ભારતીય મૂળના સુંદર પિચાઈના હાથમાં આવશે આલ્ફાબૅટનો કંટ્રોલ

ગૂગલના સહ-સંસ્થાપક લેરી પેજ તથા સર્ગેઈ બ્રિન ગૂગલ તથા આલ્ફાબૅટ કંપનીનું અધ્યક્ષપદ છોડી દેશે.

તેઓ ગૂગલની માતૃસંસ્થા આલ્ફાબૅટના મુખ્ય કાર્યકારી અધિકારી (ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર, સી.ઈ.ઓ.)ના પદેથી રાજીનામું ધરી દેશે.

કંપનીએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે સુંદર પિચાઈ બંને કંપનીઓના સી.ઈ.ઓ. બનશે.

પિચાઈ ભારતીય મૂળના છે અને તામિલનાડુના મદુરાઈમાં તેમનો જન્મ થયો છે અને હાલમાં તેઓ ગૂગલના સી.ઈ.ઓ છે.

પેજ તથા સર્ગેઈનું કહેવું છે કે પારિવારિક જવાબદારીઓ નિભાવવાનો સમય આવી ગયો છે, જોકે બંને કંપનીના બોર્ડમાં રહેશે.

ગૅરેજમાં ગૂગલ

21 વર્ષ પહેલાં વર્ષ 1998માં સિલિકન વેલી (કૅલિફૉર્નિયા)ના એક ગૅરેજમાં ગૂગલની સ્થાપના થઈ હતી.

વર્ષ 2015માં કંપનીમાં ધરમૂળથી ફેરફાર હાથ ધરવામાં આવ્યા હતા અને આલ્ફાબૅટને ગૂગલની પૅરન્ટ કંપની બનાવવામાં આવી હતી.

આલ્ફાબૅટ દ્વારા કંપનીને 'માત્ર એન્જિન' સુધી મર્યાદિત ન રાખતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તરફ આગળ વધતી ગૂગલની કામગીરીને 'વધુ પારદર્શક અને વધુ જવાબદાર' બનાવવા આ ફેરફાર કરાયા હતા.

આ સિવાય આલ્ફાબૅટ મારફત તેઓ નવા પ્રોજેક્ટ ઉપર ધ્યાન આપવા માગતા હતા અને એટલે જ ગૂગલને અલગ સીઈઓ હેઠળ મૂકવામાં આવી હતી.

સ્થાપના બાદ પેજ અને સર્ગેઈએ તેનો કાર્યભાર સંભાળ્યો હતો. જોકે, મંગળવારે એક બ્લૉગમાં લખ્યું કે હવે સર્ગેઈ (ઉંમર વર્ષ 46) અને લેરી પેજ (ઉંમર વર્ષ 46) આલ્ફાબૅટથી પણ દૂર રહેશે.

નિવેદન મુજબ 'તેઓ કંપનીના શૅરહૉલ્ડર તથા બોર્ડના સભ્ય તરીકે કંપનીની કામગીરી સાથે સંકળાયેલા રહેશે.'

સાથે જ ઉમેર્યું છે કે 'કંપનીના મૅનેજમૅન્ટમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે.'

'અમે ક્યારેય કંપનીની સંચાલનવ્યવસ્થામાં ન હતા અને અમને લાગે છે કે કંપનીને ચલાવવા માટે વધુ સારી વૈકલ્પિક વ્યવસ્થા હોઈ શકે છે.'

'આલ્ફાબૅટ તથા ગૂગલને બે અલગ-અલગ સી.ઈ.ઓ. અને અધ્યક્ષની જરૂર નથી.'

બંનેનું કહેવું છે કે કંપનીને ચલાવવા માટે સુંદર પિચાઈ જ સર્વશ્રેષ્ઠ ઉપયુક્ત વ્યક્તિ છે.

વર્ષ 2004માં પિચાઈએ ગૂગલ કંપની જોઇન કરી હતી. તેમણે સ્ટૅનફૉર્ડ અને બાદમાં પૅન્સિલવેનિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો