GDP 4.5 ટકા : 'એક તો કંગાળ હતો એમાં પાછો લૂંટાયો' જેવી અર્થતંત્રની હાલત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જયનારાયણ વ્યાસ
- પદ, અર્થશાસ્ત્રી, બીબીસી ગુજરાતી માટે
2019ના નાણાકીય વર્ષની શરૂઆતમાં આ વર્ષે જીડીપીનો વિકાસ દર 5 ટકાથી નીચે જાય તેવી શક્યતાઓ પ્રત્યે અંગુલિનિદેશ કર્યો ત્યારે ઘણા બધાએ મારા અવલોકનને કોઈ અગમ્ય કારણોસર પૂર્વગ્રહિત હોવાનું લેબલ લગાવી દીધું હતું.
થોડાક સમય પહેલાં બીબીસી ડિજીટલ માટેના મારા લેખમાં મંદી અંગેની વ્યાખ્યા સમજાવતાં લખ્યું હતું કે સતત બે ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર ઘટે તો અર્થવ્યવસ્થા મંદી તરફ જઈ રહી છે એમ કહી શકાય.
2019ના વરસના સપ્ટેમ્બરમાં સતત છઠ્ઠા ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર ઘટ્યો છે.
નાણાકીય વર્ષ 2018-19ના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર 8 ટકા હતો તે બીજા ત્રૈમાસિક ગાળામાં ઘટીને 7 ટકા થયો, ત્રીજા ત્રૈમાસિક ગાળામાં 6.6 ટકા અને ચોથા ત્રૈમાસિક ગાળામાં 5.8 ટકા થયો.
ત્યારબાદ 2019-20ના પ્રથમ ત્રૈમાસિક ગાળામાં આ વિકાસ દર વધુ ઘટી 5 ટકા અને બીજા ત્રૈમાસિક ગાળામાં 4.5 ટકા થયો. આમ સતત છઠ્ઠા ત્રૈમાસિક ગાળામાં વિકાસ દર ઘટ્યો છે.
લાંબા ગાળાની વાત કરીએ તો 2013માં 7.34 ટકાનો વિકાસ દર ઘટીને 2019માં 4.5 ટકા થઇ જાય તેવી સ્થિતિ આજે છે.
છેલ્લાં એક જ વરસમાં વિકાસ દરમાં 3.5 ટકાનો ઘટાડો નોંધાયો છે.
પરિસ્થિતિ અત્યંત ગંભીર છે એટલું જ નહીં ભારતીય અર્થવ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક પણ છે એમ કહેવું અતિશયોક્તિ નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

કયા ક્ષેત્રોમાં બોલ્યો કડાકો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
માત્ર 21 મહિનાના જ સમયગાળામાં વિકાસ દર અડધો થઈ જાય અને જે છ સેક્ટર પર ભારતનું અર્થતંત્ર ટકયું છે તેમાંથી મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન, ફાઇનાન્શિયલ સર્વિસીસ, ટ્રેડ-હોટલ-ટ્રાન્સપોર્ટ અને માઇનિંગ જેવા પાંચ સેક્ટરના વિકાસ દરમાં નીચે દર્શાવ્યા મુજબ કડાકો બોલી જાય.
જ્યારે કૃષિનો વિકાસ દર અનિયમિત ચોમાસાને કારણે 2 ટકાની આજુબાજુ ઝોલાં ખાતો હોય તેવી સ્થિતિ આપણી અર્થવ્યવસ્થાની આજે થઈ છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો ગ્રોથ માઇનસમાં જાય એટલે સ્વાભાવિક રીતે જ બેકારી વધવાનો ભય ઊભો થાય.
આમ, દુનિયાનો સૌથી વધુ વસતિ ધરાવતો દેશ બનવા તરફ આગળ વધી રહેલા ભારતને બેરોજગારીનો બહુ મોટો સામનો કરવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
જે દેશની સરેરાશ વય લગભગ 30 વર્ષ હોય અને 70 ટકા વસતિ 35 વર્ષથી નીચેનાં વયજૂથમાં હોય ત્યાં યુવાધન સામે બેરોજગારીનો આ મોટો પડકાર હતાશા સર્જે અને આ ડેમોગ્રાફિક ડિવિડન્ડ સર્જનાત્મકતાને બદલે વિઘટનકારી પરિસ્થિતિ તરફ વાળવાનો માર્ગ મોકળો કરી આપે તે આપણા સહુ માટે ચિંતાનો વિષય હોવો જોઈએ.

અગત્યના 6 સેક્ટરના વિકાસ દર ઉપર એક ઊડતી નજર
અગાઉ જેનો ઉલ્લેખ કર્યો તે કોર સેક્ટરના આઠ મુખ્ય ઉદ્યોગોમાં કોલસો, ક્રૂડ ઑઇલ, કુદરતી ગેસ, રિફાઇનરી પ્રોડક્ટ્સ, ફર્ટિલાઇઝર્સ, સિમેન્ટ, સ્ટીલ જેવા ઉદ્યોગોનો સમાવેશ થાય છે.
આમાંથી કોલસાના ઉત્પાદનમાં 17.6 ટકાનો નેગેટીવ ગ્રોથ, ક્રૂડ ઑઇલમાં 5.1 ટકા, નેચરલ ગેસમાં 5.7 ટકા, સિમેન્ટમાં 7.7 ટકા, સ્ટીલમાં 1.6 ટકા અને ઇલેક્ટ્રિસિટીમાં 12.4 ટકાનો નેગેટિવ ગ્રોથ નોંધાયો છે.
ઑક્ટોબરમાં જે એકમાત્ર સેક્ટરમાં ગ્રોથ નોંધાયો છે તે 11.7 ટકા વૃદ્ધિદર સાથે ફર્ટિલાઈઝર્સ છે.
રિફાઇનરી પ્રોડક્ટ્સમાં વિકાસનો દર 0.4 ટકા રહ્યો હતો જે ગયા વર્ષે 1.3 ટકા હતો.
ચાલુ નાણાકીય વરસના એપ્રિલથી ઑક્ટોબરના સાત મહિનાના ગાળામાં 8 કોર ઇન્ડસ્ટ્રીનો વૃદ્ધિદર માત્ર 0.2 ટકા રહ્યો હતો જે ગત વરસે આ ગાળામાં 5.4 ટકા હતો.
આ બધાની સીધી અસર કરવેરાની વસૂલાત પર થાય.

જીએસટીની માયાજાળ
જીએસટીની આવક દર મહિને એક લાખ કરોડની સરેરાશની થવી જોઈએ તે સામે ચાલુ નાણાકીય વરસના પ્રથમ 7 મહિનામાં આ આવક ઘણી નીચી રહેવા પામી છે.
આવકવેરાના લક્ષ્યાંકો પણ સિદ્ધ કરવા મુશ્કેલ બન્યાં છે. આને પરિણામે દેશની રાજકોષીય ખાધ બેકાબુ બનીને વધી રહી છે.
સરકારે અંદાજપત્રમાં સમગ્ર વર્ષની રાજકોષીય ખાધ (ફિસ્કલ ડેફિસિટ)નો લક્ષ્યાંક 7.03 લાખ કરોડનો અંદાજ્યો હતો જે તે સામે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી ઑક્ટોબરના ગાળામાં રાજકોષીય ખાધ વધીને 7.2 લાખ કરોડ જેટલી થઈ ગઈ છે.
આમ, આખા વર્ષના લક્ષ્યાંક કરતાં પણ પહેલા 7 મહિનામાં જ આ ખાધ 102.4 ટકા જેટલી થઈ ગઈ છે.
ફિસ્કલ ડેફિસિટ વધી રહી છે ત્યારે કાં તો કેન્દ્ર સરકારે પોતાના ખર્ચાઓ ઉપર ખૂબ મોટો કાપ મૂકવો પડે, જેને કારણે સરકારી નાણાં બજારમાં આવતાં અટકે અને મંદીની પરિસ્થિતિ વધુ ઘેરી બને.
આથી વિપરીત, જો વધારાની નોટો છાપીને આ ખાધ પૂરવામાં આવે તો અત્યાર સુધી કાબૂમાં રહેલો ફુગાવો એકદમ આકાશને આંબી જાય.

ભારતની વિશ્વસનીયતા પર સવાલ

આપણા બેલેન્સશીટની આ સ્થિતિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ ભારતની અર્થવ્યવસ્થા પોતાની વિશ્વસનીયતા ગુમાવી બેસે એવી પરિસ્થિતિ ઊભી કરી છે.
નિર્મલા સીતારમણે જ્યારે અંદાજપત્ર રજૂ કર્યું ત્યારે દેશનો આર્થિક વિકાસ દર Robust Demand એટલે કે ઘરઆંગણાના બજારમાં મજબૂત માગ અને Investment એટલે કે નવા રોકાણોના ખભે બેસીને આગળ વધશે તેવો ઉલ્લેખ કર્યો હતો.
આજે ઘરઆંગણાની બજારમાં નથી મજબૂત માગ રહી કે નથી કોઈ મોટાં રોકાણો આવી રહ્યાં. આમ, આવનાર સમયમાં જીડીપીના વૃદ્ધિ દરમાં કોઇ નાટ્યાત્મક વધારો થાય તેવી શક્યતા દેખાતી નથી.
અગાઉ જ્યારે કોર્પોરેટ સેક્ટર માટે 10 ટકા જેવી ટેક્સની રાહત આપવામાં આવી ત્યારે જે લખ્યું હતું તે ફરી દોહરાવું છું. ભારતમાં મંદી ડિમાન્ડ ડ્રીવન છે.
જ્યાં સુધી માગ સજીવન નહીં થાય ત્યાં સુધી આ મંદી જવાની નથી.

કરદાતાઓ પર ભારની ભૂમિકા?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જ્યાં માગ જ નથી ત્યાં કોર્પોરેટ સેક્ટરના ઉત્પાદનને વેગ આપવાથી શું પરિણામ મેળવી શકાશે?
માગ અને પુરવઠાના વિષચક્ર વચ્ચે ફસાયેલા ભારતના અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવું હોય તો મધ્યમ વર્ગ અને ઓછી આવકવાળા વર્ગના હાથમાં ખર્ચો કરવા માટે વધુ નાણાં મૂકવાં પડશે.
ક્યાંક આ દિશામાં સુબ્રમણ્યમ સ્વામીની આવકવેરાની સંપૂર્ણ નાબૂદીની વાત ભલે આખી ન સ્વીકારીએ તો પણ એમાં ધરખમ રાહતો અને આવકવેરાનું તંત્ર જે આડેધડ કરદાતાઓને ફટકારે છે તેમાં ફેરબદલ લાવવો પડશે.
બીજુ, મનરેગા જેવી યોજનાઓના બજેટમાં હાલ પૂરતો ધરખમ વધારો કરી નીચી આવક ધરાવતા કરોડો લોકોનાં હાથમાં વધું નાણાં મૂકી એમની ખરીદી થકી બજારની માગ સજીવન કરવી પડશે.
અલગથી રોકાણને પ્રોત્સાહિત કરવા માટેનાં પગલાં સરકાર વિચારે અને તેમાંય ખાસ કરીને હજુ પણ 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ'માં ઘણા બધા સુધારાને અવકાશ છે તે ઉપર ધ્યાન આપે તો તે ઉચિત રહેશે.

સામાન્ય લોકોને શું ફેર પડે છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જીડીપીના વૃદ્ધિદરના વધારા-ઘટાડા સાથે સામાન્ય માણસને શું સંબંધ છે?
એવો પ્રશ્ન સહજ રીતે આપણને થાય. જીડીપી એટલે કુલ ઘરગથ્થુ ઉત્પાદન.
એમાં ઘટાડો થાય તો સરેરાશ આવક ઘટી જાય. વધુ લોકો ગરીબીની રેખાની નીચે જાય.
નવી નોકરીઓ ઊભી થવાની ગતિ ખૂબ ઓછી થઈ જાય જેને અર્થશાસ્ત્રની ભાષામાં પર્સનલ ડિસ્પોઝેબલ ઇનકમ એટલે કે વ્યક્તિના હાથમાં બાકી રહેતા પૈસા કહીએ તે ખાસ રહે નહીં.
આને કારણે બચત અને રોકાણો ઘટી જાય. લોકો પાસે પૈસા ના રહેતાં નોન ફૂડ આઈટમ એટલે કે અત્યંત જરૂરી એવી ખાધાખોરાકીની પાયાની જરૂરિયાતો સિવાયની વસ્તુ ઉપરનો ખર્ચ કપાય, લોકોની ખરીદી ઘટે, પરિણામે આ બજારને માગ પૂરો પાડતી કંપનીઓનું ઉત્પાદન ઘટી જાય.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
માગ ઘટવાને કારણે નફો ઓછો થાય અને કંપનીઓ કર્મચારીઓની છટણી કરે.
નાના અને મધ્યમ એકમો, જેનું આદર્શ ઉદાહરણ સુરતનો પાવરલૂમ અને હીરાઉદ્યોગ છે, તે કાં તો વેકેશન લંબાવી દે અથવા કર્મચારીઓને છૂટાં કરે. એકલા સુરતમાંથી જ એક અંદાજ પ્રમાણે હીરા અને પાવરલુમનાં લગભગ સાડા ત્રણ લાખ જેટલાં મજૂરો બેકાર બનવાને કારણે પોતાનાં વતનમાં પાછા ફર્યા છે.
ઉપર જણાવેલ માગ અને પુરવઠાના આ સ્થગિત વિષચક્રને તોડવું હોય તો માગને પુનર્જીવિત કરવી પડે. ઉત્પાદનને ભલે પ્રોત્સાહન આપો પણ જ્યાં સુધી માગ સજીવન નહીં થાય ત્યાં સુધી મંદીના વિષચક્રમાંથી અર્થવ્યવસ્થા બહાર નહીં આવે.
ચાલુ વરસે અનિયમિત વરસાદને કારણે કૃષિનો વૃદ્ધિ દર પણ લગભગ અડધો થઈ ગયો છે.
ભારતમાં કૃષિ આધારિત ગ્રામ્ય અર્થવ્યવસ્થા 50 ટકા કરતાં વધુ રોજગારી પૂરી પાડે છે.
દેશની લગભગ 60 ટકા વસતિ ખાધાખોરાકી, ઘરવપરાશ તેમજ અન્ય જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત સિમેન્ટ, સ્ટીલ, મોટરબાઇક, કપડું, એફએમસીજી ગુડ્સ વિગેરે માટે 50 ટકા કરતાં વધુ બજાર પૂરું પાડે છે.

'સબ સલામત હૈ', ખરેખર?

આ અર્થવ્યવસ્થામાં પણ ચાલુ વર્ષે ઝોલ પડી છે.
આમ, 'એક તો કંગાળ હતો અને પાછો લૂંટાયો' એ સ્થિતિનું નિર્માણ થયું છે.
ભારતનો જીડીપી વિકાસ દર ઘટીને 4.5 ટકા એટલે કે છેલ્લાં છ વર્ષમાં તળિયે પહોંચ્યો છે.
આપણે 2022 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરની અથવ્યવસ્થા બનવું હોય તો આ પરિસ્થિતિ તાત્કાલિક અસરથી બદલાવ માગે છે.
આ બદલાવ દુનિયાની સૌથી મોટી ફ્રી માર્કેટ એવી ભારતીય બજારમાં માગ સજીવન કરી એને પુનઃધબકતી કરીને જ લાવી શકાશે.
'સબ સલામત હૈ'ની વાતમાંથી બહાર આવીને સરકારનું તંત્ર અને એના આર્થિક વ્યવસ્થાપનના નિષ્ણાતો અગ્રિમ ધોરણે અર્થવ્યવસ્થા પુનઃધબકતી કરવા પર ધ્યાન આપે એ જરૂરી છે.
સરકાર પાસે આ માટેનું તંત્ર છે.
તે ઉપરાંત સેન્ટ્રલ બૅન્કર તરીકે રિઝર્વ બૅન્ક પણ આ બાબતે સરકારને માર્ગદર્શન આપી શકે.
સરકાર આ બધી બાબતે ચિંતિત નથી એ કહેવાનો જરાય ઈરાદો નથી. સરકાર સરકારનું કામ કરતી હશે જ. આપણે આશા રાખીએ એના પરિણામો ટૂંક સમયમાં જોવા મળે અને અર્થવ્યવસ્થા પુનઃધબકતી થાય.
આ માટે કોઈ ચીલા ચાલુ ઉપચાર નહીં ચાલે. ગોળી, કૅપ્સ્યૂલ, ઇંજેક્ષનથી આ રોગ નહીં માટે. એને તો ઑપરેશન ટેબલ પર લઈ મોટી વાઢકાપ જ કરવી પડશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













