેયક વિધાનસભાએ પસાર કર્યું હતું.

ત્રણ રાષ્ટ્રપતિઓએ તેને સુધારા માટે પાછું મોકલ્યું હતું.

આખરે 2015ના માર્ચમાં વિરોધપક્ષ કૉંગ્રેસના સભાત્યાગ વચ્ચે વિધાનસભાએ પસાર કરેલા આ વિધેયકને અત્યારના રાષ્ટ્રપતિએ મંજૂરી આપી હતી.

આતંકવાદી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા ઉપરાંત આ કાયદો વિવિધ પ્રકારના ગુનાઓને નાથવા માટે પણ ઘડવામાં આવ્યો છે.

તેમાં આર્થિક છેતરપિંડી માટેની મલ્ટિલેવલ માર્કેટિંગ સ્કીમ્સ, પૉન્ઝી સ્કીમ્સ, ધાકધમકીથી પૈસા પડાવવા, હત્યા માટેની સોપારી આપવી-લેવી, સલામતી માટે પૈસા માગવા, કેફી દ્રવ્યોનો વેપાર કરવો જેવા ગુનાનો સમાવેશ થાય છે.

ગિરીશ બી પટેલ

ઇમેજ સ્રોત, MSD

અભ્યાસીઓને મતે ગુજસીટોક કાયદાની સહુથી વિવાદાસ્પદ જોગવાઈ એ છે કે તે મૌખિક રીતે ટેલિફોન દ્વારા કે મોબાઇલ દ્વારા થયેલી વાતચીતને કે સંદેશાને ઇન્ટરસેપ્ટ કરીને એટલે કે આંતરીને તેને અદાલતમાં પુરાવા તરીકે રજૂ કરવાની પોલીસને સત્તા આપે છે.

વળી આ પ્રકારનાં ઇન્ટરસેપ્શન માટે પોલીસે કોઈ પ્રક્રિયા કે દસ્તાવેજીકરણ કરવાની ભાગ્યે જ કોઈ જરૂરિયાત આ કાયદામાં દર્શાવવામાં આવી છે.

નોંધવું જોઈએ કે પૂર્વરાષ્ટ્રપતિ અબ્દુલ કલામે આ વિધેયકને 'ઇન્ટરસેપ્શન ઑફ કૉમ્યુનિકેશન'ના મુદ્દે પાછું મોકલ્યું હતું.

પૂર્વરાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે આ વિધેયકમાં પોલીસ સામે કરેલ કબૂલાતને અદાલતમાં પુરાવા તરીકે માન્ય રાખવાની જોગવાઈના મુદ્દે તેને પાછું મોકલ્યું હતું અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ તેમાં કેટલીક વિશેષ સ્પષ્ટતાઓ માગી હતી.

નિષ્ણાતોને મતે લોકશાહીની દૃષ્ટિએ ગુજસીટોક કાયદાની બીજી એક મર્યાદા એ છે કે તેમાં 'જાહેર કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈપણ કૃત્ય'ને આતંકવાદી પ્રવૃત્તિના દાયરામાં મૂકવામાં આવ્યું છે, એટલે સરકાર ચળવળો અને આંદોલનો સામે 'ગુજસીટોક'નો ઉપયોગ કરી શકે છે.

જોકે આ કાયદો પસાર થયા પછી તેની સામે જાહેર અસંમતિ કે વિરોધ જોવા મળ્યા નથી.

આખરી વિરોધ માર્ચ-એપ્રિલ 2015માં થયો હતો જેમાં પીપલ્સ યુનિયન ફૉર સિવિલ લિબર્ટીઝ, મૂવમૅન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી અને જનસંઘર્ષ મંચ જેવાં સંગઠનો સામેલ હતાં.

આ વિરોધમાં આતંકવાદવિરોધી બધા જ કાયદાની માનવગૌરવની દૃષ્ટિએ વર્ષોથી સખત ટીકા કરતા રહેનાર કાનૂનવિદ્ ગિરીશભાઈ પણ જોડાયા હોવાથી તેને વજૂદ મળ્યું હતું.

વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

જોકે 'ગુજસીટૉક'વાળા ગુજરાતમાં ગિરીશભાઈને જીવવાનું આવ્યું હોત તો આજે તેઓ 87 વર્ષના હોત. તેમનો જન્મ 5 ડિસેમ્બર 1932 અને અવસાન 6 ઑક્ટોબર 2018.

આ જીવનકાળમાં ગિરીશભાઈ તમામ પ્રકારના વંચિતોને ન્યાય અપાવવા માટે વકીલ તરીકેની કમાણીની કોઈ ગણતરી વિના કાર્યરત રહ્યા.

તેમની નિસબતના અનેક વિષયોમાં આતંકવાદવિરોધી કાયદા અને રાજ્ય દ્વારા થતા તેમના દુરુપયોગનો પણ સમાવેશ હતો.

ગુજસીટોકના વિરોધમાં ગુજરાતમાં થયેલા સંભવત: એકમાત્ર સુદીર્ઘ ભાષણની શરૂઆત ગિરીશભાઈએ આ રીતે કરી :

"સહુ પહેલાં આપણે આપણી ભૂમિકા સ્પષ્ટ કરવી જોઈએ. કોઈ પણ જગ્યાએથી ઊભો થતો આતંકવાદ માનવતા સામેનો અપરાધ છે, એને માફ ન કરી શકાય પણ એને સમજવાની કોશિશ કરી શકાય."

"આમ છતાં આપણે બધા પ્રકારના આતંકવાદવિરોધી કાયદાનો વિરોધ કરીએ છીએ. પછી એ પાકિસ્તાનમાં હોય, અમેરિકામાં હોય કે ભારતમાં."

"આવા પ્રકારના કાયદા સ્ટેટ ટૅરરિઝમ એટલે કે રાજ્યનો આતંકવાદ ઊભો કરે છે."

ગુજસીટોકની બાબતે ગિરીશભાઈએ પહેલાંના આતંકવાદવિરોધી કાયદા એટલે કે ટાડા (ટૅરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ), પોટા (પ્રિવેન્શન ઑફ ટૅરરિઝમ ઍક્ટ) અને અત્યારના યુએપીએ (અનલૉફુલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ)ને યાદ કરીને કહ્યું કે આવા કાનૂન કેટલા સફળ થયા એ એક તપાસનો વિષય છે, કારણ કે એ કાયદા હતા તો પણ આતંકવાદી પ્રવૃત્તિઓ તો ચાલુ જ રહી. એનો અર્થ એ થયો કે એ કાયદાઓમાં પાયાની ખામીઓ હતી.

ગિરીશભાઈએ સવાલ કર્યો કે "ટાડા ઍક્સ્પાયર થયો, પોટા રિપીલ થયો. તો પછી એના પ્રકારનો આ ગુજસીટોક શા માટે?"

તેમણે યાદદાસ્તથી કેટલાક આંકડા આપ્યા હતા.

જેમ કે એક વર્ષે આખા દેશમાં ટાડા હેઠળ 76,000 જેટલા ગુના નોંધાયા હતા, તેમાંથી 35% જેટલા પડતા મુકાયા હતા, 35% પર સુનાવણી થઈ હતી, જેમાંથી 95% નિર્દોષ જાહેર થયા હતા.

એક તબક્કે 50,000 કેસનો રિવ્યૂ કરવામાં આવ્યો હતો જેમાં કન્વિક્શન રેટ એટલે કે ગુનો સાબિત થઈને સજાનું પ્રમાણ 0.8% જોવા મળ્યું હતું.

ગિરીશભાઈનો એક પાયાનો મુદ્દો એ હતો કે ગુજરાતમાં ક્યાંય આતંકવાદ દેખાતો નથી ત્યારે આવો કાયદો બિનજરૂરી છે.

વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

છતાં તે કેટલી હદે વપરાય છે તેનો એક આંકડો તેમણે આપ્યો :

"ટાડા હેઠળ 1994માં આતંકગ્રસ્ત પંજાબમાં 14,457 ગુના નોંધાયા હતા, જ્યારે જ્યાં આતંકવાદી પ્રવૃત્તિ નથી તે ગુજરાતમાં પંજાબ કરતાં વધારે એટલે 17546 ગુના નોંધાયા હતા!"

ગિરીશભાઈના મતે આવા કાયદાઓની રાજ્ય સરકારોની વચ્ચે સ્પર્ધા ચાલી છે અને એવું મંતવ્ય પણ ઊભું થયું છે કે 'જે રાજ્યમાં આતંકવાદવિરોધી કાયદો ન હોય તે રાજ્ય મૉડર્ન સ્ટેટ ન કહેવાય.'

ગિરીશભાઈની દૃષ્ટિએ ગુજસીટોક કાયદામાં બીજી એક ખામી એ છે કે 'તેમાં આતંકવાદ અને ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એટલે કે સંગઠિત ગુનેગારી બંનેને એક ગણવામાં આવ્યા છે, ખરેખર એ અલગ છે.'

ગિરીશભાઈ જણાવે છે કે દિલ્હી કે મહારાષ્ટ્રાના કાયદામાં ટૅરરિઝમ શબ્દ નથી. આપણે ત્યાં એ મૂકવામાં આવ્યો છે એટલે આ કાયદો 'આતંકવાદ વિશેની સમજનો અભાવ બતાવે છે'.

ગિરીશભાઈ આતંકવાદને સારી પેઠે સમજ્યા છે તે એમના ભાષણના આ સચોટ વિધાનમાંથી જોઈ શકાય છે :

"ટૅરરિસ્ટ મોતથી ડરતો નથી. ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમવાળો મરવા માગતો નથી. તે વધુ પૈસો મેળવીને જીવવા માગે છે."

ગિરીશભાઈના માનવા મુજબ ગુજસીટોક કાયદામાં પોલીસને બધી સત્તા આપવામાં આવી છે એટલે તેમાં 'ક્રિમિનલ લૉનું પોલીસીકરણ' થાય છે.

પોલીસની પાસે ઇન્ટરસેપ્શન અને 80 દિવસની અટકાયત જેવી સત્તાઓ છે.

ભારતીય દંડવિધાન એટલે કે ઇન્ડિયન પિનલ કોડ (આઈપીસી) પ્રમાણે પોલીસ આરોપીને વધુમાં વધુ ચોવીસ કલાક અટકાયતમાં રાખી શકે છે.

કાયદો અને વ્યવસ્થા

ઇમેજ સ્રોત, Getty Images

ગુજસીટોક મુજબ પોલીસ કોઈ પણ કાર્યવાહી વિના આરોપીને 180 દિવસ અટકાયતમાં રાખી શકે છે.

આ કાયદામાં આગોતરા જામીન પણ લાગુ પડતા નથી એમ જણાવતાં ગિરીશભાઈએ સર્વોચ્ચ અદાલતને ટાંકી હતી.

જે કહે છે કે "બેઇલ ઇઝ ધ રૂલ, જેઇલ ઇઝ એક્સેપશન' (જામીન નિયમ હોવો જોઈએ અને કેદ અપવાદ હોવી જોઈએ). આ કાયદામાં જામીન મેળવવા માટે આરોપીએ નિર્દોષતા પૂરવાર કરવાની છે, એટલે સાબિતીનું ભારણ રાજ્ય પરથી વ્યક્તિ પર ફેરવવામાં આવ્યું છે."

વળી ગિરીશભાઈના કહેવા પ્રમાણે આ કાયદો 'પ્રિઝમ્પ્શન ઑફ ગિલ્ટ' એટલે કે નાગરિક ગુનેગાર છે એવી ધારણા પર રચાયેલો છે. એના સ્વરૂપને કારણે નાગરિકને કબૂલાત કરવાની ફરજ પડે છે.

આતંકવાદવિરોધી અન્ય કાયદાઓની જેમ આ કાયદામાં પણ પોલીસની હાજરીમાં કરેલ કન્ફેશન એટલે કે ગુનાની કબૂલાત પુરાવા તરીકે વપરાય છે.

ખરેખર તો તે ન વપરાય એવો આઈપીસીનો મૂળભૂત સિદ્ધાંત છે. એ પોલીસ જુલમ-ટૉર્ચરની સામેનું સેફગાર્ડ એટલે કે રક્ષણ છે, જે બહુ ઉપયોગી નથી, લગભગ બધા કેસમાં ન્યાયાધીશની સામે ટૉર્ચર કબૂલ કરવામાં આવતું નથી.

આઈપીસીની અત્યારની જોગવાઈઓ પર્યાપ્ત હોવા છતાં ગિરીશભાઈને મતે તેમને અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવતી નથી એટલા માટે આતંકવાદવિરોધી કાયદાની જરૂર ઊભી થાય છે.

આઈપીસીના અમલના અભાવ માટે ઇચ્છાશક્તિ વિનાની ભ્રષ્ટાચારી રાજ્યસત્તા અને નબળી અદાલતો જવાબદાર છે.

ખાસ કંઈ નક્કર ન કરી શકનારું રાજ્ય કાયદો બનાવીને કાર્યક્ષમતાનો આભાસ ઊભો કરે છે. દરેક નવો કાયદો ભ્રષ્ટાચાર માટેની તકો ઊભી કરે છે.

આતંકવાદવિરોધી અન્ય કાયદાની જેમ ગુજસીટોકને પણ ગિરીશભાઈ સરકાર અને કાયદાની આંટીઘૂંટીઓથી આગળ વધીને વ્યાપક માનવીય પરિપ્રેક્ષ્યમાં જોઈ શકતા હતા.

ઉપર્યુક્ત ભાષણમાં તેમણે એમ પણ કહ્યું હતું કે આતંકવાદનાં કારણો તપાસવાં જરૂરી છે.

વિરોધ

ઇમેજ સ્રોત, Getty Images

એ સમજવાનું રહે છે કે વ્યક્તિ જ્યારે હડધૂત થાય, તેની નાગરિકતા અને ઓળખની સામે સવાલ ઉઠાવવામાં આવે ત્યારે તે ઍલિઍનેશન એટલે અલગાવ અનુભવે છે અને તેમાંથી આતંકવાદ જન્મે છે.

આતંકવાદી પ્રવૃત્તિની સામે ગુના નિયંત્રણ અભિગમ ચાલી શકે નહીં. વળી આતંકવાદની વ્યાખ્યા કરવી પણ અઘરી છે.

ગિરીશભાઈએ નર્મવિનોદ સાથે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ વ્યાખ્યા કરવામાં આવે તો તે અમેરિકાને લાગુ પડે છે!

તેમના મતે આતંકવાદની સામે સમાવેશક વિકાસ અને સમાવેશક નાગરિકતા ઊભાં કરવાં પડે.

આતંકવાદના વિરોધમાં સરકાર નહીં પણ આતંકવાદના વિરોધમાં સમાજ એવી પરિસ્થિતિ સર્જવાની જરૂર છે.

ગિરીશભાઈએ ચેતવ્યા કે ગુજસીટોકના કાયદાથી આપણે વિકરાળ ફ્રૅન્કેન્સ્ટાઇન એટલે કે રાક્ષસ ઊભો કરી રહ્યા છીએ.

તેમણે કહ્યું, "જેમ-જેમ લોકોમાં અસંતોષ ઊભો થાય, વિકાસ સામેના પ્રશ્નો ઊભા થતા જાય તેમ-તેમ રાજ્યસત્તા વધુ કડક અને નિષ્ઠુર બને છે."

"હવે મતભેદ અને વિરોધ એટલે આતંકવાદ એવી પરિસ્થિતિ સર્જાશે. વિરોધનો અવાજ ઊભો થતો રોકવા માટે ગુજસીટોકનો ઉપયોગ થશે."

કેદ

ઇમેજ સ્રોત, Getty Images

ગુજસીટોકનો વિરોધ કરનાર ગિરીશભાઈ લગભગ અડધી સદીથી બિનલોકશાહી દમનકારી કાયદા સામે અને ખાસ તો સત્તાધારીઓ દ્વારા તેમના દુરુપયોગની સામે અવાજ ઉઠાવતા રહ્યા હતા.

આતંકવાદવિરોધી ટાડા અને પાસા સાથે તો તેમને અસંમતી હતી જ. ઉપરાંત મેઇન્ટેનન્સ ઑફ ઇન્ટર્નલ સિક્યૉરિટી ઍક્ટ(મિસા), નેશનલ સિક્યૉરિટી ઍક્ટ અને ઑફિશિયલ સિક્રેટ ઍક્ટના સરકારી દુરુપયોગ સામે પણ તેમણે તીવ્ર નાપસંદગી વ્યક્ત કરી હતી.

ગિરીશભાઈની વિરોધભૂમિકાનું લેખિત સ્વરૂપ તેમણે અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં (અને ક્યારેક 'ઇન્ડિયન એક્સપ્રેસ'માં) લખેલાં સંખ્યાબંધ ચર્ચાપત્રો છે.

આમ તો દરેક ચર્ચાપત્ર એક ઉત્કટતાભર્યો અભ્યાસપૂર્ણ લેખ છે.

આવા 290 લેખો 'લૉ, સોસાયટી ઍન્ડ ગિરિશભાઈ : લેટર્સ ટુ ધ એડિટર બાય ગિરીશ પટેલ' નામના પુસ્તકમાં સંગ્રહિત થયા છે.

આ પુસ્તક 'ગિરીશ પટેલ સન્માન સમિતિ'એ મે 2009માં ગિરીશભાઈના પંચોતેરમા વર્ષના અભિવાદન તરીકે પ્રસિદ્ધ કર્યું છે.

તેની સાથે સમિતિએ બહાર પડેલાં બીજાં બે પુસ્તકો છે 'પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઍન્ડ ધ પૂઅર ઇન ગુજરાત : એક્સપિરિઅન્સેસ ઑફ લોક અધિકાર સંઘ' અને 'મિત્રોની નજરે ગિરીશભાઈ'.

આ ત્રણેય પુસ્તકોમાં જે ગિરીશભાઈના દર્શન થાય છે તે હતા એક કરુણામય માર્ક્સિસ્ટ, કર્મશીલ કાનૂનવિદ્, રોમેરોમ સામાજિક નિસબત ધરાવતા તેમ જ બિલકુલ વૈચારિક સ્પષ્ટતા ધરાવતા નિખાલસ અને નીડર પબ્લિક ઇન્ટેલેક્ચ્યુઅલ.

સુપ્રીમ કોર્ટમાં વકીલાત કરીને એક-એક હિયરિંગના લાખો રૂપિયા કમાવાનું કૌવત ધરાવતા ગિરીશભાઈ આખી જિંદગી સાદાઈ જાળવીને, ગુજરાતના વંચિતોના વકીલ બનીને જીવ્યા!

ગિરીશભાઈ ભારતના બંધારણની મહત્તા સતત ઉજાગર કરતા હતા. ન્યાયશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ 'જ્યુરિસ્પ્રુડન્સ' છે અને ગિરીશભાઈના માનવતાસભર ન્યાયદર્શન માટે 'ગિરિશપ્રુડન્સ' શબ્દ છે!

'લૉ, સોસાયટી ઍન્ડ ગિરીશભાઈ' પુસ્તકમાં નવેમ્બર 1985ના એક ચર્ચાપત્રમાં ગિરીશભાઈ ટાડા અને આઈપીસી તેમજ અદાલતોને ગૌણ અને પ્રભાવહીન બનાવતો કાયદો શી રીતે છે એ બતાવે છે.

વળી તેમાં પોલીસની પાસે કરેલી કબૂલાતોને પૂરાવા તરીકે માન્ય રાખવાનો સુધારો આવ્યો તેને ગિરીશભાઈ 'બર્બરતાભર્યો' ગણાવે છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'એ ટાડાની સામે ચલાવેલી 'ઝુંબેશ'ને ધન્યવાદ આપવા નિમિત્તે આ પત્ર લખાયો છે.

ટાડા નીચે અટકાયતમાં લેવાયેલા અભિનેતા સંજય દત્તને 21 દિવસ બાદ પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યો.

આ બનાવને ગિરીશભાઈ મે 1993માં લખાયેલા પત્રમાં 'ટાડાના ભારોભાર દુરુપયોગનો ઉત્તમ દાખલો' ગણાવે છે.

એ કહે છે કે સર્વોચ્ચ અદાલતે ટાડાને ડ્રૅકોનિયન લૉ એટલે કે જુલમી કાયદો ગણાવીને ખૂબ સાવચેતીથી ઉપયોગમાં લેવાનું સૂચન કર્યું છે.

ફક્ત ગુજરાતમાં જ 1990 સુધીમાં આ કાયદા હેઠળ 3000 હજાર ગુના દાખલ કરવામાં આવ્યા છે.

કેદ

ઇમેજ સ્રોત, Getty Images

ગિરીશભાઈ એમ પણ લખે છે કે "ભારતમાં રાજ્યસત્તા એ સહુથી મોટી આતંકવાદી બની ગઈ છે અને ટાડા આતંકવાદવિરોધી કાયદો નથી પણ રાજ્યના આતંકવાદની કાનૂની અભિવ્યક્તિ છે."

સર્વોચ્ચ અદાલતે માર્ચ 1994માં ટાડાની યોગ્યતાને સમર્થન આપ્યું ત્યારે ગિરીશભાઈએ લખ્યું : "ભારતમાં અને દેશ બહાર પણ આતંકવાદના ખૌફની ભારે અસર હેઠળ સર્વોચ્ચ અદાલત આ કાયદામાં સત્તાના આત્યંતિક દુરુપયોગની જે શક્તિ અને વાસ્તવિકતા સમાયેલી (ઇનહિઅરન્ટ) છે તેને પિછાણી શકી નથી."

"ટાડા અમાનુષ, બિનલોકશાહી અને ઉદારમતવાદથી વિપરિત લક્ષણો ધરાવતો સમાંતર અપરાધી કાયદો છે જેનો અનેક કેસમાં દુરુપયોગ થયો છે."

"એ દુખદ અને કમનસીબ વાત છે કે સર્વોચ્ચ અદાલત એ જોઈ નથી શકી કે ટાડા આતંકવાદને કાબૂમાં લેવાને બદલે રાજ્યના આતંકવાદ તરફ દોરી જતો કાયદો છે."

જુલાઈ 1994માં ધારાશાસ્ત્રીઓ મહેશ ભટ્ટ, મુકુલ સિંહા તેમ જ નિસબત ધરાવતા નાગરિકોની સાથે લખેલા પત્રમાં ગિરીશભાઈ નોંધે છે, "સર્વોચ્ચ અદાલતે ભલે ટાડાની બંધારણીય વૈધતાને સમર્થન આપ્યું હોય પણ પીપલ્સ યુનિયન ફૉર ડેમૉક્રેટિક રાઇટ્સ સંગઠનનો અહેવાલ બતાવે છે કે ટાડા હેઠળ દાખલ થયેલા બહુ ઓછા ગુનાઓમાં સજા થઈ છે."

"એ કાયદો ફક્ત મુકદમો પૂરો થાય ત્યાં સુધી આરોપીને કેદમાં રાખીને નાગરિક તરીકે તેની આઝાદી છિનવવાનાં કામમાં આવી શક્યો! મુંબઈમાં ડિસેમ્બર 1992 અને જાન્યુઆરી 1993માં થયેલા કોમી રમખાણોના અઢાર મહિના પછી પણ સરકાર કશું ઉકાળી શકી નથી."

"તે એક બાજુ નિર્દોષ નાગરિકોને ટાડા હેઠળ જેલમાં ગોંધે છે, તો બીજી બાજુ કોમવાદ ભડકાવી આખા દેશને બાનમાં લેનારા નેતાઓ મુક્તપણે ફરી રહ્યા છે."

પત્રમાં અહીં પાંચ કટ્ટર હિંદુત્વવાદી મોટા આગેવાનોનાં નામો પણ લખવામાં આવ્યાં છે.

પત્રના છેલ્લા હિસ્સામાં લખ્યું છે, "અમે માગણી કરીએ છીએ કે મુંબઈના વ્યાપક કોમી હિંસાચારના પીડિતોને તેમનાં નાતજાત, ધર્મ અને વિચારધારાથી પર રહીને ન્યાય આપવામાં આવે."

"અમે એમ પણ માનીએ છીએ કે ટાડા ન્યાય આપી શકશે નહીં પણ પરિસ્થિતિને વધુ બગાડશે. અમે કેન્દ્ર સરકારને હાકલ કરીએ છીએ કે તે આ અનિષ્ટ કાયદાને નાબૂદ કરે."

'અક્ષરધામ વર્ડિક્ટ' મથાળા હેઠળના તારીખ વિનાના પત્રમાં ગિરીશભાઈ અક્ષરધામ પરના આતંકી હુમલાને વખોડીને લખે છે :

"પોટા કોર્ટના ચુકાદા અંગે અત્યારે કોઈ ટિપ્પણી કરવી નથી. કાયદો એનું કામ કરશે."

પછી તેઓ કહે છે, "પોટા એક બહુ વિનાશકારી લૉ-લેસ કાયદો છે. ક્રિમિનલ લૉ એટલે અપરાધને લગતા કાયદાના જે સભ્ય અને માનવીય સિદ્ધાંતો છે તેનો પોટામાં સદંતર ભંગ છે."

આ કાયદાનો ઉપયોગ માત્ર લઘુમતીઓની સામે કરવામાં આવે તેનાથી ગિરીશભાઈ ખૂબ વ્યથિત છે.

તેઓ લખે છે, "શું આપણે ભૂલી જઈશું કે 1986 પહેલાંનું ગુજરાત આતંકવાદની અસર નીચે નહોતું. પણ એને એવું બનાવવામાં આવ્યું."

"તેના માટે પહેલાં ટાડા અને પછી પોટાનો દુરુયોગ કરવામાં આવ્યો."

"શું આપણે પોટાની જોગવાઈઓનો દુરુપયોગ, નોંધણી વિનાની ગેરકાનૂની અટકાયતો, પોલીસ કસ્ટડીની અંદરના જુલમો, ત્યાં અપાયેલો ત્રાસ, જબરદસ્તીથી કરાવવામાં આવેલ કબૂલાતો અને લખાણોને ભૂલી જઈએ?"

આતંકવાદવિરોધી કાનૂનો ઉપરાંત બીજા દમનકારી કાયદા વિશે પણ ગિરીશભાઈએ લખ્યું છે.

કેદ

ઇમેજ સ્રોત, Getty Images

જેમ કે નવેમ્બર 1973ના એક પત્રમાં તેઓ લખે છે, "તાજેતરમાં જોવા મળેલા મિસાના કેસોમાં રહસ્ય, પોકળતા, નિરર્થકતા, અવાસ્તવિકતાનો ઉત્તેજનાભર્યો છતાં પીડાદાયક ખેલ જોવા મળી રહ્યો છે."

"દેશના લાખો ભૂખ્યાજનો આ એવો ખેલ જોઈ રહ્યા છે કે જેમાં સરકાર આપણી ફિલ્મોમાં જોવા મળતા રોમૅન્ટિક હીરો જેવી બની ગઈ છે અને સ્મગલરો એટલે કે દાણચોરો વિલન-ખલનાયકો છે!"

કેન્દ્ર સરકારે કામદારોની સામે નેશનલ સિક્યૉરિટી ઍક્ટનું હથિયાર ઉગામ્યું તે સંદર્ભે ગિરીશભાઈ ઑગસ્ટ 1981માં લખ્યું :

"અપેક્ષા મુજબ, હડતાળ પાડીને સંઘર્ષ દ્વારા તેમની રોજી મેળવવાનો કામદાર વર્ગનો જે અધિકાર છે તેની પર તરાપ આવી છે."

આ લાંબા કડક પત્રમાં ગિરીશભાઈની અંદરના કામદારનેતા (ટ્રૅડ-યુનિયનિસ્ટ) પૂરજોશમાં છે.

ગિરીશભાઈના મતે કર્મચારીઓને જે થોડાઘણા લોકશાહી અધિકારો મળ્યા છે તેમાંનો એક એ હડતાળ પાડવાનો અધિકાર છે.

તેના પર પ્રતિબંધ મૂકીને સરકાર કામદારોને નબળા પાડીને કામદારસંઘોને ફાસીવાદી કૉર્પોરેટ વ્યવસ્થામાં સમાવી લેવા ધારે છે. લગભગ બધી ઔદ્યોગિક અને આર્થિક પ્રવૃત્તિઓને આવરી લેતો આ ધારો કામદારોને સામંતશાહી શેઠિયાઓના ગુલામો બનાવી દેશે એવો ડર ગિરીશભાઈ વ્યક્ત કરે છે.

ડિફેમેશન બિલ એટલે બદનક્ષીનો કાયદો લાવવા માટેના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે મનીષી જાની સાથે સપ્ટેમ્બર 1989માં લખેલા લાંબા પત્રમાં કહ્યું છે કે આ પ્રસ્તાવ 'સત્તાસ્થાનોને જાહેર જવાબદેહિતાથી દૂર રાખીને શાસકો અને લોકો વચ્ચે લોખંડી પડદો ઊભો કરવાના સત્તાવાળાના અપ્રામાણિક પ્રયત્નો તેમજ આપખુદશાહી લક્ષણોને ખુલ્લા પાડે છે.'

ગિરીશભાઈ નર્મદા યોજાનાના વિસ્થાપિતો માટે નર્મદા બચાઓ આંદોલનમાં હંમેશાં ઊંડી લાગણીથી ખૂબ સક્રિય રીતે જોડાયેલા હતા.

ઑક્ટોબર 1988માં રાજ્ય સરકારે કેવડિયા પંથકનાં બાર ગામોને ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ હેઠળ પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરી દીધાં.

બેઠકો, સભાઓ, ધરણાં, દેખાવો જેવી પ્રવૃત્તિ માટે પોલીસની મંજૂરી ફરજિયાત બનાવી દેવામાં આવી.

પોલીસનાં જાપ્તા અને હેરાનગતિ શરૂ થયાં. ગિરીશભાઈએ આ સંદર્ભે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટને 'લોકશાહીમાં ખુલ્લી સરકારના સિદ્ધાંતનો ગંભીર ભંગ' ગણાવ્યો.

તેમણે આ મતલબનું લખ્યું, "પ્રોજેક્ટથી સીધી જ અસર પામી રહેલા લોકોના પાયાના નાગરિકઆધિકારોને, ગોપનીય માહિતી બહાર નહીં પાડવાને નામે કચડી નાખવામાં આવ્યા છે."

"સરકારે ઑફિશિયલ સિક્રેટ ઍક્ટ લાદીને લોકોએ માહિતી મેળવવાના અને વિકાસલક્ષી નિર્ણયોમાં સામેલગીરીના અધિકારોની જે માગણી કરી હતી તેનો પોતાના મિજાજથી જવાબ આપ્યો છે."

પાંચમી ડિસેમ્બરે, ગુજસીટોકના અમલના પાંચમા દિવસે, લોકશાહી માર્ગે માનવગૌરવમાં માનનારા સહુને ગિરીશભાઈ તેમના 87મા જન્મદિવસે યાદ ન આવે તો જ નવાઈ.

(લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના છે અને બીબીસીના નથી)

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો